Homeઆમચી મુંબઈએનસીપીના નેતા જિતેન્દ્ર આવ્હાડ વિરુદ્ધ વિનયભંગનો ગુનો

એનસીપીના નેતા જિતેન્દ્ર આવ્હાડ વિરુદ્ધ વિનયભંગનો ગુનો

રાજીનામું આપવાની તૈયારી દાખવી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: એનસીપીના વિધાનસભ્ય અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડ સામે એક મહિલાની ફરિયાદને આધારે પોલીસે વિનયભંગનો ગુનો નોંધ્યો છે, જેને પગલે આવ્હાડે વિધાનસભ્ય તરીકે રાજીનામું આપવાની તૈયારી દાખવી છે. તેમણે આ ગુનો ખોટી રીતે નોંધવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે અને પોતાની સામેના આરોપો નકારી કાઢ્યા છે.
મુંબ્રા પોલીસે મધરાત બાદ આવ્હાડ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪ (મહિલાનો વિનયભંગ કરવાના ઈરાદે કરવામાં આવેલો હુમલો) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદીએ એવો આરોપ કર્યો હતો કે જ્યારે ટોળું વિખેરાઈ રહ્યું હતું ત્યારે આવ્હાડે તેમને ધક્કો માર્યો હતો. આવ્હાડ મુંબ્રા-કલવા વિસ્તારના વિધાનસભ્ય છે.
પોલીસે મારી વિરુદ્ધ બે ખોટી ફરિયાદ નોંધી છે. જેમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪નો પણ સમાવેશ થાય છે. હું વિધાનસભ્ય તરીકે રાજીનામું આપવાનું વિચારું છું. હું પોલીસના મારી સામેના અત્યાચારો સામે લડત આપીશ. લોકશાહીનું મૃત્યુ હું મારી આંખો સામે જોઈ શકીશ નહીં, એમ પણ આવ્હાડે સોમવારે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે આવા આરોપો કોઈના પારિવારિક જીવનને બગાડી શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે થાણેમાં ‘હર હર મહાદેવ’ ફિલ્મના પ્રદર્શનમાં ઘૂસીને મારપીટ કરવા બદલ પણ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને શનિવારે જ તેમને જામીન મળ્યા હતા.

અજિત પવારે કરી આવ્હાડની તરફેણ

એનસીપીના સિનિયર નેતા અજિત પવારે આ પ્રકરણે જિતેન્દ્ર આવ્હાડની તરફેણ કરતાં જણાવ્યું હતું કે આ બનાવ બન્યો ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આવ્હાડથી ૧૦ ફૂટના અંતરે હતા. તેમણે આગળ આવીને સ્પષ્ટતા કરવી જોઈતી હતી કે આવું કશું થયું નથી. કેમ કે તેઓ ત્યાં હાજર હતા અને તેમની સામે ટોળાને વિખેરવામાં આવી રહ્યું હતું.
અજિત પવારે કહ્યું હતું કે હું મારી વાતને વળગી રહું છું કે આવ્હાડ સામે ખોટી રીતે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનો પાછો લેવો જોઈએ.
અજિત પવારે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ સમારંભમાં હાજર હતા અને આવ્હાડ પણ હાજર હતા. આવ્હાડ લોકોને ખસવા માટે જણાવી રહ્યા હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. આવી જ રીતે તેઓ મહિલાને ખસેડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બીજું કશું જ થયું નથી. શિંદે ફક્ત ૧૦ મીટર દૂર હોવા છતાં આવો ગુનો નોંધવામાં આવ્યો હતો.

પત્નીએ આપ્યો આવ્હાડનો સાથ

આવ્હાડની પત્ની હૃતા આવ્હાડે પોતાના પતિનો સાથ આપતાં કહ્યું હતું કે ફરિયાદી મહિલા પોતે જામીન પર બહાર છે. બનાવના ચાર કલાક બાદ તેને કેવી રીતે ધ્યાનમાં આવે છે કે તેનો વિનયભંગ કરવામાં આવ્યો છે?

આવ્હાડને જાણીજોઈને નિશાન બનાવાય છે: જયંત પાટીલ
મહારાષ્ટ્ર એનસીપીના અધ્યક્ષ જયંત પાટીલે એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર જાણી જોઈને આવ્હાડને નિશાન બનાવી રહી છે. ફરિયાદી મહિલા ગુનો નોંધવામાં આવ્યો તે પહેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળી હતી એવો પણ દાવો તેમણે કર્યો હતો.
આવ્હાડે રાજીનામું આપી દીધું છે અને અમે આ મુદ્દે એનસીપીસુપ્રીમો શરદ પવાર સાથે ચર્ચા કરીને નિર્ણય લઈશું. આવ્હાડ અત્યારે વ્યથિત છે. તેઓ બધા આરોપોનો સામનો કરી શકે છે, પરંતુ તેમની સામે લગાવવામાં આવ્યા છે તેનો નહીં, એમ પાટીલે કહ્યું હતું.

