Homeધર્મતેજઅવતારલીલાનું સ્વરૂપ: ભગવાન માત્ર પુરુષશરીરે જ અવતાર ધારણ કરે છે તેવું નથી,...

અવતારલીલાનું સ્વરૂપ: ભગવાન માત્ર પુરુષશરીરે જ અવતાર ધારણ કરે છે તેવું નથી, ભગવાન સ્ત્રીરૂપે પણ અવતરે છે

જીવનનું અમૃત – ભાણદેવ

(ગયા અંકથી ચાલુ)
હઠયોગ પ્રદીપિકા, જ્ઞાનેશ્ર્વરી ગીતા (અ.૬) ઘેરંડસંહિતા આદિ ગ્રંથોમાં કુંડલિનીશક્તિ બ્રહ્મરંધ્રમાં પહોંચે ત્યારે અમૃતસ્રાવની ઘટના થાય છે તેવું વર્ણન જોવા મળે છે. આ જ આધ્યાત્મિક ઘટનાને અહીં સમુદ્રમંથનની કથામાં ભગવાન ધન્વન્તરિના અમૃતકળશ અને પ્રાગટ્યની ઘટના દ્વારા સૂચિત કરવામાં આવેલ છે.
મોહિની અવતાર
ભગવાન ધન્વન્તરિ અમૃતકળશ સાથે પ્રગટ્યા. અસુરો અને દેવો આ જ ક્ષણની વાટ જોઇ રહ્યા હતા. અમૃતપ્રાપ્તિ માટે તો સમુદ્રમંથનનો પુરુષાર્થ કર્યો હતો. અસુરોની નજર અમૃતકળશ પર પડી. અસુરો શીઘ્રતાપૂર્વક દોડ્યા અને અમૃતનો કળશ આંચકીને લઇ લીધો. અસુરો અમૃતનો કળશ લઇ ગયા, તે જોઇને દેવો નિરાશ થયા, દુ:ખી થયા. દેવ ભગવાનને શરણે ગયા. દેવોની આ દશા જોઇને ભક્તવત્સલ ભગવાને કહ્યું-
‘દેવો! તમે નિરાશ ન થાઓ, તમે ચિંતા ન કરો. માયા દ્વારા તેમની વચ્ચે વિખવાદ ઊભો કરીને હું તમારું કામ બનાવી દઇશ.’
ભગવાને મોહિનીસ્વરૂપ ધારણ કર્યું. અસુરો તેના રૂપમાં મોહાંધ બન્યા. મોહાંધ બનેલા અસુરો પાસે ભગવાન મોહિની નારાયણે પોતાની રીતે અમૃતની વહેંચણી કરી આપવાની શરત કબૂલ કરાવી લીધી. ભગવાને મોહાંધ અસુરોને છેતરીને પોતાના પ્યારા દેવોને અમૃત પાઇ દીધું. દેવો અમર અને બળવાન બન્યા અને અસુરોનો પરાજય થયો. અસુરો સહિત બલિરાજા પોતાના પાતાલ લોકમાં ચાલ્યા ગયા.
ભગવાનનું આ મોહિનીસ્વરૂપ અને મોહિનીનારાયણની લીલા પ્રથમ દૃષ્ટિએ અને આપણી માનવીય દૃષ્ટિએ કાંઇક વિચિત્ર લાગે તેવાં છે. આપણે આપણા ચિત્તમાં ઉપસ્થિત થતી ગૂંચને ઉકેલવા પ્રયત્ન કરીએ.
૧. સામાન્યત: એવું માનવામાં આવે છે કે ભગવાન પુરુષશરીરમાં અવતરે છે અને કવચિત્ એવો પ્રશ્ર્ન પણ ઉપસ્થિત કરવામાં આવે છે કે ભગવાન માત્ર પુરુષશરીરમાં જ કેમ આવે છે?
મોહિનીઅવતારની ઘટનાથી એમ ફલિત થાય છે કે ભગવાન માત્ર પુરુષશરીરમાં જ અવતાર ધારણ કરે છે તેવું નથી. ભગવાન સ્ત્રીરૂપે પણ અવતરે છે.
૨. ભગવાન અવતાર ધારણ કરે છે. અવતારનું સ્વરૂપ અને લીલા સર્વથા અને સર્વદા માનવધારણા પ્રમાણે જ થાય છે તેવું નથી. અવતારની ઘટના, અવતારનું સ્વરૂપ અને અવતારની લીલા માનવબુદ્ધિને અનુરૂપ જ હોવાં જોઇએ તેવું નથી. અવતારનું મૂલ્યાંકન કરવા માટે માનવબુદ્ધિ ઘણું વામણુંં સાધન છે. ભગવાનને પોતાનું દૈવી ડહાપણ (ઉશદશક્ષય ઠશતમજ્ઞળ) હોય છે. ભગવાનનો અવતાર અને અવતારની લીલા તે ડહાપણ પ્રમાણે થાય છે, આપણી નવટાંક બુદ્ધિ પ્રમાણે નહીં.
૩. અવતાર એક સત્ય છે. અવતાર ધારણ કરીને ભગવાન પૃથ્વી પર આવે છે, તે એક સત્ય છે. પુરાણો ઐતિહાસિક ગ્રંથો નથી. પુરાણોની કથાઓમાં ઐતિહાસિક તથ્યો વણાયેલાં છે, પરંતુ પુરાણોને ઇતિહાસના વિશુદ્ધ ગ્રંથો તરીકે લઇ શકાય નહીં. તે જ રીતે પુરાણોમાં રજૂ થયેલી અવતારની કથાઓેને પણ અક્ષરશ: ઐતિહાસિક ઘટનાઓ તરીકે લઇ શકાય નહીં. પુરાણોની અવતાર -કથાઓમાં સાંકેતિક અને આધ્યાત્મિક વ્યંજનાથી ભરેલી કથાઓ પણ ખૂબ છે. મોહિનીઅવતારના સ્વરૂપને સમજતી વખતે આ તથ્ય પણ લક્ષ્યમાં રાખવું જોઇએ.
૪. ભગવાન સત્યની પ્રતિષ્ઠા
માટે અવતાર ધારણ કરે છે. સત્ય અને અસત્ય વચ્ચેના
સંઘર્ષમાં જ્યારે સત્ય પરાજિત થાય અને અસત્યનો
વિજય થાય, તેવી પરિસ્થિતિ આવે ત્યારે અસત્યનો પરાજય કરી સત્યની પ્રતિષ્ઠા માટે ભગવાન અવતાર ધારણ કરીને સત્યના પક્ષે સક્રિય દરમિયાનગીરી કરે છે. આ પ્રક્રિયા વખતે ભગવાન સર્વથા અને સર્વદા માનવચિત્તની નૈતિક ધારણાઓ પ્રમાણે જ વર્તે તેવું નથી. ભગવાન પોતાની દિવ્ય ચેતનાથી જુએ છે, નિર્ણય કરે છે અને વર્તે છે.
પાંડવો અને કૌરવો વચ્ચેનાં સંઘર્ષમાં સત્ય પાંડવોના પક્ષે હતું. આમ છતાં પાંડવોએ ઘણાં કષ્ટો સહન કરવાં પડ્યાં અને વારંવાર માર ખાવો પડ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -