Homeમેટિનીજાન દેને કી રુત રોજ આતી નહીં

જાન દેને કી રુત રોજ આતી નહીં

૫૦ વર્ષ પહેલાં ૧૯૭૧ની ૧૬ ડિસેમ્બરે યુદ્ધમાં આપણે પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું હતું એ નિમિત્તે આ યુદ્ધને કેન્દ્રમાં રાખી બનેલી ખૂબ જ જાણીતી – ઓછી જાણીતી હિન્દી ફિલ્મોમાં ડોકિયું

હેન્રી શાસ્ત્રી

યુદ્ધસ્ય કથા રમ્યા: – યુદ્ધની કથા જ રમણીય હોય છે, યુદ્ધ નહીં. દેશની સરહદ સાચવવા અનેક વીરોના રેડાયેલા લોહીથી લક્ષ્મણરેખા અંકાઈ છે. જીત થઈ તો હાર પણ થઈ. જોકે, દરેક પરિસ્થિતિમાં દેશની વીરતા ગૌરવવંતી રહી છે. ધડ ધિંગાણે જેના માથાં મસાણે જેવી અવસ્થામાં પણ આપણા શૂરવીરોએ પીઠ નથી દેખાડી. ધડ પણ દુશ્મનો સામે લડતું રહ્યું એવી વીરકથા આપણા જ દેશમાં સાંભળવા મળે. હૃદય હચમચાવી દેતી અને કાળજું કંપાવનારી યુદ્ધ કથા રૂપેરી પડદે પણ અવતરી છે. આજે ૧૬ ડિસેમ્બર. ૧૯૭૧માં આ જ દિવસે ૧૩ દિવસ (૩ ડિસેમ્બર – ૧૬ ડિસેમ્બર) ચાલેલા યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને રગદોળીને, ધૂળ ચાટતું કર્યું હતું અને નવાનક્કોર દેશ બંગલાદેશનો જન્મ થયો હતો. આ સફળતાની શાનમાં ૧૬ ડિસેમ્બર વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે.એ નિમિત્તે આજે આપણે એવી વૉર ફિલ્મ (યુદ્ધ ચિત્રપટ)ની વાત કરીએ જે ૧૯૭૧ની લડાઈને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી હતી. હેડિંગમાં જે ગીતની પંક્તિ વાપરવામાં આવી છે એ ગીત કૈફી આઝમીએ ‘હકીકત’ માટે લખ્યું હતું, પણ દેશ માટે જાન ન્યોછાવર કરવા તત્પર રહેતા દરેક યુદ્ધના જવાનની લાગણીનો એમાં પડઘો પડે છે. ગીતની પંક્તિઓ આ પ્રમાણે છે: જિંદા રહને કે મૌસમ બહોત હૈ મગર, જાન દેને કી રુત રોજ આતી નહીં.’
બોર્ડર (૧૯૯૭): યુદ્ધને કેન્દ્રમાં રાખીને બનેલી બેમિસાલ ફિલ્મોની વાત નીકળે ત્યારે સૌથી પહેલું નામ ચેતન આનંદની ‘હકીકત’ (૧૯૬૪)નું આવે અને બીજું નામ જે. પી. દત્તાની ‘બોર્ડર’નું જ આવે. ‘હકીકત’માં ચીન સામેની લડાઈની વાત હતી, જ્યારે ‘બોર્ડર’ ૧૯૭૧ના વોર અને ખાસ તો લોન્ગેવાલા લડતનો ચિતાર આપતું ચિત્રપટ હતું. જે. પી. દત્તાના ભાઈ દીપક દત્તા ઈન્ડિયન એર ફોર્સમાં પાયલટ હતા.૧૯૮૭માં એક વિમાન અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. ફિલ્મ બનાવતી વખતે જે. પી. દત્તાએ યુદ્ધના અનુભવ વિશે ભાઈએ લખેલી ડાયરીની વિગતોનો ઉપયોગ કર્યો હતો. બિગ બજેટમાં બનેલી આ ફિલ્મને મળેલી સફળતાને પગલે વૉર ફિલ્મના જોનરને ગ્લેમર પ્રાપ્ત થયું, મેકરનો દૃષ્ટિકોણ બદલાયો અને દર્શકોની અપેક્ષા વધી. સળંગ ચાર ફ્લોપ ફિલ્મો આપ્યા પછી જે. પી. દત્તાની આ ત્રણ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને વિવેચકોએ પણ પીઠ થાબડી હતી. સની દેઓલ, જેકી શ્રોફ, સુનીલ શેટ્ટી અને અક્ષય ખન્ના પ્રમુખ કલાકાર હતા. જાવેદ અખ્તરએ લખેલાં અનુ મલિકે સ્વરબદ્ધ કરેલા ગીત ‘સંદેસે આતે હૈં મુજે તડપાતે હૈં’ને અફાટ લોકપ્રિયતા મળી હતી અને ગાયક સોનુ નિગમની લોકપ્રિયતા એ હદે વધી ગઈ કે નિર્માતાઓ એના દરવાજે લાઈન લગાવતા થઈ ગયા હતા.
હિન્દુસ્તાન કી કસમ (૧૯૭૩): લાગણીતંત્રમાં ખળભળાટ મચાવનાર ‘હકીકત’ ફિલ્મ બનાવનાર ચેતન આનંદની ‘હિન્દુસ્તાન કી કસમ’ને કમનસીબે બોક્સ ઓફિસ પર સારો આવકાર નહોતો મળ્યો. રાજકુમાર, બલરાજ સાહની, પ્રિયા રાજવંશ મુખ્ય કલાકાર હતા અને આ ફિલ્મની કથા ‘ઓપરેશન કેક્ટસ લિલી’ પર આધારિત હતી.આ એક કોડ નામ હતું જે મેઘના હેલી બ્રિજને આપવામાં આવ્યું હતું. દુશ્મને આ પુલ તોડી પાડ્યો હતો અને ભારતીય વાયુ સેનાના હૅલિકોપટરે મિશન પાર પાડ્યું અને ભારતના ભવ્ય વિજયમાં એનું મહત્ત્વનું યોગદાન હતું. આ ફિલ્મની રસપ્રદ વાત એ છે કે ‘શોલે’ના ગબ્બર સિંહથી અફાટ લોકપ્રિયતા મેળવનાર અમજદ ખાનની આ પહેલી ફિલ્મ હતી. ચેતન આનંદે અમજદ સાથે ઘણા સીન શૂટ કર્યા હતા, પણ એડિટિંગ ટેબલ પર એ રોલ પર એવી કાતર ફરી વળી કે અમજદ ભાગ્યે જ કોઈના ધ્યાનમાં આવ્યો.
આક્રમણ (૧૯૭૫): લવ ટ્રાયેંગલની ફિલ્મો બનાવવા માટે જાણીતા જે. ઓમપ્રકાશે વૉર ફિલ્મ તો બનાવી પણ એમાં યુદ્ધભૂમિ કરતાં પ્રેમભૂમિ પર વધારે ફોકસ હતું. બે લશ્કરી અધિકારી (સંજીવ કુમાર અને રાકેશ રોશન) શીતલ (રેખા)ના પ્રેમમાં છે. ભારત – પાક યુદ્ધની ઘોષણા થાય છે ત્યારે સિનિયર ઓફિસર સંજીવ કુમારે શીતલ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો એ બદલ જુનિયર ઓફિસર રાકેશ રોશન બદલો લેવા તત્પર બને છે. જોકે, યુદ્ધ દરમિયાન રાકેશ રોશને પોતાની ભૂલ સમજાય છે અને એ બદલો લેવાનું માંડી વાળે છે. દુશ્મન સામેના આક્રમણની સાથે સાથે આંતરિક આક્રમણની વાત પણ વણી લેવામાં આવી છે. ’૭૧ના યુદ્ધમાં ભારતીય જવાનોની શૌર્યગાથાને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
૧૯૭૧: (૨૦૦૭): નેશનલ એવોર્ડ મેળવનાર ‘૧૯૭૧’ ટાઈટલ ધરાવતી આ ફિલ્મ વિશે બહુ ઓછા લોકો જાણતા હતા. ૨૦૦૭માં રિલીઝ થયેલી આ ફિલ્મને એ સમયે આવકાર નહોતો મળ્યો, પણ ૨૦૨૦માં લોકડાઉન સમયમાં આ ફિલ્મને ઇન્ટરનેટની મદદથી અનેક લોકોએ જોઈ અને ફિલ્મના તેમ જ કલાકારોના ભરપેટ વખાણ કર્યા. પીયૂષ મિશ્રાના લખાણને દાદ દેવી જોઈએ. પ્રભાવી પાત્રાલેખનને કારણે પાકિસ્તાન લશ્કરના સકંજામાંથી નાસી છૂટેલા છ બહાદુર ભારતીય જવાન જીવનું જોખમ ખેડી દેશ માટે સમર્પિત થાય છે એનું અસરકારક આલેખન ફિલ્મમાં જોવા મળે છે. મનોજ બાજપેયી કેમ બેમિસાલ અદાકાર કહેવાય છે એ ૧૫ વર્ષ પહેલાની ફિલ્મમાં જોવા મળે છે.
ચિલ્ડ્રન ઓફ વૉર (૨૦૧૪): ફિલ્મના લેખક – દિગ્દર્શક મૃત્યુંજય દેવદત્તનું કહેવું હતું કે બાંગ્લાદેશીઓની દુર્દશા નાઝી જર્મનીમાં હિટલરે યહૂદી લોકોની કરેલી બેહાલીથી કમ નહોતી. બંનેમાં સામ્ય હતું. ફિલ્મમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે યુદ્ધ દરમિયાન પુરુષો લડાઈમાં ખુવાર થાય છે, પણ તેનાથી અનેકગણી અવદશા મહિલાઓની થતી હોય છે. ી પર અત્યાચાર થાય છે, એ બળાત્કારનો ભોગ બને છે. લોકો – સમુદાય – દેશની જનતા ભાંગી પડે, સમાજ હેબતાઈ જાય એ પ્રમુખ હેતુ હોય છે. આ ફિલ્મ દર્શકને અસ્વસ્થ કરી મૂકે છે. પવન મલ્હોત્રા, રાયમા સેન સહિત બધા કલાકારોએ પાત્રમાં જીવ રેડી દીધો છે.
રાઝી (૨૦૧૮): મેઘના ગુલઝાર દિગ્દર્શિત આ ફિલ્મ પાકિસ્તાની ઓફિસર (વિકી કૌશલ)ને પરણેલી ભારતીય જાસૂસ સેહમત (આલિયા ભટ્ટ)ના જીવનની ફરતે વણાયેલી છે. ફિલ્મ ૨૦૦૮માં પ્રગટ થયેલી ‘કોલિંગ સેહમત’ નામની નવલકથા પર આધારિત છે. દેશપ્રેમ – દેશદાઝ સર્વોચ્ચ હોય છે એ કથાનો સાર છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર ફાંકડી સફળતા મળી હતી અને આલિયા ભટ્ટ અને વિકી કૌશલની અદાકારીના ભરપેટ વખાણ થયા હતા.
ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા (૨૦૨૧): ૧૯૭૧ના યુદ્ધમાં આઠમી ડિસેમ્બરે પાકિસ્તાની હુમલાખોરોએ ભારત પર આક્રમણ કરી ભુજના ભારતીય હવાઈ દળના રનવે પર ૧૪ બોમ્બ ઝીંક્યા હતા. પરિણામે એરફોર્સના વિમાન ઉડાવવામાં મુશ્કેલી પડી હતી. મદદની તાત્કાલિક જરૂર હતી, પણ બીએસએફ પાસે પૂરતા જવાન નહોતા. આ પરિસ્થિતિમાં ભુજ નજીકના માધાપર ગામના લોકો જેમાં મુખ્યત્વે મહિલાઓ હતી, એરફોર્સની સહાયમાં હાજર થઈ ગઈ અને ૭૨ કલાકમાં તો એરસ્ટ્રીપ વિમાન ઉડાવવા સક્ષમ બની ગઈ. જીવની પરવા કર્યા વિના ૩૦૦ મહિલાઓની ધગશ અને મહેનતને કારણે સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિક (અજય દેવગન)ના નેતૃત્વમાં ભારત વળતો જવાબ આપવા સક્ષમ બની ગયું. આ વીર ગાથા રૂપેરી પડદે અવતરી, પણ એને બોક્સ ઓફિસ પર સફળતા ન મળી.
પિપ્પા (૨૦૨૨): તાજેતરમાં રિલીઝ થયેલી આ ફિલ્મની વાર્તા બ્રિગેડિયર બલરામ સિંહ મહેતાના પુસ્તક ‘ધ બર્નિંગ ચાફીસ’ પર આધારિત છે. ફિલ્મમાં ગરીબપુરમાં થયેલા ૧૨ દિવસનું યુદ્ધ દેખાડવામાં આવશે જેને પગલે બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. આજની તારીખમાં ગરીબપુર બાંગ્લાદેશનો હિસ્સો છે. ઈશાન ખટ્ટર કેપ્ટન મહેતાના રોલમાં છે જે ૪૫મી કેવલરી ટેન્ક સ્ક્વોડ્રનમાં ડ્યુટી પર હતા. જાણવા જેવી વાત એ છે કે ફિલ્મનું નામ જમીન અને પાણીમાં ચાલી શકતી રશિયન વોર ટેન્ક પીટી ૭૬ (પલાવુશી ટેંકા) પર આધારિત છે જે પિપ્પા તરીકે ઓળખાતી હતી. ૧૯૭૧માં ભારતીય સૈન્ય આ વિશિષ્ટ પ્રકારની ટેન્ક અને એના વપરાશની પદ્ધતિથી અજાણ હતું. આ ટેન્કની ડિઝાઇન બોટ જેવી હતી જેમાં ત્રણ સૈનિકોનો સમાવેશ થઈ શકતો હતો. ૧૯૬૫ના યુદ્ધ પછી આ ટેન્ક ૪૫મી કેવલરીને સોંપવામાં આવી હતી. દુશ્મન આ પ્રકારની ટેન્કથી સાવ અજાણ હતા અને આપણા વિજયમાં એનો મોટો ફાળો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -