Homeધર્મતેજગંગા નદીમાં વચ્ચે-વચ્ચે જે પણ નદી-નાળા-ઝરણા કે વહેણ મળે છે તે બધા...

ગંગા નદીમાં વચ્ચે-વચ્ચે જે પણ નદી-નાળા-ઝરણા કે વહેણ મળે છે તે બધા જ દુધમલ હોય છે

જૈન સાધુની હિમાલય યાત્રા – આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.

ગરૂડ ગંગા
જેઠ સુદ ૩, શનિવાર, તા. ૧૬-૬-૨૦૧૮
ગઇ કાલે સાંજે બીરહી આવવા માટે જ નીકળ્યા હતા. પણ પહોંચી શકયા નહીં. આજે તો વાતાવરણ એકદમ ચોખું છે ૨ કિ.મી. ચાલ્યા ત્યાં બીરહી આવ્યું. અહીં બીરહી ગંગા અલકનંદાને જઇ મળે છે. પાણી તો સાવ ઓછું થઇ ગયું છે પણ ધવલીમા જળવાઇ છે. એક વાત અચૂક જોઇ, ગંગા નદીમાં જે પણ વચ્ચે-વચ્ચે નદી-નાળા-ઝરણા કે વહેણ મળે છે તે બધા જ દુધમલ હોય છે. ગમે તેટલા દૂરથી નદી કેમ ન આવતી હોય જો તેને ગંગામાં ભળવું હોય તો અવશ્ય તેને શુકલસલિલા બનવું જ પડે.
એનો જીવંત દાખલો ભીલગંગા નદી જ લ્યોને. જે ક્ષેત્રમાંથી ગંગા-ભાગીરથી કે અલકનંદા આવે છે તે ક્ષેત્રની સાથે નાવા નિચોવા નોય સંબંધ નહીં રાખતી. ભીલંગણાનું પાણી પણ ધોળું હોય છે તે ટીહરીમાં આવી ભાગીરથીમાં ભળે છે એ જ રીતે બાલગંગાની વાત છે. અહીં આગળ ચાલ્યા તો ગરૂડગંગાનું પાણી પણ સફેદ. અરે સામા કાંઠાથી આવતા ઝરણા કે વહેણનું પાણી જુઓ તો પણ સફેદ છે. શું છે એવું ગંગામાં કે બધાને ધોળું ધોળું કરી મૂકે. ગરૂડગંગા તો ચાય જેવા પાણીને વહાવી રહી છે. શિખર પર હમણા તો બરફ બધો પીગળી ગયો છે વરસાદ પડે તો સુકો પથરીલો પહાડ પાણી સાથે માટી જ આવવા દે. જ્યાં જ્યાં બરફનો વરસાદ થાય છે ત્યાં ત્યાં વૃક્ષો ઊગતા નથી ખુલ્લા કાળમીંઢ ખડગ હોય. અને જ્યાં માત્ર પાણીનો વરસાદ પડે ત્યાં તો અડાબીડ જંગલ ઊભું થઇ ગયું હોય. વૃક્ષોવગરના નાગા પહાડોને ખડગોનું રણ કહી શકાય અથવા લીલું રણ કહો તો પણ વાંધો નહીં. ભલે હમણા અહીં શિખરો પર બરફ નથી પણ સાવ વૃક્ષ-વેલાઓ વિનાના જોઇને તરત કહી શકાય કે આ બરફનાં જ પહાડ છે. બરફ મહિનાઓ સુધી આ શિખરો પર પથરાયેલો રહેતો હશે પરિણામે એક તણખલું પણ અહીં ઊગવા સમર્થ નથી. ક્યાંક ગાયું છે ‘હિમ દહે વન ખંડને’ હમણા બરફની મોસમ નથી. એટલે હિમહિન શિખરો જોઇને જ રાજી થવાનું. આજથી ૩-૪ વર્ષ પહેલાં છેક ચમોલી સુધી શિખરો ઉપર બારે મહિના બરફ રહેતો એવું સ્થાનિક લોકોનું કહેવું છે. છેલ્લાં વર્ષોમાં વાહન વ્યવહાર વધી જવું, નદીઓ પર પાવરપ્લાન્ટ નાખવા જેવા કારણોસર વાતાવરણને ભયંકર નુકસાન થયું છે તેથી હવે બરફ રહેતો નથી. માણસના પાપે ધીરે ધીરે બર્ફિલો હિમાલય હવે નાનો થતો
જાય છે.
માણસની જાતે કુદરતની સામે બાથ ભીડી છે પણ એના પરિણામ સારા નહીં આવે એવું વિચારકો અનારનવાર કહે છે. હિમાલય ક્ષેત્રમાં ૬૦ ટકા ઝરણાઓ છેલ્લા ૧૦-૧૨ વર્ષમાં હંમેશાં માટે બંધ થઈ ગયા છે એવું અહિના સ્થાનિક લોકો કહે છે. આવનારા યાત્રિકો યાત્રા કરવા તો આવતા નથી માત્ર પિકનિક મનાવવા આવે આખા હિમાલયને વિવિધ જાતના કચરાથી ભરી મૂકે એનું પરિણામ સ્થાનિક રહેવાસીઓએ ભોગવવું પડે. દર વરસે ઉત્તરાખંડમાંથી લાખો લોકો સ્થાનાંતર કરે છે. સરકાર ખૂબ મહેનત કરે છે એ બધાને રોકવા માટે પણ કોઈ અસર નથી. માણસ તો માણસ જ છે. જ્યાં રહે ત્યાંની ધરતીને ખરાબ કર્યા વિના રહે નહીં. અરે ધરતી શું ત્યાંની હવાને પણ ગંદી કરી મૂકે. આખા વાતાવરણને બગાડી મૂકે. માત્ર હિમાલયની આ વાત નથી આખા વિશ્ર્વમાં માનવજાતે કેવા પરાક્રમ કર્યા છે એની વાતો આખી દુનિયા જાણે છે. આ ધરતી કેટલું સહન કરશે?
આ પવિત્ર નદીઓનાં પાણીમાંથી ઈલેક્ટ્રિક કંરટ ઉત્પાદન કરવા માટે કેવાં કેવાં મશીનો અહીં લગાવેલા છે. તે સંબંધી રોડ-રસ્તા-રહેણાંક-ગોડાઉન વિગેરે બનાવવા માટે હિમાલયના શા હાલ કર્યા છે નજરે જુએ એને ખબર પડે. દેવભૂમિને દેવભૂમિ રહેવા દીધી નથી. હજુ તો શરૂઆત છે, હજુ ૧૦ વર્ષ જવા દો સ્થિતિ ખૂબ દયનીય થશે એવી પૂરી સંભાવના છે. કોઈએ હિમાલય આવવું હોય તો હજુ મોડું થયું નથી હજુ આવી જાવ ઘણું મોડું કરવું નહીં.
સવારે વાતાવરણ સાવ કોરું ધાકોર હતું વિહાર સરસ થયો. ઉતરવાનું ઓછું અને ચઢવાનું જ વધારે હતું. રસ્તામાં બરહી-માયાપુર-પીપલકોટી આદિ ગામ આવ્યા અને ગયા માયાપુરમાં સમભાવ આશ્રમમાં રહેવાની વ્યવસ્થા થઈ શકે. રસ્તામાં ઘણી બધી નદીઓ – ઝરણાઓ અલકનંદામાં ભળી ગયાં. અહીં પણ ગરૂડગંગા અલકનંદામાં જઈ મળે છે. નદી કાંઠે ગરૂડનું મંદિર છે. થોડાક લોકો દર્શન માટે જાય છે બાકી તો બધાને ખૂબ ઉતાવળ હોય છે. અલકનંદા તો ખૂબ ઊંડી જતી રહી છે.
વાતાવરણ ચોખ્ખું હતું સાંજે ૧૦-૧૧ કિ.મી.નો વિહાર થયો વચ્ચે પાતાળગંગા નદી અલકનંદામાં ભળી ગઈ. દૂર-દૂર મહાકાય ગીરીશીખરો આભને ટેકો દઈ ઊભા છે. શીખરો પર બરફનું સામ્રાજ્ય છવાયેલું છે. સૂર્યકિરણોથી ચમકી શકે તેવી શક્યતા નથી જુઓને વાદળાઓએ તેઓ ઉપર આસન જમાવ્યું છે. પગે ચાલીને જતા બાવા-જોગીઓ ઘણા મળે છે. વિવિધ પ્રકારે જય બોલાવે છે. કોઈ સીતારામ યાદ કરે તો કોઈ ગંગાને કોઈ બદ્રીજીને યાદ કરે તો કોઈ શિવને. બસ પ્રવાહ ચાલતો રહે છે. આજે સાંજે પણ અમને પેલી છફૂટીએ ૧ કિ.મી. ઓછું કરી આપ્યું.
અહીં ઘરોની સુંદરતા ઉડીને આંખે વળગે તેવી છે. ચારેબાજુ લીલુંછમ વાતાવરણ હોવા છતાં ઘરની ચારે બાજુ વિવિધ જાતના જંગલી ફૂલો ઉગાવે. જાણે એક નાનકડી ફૂલવાડીમાં જ ઘર હોય તેવું લાગે. અહીં ગુલાબ ખૂબ મોટા અને ઉઠાવદાર રંગના થાય છે. બીજા પણ ફૂલોનો કોઈ પાર નથી. લાલ-પીળા-સફેદ-નારંગી-વાદળી-જાંબલી જે કલરનાં ફૂલ તમે વિચારો તેવા અહીં ઘરે ઘર મળી. તેમાંય વળી ફળઝાડ તો હોય જ. ક્યાંક સફરજન હોય તો ક્યાંક દાડમ વળી આલુબુખારા-પીચ-અખરોટ-લીંબું-સંતરા-મોસંબી-આંબા તો ઠેકાણે – ઠેકાણે જોવા મળે. કદાચ કોઈક ઘર જ બાકી હશે કે જેમના ઘરમાં કોઈને કોઈ ફળઝાડ ન હોય. ખરેખર સુરમ્ય વાતાવરણમાં ચાલવાની મઝા આવે. રોડ પર ચાલતા-ચાલતા તો ચીડ-દેવદાર-શીશમ-ભોજપત્ર-બૉટલબુશ આદિ વૃક્ષો તો છાયો આપવા માટે તૈયાર જ હોય. જુઓ તો ખરા સામે ઉન્નત શીખરો પર બરફ ઝળકી રહ્યો છે અમે ચાલીએ છીએ ત્યાં ડગલે ને પગલે રંગબેરંગી ફૂલોની બિછાત છે. નીચે અલકનંદાએ તો આખા વાતાવરણને વશમાં કર્યું છે. એક તરફ મસમોટા વાદળો દોડા – દોડ કરી રહ્યા છે. કાળામોઢાવાળા જંગલી વાંદરાઓનું તોફાન કેમેય કરીને ઓછું થતું નથી તો લાલમોંઢાવાળા વાંદરા અવાર-નવાર ભૂસ્ખલન કર્યા કરે છે. ઉપર વાંદરા ચાલતા હોય તો ૨-૪ પત્થર નીચે આવ્યા જ સમજો. સાવધાન થઈને ચાલવું પડે નહીં તો લાલ-લાલ થઈ જવાય. સવારે ૮ વાગ્યા સુધી તો વાહન વ્યવહાર ઓછો હોય ત્યાં સુધી તો ક્યાંય આગળ નીકળી ગયા હોઈએ. સવારે સવા પાંચ વાગે સૂર્યોદય થાય અમે લગભગ સાડા પાંચ પોણા છ એ નીકળીએ આઠ વાગ્યા સુધીમાં તો ૧૦-૧૨ કિ.મી. ચાલી લીધું હોય. ૨-૪ કિ.મી. બાકી હોય ત્યારે ટ્રાફિક થવા લાગે. લગભગ ૯ વાગ્યા સુધીમાં તો અમે મુકામમાં પહોંચી જઈએ. આજે પણ રસ્તામાં ૨ સ્થાને ‘લંગર’ ચાલુ હતું. ભાવિકોએ ઘણો આગ્રહ કર્યો ભોજન ગ્રહણ કરવા માટે પણ તેમને સમજાવીને અમે આગળ નીકળ્યા. રાત્રિ વિશ્રામ માજી સરપંચનાં એક મકાનમાં હતું.
જોશીમઠ (ગેસ્ટ હાઉસ)
જેઠ સુદ ૪, રવિવાર, તા. ૧૭.૬.૨૦૧૮
અમારો અલગારી વિહાર આગળ વધી રહ્યો છે. ક્યાં જવા માટે નીકળ્યા હોઈએ અને ક્યાં પહોંચી જઈએ કંઈ કહેવાય નહીં. ગઈકાલે સાંજે એમ જ થયું! ચાલવાનું હતુ માત્ર ૬ કિ.મી. અને ચલાઈ ગયું ૧૧ કિ.મી. કારણ એક જ કે રસ્તામાં રહેવાયોગ્ય સ્થાન ક્યાંય મળ્યું નહીં. પાખી ગામ તો માત્ર ૩ કિ.મી. હતું એથી આગળ બીજા ૩ કિ.મી. ચાલીએ ત્યાં ટંગણી આવી, પણ ટંગણી ગામ તો રોડ થી છેક ઉપર. રોડ ઉપર કંઈ નહીં. ચાર થાંભલાનું એક બસ સ્ટેશન હવા ખાતું હતું. હવે આગળ ૧૦ કિ.મી. હેલંગ ગામ છે ત્યાં જ જવું પડે. એ તો સારું થયું અમે ૪ વાગે વિહાર પ્રારંભ કર્યો હતો ૭.૧૫ સૂર્યાસ્ત થાય. સૂર્યાસ્ત સુધી હેલંગ પહોંચી જવા પણ સાંજે ૧૬ કિ.મી.નો વિહાર ભારે પડી જાય. વ્યવસ્થાપકોને કહ્યું તો ખરું ભાઈ! એ પહેલા કંઈ આવે તો જો જો પણ શું આવે? રસ્તામાં એક મોટી ઊંડી ખાઈ આવી રોડ છેક ખાઈમાં નીચે ઊતરી ગૂંચળું વળીને ઉપર ચઢતો હતો. ૩-૪ કિ.મી. તો એ ગૂંચળામાં જ જતા રહે. શોર્ટકટની શોધ ઘણી કરી પણ આ સીધી ભેખડવાળી ખીણ તો સ્વર્ગવાસનો સીધો શોર્ટકટ બતાવતી હતી. અમે તો સમજણા થઈ રોડે-રોડ જ ચાલ્યા. ભલે થોડું ચાલવું પડશે તે જ ને. સારી વાત એ હતી કે આકાશમાં સૂરજ તપતો હતો વરસાદી વાદળો દૂર ચાલ્યા ગયા હતા. એ આવે ત્યાં સુધી તો અમે ઘણો પંથ કાપી નાખશું. પણ આગળ ચાલ્યા ત્યા તો હેલંગ ૫ કિ.મી.ના પત્થરની બાજુમાં જ અમારી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. એક રીતે કહો તો ૫ કિ.મી. ઓછું ચાલવું પડ્યું. મકાન માલિક ખૂબ ભાવિક હતો અમે પ્રવેશ કર્યો ત્યાં તેણે વધાવ્યા ‘દેવભૂમિ મેં આપકા હાર્દિક સ્વાગત હૈ’ ભોજન આદિ માટેની વિનંતી કરી પણ અમારે તો એકાસણા થઈ ગયા હતા. આહાર પાણી કંઈ લેવાય તેમ ન હતું. રાત્રે પણ વરસાદ આવ્યો નહીં.
આજે સવારે નીકળ્યા તો પણ વાતાવરણ તો વાદળછાયું હતું પણ વરસાદનો હજુ અણસાર આવ્યો ન હતો. વાદળ કદાચ પાણી ભરવા ગયા હશે. હેલંગ પહોંચ્યા ત્યાં સુધી તો પરસેવાથી રેબઝેબ થઈ ગયા. એમાય હેલંગ પછી ૮-૧૦ કિ.મી.નું મોટું ગૂંચળું આવ્યું. રોડ તો છે સામે પહાડ પર ચઢી જતો દેખાતો હતો. સારું થયું એ તો ‘છફૂટી’ એ લાજ રાખી લીધી. ‘વૃદ્ધબદરી’ થઈને અમને છેક ઉપર પહોંચાડી દીધા. ૪-૫ કિ.મી. ઓછા થઈ ગયા. રોડ ગમે તેટલો મોટો હોય સારો હોય પણ સંકટ સમયે તો છફૂટીએ જ સાથ આપ્યો છે. (ક્રમશ:)ઉ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -