ગુજરાત વિધાનસભા માટે મતદાન પહેલા રાજ્યના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ આજે કોંગ્રેસમાં જોડાયા છે. થોડા દિવસો પહેલા જ તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. તેમની સાથે સિદ્ધપુરના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને પક્ષમાં આવકાર્યા હતા.
જયનારાયણ વ્યાસ તેમના સમર્થકો સાથે અમદાવાદના પાલડી ખાતે આવેલા કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. મલ્લિકાર્જુન ખડગેએ તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો હતો અને પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
સિધ્ધપુર બેઠક પર ઉમેદવારી માટે જયનારાયણ વ્યાસ ભાજપની સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા. પરંતુ તેમને ટિકિટ ન મળતા ગત 4થી નવેમ્બરે જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ તેમણે સિધ્ધપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કર્યો હતો. તેઓ અશોક ગેહલોતને મળ્યા હતાઅને આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે.
જયનારાયણ વ્યાસ ભાજપના દિગ્ગજ નેતા રહ્યા છે. તેઓ ગુજરાતની ભાજપ સરકારમાં મોટી જવાબદારી નિભાવી ચૂક્યા છે. નર્મદા નિગમના ચેરમેનથી માંડીને 2007થી 2012 સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો હવાલો સંભાળતા હતા. સિદ્ધપુર બેઠક પર ભાજપમાંથી લડ્યા હતા, પરંતુ છેલ્લી બે ટર્મથી હારનો સામનો કરી રહ્યા હતા