Homeઉત્સવજાવેદ અખ્તરનો જાદુ અને જીવનનો સ્ક્રીન-પ્લે

જાવેદ અખ્તરનો જાદુ અને જીવનનો સ્ક્રીન-પ્લે

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

હિન્દી સિનેમા જગતના પટકથા લેખક, શાયર અને ગીતકાર જાવેદ અખ્તરના જીવન અને કવન પર ‘જાદુનામા’ નામનું એક પુસ્તક પ્રગટ થયું છે. ‘જાદુ’ તેમનું બાળપણનું નામ છે. જાવેદનો જયારે જન્મ થયો (ગ્વાલિયર-૧૭ જાન્યુઆરી, ૧૯૪૫) ત્યારે તેમના પિતા મશહૂર શાયર જાં નિસાર અખ્તરના અમુક દોસ્તો હૉસ્પિટલમાં તેમને અને માતા સફિયા અખ્તરને જોવા આવ્યા હતા. ત્યાં બાળકના નામની ચર્ચા નીકળી તો કોઈકે પિતાની એક નઝમ યાદ કરાવી, જે તેમણે લગ્ન કર્યા ત્યારે સફિયા માટે લખી હતી. તેમાં એક પંક્તિ હતી; લમ્હા લમ્હા કિસી કા જાદૂ કા ફસાના હૈ. તો આ છોકરાનું નામ જાદુ રાખીએ તો કેવું? પેલાએ સૂચન કર્યું અને એ કાયમ થઇ ગયું.
ચાર વર્ષ સુધી એ જ નામ ચાલ્યું, પણ નિશાળમાં ભરતી કરવાનો સમય આવ્યો ત્યારે પરિવારના લોકોએ કહ્યું કે છોકરાઓ આના નામની મજાક ઉડાવશે. એટલે પિતાએ જાદુનું જાવેદ કરી નાખ્યું. ફારસીમાં જાવેદનો અર્થ થાય છે શાશ્ર્વત, અમર, અનંત.
‘જાદુનામ’ પુસ્તકમાં તેમના જાદુથી જાવેદ બનવાની દિલચસ્પ કહાની છે. તેમાં જાવેદના અંગત જીવન અને સિનેમાઈ જીવનના અનેક કિસ્સા-કહાનીઓ છે. તેમાં તેમના પરિવારના સભ્યો, દોસ્તો અને સિનેમા જગતના કલાકારો-કસબીઓના ઇન્ટરવ્યૂઝ છે. તેમાં જાવેદની પ્રથમ પત્ની હની ઈરાની સાથે પણ વાતચીત છે અને તેમણે તેમના સંબંધ અંગે સફાઈથી ચર્ચા કરી છે. ફિલ્મમેકર રમેશ સિપ્પી એમાં કહે છે, મારા જીવનમાં, બીજા ઘણા લોકોના જીવનમાં, અમિતાભ બચ્ચનના જીવનમાં જાવેદ સા’બનું
બહુ મોટું યોગદાન છે.
જાવેદ અખ્તરે (સલીમ ખાન સાથે મળીને) જે પ્રકારની ફિલ્મો લખી છે, અને વિશેષ કરીને તેમાં જે પ્રકારનાં સશક્ત સ્ત્રી-પાત્રો સર્જ્યાં છે, તેની પાછળ તેઓ જે રીતે મોટા થયા હતા તેનો બહુ પ્રભાવ છે. જાવેદની સંવેદના તેમના કોમ્યુનિસ્ટ પિતાની શાયરી અને માતા સાથે તેમના સંબંધોથી ઘડાઈ છે. મુસ્લિમ પરિવારમાં બાળકનો જન્મ થાય ત્યારે તેના કાનમાં અઝાન (પ્રાર્થના) બોલવામાં આવે છે. પિતા જાં નિસાર અખ્તર તો નાસ્તિક હતા, એટલે તેમણે એક દોસ્તના હાથમાં કાર્લ માર્ક્સનો કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો હતો તેને લઈને જાવેદના કાનમાં તેનો પ્રસિદ્ધ નારો વાંચ્યો- વર્કર્સ ઓફ ધ વર્લ્ડ યુનાઈટ, યુ હેવ નથિંગ ટૂ લુઝ બટ યોર ચેઈન્સ (દુનિયાભરના કામદારો એક થાવ, તમારે સાંકળો સિવાય કશું નથી ગુમાવાનું).
અમિતાભ બચ્ચનના એન્ગ્રી યંગ મેન વિજયની બેરોજગારીનો આક્રોશ અને અન્યાયની ભાવના જાવેદના આ માર્ક્સવાદી કોમ્યુનિઝમમાંથી આવે છે. તેની સાથે જાવેદની બીજી એક સંવેદના જોડાયેલી છે; માતાના સુખની ગેરહાજરી. માતા-પિતાનું લગ્ન જીવન ૯ વર્ષનું હતું અને બંને લગભગ અલગ-અલગ રહેતાં હતાં. એમાં જાવેદ ૧૦ વર્ષના થયા, ત્યારે માતાનું બીમારીમાં અવસાન થઇ ગયું.
પત્ની શબાના આઝમી એક જગ્યાએ કહે છે, લોકો તેમને એંગ્રિ યંગ મેનના જનક તરીકે ઓળખે છે, પરંતુ મને તેમનાં સ્ત્રી પાત્રો ગમે છે. તેમની મોટાભાગની વાર્તાઓમાં નૈતિકતાની કમાન માતા પાસે હોય છે. કદાચ એનું કારણ એ જ હશે કે નાની ઉંમરમાં તેમણે માતાને ગુમાવી હતી. જે જમાનામાં કામ કરતી સ્ત્રી ન હતી, ત્યારે તેમનાં સ્ત્રી પાત્રોની ખુદની પહેચાન હતી. ‘ત્રિશુલ’ ફિલ્મમાં વહીદા રહેમાનનું પાત્ર કહે છે મેં તુમ્હે અપના દૂધ માફ નહીં કરુંગી.’ જાવેદ સૌથી મોટા ફેમિનિસ્ટ છે, અને એથી ય વધુ તો એ મારા બેસ્ટ ફ્રેંડ છે.
ત્રિશુલમાં વહીદા રહેમાન હોય, દીવારમાં નિરુપા રોય હોય, દીવારમાં જ પરવીન બાબી હોય, શક્તિમાં રાખી હોય, ઝંઝીરમાં જયા ભાદુરી હોય, કાલા પથ્થરમાં રાખી હોય કે ડોનમાં ઝીન્નત અમાન અને હેલન હોય, જાવેદ અખ્તરે તેમનાં સ્ત્રી પાત્રોને સશક્ત રીતે પેશ કર્યા છે. એ બિચારી ‘સ્ત્રીઓ’ નથી. એ જાતે જ પોતાના નિર્ણય કરે છે અને તેના પરિણામની જવાબદારી પણ સ્વીકારે છે. કદાચ સંવેદના તેમની માના પ્રભાવમાંથી આવી હતી.
થોડા વર્ષો પહેલાં, માતાની એક સાલગિરહ પર જાવેદે આ વિશે લંબાણથી લખ્યું હતું:
હું કેટલો ગરીબ થઇ ગયો તેની મને ત્યારે ખબર નહોતી પડી. આજે પાછું વળીને જોઉં છું તો લાગે છે કે માતાના મોતથી હું જખ્મી થઇ ગયો હતો. હું કિશોરવયમાં પહોંચ્યો ત્યારે બહુ ખરાબ રીતે મને એની ગેરહાજરી સાલવા લાગી હતી. હું મારા દોસ્તોની માતાઓને જોતો અને કલ્પના કરતો કે મારી મા આવી હોત કે નહીં!
