‘માસૂમ’, ‘બેન્ડિટ ક્વીન’, ‘મિસ્ટર ઈન્ડિયા’ જેવી વૈવિધ્યપૂર્ણ ફિલ્મો બનાવનાર શેખર કપૂરે પંદરેક વર્ષ પહેલા સુશાંત રાજપૂતને લઈ ‘પાની’ નામની ફિલ્મ બનાવવાની ઘોષણા કરી ત્યારે એની ચર્ચા ઈન્ડસ્ટ્રીના ખૂણે ને ખાંચરે થઈ હતી. શેખર કપૂરે શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું. જોકે, અચાનક ફિલ્મના નિર્માણમાંથી યશરાજ ફિલ્મ્સ પાણીમાં બેસી જતા પ્રોજેક્ટ અભરાઈ પર ચડી ગયો હતો. એક અલાયદી ફિલ્મ બનાવવાથી શેખર કપૂર, એમાં અભિનય કરવાથી સુશાંત રાજપૂત અને એ જોવાથી સિને રસિકો વંચિત રહી ગયા. ૨૦૨૦માં સુશાંતનું અકાળે અવસાન થયા પછી ‘પાની’એ તો જળ સમાધિ લઈ લીધી એવી ચર્ચા થવા લાગી હતી. જોકે, ગયા વર્ષે ઓક્ટોબરમાં પોતાની નવી અંગ્રેજી ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઈ હતી ત્યારે મિસ્ટર કપૂરે ‘પાની’ ફરી પાણીની સપાટી પર આવી તરતી થશે એવા સંકેત આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ‘હા, પાની’ બનાવવા હું ઉત્સુક છું. કેટલાક નિર્માતાઓ સાથે વાતચીત ચાલી રહી છે, પણ બધું પાકે પાયે થયા પછી જ હું વિગતો આપીશ. ફિલ્મની પટકથા એકદમ નાટ્યાત્મક છે અને એમાં લવ સ્ટોરી અને બીજા પહેલુનો સમાવેશ છે. લવ સ્ટોરીમાં પાણી મહત્ત્વનો ભાગ ભજવે છે. વાર્તા સ્થૂળ ભાવથી સૂક્ષ્મ ભાવ તરફ આગળ વધે છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત ઈંગ્લિશમાં પણ તૈયાર થશે.
જાણવા જેવી વાત એ છે કે સુશાંતના અવસાન પછી શેખર કપૂરે ફિલ્મની પટકથાની એક ઝલક અને કેટલુંક રિસર્ચ મટિરિયલ અને શૂટ કરેલાં દ્રશ્યોના કેટલાક ફોટોગ્રાફ્સ મીડિયામાં રિલીઝ કર્યા હતા. ત્યારે તેમની રજૂઆત હતી કે ‘ફિલ્મની સ્ક્રિપ્ટ ભવિષ્યના એક શહેરમાં આકાર લે છે જ્યાં ધનવાન લોકો બધું જ પાણી પોતાના કબજામાં લઈ લે છે. પછી રાજકીય અને સામાજિક અંકુશ મેળવવા એ જ પાણીને હથિયાર તરીકે વાપરે છે. જો આપણે સાવધ નહીં રહીએ તો આપણા માથે શું વીતી શકે છે એ અંગે સાવધ કરતી વાર્તા છે.’ હવે અંગ્રેજીમાં પણ આ ફિલ્મ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી સ્ક્રિપ્ટમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નકારી શકાય નહીં.