રાજ્યના જાલના જિલ્લામાં ક્રિપ્ટોકરન્સી સંબંધી મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. એક દિવસમાં 101 ફરિયાદો પોલીસને મળી હતી, જેમાં રોકાણકારોને લગભગ 300 કરોડ રૂપિયાનું નુકસાન ગયું હોવાનું જણાયું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે એક માણસે મંગળવારે પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને કિરણ ખરાત અને તેની પત્ની દીપ્તિ ખરાત વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. આ દંપતીએ તેને સારા વળતરની ખાતરી આપીને ‘જીડીસી’ ક્રિપ્ટોમાં રોકાણ કરવા માટે પ્રેરિત કર્યો હતો, જેમાં રોકાણ કરવા પર તેને ભારે નુકસાન થયું હતું.
આ કૌભાંડ મોટું હોઈ શકે એવી શંકા જતાં પોલીસે બુધવારે જાહેર સૂચના બહાર પાડીને ખરાત દંપતી દ્વારા પ્રમોટ કરાતી યોજનામાં નાણાં ગુમાવ્યાં હોય તો તુરંત ફરિયાદ કરવા આગળ આવવા માટે અનુરોધ કર્યો હતો.
આ સૂચનાને આધારે જિલ્લામાંથી એક દિવસમાં 101 જણ ફરિયાદ લઈને આગળ આવ્યા હતા, એમ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ ભગવાન ફુંડેએ જણાવ્યું હતું.
આ કૌભાંડમાં 10,000થી વધુ રોકાણકાર સાથે 700 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ થઈ હોવાની અમને શંકા છે. આ કેસની વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના શાખાને સોંપવામાં આવી છે. ખરાત દંપતીના રાજકીય સંપર્કો છે.
જીડીસી ડિજિટલ કરન્સીમાં 10 કરોડ રૂપિયાનું રોકાણ કરનારા રાજ્ય સ્તરના ભૂતપૂર્વ ક્રિકેટર વિજય ઝોલ અને અન્ય 20 જણે કિરણ ખરાતને ચાર દિવસ માટે બંધક બનાવી રાખ્યો તે બદલ તેમની સામે ગુનો નોંધવામાં આવ્યા બાદ આખા પ્રકરણને રાજકીય રંગ લાગ્યો છે.
આ પછી કિરણ ખરાતે એવો આક્ષેપ કર્યો હતો કે તેને ઝોલને નામે અમુક પ્લૉટ્સ ટ્રાન્સફર કરવા માટે દસ્તાવેજો પર સહી કરવા માટે મજબૂર કરાયો હતો. ઝોલ ભૂતપૂર્વ પ્રધાન અને શિવસેનાના શિંદે જૂથના નેતા અર્જુન ખોતકરનો જમાઈ છે.