રંગીન ઝમાન-હકીમ રંગવાલા
“દોસ્તો મેં કોઈ બાત ચલ જાતી હૈ, દોસ્તી દુશ્મની મેં બદલ જાતી હૈ…
રાજ ખોસલાની ફિલ્મ ‘પ્રેમ કહાની’માં આનંદ બક્ષીએ લખેલું, મહંમદ રફીએ ગાયેલું અને લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત વડે મઢાયેલું આ ગીત છે, અને આ ગીતના શબ્દો હિન્દી ફિલ્મસંગીત જગતના જાયન્ટ એવા ગુલશન કુમારના જીવન અને મોતને સ્પર્શે છે! દિલ્હીમાં રહેતા એક સામાન્ય માણસ જ્યારે સંગીતની દુનિયામાં પગ મૂકીને મુંબઈ આવીને હિન્દી ફિલ્મજગતમાં એક જાયન્ટ બિઝનેસમેન તરીકે ઊભરી આવી અનેક લોકોને ફિલ્મજગતમાં, સંગીતની દુનિયામાં તક આપી આગળ લાવીને ફક્ત છેતાલીસ વર્ષની ઉંમરે પિસ્તોલની સોળ ગોળીઓ ખાઈને ગુજરી જનારને ગુલશનકુમાર દુઆ કહે છે!
ઘણાને એ વાતની ખબર નહિ હોય કે ગુલશનકુમારને દિલ્હીમાં જ્યૂસની લારી હતી. અને રિટેઇલ ધંધામાં એમની આવડત અને કુનેહ સાથે એમની પકડ હતી. તેમનો સંગીતનો શોખ જ ગુલશન કુમારને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરાવવા માટે માધ્યમ બન્યો. ફિલ્મજગતમાં પ્રવેશ કરવા પહેલા ગુલશન કુમારે સંગીતનો ધંધો કરતી અને પુષ્કળ કમાણી કરતી એચ.એમ.વી, પોલીડેર વગેરે કંપનીઓનો બારીકાઈથી અભ્યાસ કર્યો, અને આ કંપનીઓને સંગીતના ધંધામાં અધધધ કમાણી થાય છે એ જાણીને ગુલશન કુમારે ફિલ્મજગતમાં સંગીતને ધંધાનું માધ્યમ બનાવીને પ્રવેશ કર્યો. ગ્રાહક સુધી પહોંચતા ફિલ્મની સંગીત કેસેટ કેમ મોંઘી પડે છે ? સરવાળે તેમને અભ્યાસ કરતા સ્પષ્ટ જણાયું કે એક તો કંપનીઓની મોટી નફાખોરીની નીતિ અને બીજું વેચાણ પર આર્ટિસ્ટને રોયલ્ટી આપવી પડે છે, અને આ બે મહત્વના કારણોને લીધે કેસેટો ગ્રાહક સુધી પહોંચતા ખૂબ મોંઘી થઈ જાય છે. બસ ત્યાં થી જ ‘પાઈરસી’નો જન્મ થયો! ખુદ ગુલશન કુમાર પોતે જ તેમના ખુદ ના આલ્બમ ની પણ ‘પાઈરસી’ કરતા અને પોતે જ ‘ગ્રે માર્કેટ’મા માલ ઠાલવતા, કોઈ બિલ નહિ, કોઈ પહોંચ નહીં ફક્ત રોકડ વહેવાર પર જ વેપાર! અને ફેરિયા જ ડાયરેકટ માલ ઉપાડતા! સ્ટ્રેટરેજી પણ જોરદાર ‘લાલ દુપટ્ટા મલમલ કા..’ ‘જીના તેરી ગલી મેં..’ જેવા નાનાં નગરો અને ગામોમાં ચાલે તેવું કોનવેશનલ મ્યુઝિક પીરસવાનું. તે જાણતા હતા કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મ્યુઝિક હુકમનો એક્કો હોય છે અને મ્યુઝિક હિટ જાય તો ઓટોમેટિકલી ફિલ્મ વેચાઈ જ જાય અને ફિલ્મ હિટ થવાના ચાન્સ પણ પુષ્કળ વધી જાય! ગુલશન કુમારે ફિલ્મસંગીતની બજારમાં પ્રવેશ કરીને મ્યુઝિક બજાર ના સમીકરણ જ બદલી નાખેલા!
સુપર કેસેટ ઈન્ડસ્ટ્રીઝ ઊભી કરીને ટી. સિરીઝના નામથી કેસેટનું ઉત્પાદન શરૂ કર્યું અને સંગીતની દુનિયામાં એક વિરાટ ક્રાંતિ સર્જી! સોની,નેશનલ પાનાસોનિક જેવી વિદેશી કંપનીઓની કેસેટ મોંઘા ભાવથી ખરીદીને એમાં પોતાની પસંદનાં ગીતો રેકોર્ડિંગ કરવામાં ભારતના સંગીતપ્રેમીઓ અઢળક રૂપિયા ખર્ચતા એ જોઈને ગુલશનકુમારને આ ઉદ્યોગમાં ખૂબ મોટી તક દેખાઈ અને ગીત,સંગીતની તૈયાર કેસેટ માર્કેટમાં ફક્ત દસ જ રૂપિયામાં ફેંકી!તમે જે માંગો એ ગીતો રેડીમેડ! ભજન, ગઝલના અનેક આલ્બમો તૈયાર કરાવ્યા, દરેક સંગીતકારો, ગાયકો કે કલાકારોના સુપરહિટ ગીતોના પુષ્કળ આલ્બમો તૈયાર કરાવ્યા અને સંગીતની દુનિયાનો એકલા હાથે કાયદેસર કબજો કરી લીધો, કોરી કેસેટો લઈને પોતાના મનપસંદ ગીતો, ભજનો, કવ્વાલીઓ રેકોર્ડિંગ કરી આપતા લોકોનો વ્યવસાય જ ખતમ કરી નાખ્યો! સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝ અને ટી. સિરીઝ સામે સ્પર્ધા કરતી એક માત્ર મ્યુઝિક કંપની રહી ગઈ હતી ‘વિનસ’.
નદીમ શ્રવણ,અનુપ જલોટા, અનુરાધા પૌડવાલ સાથે એક ટીમ બનાવી.ફિલ્મજગતમાં પણ પ્રવેશ કર્યો અને લાલ દુપટ્ટા મલમલ કા, આશિકી, સનમ બેવફા જેવી સુપરહિટ લોકપ્રિય સંગીતની ફિલ્મો બનાવી. ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મજગતમાં જાયન્ટ નામ બની ગયું ગુલશનકુમાર!
શિવજીનો પરમ ભક્ત અને માતાજીમાં અખંડ શ્રદ્ધા.ગુજરાતના દ્વારકામાં શિવજીની વિરાટ પ્રતિમા બનાવી અને પ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણોદેવીમાં પોતાના ખર્ચે યાત્રિકો માટે સગવડો ઊભી કરી. અંધેરીમાં મહાદેવના મંદિરે રોજ દર્શન કરનાર ગુલશનકુમારને મંદિરેથી પરત પોતાની કાર તરફ જતા કોઈ પ્રોફેશનલ હત્યારાએ અંધાધૂંધ ગોળીઓ ચલાવી હત્યા કરી, એમના શરીરમાં સોળ ગોળીઓ ઊતરી ગઈ હતી!
એક જમાનાના અંગત દોસ્ત નદીમે દાઉદ ગેંગને સોપારી આપીને હત્યા કરાવી એવો આરોપ આવ્યો અને નદીમ દેશ છોડીને લંડન ફરાર થઈ ગયો. આજે પણ સાચી હકીકત કોઈ જાણતું હોય એ પણ બોલતા નથી. બાકી બધું તો મહાદેવ જાણે પણ એક વસ્તુ તો વાસ્તવ છે કે ગુલશનકુમાર હિન્દી ફિલ્મજગત અને સંગીતની દુનિયાનું એક મહત્ત્વપૂર્ણ પુસ્તક છે જેના અંતિમ પૃષ્ઠો કોઈએ ફાડી નાખ્યા છે! ભોગ બનનાર અને જેના ઉપર કથિત આક્ષેપ છે. આ બે વાક્યોની વચ્ચે નર્યું સંગીત અને વીતી રહેલાં વરસોથી વધારાનું શું હતું એ રહસ્ય છે! આમીરખાને ગુલશન કુમારની ભૂમિકામાં લઈને એક બાયોપિક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી અને એ ફિલ્મનું ટાઈટલ ‘મોગલ’ રાખવામાં આવેલું પણ પછી એ ફિલ્મ આજ સુધી બની નથી, અને એ ફિલ્મ ક્યારેય બનશે કે નહીં એ પણ કોઈ નથી જાણતું જેવી રીતે ગુલશન કુમારના મોત પાછળના અને એમના જીવનનાં અમુક રહસ્યો પણ કોઈ નથી જાણતું!ઉ