આરોપો ખોટા: અંજલી દમાણિયા
આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અંજલી દમાણિયાએ સોમવારે કહ્યું હતું કે હું ભૂતકાળમાં અનેક વખત આવ્હાડ સાથે મારે વિવિધ મુદ્દે ઝઘડો થયો છે, પરંતુ તેની સામે અત્યારે લગાવવામાં આવેલા આરોપો ખોટા છે.

આને ક્યા ધોરણે વિનયભંગ કહેવાય: સુપ્રિયા સુળે
જિતેન્દ્ર આવ્હાડને વ્યક્તિગત રીતે અને પાર્ટી તરીકે મારી અપીલ છે કે રાજીનામું આપશો નહીં. લોકો માટે તેમનું ઘણું કામ છે. તેમણે લડત આપવી જોઈએ. ખરાબ લાગે એ સ્વાભાવિક છે. રાજકારણનું સ્તર આટલું નીચે ગયું છે. મુખ્ય પ્રધાન અને તેમના બધા જ કાર્યકર્તાઓ ત્યાં હાજર હતા તેમ છતાં આવો ગુનો કેવી રીતે નોંધાઈ શકે? એમ એનસીપીના સંસદસભ્ય સુપ્રિયા સુળેએ કહ્યું હતું. ધક્કો મારવાને વિનયભંગ કેવી રીતે ગણાવી શકાય એમ પણ તેમણે પુછ્યું હતું.

મહિલાએ શું કહ્યું?

જિતેન્દ્ર આવ્હાડ સામે વિનયભંગનો ગુનો નોંધાવનારી મહિલાએ સોમવારે પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે જિતેન્દ્ર આવ્હાડે તું અહીં શું કરે છે? એવો સવાલ કરીને બંને હાથે જોરથી પકડીને બાજુમાં ધકેલી હતી.
ભાજપના મહિલા પદાધિકારીએ કહ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કાર્યક્રમ સ્થળેથી જઈ રહ્યા હતા ત્યારે હું તેમને મળવા માટે આગળ જઈ રહી હતી. હું તેમના પી.એ.ની સાથે વાત પણ કરી હતી. બધા જ ગાડીને ચોંટીને ચાલી રહ્યા હતા. કેમ કે વચ્ચેથી ચાલવાની જગ્યા મળવાની નહોતી. આથી હું ગાડીને ચોંટીને દરવાજા તરફ આગળ વધી રહી હતી તે વિડીયોમાં પણ દેખાય છે. તે સમયે તેમણે મને અહીં શું કરે છે એમ કહીને ધક્કો માર્યો હતો.
એકનાથ શિંદેને મળવા જતી હતી ત્યારે જિતેન્દ્ર આવ્હાડ સામેથી આવ્યા હતા. તેઓ સ્થાનિક વિધાનસભ્ય હોવાથી મેં તેમને સ્મિત આપ્યું હતું. જેના પર તેઓ ગુસ્સે થયા હતા અને અહીં શું કરે છે એવું જણાવતાં હાથ ઝાલીને ધકેલી હતી. મને ધકેલતી વખતે તેમણે એનો પણ વિચાર કર્યો નહોતો કે ત્યાં બધા જ પુરુષો હતા. હું ધકેલાયા બાદ અન્ય પુરુષો પર પડી હતી. જે બન્યું તે બધાની સામે છે. એમ પણ તેમણે કહ્યું હતું.

આવ્હાડને સસ્પેન્ડ કરો: ભાજપના પ્રદેશાધ્યક્ષ

એનસીપીના વિધાનસભ્ય અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડની સામે વિનયભંગનો ગુનો નોંધવામાં આવ્યો હોવાથી તેમને સસ્પેન્ડ કરી નાખવા જોઈએ એવી માગણી ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ કરી છે.
ઘટનાનો વિડીયો ધ્યાનથી જૂઓ અને એનસીપીમાં જરા પણ નૈતિકતા બચી હોય તો તેમણે આવ્હાડનું રાજીનામું સ્વીકારવાને બદલે તેને સસ્પેન્ડ કરી નાખવો જોઈએ. હમણાં થોડા દિવસ પહેલાં સુપ્રિયા સુળે બાબતે આટલો હંગામો કરનારા એનસીપીએ આ ઘટનાનો વિડીયો જોવો જોઈએ, એમ પણ બાવનકુળેએ કહ્યું હતું.
અત્યારે આવ્હાડના મિત્ર દિલીપ વળસે-પાટીલ ગૃહપ્રધાન નથી. અત્યારે ફડણવીસ છે અને તેઓ આવા મામલે અત્યંત સંવેદનશીલ છે, એમ પણ બાવનકુળેએ કહ્યું હતું.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -