Homeતરો તાજાગમે તેટલા ઝડપી ચાલો પણ કોઇ ને કોઇ અવરોધ આવ્યો જ સમજો

ગમે તેટલા ઝડપી ચાલો પણ કોઇ ને કોઇ અવરોધ આવ્યો જ સમજો

જૈન સાધુની હિમાલય યાત્રા – આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.

લીલોતરી નહીં. પાણીનો છાંટો નથી. થોડી થોડી ઉપર ચઢે. આગળ પાછળ ૨-૪ યાત્રિકો આવતા રહે. એકલા જંગલમાં ગંગા કિનારે આગળ વધી રહ્યા હતા. ત્યાં એક બોર્ડ આવ્યું. ગૌમુખ ૧૮ કિ.મી. કુલ ૮ કલાકમાં યાત્રા થશે. અમે વિચાર્યું કે ૧૮ કિ.મી.માં ૮ કલાક? ઠીક છે જનરલ પબ્લિક માટે આટલો સમય બરાબર છે, પણ આપણને તો આટલો સમય નહીં લાગે. ૪-૫ કલાકમાં પહોંચી જઇશું, પણ આ અમારી ધારણા ઠગારી નીવડી. સાચ્ચે જ ૮ કલાક થયા.
એક કલાકમાં ૨ કિ.મી.થી વધારે ચલાય જ નહીં. ક્યાંક થાક ખાવા બેસવું પડે તો ક્યાંક ઉત્તુંગ હિમશિખરો આપણને જબરજસ્તી જકડી રાખે. વળી ક્યાંક વાંકળિયા વહેણ આપણો માર્ગ રોકીને બેસી જાય. તો વળી ચિત્રવિચિત્ર ચમત્કારી ઔષધિઓ આડો આંક વાળે. ગમે તેટલા ઝડપી ચાલો પણ કોઇ ને કોઇ અવરોધ આવ્યો જ સમજો. કંઇ ન આવે તો જંગલી બકરા જોવામાં સમય જાય. ત્યાં વળી હરણિયાની ઊછળકૂદ આપણા પગને બાંધી દે. હજુ થોડું વધુ ચાલવાનો પ્રયત્ન કરીએ તો ભૂસ્ખલનના ગબડતા પથ્થરો મહાવિઘ્ન ઊભું કરે. ૧૮ કિ.મી.માં એવાં ઘણાં સ્થાનો છે જ્યાંથી સતત પથ્થરો પડ્યા જ કરે છે. એક તરફ ઊંડી નદી, ચાલવાનો રસ્તો માંડ ૪ ફૂટનો અને ઉપરથી ગબડતા પથ્થરો. ખૂબ સાવચેતીથી આગળ વધવાનું. ઉપર ધ્યાન રાખીએ તો નીચે ધ્યાન ચૂકી જવાય. નીચે ધ્યાન રાખીએ તો ઉપરથી માથું ફૂટ્યું જ સમજો. ડુંગર ઉપર બકરા અને હરણિયા ઊતર-ચઢ કરતાં હોય, તેમના પગથી સરકેલા પથ્થરો નીચે ગબડે. ઉપરથી આવતી નાની કાંકરી પણ બંદૂકની ગોળીની જેમ લાગે તો મોટા પથ્થર પડે તો શું થાય, કલ્પના કરવી સહેલી નથી.
અડધો કલાક ચાલ્યા ત્યાં જંગલ ખાતાની ઓફિસ આવી. અમારા પરમિશન પત્ર અહીં જમા થયા. આજ અને આવતી કાલ એમ બે દિવસ આ જંગલમાં રહેવાની પરમિશન મળી, કારણ કે એક દિવસ જતાં અને બીજો દિવસ પાછા આવતાં થશે. સાથે લાભુભાઇ-રાજુ અને સંજય એમ ત્રણેય વ્યક્તિઓની પરમિશન ચેક કરી. ૨૦૦ રૂ. ડિપોઝિટ લીધી. કોઇ પણ પ્લાસ્ટિક સામાન લઇ જવા માટે સખત પ્રતિબંધ છે. તે અંગે પણ ઘટતી તપાસ થઇ. અમે આગળ ચાલ્યા ત્યાં તો જાણે હનુમાનજીનો સંજીવની પર્વત પ્રગટ થયો. જ્યાં જુઓ ત્યાં ચિત્રવિચિત્ર દિવ્ય વનસ્પતિઓ જાણે આપણું સ્વાગત કરતી હોય તેવું લાગે. આ વનસ્પતિઓ દિવ્ય એટલા માટે છે કે આ બધામાં કોઇ ને કોઇ દિવ્ય તત્ત્વનો વાસ છે. એની સામે જોતાં જ જાણે મરકી ઊઠે જાણે આપણી સાથે વાત કરવા માગે છે. ખૂબ જ આકર્ષણ ઊભું કરે. એક-એક ડગલે આવી માયાજાળ પથરાયેલી છે. અહીં કોણ વધી શકે આગળ. ઔષધના ખરા જાણકારને અહીં લાવવા જોઇએ. આ દુનિયામાં કોઇ જ સંજીવનીનો ક્ષય થયો નથી. બધી અમારી નજરની સામે જ છે. તેઓ તો ઓળખવાળાની પ્રતીક્ષા કરે છે. ઠંડા વાતાવરણમાં ખૂબ રસ-કસ અને સત્ત્વ યુક્ત ફૂલ, ફળ અને પત્રોને જોઇને દિવ્યતાનો અનુભવ થાય છે. અમે તો એક-એક વનસ્પતિના રંગ, રૂપ, આકાર-પ્રકાર જાણતા-માણતા આગળ વધતા હતા. ચેકિંગ ઓફિસથી લગભગ ૨-૩ કિ.મી. ચાલ્યા ત્યાં ભોજપત્રનાં વૃક્ષો સૌપ્રથમ જોવા મળ્યાં. આમ તો જાણ્યું હતું કે ભોજવાસામાં ભોજપત્રોનાં વૃક્ષોનું વન છે, પણ આ તો અહીં જ આવી ગયાં. અમને ખબર એમ પડી કે ચાલતાં-ચાલતાં જ રસ્તામાં ભોજપત્રો વિખરાયેલાં પડ્યાં હતાં. એનો અર્થ એ કે આજુ-બાજુ આવાં વૃક્ષો હશે. જોયું તો ચારેબાજુ ભોજપત્રનાં જ વૃક્ષો. પીપળાના પાન જેવા આકારનાં નાનાં પાન, સાવ લીસું થડ-લાકડું. લાંબા સેતૂર જેવા ફળ, લાકડા ઉપર એક સાથે ૪૦-૫૦ ભોજપત્રના પાતળા થર. જેમ-જેમ લાકડું જાડું થતું જાય તેમ એક પછી એક થર પોતાની મેળે જ ખરી જાય. એક ભોજપત્રના વૃક્ષની નીચે ઊભા રહી લગભગ અડધો કલાક સુધી ભોજપત્રની પીછાણ કરી. જિંદગીમાં પહેલી વાર ભોજપત્રનું વૃક્ષ જોયું હતું અને ચારે બાજુ ભોજપત્ર ભોજપત્ર બસ બીજું કાંઈજ નથી. અહીં તો નદી ઉપર પુલ બનાવવો હોય તો પણ ભોજપત્રનું જ લાકડું વપરાય. ઠંડીમાં તાપણું કરવું હોય તો પણ ભોજપત્ર જ વપરાય. અન્ય કોઈપણ ઉપયોગ માટે લાકડું ભોજપત્રનું જ વપરાય. આટલું મોટું મહાવન જોઈને હૈયું હરખથી હેલે ચઢયું. આ એ જ પરમ પવિત્ર વૃક્ષો છે, જેના પર મારા પ્રભુની વાણી હજારો વર્ષો સુધી સચવાઈ રહી છે. ધન્યભાગ આ વૃક્ષના જીવોના. દરેક પવિત્ર કાર્યમાં ભોજપત્રની આવશ્યકતા પડે. કદાચ દુનિયામાં ભોજપત્રથી પવિત્ર કોઈ વૃક્ષ કે વૃક્ષની છાલ નહીં હોય. રસ્તામાં ચાલતા મંદ – મંદ મીઠો વાયુ ભોજ વૃક્ષમાં ચળાઈને આવતો હતો. ભોજની જુદી જાતની સુગંધને માણતા બરાબર સાડા ૩ કલાકે અમે ચીડવાસા પહોંચ્યા. ઘડિયાળમાં ૯.૩૦ વાગુ વાગુ થઈ રહ્યા હતા. ચીડવાસામાં તો હજારો ચીડના વૃક્ષો છે. એટલે જ કદાચ ચીડવાસા નામ પડ્યું હશે. અહીં કદાચ પૂર્વ કાળમાં ગામ હશે. હમણાં તો એક હૉટલ અને એક છાપરું વિશ્રામ કરવા માટે છે. ખચ્ચરવાળા અહીં થોડો આરામ કરે. ચા-પાણી કરી આગળ વધે. ચાનો ભાવ પચીસ રૂ. અહીં ગંગોત્રી ગ્લેશીયસ સામે જ દેખાય છે. બરફનો આખો મહાપીંડ. એની તળેટીમાં જ અમારે પહોંચવાનું છે. ત્યાં જ ગૌમુખ છે. ગંગા અમારી સાથે જ હતી. ખૂબ ઉતાવળમાં પ્રભૂત જલ પ્રવાહ ઘસમસતો આગળ વધતો હતો. અમે સમુદ્ર લેવલથી લગભગ ૧૨૦૦૦ ફૂટથી પણ ઉપર ચાલી રહ્યા હતા. આસપાસના બધા જ હિમાચ્છાદિત ગિરિ શિખરો આભને ટેકો દેવા ઊભા હતા. ઘણી ઠંડી ન હતી. સૂરજ હજી તો શિખરની પાછળ છે. ચીડવાસામાં થોડી મિનિટ આરામ કરીને આગળની યાત્રા ચાલુ થઈ. થોડું ચાલ્યા ત્યાં બીજી ચેક પોસ્ટ આવી ત્યાં પણ અમારી નોંધ લેાવઈ. આગળ ચાલ્યા. બસ હવે તો ભોજવાસા પાંચ કિ.મી. છે. એક કલાકમાં પહોંચવાની ગણતરી છે. પણ નહીં પહોંચાય. હવે તો ભોજનું વન વધુ ઘાટું થતું જાય છે. હિમશિખરો વધુ ચમકદાર થતા જાય છે. અમારી ઉપર સૂરજનો પ્રકાશ પડતો નથી પણ બરફથી પ્રતિબિંબિત થયેલી આભા જ એક અલૌકિક પ્રકાશનું નિર્માણ કરી રહી છે. એમાં અમે પ્રવાહિત છીએ. જાણે કોઈ રૂપેરી આભામાં પ્રવાસ કરી રહ્યા હોઈએ તેવું લાગે છે. રસ્તો વધુ કઠીન અને નાનો થતો જાય છે. હવે તો માત્ર બે ફૂટની કેડીમાં ચાલવાનું છે. એમાંય અણીધાર પથ્થર, ઉપરથી પડેલા પથ્થરો. ક્યાંક વળી કેડી તૂટી ગઈ હોય તો બાજુમાંથી ચાલવાનું. નીચે ઊંડી ખીણ. ગબળ્યા તો સીધા ગંગા શરણ. ખૂબ સાચવીને ડગલું ભરવાનું. સામે પિરામિડ આકારનું શિવલિંગ શિખર પ્રકારથી ઝળહળા થઈ રહ્યું હતું. તો બીજી તરફ ગૌમુખ પર્વત સાવ પારદર્શી થઈ ગયો હતો. કદાચ આવું જ સ્વર્ગ હશે શું? કે આજ સ્વર્ગ છે શું? સાડા બાર વાગ્યે અમે ભોજવાસા પહોંચ્યા. હવે તો પગ ખરેખરા થાકી ગયા હતા. ભોજવાસા થોડું નીચે ઊતરીને મોટા મેદાનમાં હતું. અહીં પણ ગામ નથી. એક બંગાલી લાલબાબાનો આશ્રમ છે. અને ટ્રેકિંગ કરનારાઓના કેમ્પ લાગેલા હતા. આગળ હજુ ૪ કિ.મી. ચાલવાનું બાકી છે. વિચાયુર્ં હવે ગોચરી વાપરીને થોડો થાક ઉતારીને જ આગળ વધીશું. રાત્રિ વિશ્રામ અહીં આશ્રમમાં જ કરીશું. તેમ જ કર્યું. આશ્રમમાં અન્નક્ષેત્ર ચાલુ જ છે. સારું થયું અહીં કંદમૂળ – લીલોતરી કે કંઈ મળતું જ નથી. માત્ર મગની દાળ અને ભાત હતા. કામ થઈ ગયું. ગોચરી વાપરી. થોડો વિશ્રામ કરી બપોરે બે વાગ્યે અમારી યાત્રા આગળ વધી. વાતાવરણ સાવ ઠંડું હતું. તે હોય જ ને ચારે તરફ શિખરો ઉપર બરફ ચમકતો હતો. હવે તો માત્ર ૪ કિ.મી. ચાલવાનું હતું. એક કલાકમાં બે કિ.મી.ના હિસાબે પાછા આવતા સુધી ૪-૫ કલાક લાગે. સાંજે ૭ વાગ્યા સુધી પાછા આવી જવાની ગણતરી હતી. અમે ગૌમુખના રસ્તે ચડ્યા પણ આ કઈ રસ્તો છે. હનુમાનજીએ, પથ્થર નાખીને રામ સેતુ બનાવેલો હોય એમ છૂટા પથ્થર ગોઠવીને રસ્તો બનાવ્યો હતો. શરૂઆતમાં જ એક-દોઢ કિ.મી. આવા રસ્તાએ પગના બધા હાડકા ઢીલા કરી નાખ્યા. ત્યાં વળી નદીનો ખાલી પટ આવ્યો. રેતીમાં વિશ્રામ કરવા બેઠા હજુ તો બે અઢી કિ.મી. ચાલવાનું છે. ઘડિયાળમાં ૩ વાગ્યા છે. પાણી વાપર્યું. આજુબાજુના દૃશ્યનું અમૃતપાન કર્યું. યાત્રા આગળ વધી. ૧ કિ.મી. ચાલ્યા ત્યાં જ સામે કેટલાક યાત્રિકો મળ્યા. એમણે સમાચાર આપ્યા કે છેક ગૌમુખ સુધી જવાય તેવો રસ્તો જ નથી. વચ્ચે ભૂસ્ખલન ચાલુ છે. મોટા-મોટા પથ્થરો પડી રહ્યા છે જો કે હવે અમારું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -