જાપાન વિરુદ્ધ સ્પેન: કતારના પાટનગર દોહાસ્થિત ખલિફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાતી ફિફા વર્લ્ડ કપમાં જાપાન અને સ્પેન વચ્ચેની ગ્રૂપ-ઇ સૉકર મેચમાં જાપાનના તકુમા અસાનો અને સ્પેનના ડાની કરવાજલની તસવીર. (તસવીર: પીટીઆઈ)
ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨માં જાપાને પોતાની અંતિમ ગ્રૂપ મેચમાં અપસેટ સર્જતા સ્પેનને ૨-૧થી હરાવી અંતિમ-૧૬માં પ્રવેશ મેળવ્યો હતો. ટાઇટલ જીતવાના પ્રબળ દાવેદાર સ્પેનને ગ્રૂપ સ્ટેજની તેની છેલ્લી મેચમાં જાપાન સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ગુરુવારે રમાયેલી આ મેચમાં સ્પેને પ્રથમ હાફમાં શાનદાર રમત બતાવી હતી પરંતુ બીજા હાફમાં જાપાનના ખેલાડીઓએ વાપસી કરી મેચ જીતી લીધી હતી. જાપાનના ખેલાડીઓએ માત્ર ત્રણ મિનિટમાં જ મેચને પલટી દીધી હતી. જાપાને મેચની ૪૮મી અને ૫૧મી મિનિટમાં ગોલ કરીને સ્પેન પર મેચમાં લીડ અપાવી હતી. ૪૮મી મિનિટે રિત્સુ ડોને જુન્યાના પાસથી શાનદાર કીક વડે જાપાનનો પહેલો ગોલ કરીને ૧-૧ બરોબરી કરી લીધી હતી. ત્રણ મિનિટ બાદ તાઓ તનાકાએ બીજો ગોલ કરીને જાપાનને મેચમાં લીડ અપાવી હતી.
સ્પેને શરૂઆતમાં અલ્વારો મોરાટાના હેડરથી ગોલ કરીને જાપાન પર ૧-૦ની લીડ મેળવી લીધી હતી. પછી હાફ ટાઇમ બાદ જાપાને વાપસી કરી બે ગોલ કરી લીડ મેળવી લીધી હતી.
જાપાન ૨૦ વર્ષ પછી નોકઆઉટ તબક્કામાં પહોંચ્યું છે. આ પહેલા જાપાનની ટીમ ૨૦૦૨માં ફિફા વર્લ્ડ કપના નોકઆઉટમાં પહોંચી હતી. તે સમયે ફિફા વર્લ્ડ કપનું આયોજન જાપાન અને દક્ષિણ કોરિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. સ્પેન સામેની જીત બાદ હવે જાપાન નોકઆઉટમાં ક્રોએશિયા સામે ટકરાશે. અંતિમ ૧૬માં સ્પેનનો સામનો મોરોક્કો સાથે થશે. જ્યારે આ ગ્રૂપની સૌથી મજબૂત ટીમ જર્મની વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઇ ગઇ છે
નોંધનીય છે કે જાપાન સામે હારવા છતાં સ્પેનની ટીમે આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. જર્મની અને સ્પેન આ ગ્રૂપમાં પોઈન્ટના આધારે બરોબરી પર હતા તેમ છતાં સ્પેને ગોલ તફાવતના આધારે અંતિમ ૧૬માં સ્થાન મેળવ્યું હતું. ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨ની સીઝનમાં સ્પેનની ટીમે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. તેમની પહેલી જ મેચમાં કોસ્ટા રિકાને ૭-૦થી ખરાબ રીતે હરાવ્યું હતું.