જીવનનું અમૃત – ભાણદેવ
(ગયા અંકથી ચાલુ)
આમ ગજેન્દ્રે સર્વ પ્રયત્નો અને સર્વ આધારો છોડી ભગવાનનું શરણ સ્વીકાર્યું. આ રીતે પોતાની બુદ્ધિથી આવો નિશ્ર્ચય કરીને, મનને હૃદયમાં એકાગ્ર કરીને પછી, ગત જન્મમાં શીખેલા સ્તોત્ર દ્વારા ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો –
‘સમગ્ર અસ્તિત્વના મૂળ કારણ અને સર્વના હૃદયમાં બિરાજમાન ભગવાનને હું પ્રણામ કરું છું અને પ્રેમથી તેમનું ધ્યાન કરું છું.’
” नमः शान्ताय धोराय मुढाय गुणधर्मिणे ।
निर्विशेषाय साम्याय नमो ज्ञानधनाय च ॥
‘જે સત્ત્વ, રજ, તમ – આ ત્રણ ગુણોના ધર્મનો સ્વીકાર કરીને ક્રમશ: શાંત, ઘોર અને મૂઢ – આ ત્રણે અવસ્થા ધારણ કરે છે, તે ભેદરહિત સમભાવમાં સ્થિત અને જ્ઞાનધન પ્રભુને હું વારંવાર નમસ્કાર કરું છું.’
‘આપની માયા અહંબુદ્ધિથી આત્માનું સ્વરૂપ ઢંકાયેલું છું, તેથી જીવ પોતાના સ્વરૂપને જાણી શકતો નથી. આપનો મહિમા અપાર છે. તે સર્વ શક્તિમાન અને માધુર્યનિધિ ભગવાનનો હું શરણાગત છું.’
ગજેન્દ્રના હૃદયમાંથી નીકળેલો આ આર્તનાદ ભગવાને સાંભળ્યો. ગજેન્દ્ર ભગવાનનો શરણાગત બન્યો અને ભગવાન તો શરણાગતરક્ષક છે જ. ગજેન્દ્રની પીડા, તેનો શરણાગતભાવ અને પ્રાર્થના-પુકાર સાંભળીને ચક્રધારી ભગવાન વેદમય ગરુડ પર સવાર થઈને અતિવેગથી તે સ્થાન પર આવી પહોંચ્યા.
ગજેન્દ્રે જોયું કે આકાશમાં ચક્રધારી શ્રીહરિ ગરુડ પર સવાર થઈને ઉપસ્થિત છે. તેજ સમયે તે સરોવરમાંથી એક કમળપુષ્પ સૂંઢ વડે લઈને ભગવાનને અર્પણ કર્યું અને ખૂબ કષ્ટપૂર્વક કહ્યું –
नारायणाखिलगुरो भगवन्
‘હે નારાયણ! જગદ્ગુરુ! ભગવન્! આપને મારા નમસ્કાર છે.’
ભગવાન જોયું કે શરણાગત ગજેન્દ્ર અતિશય પીડિત છે ત્યારે ગુરુડને છોડીને કૂદ્યા અને કૃપા કરીને ગજેન્દ્ર અને ગ્રાહ બંનેને એકીસાથે ઉપાડીને સરોવરની બહાર મૂકી દીધા. પછી બધા દેવોની સામે જ પોતાના અમોઘ ચક્રથી ભગવાને ગ્રાહના મુખને ચીરી નાખ્યું અને ગ્રાહની પકડમાંથી ગજેન્દ્રને મુક્ત કર્યો.
તે સમયે સર્વ દેવો અને ઋષિઓએ પુષ્પવૃષ્ટિ કરી અને સૌએ ભગવાનની સ્તુતિ કરી.
આ સમયે એક આશ્ર્ચર્યમય ઘટના બની. તે જ સ્થાન પર ગ્રાહ દિવ્યશરીરથી સંપન્ન થઈ ગયો અને ગજેન્દ્ર પણ ભગવાનના સ્પર્શથી પાપમુક્ત બની ગયો. તેનું સ્વરૂપ ભગવાન જેવું પીતાંબરધારી અને ચતુર્ભુજ બની ગયું.
આ ગ્રાહ ગતજન્મમાં ‘હૂહૂ’ નામનો એક ગંધર્વ હતો અને દેવલઋષિના શાપથી ગંધર્વ બન્યો હતો. ભગવાનને હાથે ગ્રાહ શરીરનો ત્યાગ કરીને તે પોતાના મૂળ દિવ્ય સ્વરૂપને પામ્યો.
એક વાર આ ગંધર્વ ‘હૂહૂ’ પોતાના ગંધર્વ સાથીઓ સાથે સરોવરમાં સ્નાન કરતો હતો. તે વખતે તે જ સરોવરમાં દેવલઋષિ સ્નાન કરવા આવ્યા. મદોન્મત્ત ગંધર્વ ‘હૂહૂ’ને ઋષિની મશ્કરી કરવાનું મન થયુ. ઋષિ સરોવરમાં સ્નાન કરતા હતા ત્યારે ‘હૂહૂ’એ પાણીમાં જ તેમની પાસે આવીને મગર પગ પકડે તેમ ઋષિના પગ પકડ્યા. આથી નારાજ થઈને ઋષિએ તેને ગ્રાહ બની જવાનો શાપ આપ્યો. ‘હૂહૂ’ની બહુ વિનવણીથી દેવલઋષિએ શાપનું નિવારણ આપ્યું કે ભગવાનના હાથે તેના ગ્રાહશરીરનો નાશ થશે અને ત્યારે તેને પોતાનું મૂળ ગંધર્વશરીર પાછું મળશે.
ભગવાનના સ્પર્શથી ગજેન્દ્ર પણ હાથીના શરીરથી મુક્ત થયો. તેને ભગવાન સદૃશ પીતાંબરધારી ચતુર્ભુજ સ્વરૂપ પ્રાપ્ત થયું.
ગજેન્દ્ર પૂર્વજન્મમાં દ્રવિડદેશનો પાંડ્યવંશી રાજા ઈન્દ્રદ્યુમ્ન હતો. તે નારાયણનો ઉપાસક હતો. ઉત્તરાવસ્થામાં રાજા ઈન્દ્રદ્યુમ્ન રાજપાટ છોડીને મલય પર્વત પર રહેવા લાગ્યો. તેણે તપસ્વીનો વેશ ધારણ કર્યો. એક દિવસ સ્નાન કરીને પૂજાના સમયે તે એકાગ્રભાવે મૌનવ્રતી બનીને સર્વશક્તિમાન ભગવાનની આરાધના કરી રહ્યો હતો તે જ સમયે તે સ્થાને મુનિ અગસ્ત્યજી પોતાની શિષ્યમંડળી સાથે પધાર્યા. મુનિએ જોયું કે રાજા ગૃહસ્થોચિત અતિથિસેવા આદિ ધર્મનો ત્યાગ કરીને તપસ્વીની જેમ મૌન બેસી રહ્યો તેથી અગસ્ત્યજી તેના પર ક્રોધે ભરાયા. મુનિએ તેને હાથીની યોનિમાં જવાનો શાપ આપ્યો.
ઈન્દ્રદ્યુમ્ન આ શાપથી વિચલિત થયો નહિ, શાંત રહ્યો. ભગવાનની આરાધનાનો એવો પ્રતાપ છે કે હાથીની યોનિ પ્રાપ્ત થવા છતાં પણ તેને અંતે ભગવાનની સ્મૃતિ થઈ અને ભગવાને તેનો ઉદ્ધાર કરીને તેને પોતાનો પાર્ષદ બનાવી લીધો.
ગજેન્દ્રને પોતાનો પાર્ષદ બનાવીને પોતાની સાથે લઈને ભગવાન પોતાના દિવ્યધામમાં ગયા.
ભગવાને સૌની સમક્ષ સ્વમુખે કહ્યું હતું કે જે વ્યક્તિ આ ગજેન્દ્રસ્તોત્રનો પાઠ કરશે અને જે ભગવાનનું, ગજેન્દ્રનું, તે સ્થાનનાં વૃક્ષો કે પર્વત આદિ કોઈ પણ પદાર્થનું ભગવાનનાં આયુધો – અલંકારો આદિનું સ્મરણ કરશે તેઓ સમસ્ત પાપોથી મુક્ત થશે અને અંતે ભગવાનને પામશે. ભગવાન તેને અંતકાળે નિર્મળ બુદ્ધિનું દાન કરશે.
આ કથાને માત્ર સ્થૂલાર્થમાં જ લેવાની નથી તેવા સંકેતો ભગવાન વ્યાસ કથામાં અનેક સ્થાને આપે છે. દૃષ્ટાંતત: ભગવાન વ્યાસ લખે છે કે ત્રિકૂટ પર્વત દશ હજાર યોજન (એટલે કે ચાળીશ હજાર ગાઉ) ઊંચો હતો! ત્રિકૂટ પર્વતનું એક શિખર ચાંદીનું, એક સોનાનું અને એક લોખંડનું હતું! ગજેન્દ્ર અને ગ્રાહ વચ્ચે એક હજાર વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું! ભગવાન વ્યાસ પ્રતિભાવંત સર્જક છે, ઋષિ છે. આમ છતાં તેઓ આવાં અતિ અતિશયોક્તિયુક્ત વિધાનો હેતપુર:સર કરે છે. આવાં વિધાનો દ્વારા તેઓ આ કથાને માત્ર સ્થૂલાર્થમાં જ સમજવાનું અશક્ય બનાવે છે અને વાચકને કથાના સૂક્ષ્માર્થમાં જવા માટે પ્રેરે છે. શ્રીમદ્ ભાગવતમાં લગભગ સર્વત્ર છે તેમ આ કથા દ્વારા પણ ભગવાન વ્યાસ આપણને મૂલ્યવાન આધ્યાત્મિક સત્ય સમજાવે છે. આ કથા સ્પષ્ટ રીતે એક અધ્યાત્મપરક કથા છે. આ કથાનો અધ્યાત્મપરક અર્થ સમજવા માટે આપણે આ કથાનાં પાત્રો, સ્થાનો અને ઘટનાઓના સૂક્ષ્માર્થને સમજવો જોઈએ.
૧. ત્રિકૂટ પર્વત એટલે શું? જંગલ એટલે શું? ત્રિકૂટ પર્વતની તળેટીમાં સરોવર છે, તેનો અર્થ શો છે?
૨. ગજેન્દ્ર અને તેનું યૂથ એટલે શું?
૩. ગ્રાહ એટલે શુ?
૪. ગજેન્દ્ર અને ગ્રાહનું યુદ્ધ એટલે શું?
૫. ગજેન્દ્રના મોક્ષનો અર્થ શો છે?
૬. આ કથાની આધ્યાત્મિક વ્યંજના શી છે?
૧. ત્રિકૂટ પર્વત, જંગલ અને સરોવર
ત્રિકૂટ પર્વત એટલે આ જગત. ત્રિકૂટ પર્વતનાં ત્રણ મહાન શિખરો છે. તેનો અર્થ એમ છે કે આ જગત ત્રિગુણાત્મક છે. ત્રણ શિખરો દ્વારા પ્રકૃતિના ત્રણ ગુણો સૂચિત થાય છે. ચાંદીના શિખર દ્વારા સત્ત્વગુણ, સોનાના શિખર દ્વારા રજોગુણ અને લોખંડના શિખર દ્વારા તમોગુણ સૂચિત થાય છે. આમ ત્રણ ગુણોના બનેલા આ જગતને કથામાં ત્રિકૂટ પર્વત કહ્યો છે.
આ ત્રિકૂટ પર્વત પર ગાઢ જંગલ છે,તે જ ભવાટવી છે, સંસારરૂપી જંગલ છે. જંગલમાં વસતાં અનેકવિધ પ્રાણીઓ એટલે સંસારમાં રમમાણ જીવો છે. આ જંગલના એક ભાગમાં ભગવાન વરુણનું ઉપવન ‘ઋતુમાન’ છે અને તેમાં એક સરોવર છે. આ સરોવર તે જ માયા છે. માયારૂપી સરોવરમાં પડ્યા પછી તેમાંથી બહાર નીકળવું કઠિન છે. માયા અતિ વિકટ છે.
૨. ગજેન્દ્ર અને તેનું જૂથ
ગજેન્દ્ર એટલે જીવ. ગજેન્દ્ર મદોન્મત્ત છે, તેમ જીવ પણ માયોન્મત્ત છે. ગજેન્દ્રરૂપી જીવ ત્રિગુણાત્મક ભવાટવીમાં વસે છે. આ ગજેન્દ્રનું જૂથ એટલે જીવનાં સગાંસંબંધી. જીવ ભવાટવીમાં એકલો નથી. ભવાટવીમાં અનેક અન્ય જીવો પણ હોય છે. જંગલમાં વસતાં અન્ય પ્રાણીઓ તે જ આ અન્ય જીવો છે. ગજેન્દ્રનું જૂથ તે જીવના સાથી જીવો અર્થાત્ ઋણાનુબંધથી જીવ સાથે સંલગ્ન સગાંસંબંધી જીવો છે.
૩. ગ્રાહ
ગ્રાહ એટલે અહંકાર.
અજ્ઞાન – અહંકાર – વાસના, આ ત્રણેય અન્યોન્ય ગાઢ રીતે જોડાયેલાં છે. માયારૂપી અજ્ઞાનમાંથી અહંકાર જન્મે છે અને અહંકારમાંથી વાસનાઓ જન્મે છે. અહંકાર જીવને બાંધે છે, તેથી તે ગ્રાહ ગણાય છે. ગ્રાહ જેમ ગજેન્દ્રને તેમ અહંકાર જીવને માયારૂપી સરોવરના ઊંડા પાણીમાં ખેંચી જાય છે. માયારૂપી સરોવરમાં અહંકારરૂપી ગ્રાહ વસે છે. જીવ માયામાં ઊંડો ઊતરતો જાય છે, માયામાં ફસાતો જાય છે, તેનું કારણ અજ્ઞાનજન્ય અહંકાર છે. માયારૂપી સરોવરમાંથી જીવ બહાર નીકળી શકતો નથી, તેનું કારણ શું છે? કોણ તેને માયામાં રમમાણ કરી રાખે છે? અહંકાર જ આ બંધનનું કારણ છે.
ગજેન્દ્ર બળવાન છે છતાં સરોવરમાંથી બહાર નીકળી શકતો નથી, કારણ કે ગ્રાહ તેને પકડી રાખે છે.
ગજેન્દ્રરૂપી જીવ માયારૂપી સરોવરમાં પાણી પીવા અર્થાત્ માયાનો ભોગ માણવા આવે છે. માયાનું આસ્વાદન લે છે; એટલું જ નહિ પણ માયામાં ઊતરે છે, સરોવરમાં ઊંડે સુધી જાય છે અને તે જ ક્ષણે અહંકારરૂપી ગ્રાહ તેને ગ્રસી જાય છે, પકડી લે છે.
૪. ગજેન્દ્ર અને ગ્રાહનું યુદ્ધ
ગજેન્દ્ર એટલે જીવન અને ગ્રાહ એટલે અહંકાર. જીવ અજ્ઞાનજન્ય અહંકારથી બદ્ધ થાય છે. અજ્ઞાનને કારણે માયામાં ફસાય છે. જીવ મૂલત: મુકત જ છે; પરંતુ અજ્ઞાન અને અજ્ઞાનજન્ય અહંકારને કારણે બદ્ધ બને છે. પોતાના મુક્ત – સ્વતંત્ર સ્વરૂપને પામ્યા વિના જીવને યથાર્થ શાંતિ મળી શકે નહિ તેથી જીવ પોતાની મુક્તિ માટે પ્રયત્નશીલ રહે જ છે, પરંતુ અજ્ઞાન અને અહંકારમાંથી મુક્ત થવું સરળ નથી. તેથી જ ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે – मम माया दुरत्यया । ‘મારી માયા તરવી દુષ્કર છે.’
જીવ અજ્ઞાન (સરોવર) અને અહંકાર (ગ્રાહ)માંથી મુક્ત થવા તરફડે છે, પરંતુ આ અજ્ઞાન અને અહંકારનું બંધન બહુ મજબૂત છે, તેથી મુક્તિનો પ્રયત્ન બહુ કઠિન સ્વરૂપ ધારણ કરે છે. જીવ અને અહંકાર વચ્ચે પરસ્પરના આધિપત્ય માટેનો સંઘર્ષ તે જ ગજગ્રાહ છે. જીવરૂપી ગજેન્દ્ર અજ્ઞાનજન્ય અહંકારરૂપી ગ્રાહમાંથી મુક્ત થવા પ્રયત્ન કરે છે, પરંતુ ગ્રાહ તેને છોડતો નથી. આ જ ગજેન્દ્ર અને ગ્રાહ વચ્ચેનું યુદ્ધ છે.
જીવ પોતાની શક્તિથી અજ્ઞાન અને અહંકારના પાશમાંથી મુક્ત થઈ શકતો નથી. તેની શક્તિ ઓછી પડે છે. જીવ માયામાં ફસાયેલો છે. માયા જીવને ભ્રમમાં નાખે છે અને અહંકારનું બળ શતગુણ અધિક બની જાય છે, જ્યારે જીવને ખાતરી થઈ જાય કે હું મારી શક્તિથી અજ્ઞાન અને તજજન્ય માયામાંથી મુક્ત થઈ શકું તેમ નથી ત્યારે જીવ ભગવાનને પુકારે છે એટલે કે જીવ ભગવાનને સહાય માટે યાચના કરે છે.
૫. ગજેન્દ્ર મોક્ષ
અજ્ઞાન અને અજ્ઞાનજન્ય અહંકારમાંથી મુક્તિ એ જ ગજેન્દ્રનો મોક્ષ છે.
અથાગ પ્રયત્નો છતાં જ્યારે જીવ અહંકારના પાશમાંથી મુક્ત થઈ શકતો નથી ત્યારે જીવ સમજી જાય છે કે તે હવે પોતાની શક્તિથી અજ્ઞાન અને અહંકારના બંધનમાંથી મુક્ત થઈ શકે તેમ નથી. આટલી સમજ આવે પછી જીવ આર્તભાવે ભગવાનને પુકારે છે, સહાય માટે ભગવાનને પ્રાર્થના કરે છે. જીવ ભગવાનની પૂજા કરે છે. માયામાંથી મુક્ત થવા માટે જીવ પરમાત્માને શરણે જાય છે.
શરણાગતવત્સલ ભગવાન તુરત દોડે છે. ગરુડે ચડીને ગોવિંદ આવે છે. અરે! ગરુડની ગતિ પણ ઓછી પડે છે ત્યારે ભગવાન ગરુડને પણ છોડી દે છે અને ગરુડથી પણ વધુ ગતિથી દોડીને, ગરુડથી આગળ નીકળીને ભગવાન ભક્તની સહાય માટે આવી પહોંચે છે.
ભગવાન જીવના બંધનને – ગ્રાહને એક ક્ષણમાં કાપી નાખે છે અને જીવનો – ગજેન્દ્રનો મોક્ષ થાય છે.
જીવાત્મા પરમાત્માનું જ એક સ્વરૂપ છે. માયા પરમાત્માની જ એક શક્તિ છે. જીવ અંશ છે, પરમાત્મા અંશી છે. માયા અંશી પરમાત્માની શક્તિ છે, તેથી સ્વાભાવિક જ છે કે માયાની શક્તિ જીવની શક્તિ કરતાં અધિક હોય છે. માયાની શક્તિ અધિક હોવાથી જીવમાત્ર પોતાની શક્તિથી માયાના બંધનમાંથી મુક્ત થઈ શકે નહિ. જો પરિસ્થિતિ આટલી જ હોય તો-તો જીવ કયારેય છૂટી શકે જ નહિ. તો-તો જીવની મુક્તિ અશક્ય બની જાય. તો જીવ માટે મુક્ત થવાનો ઉપાય શો? સદ્ભાગ્યે ઉપાય છે અને તે છે પરમાત્માની સહાય.
માયા શક્તિ છે અને પરમાત્મા શક્તિમાન છે. પરમાત્માની શક્તિ માયાની શક્તિ કરતાં અધિક જ હોય. તેથી જીવને માયાના પાશમાંથી મુક્ત કરી શકે તેવો તો એક જ છે – પરમાત્મા! પરમાત્મા કૃપાળુ છે, ભક્તવત્સલ છે. જે કોઈ જીવ પરમાત્મા પાસે સહાય માગે છે તેને પરમાત્માની સહાય અવશ્ય મળે છે. જીવ માયામાંથી મુક્તિ માગે તો તેને મુક્તિ પણ મળે છે.
પરમાત્મા કૃપા કરીને જીવને માયા અને તજજન્ય અહંકારથી મુક્તિ આપે છે. પરમાત્મા જીવનના અહંકારરૂપી પાશને કાપી નાખે છે. આવો ગજેન્દ્રના મોક્ષનો અર્થ છે.
આપણો જીવ ગજેન્દ્ર જેવો મદોન્મત્ત બની ગયો છે. તે અહંકારરૂપી ગ્રાહની પકડથી માયાના સરોવરમાં ફસાયો છે. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ તો પ્રભુ પધારે અને આપણા બંધનને કાપી નાખે!
૬. ગજેન્દ્રમોક્ષની કથાની આધ્યાત્મિક વ્યંજના
બંધન કોઈને ગમતું નથી, સૌને સ્વભાવત: સ્વતંત્રતા ગમે છે. સ્વતંત્રતા આપણો સ્વભાવ છે, બંધન અસ્વાભાવિક છે. જીવને કોઈક અગમ્ય કારણસર માયાનું બંધન થયું છે. જીવ તેમાંથી મુક્ત થવા તરફડે છે, પરંતુ આ બંધનમાંથી મુક્ત થવા માટે જીવને શક્તિ ઓછી પડે છે. જીવ પોતાની શક્તિથી માયાના બંધનમાંથી મુક્ત થઈ શકે તેમ નથી. ભગવાનની કૃપા એ જ રાજમાર્ગ છે.
સુરદાસજી કહે છે-
जब लग गज बल अपनो वरत्यो
नेक सरो नहीं काम।
निर्बल ह्वे बल राम पुकार्यो
आये आघे नाम ॥
… सुने री मैंने निर्बल के बल राम ।
‘નિર્બલ’નો અર્થ અહીં શક્તિહીન નથી, પરંતુ ‘શરણાગત’ છે.
જ્યાં સુધી જીવ પોતાની મુક્તિ માટે પોતાની શક્તિ પર મુસ્તાક છે ત્યાં સુધી પુરુષાર્થ અહંકારથી દૂષિત થયેલો છે અને તેથી ત્યાં સુધી તે ફળતો નથી. જીવ જ્યારે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે ત્યારે તેનો અહંકાર મોળો પડે છે, શાંત થાય છે. અહંકાર શાંત થતાં જ પરમાત્માની કૃપા તેની ચેતનામાં અવતરે છે. પરમાત્માની કૃપાનું સામર્થ્ય અમોઘ છે. પરમાત્માની અમોઘ શક્તિ અજ્ઞાનના બંધનને છેદી નાખે છે અને જીવ મુક્ત થાય છે.
ગજેન્દ્રમોક્ષની કથાનો આવો અધ્યાત્મ સંદેશ છે.
‘સમર્પણ’ અધ્યાત્મપથનું સર્વોચ્ચ સાહસ છે, સર્વોચ્ચ સત્ય છે. જે માયાપતિને શરણે જાય છે તે માયાને તરી જાય છે.
मम माया दुरत्यया । – – એમ તો ભગવાને કહ્યું જ છે પણ ભગવાને સાથેસાથે એમ પણ કહ્યું છે –
मामेव ये प्रपधन्ते मायामेतां तरन्ति ते।
આમ, માયા દુરત્યયા (તરવી કઠિન) છે, દુસ્તર છે, પરંતુ માયાને તરી જવું અશકય નથી; કારણ કે દુસ્તર માયાને તરી જવાનો આપણી પાસે ઉપાય છે – ભગવાનને સમર્પણ અને સમર્પણના પ્રત્યુત્તરરૂપે આવતી ભગવાનની કૃપા!
પ્રથમ દૃષ્ટિએ ગજેન્દ્રમોક્ષની કથા સાવ બાળવાર્તા જેવી સામાન્ય કથા જણાય છે, પરંતુ જ્યારે આપણે તેને ખોલીને તેના આંતર અર્થને જોઈએ છીએ ત્યારે સમજાય છે કે ગજેન્દ્રમોક્ષની કથા બાળવાર્તા નથી, પરંતુ અધ્યાત્મકથા છે.
આપણે એ ન ભૂલીએ કે આ કથા ભગવાન વ્યાસની રચના છે અને આ કથા શુક્રદેવજી પરીક્ષિતજીને અને સુતજી શૌનકાદિ ઋષિઓને સંભળાવી રહ્યા છે! ગજેન્દ્રના મોક્ષ માટે પરબ્રહ્મ પરમાત્માનો જે અવતાર થયો, તે ‘હરિ’ અવતાર છે.