મને એના સ્પર્શની ગેરહાજરી પણ સાલવા લાગી હતી, પણ મેં મારી જાતને એ વિચારમાં જતી રોકી રાખી હતી, અને ૧૭ વર્ષનો થયો ત્યારે મનમાં આખી વાત જ દબાવી દીધી. મારી માતાએ મારા પિતાને પત્રો લખ્યા હતા જે આજે એક પુસ્તકમાં છે. બહુ વખત સુધી હું એમાંથી આમ તેમ કોક કાગળ વાંચતો રહેતો હતો, પણ મેં મારી જાતને એ મહેસૂસ ના થવા દીધું કે હું એને મીસ કરું છું કે હું કષ્ટ અનુભવું છું. મને એવું લાગતું એવું કરવું બરાબર નથી.
આજે ઉંમરના આ પડાવ પર જીવનમાં પહેલા વાર આ કહેવાની મારામાં હિંમત આવી છે. મને એ એકદમ યાદ છે. માએ જે નવલકથાઓ વાંચી હોય એની મને વાત કરતી. હું પહેલા ધોરણમાં હતો. હું સ્કૂલેથી આવું ત્યારે મને એ અન્ડરગ્રાઉન્ડ કાર્યકરોની વાત કરતી જે રશિયન શાસન સામે વિદ્રોહ કરતા હતા.
એક પત્રમાં તેણે પિતાને લખ્યું હતું,” મેં સાંભળ્યું છે કે કોઈક પ્લાસ્ટિક નામની નવી ચીજ આવી છે. કોઈ સેમ્પલ હોય તો મોકલજો. મારા પિતાએ એ મોકલેલું. ત્યારે તે મુંબઈમાં સરકારી સ્કૂલમાં ભણાવતા હતા. એ કોમ્યુનિસ્ટ હતા અને એમના નામે વોરંટ હતું. એ અન્ડરગ્રાઉન્ડ થઇ ગયા હતા. હું પાંચ વર્ષનો હતો ત્યારે હું એમ માનતો હતો કે સ્ટાલિન મારા દાદા છે. એવું કોઈ સગપણ નથી એવી મને જયારે ખબર પડી ત્યારે હું નારાજ થઇ ગયો હતો,”ઓહ, એ સગામાં નથી?
એ પ્લાસ્ટિક શીટ આવી તો એમાંથી માતાએ એક બેગ અને હેન્ડલ બનાવ્યું હતું. એ બેગમાં કાર્ડ ભરેલાં હતાં, અને દરેક કાર્ડ પર ઉર્દૂનો એક અક્ષર હતો. હું સ્કૂલેથી આવું પછી એ મારી સાથે રમત રમે અને મને અક્ષર વંચાવે. હું ઉર્દૂ એની પાસેથી શીખ્યો. એણે જ મને કહ્યું હતું કે શાયર અને લેખક હોવું એ કેટલી મોટી બાબત છે. આજે પણ એ સેન્સ ઓફ લોસ મારી અંદર છે અને મને થાય કે ઠીક નહીં હુઆ મેરે સાથ, પણ શું થાય?
પછી જાવેદ સિનેમાની ફ્રેમમાં જે રીતે કહાની શૂટ થાય છે તે ભાષામાં કહે છે;
જીવન ચુસ્ત રીતે લખાયેલો સ્ક્રીન-પ્લે છે. મારી મા જો જતી રહી ના હોત તો મારું જીવન સાવ જ જુદું હોત. પણ તમે જો તમારા વર્તમાનથી ખુશ હો અને જિંદગીથી કોઈ મોટી ફરિયાદ ન હોય તો, તમારો અતીત ગમે તેવો હોય, તેને બિનશરતી સ્વીકારવો પડે…ચોઈસ નહીં હૈ. જે ક્ષણે તમે સીન નં. ૩૨ને તમારા જીવનમાંથી દૂર કરો, સીન નં. ૭૮, ૯૭ પણ દૂર થઇ જાય.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -