જીવનનું અમૃત – ભાણદેવ
અમારી સપ્તબદરી અને સપ્તપ્રયાગની યાત્રા સુચારુ સ્વરૂપે ચાલી રહી છે. અમે સાતમાંથી છ બદરીની યાત્રા કરી ચૂક્યા છીએ. હવે એક બદરી બાકી છે અને તે છે આદિ-બદરી અમે સાતમાંથી ત્રણ પ્રયાગની યાત્રા કરી ચૂક્યા છીએ. હજુ ચાર પ્રયાગની યાત્રા બાકી છે. હવે અમે બે પ્રયાગ અર્થાત્ નંદપ્રયાગ અને કર્ણપ્રયાગની યાત્રા માટે આગળ વધી રહ્યા છીએ.
હેલંગથી ચમોલી થઈને અમારે નંદપ્રયાગ પહોંચવું છે. નંદપ્રયાગ ઋષીકેશ-બદરીનાથ રાજમાર્ગ પર જ છે. અમારી મોટર સડસડાટ આગળ દોડી રહી છે. વરસાદ ચાલુ છે. તેથી રસ્તા પરનાં સ્થાનોને ઓળખવામાં થોડી મુશ્કેલી પડે છે. અચાનક અમારા ડ્રાઈવર પ્રવીણભાઈ બોલી ઊઠ્યા:
“અરે! નંદપ્રયાગ તો પાછળ રહી ગયું!
અમે પ્રતિપ્રશ્ર્ન કર્યો:
“કેમ? નંદપ્રયાગનાં દર્શન તો અમારી યાત્રાના ભાગરૂપે જ છે.
“ગાડી પાછી વાળવી પડશે!
“પાછી વાળી લો. નંદપ્રયાગ તો રોકાવાનું જ છે.
ડ્રાઈવરે ગાડી પાછી વાળી. એકાદ કિ.મી. પાછા ચાલ્યા પછી એક સજ્જનને નંદપ્રયાગના સ્થાન વિશે પૂછ્યું.
ઉત્તર મળ્યો:
“નંદપ્રયાગ તો હજુ આગળ છે. તમે બિનજરૂરી પાછા વળી ગયા.
ડ્રાઈવરને અને અમને સૌને અમારી આ સહિયારી ભૂલ સમજાઈ. અમે મૂક રહ્યા. ગાડી નંદપ્રયાગ તરફ આગળ ચાલી.
આખરે અમે નંદપ્રયાગ પહોંચ્યા. અમારી ગાડી એક સ્થાન પર મૂકીને અમે નીચે ઊતર્યા.
અમારા સપ્ત પ્રયાગ યાત્રાના ક્રમમાં આ નંદપ્રયાગ ચતુર્થ પ્રયાગ છે.
અમારી મોટર તો અમે ઋષીકેશ-બદરીનાથ રાજમાર્ગ પર એક સલામત સ્થાને મૂકી છે. અમે જોયું કે આ રાજમાર્ગમાંથી ફંટાઈને એક નાનો રસ્તો સંગમસ્થાન તરફ જાય છે. અમે તે રસ્તા પર ચાલ્યા. ચાલતાં-ચાલતાં એક એવા સ્થાન પર પહોંચ્યાં, જ્યાંથી સંગમ સ્થાનનાં સ્પષ્ટ અને સુંદર દર્શન થાય છે. આ સંગમ સ્થાનને નંદપ્રયાગ કહેવામાં આવે છે. આ પ્રયાગને કેન્દ્રમાં રાખીને નંદપ્રયાગ-ગામની રચના થઈ છે.
શું છે આ નંદપ્રયાગ?
આ પ્રયાગમાં અલકનંદા અને નંદાકિનીનો સંગમ છે. અલકનંદા તો બદરીનાથ તરફથી આવે છે અને નંદાકિની ઉત્તરાખંડના એક પવિત્ર અને પ્રખ્યાત શિખર નંદાદેવીમાંથી નીકળે છે. જુઓ-જુઓ! અલકનંદા જે ગંગાનું સ્વરૂપ ધારણ કરવાની છે, તેમાં કેવાં-કેવાં અને કેટલાં-કેટલાં શિખરોનું જળ આવીને મળે છે!
આ નંદપ્રયાગ ચમોલી જિલ્લાનું એક ગામ પણ છે. અહીંથી ચમોલી ૧૦ કિં.મી. અને કર્ણપ્રયાગ ૨૨ કિ. મી. દૂર છે. આ સ્થાન ઋષિકેશ ૨૦૫ કિં.મી. દૂર છે.
અમે જે સ્થાન પર ઊભા છીએ ત્યાંથી હિમાલયની આ બે મહાનદીઓનું મિલનસ્થાન-સંગમસ્થાન સાવ નજીકથી અને સ્પષ્ટ રીતે જોઈ શકાય. કલકલ નિનાદ કરતી, ફિણના ગોટા ઉડાડતી આ બંને મહાનદીઓ કેવા પ્રેમથી અને છતાં ગૌરવભેર એકબીજાને ભેટે છે! આ મિલન પછી નંદાકિની પોતાનાં નામ અને રૂપ અલકનંદામાં વિલીન કરી દે છે અને પછી બાકી રહે છે માત્ર અલકનંદા!
આ પવિત્ર પ્રયાગ નંદપ્રયાગની યાત્રા આ પહેલાં અમે અનેકવાર કરી છે અને અહીં અલકનંદા અને નંદાકિની-ગંગાનો સંગમ થાય છે, તેમ અમે અનેકવાર સાંભળ્યું છે. આમ છતાં આ વિગતની ચકાસણી કરવા માટે અમારે કોઈ સ્થાનિક જાણકાર સજ્જનને પૂછવું જોઈએ તેમ અમે વિચાર્યું અને લો, સામેથી જ એક ગેરુઆ-વસ્ત્ર-ધારી સંન્યાસી આવી રહ્યા છે. નજીક આવતાં અમે હાથ જોડીને અભિવાદન કરીને કહ્યું:
“ઔમ નમો નારાયણ!
સામે તેમણે અભિવાદન ઝીલીને કહ્યું:
“નારાયણ! નારાયણ!
હવે અમે અમારી મૂળ વાત પર આવીને પૂછયું.
“મહારાજ! અહીં આ સંગમમાં મળતી બંને નદીઓ કઇ-કઇ?
તેમણે ત્વરિત ઉત્તર આપ્યો અને સાથે સાથે હાથ લાંબો કરીને ઓળખાણ પણ કરાવી:
“આ મુખ્ય માર્ગની સાથે સાથે આવે છે તે અલકનંદા અને આ બાજુમાંથી આવીને મળે છે તે નંદાકિની. તેમનાં નામ પરથી જ આ સ્થાનનું નામ ‘નંદપ્રયાગ’ પડ્યું છે. તે જ આ નદીના નામનું સૂચક છે.
અમારી જાણકારી પ્રમાણિત થઇ. આ તો નાની વાત થઇ, પરંતુ પછી તરત આ સંન્યાસી મહારાજ સાથે સત્સંગ શરૂ થયો. આ સંન્યાસી મહારાજ આ સ્થાન પર લગભગ ત્રીસ વર્ષથી રહે છે. તેમણે બહુ ઉપયુક્ત સ્થાન પસંદ કર્યું છે. ઋષિકેશ-બદરીનાથ રાજમાર્ગથી આ સ્થાન નીચે છે. અહીંથી સામે જ આ બન્ને મહાનદીઓ અને તેમના સંગમનું દૃશ્ય બહુ સરસ રીતે જોઇ શકાય છે.
અહીં સામે જ તેમની નાની કુુટિયા છે. તેઓ અહીં રહે છે, નિત્ય ગંગાસ્નાન કરે છે અને સાધનભજન કરે છે.
ભોજનનું શું કરે છે?
ભોજન તો મળી જ જાય છે. જાતી થોડી રસોઇ બનાવી લે છે. ભગવાન પોતાના સાધુ-સંતાનોને ભૂખ્યા કદી રાખતો નથી અને સાથે સાથે એ પણ સાચું છે કે આ દેશમાં-ભારતવર્ષમાં સાધુઓ કદી ભૂખ્યા રહેતા નથી. કોઇ વાર ભોજનની વ્યવસ્થા ન થાય તો ભિક્ષાવૃત્તિ પણ કરી લે છે. જેમનું ભજન અખંડ હોય છે, તેમનું ભોજન પણ અખંડ જ રહે છે. ભોજન તો ભજનની પાછળપાછળ દોડતું-દોડતું આવે છે. દૃષ્ટિ ભજન તરફ રાખો, ભોજન તરફ નહીં!
તેમની સાથેના સત્સંગથી અને જીવન પ્રત્યેના તેમના અભિગમને જાણીને મન પ્રસન્ન થઇ ગયું. તેઓ પોતાની કુટિયા તરફ ગયા. અમે સંગમસ્થાન તરફ મુખ રાખીને ઊભા રહ્યાં.