Homeઈન્ટરવલહિમાલયનાં બકરાનાં ઊનની એક કામળી ગમે તેવી ઠંડી રોકવા સમર્થ છે

હિમાલયનાં બકરાનાં ઊનની એક કામળી ગમે તેવી ઠંડી રોકવા સમર્થ છે

જૈન સાધુની હિમાલય યાત્રા- આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.

(ગતાંકથી ચાલુ)
રોડ તો હતો જ નહીં એમ કહો તો ચાલે. મોટા મોટા પથ્થર ઉપરથી જ વાહનો આવ-જા કરતાં હતાં. અમારે પણ તેના ઉપરથી જ ચાલવાનું હતું. ચાલ્યા, ઉપરથી પથ્થર ગબડતા ગબડતા પસાર થઈ રહ્યા હતા. ગાડીનો થોડો પણ અવાજ સંભળાય કે તેના પ્રતિઘાતથી આઘાત પામતા પથ્થરો ક્યારે ગગડે કંઈ કહેવાય નહીં. જાણે તોપમાંથી ગોળા છૂટતા હોય એટલા વેગથી નીચે ઘસતા આવી નદીમાં જઈ પડે. ખૂબ સાવધાનીપૂર્વક ચાલતા લગભગ ૨ કિ.મી.નું આપત્તિજનક ક્ષેત્ર પુરૂં કર્યું. થાકી ગયા. સાંજનો વિહાર ૧૦ કિ.મી.નો હતો. જાણવા પ્રમાણે આગળ શોર્ટક્ટ આવશે એમાં ૩-૪ કિ.મી. ઓછું થઈ જશે એટલા માટે ચાલ્યા હતા. વાત સાચી જ હતી. ૪ કિ.મી. ચાલ્યાં ત્યાં શોર્ટકટ રસ્તો આવી ગયો. એક દોઢ કિ.મી. ચાલ્યા ત્યાં તો છેક હનુમાન ચટ્ટીમાં હનુમાનજીના મંદિર પાસે પહોંચી ગયા. રોડ તો ક્યાંય ફરીને આવેલો.
હનુમાન ચટ્ટી રહેવા માટે બસ સ્ટેન્ડની પાછળ ૮’ડ૮’ની રૂમ મળી એમાં ૪ જણને સમાવવાના બાકી ૩ બહાર સુવાના હતા પરંતુ, બહાર ઠંડી હતી. રૂમમાં ૬ જણ અને એકે ગાડીમાં રાત્રી વિશ્રામ કર્યો. થાક સારો લાગ્યો હતો. એમ કહો ને રાતના જે પડખે સૂતા એ જ પડખે સવારે ઊઠયા. ઘેરી ઊંઘ અને ઠંડીના કારણે પડખું કોઈએ ફેરવ્યું નહીં હોય. સવારે રૂમનો દરવાજો ખોલ્યો તો ધવલ ઉજાસ છેક રૂમમાં ફરી વળ્યો. આંખો ખુલે નહિ એટલો પ્રકાશ ચમકતો હતો. સામે સોનેરી હિમશિખરો ચમકી રહ્યા હતા. જાણે હજાર હજાર સોનાના સૂરજ હોય તેવો ભાસ થતો હતો. થાય જ ને. આજે અમને આદિશ્ર્વર દાદાના દર્શન થવાના હતા. રાહ શાની જોવાની? નીકળી પડ્યા. ૧૦. કિ.મી. ચાલ્યા પણ ચઢાણનાં કારણે ૨૦ જેવા થઈ પડ્યા એમાંય શોર્ટકટ રસ્તેથી ઓછું થયું બરાબર ૮.૩૦ વાગે અમે આદિશ્ર્વર દાદાના દરબારમાં બેઠા છીએ. પ્રભુ! આવી ગયા અમે આપનાં ચરણોમાં.
બદ્રીનાથમાં પ્રભુની અમીદૃષ્ટિની અમીધારામાં ઝીલવાનો પહેલો દિવસ અમારો જેઠ સુદ ૬, મંગળવાર, તા. ૧૯.૬.૨૦૧૮.
બદ્રીનાથ
જેઠ સુદ ૬, મંગળવાર, તા. ૧૯.૬.૨૦૧૮
આજે સવારે સોનાનો સૂરજ ઊગ્યો. આદિશ્ર્વર દાદાનાં ચરણોમાં બેઠી છીએ. સાડા આઠ વાગ્યા સુધી તો બદ્રીનાથ પહોંચી ગયા. ગામમાં પ્રવેશતા જ સૌ પહેલાં શ્ર્વેતાંબર જૈન ધર્મશાળા આવે. આ જ તો અમારું લક્ષ્ય હતું. અને પહોંચ્યા ખૂબ ભાવથી પ્રભુને ભેટ્યા. અહીંના મેનેજર અમિતભાઈ પણ હાજર જ હતા. અમે હોલમાં રહેવાનું પસંદ કર્યું. અમિતભાઈએ કહ્યું હોલમાં ઠંડી ઘણી લાગશે. રૂમમાં રહો. પણ અમને હોલ વધુ અનુકૂળ લાગ્યો.
બદ્રીનાથ ગામની ચારે બાજુ પહાડ બરફથી ઢંકાયેલા છે. ઉપાશ્રયની આગળ પાછળ શિખરો પર બરફ જામેલો છે. અહીં બેઠા બેઠા બારીમાંથી દેખાય છે. ઠંડી તો હતી જ.
પહેલી મુલાકાત અમિતભાઈ સાથે થઈ. બદ્રીનાથ- માણા- આસ-પાસ ક્ષેત્ર કાળનો પરિચય મેળવ્યો. જિનાલયમાં કામ બંધ અંગે કેટલીક વાત તેઓએ કરી. આવતીકાલે સવારે બદ્રીનાથમાં મૂળ પ્રતિમાના દર્શને જવાનું નક્કી કર્યું. સમય આપ્યો સવારે ૪.૦૦ વાગ્યાનો આજે તો પ્રભુભક્તિ કરીને થાક ઉતારવાનું જ વિચાર્યું.
મુંબઈથી અનિલભાઈ પરિવાર સાથે આવી પહોંચ્યો છે તેમની સાથે જ ટોકરશીભાઈ આધોઈવાળા મિત્રમંડળી સાથે આવ્યા છે. ગણપતભાઈ કિશનગઢવાળા અને વસંતભાઈ ઉડીસાવાળા પણ ૧૦-૧૨ દિવસ રહેવા આવી પહોંચ્યા છે. વાતાવરણમાં આનંદ સમાતો નથી. આકાશ તો વાદળથી ભરેલું છે. જોકે વરસાદ નથી.
બીજા દિવસે સમયસર અમે બદ્રીમંદિર પહોંચ્યા. ફૂલમાળા આદિ આવરણ દૂર થયા ત્યારે પ્રભુ પ્રતિમા પ્રગટ થઈ. લગભગ ૧૧ ઈંચનાં શ્યામવરણ પદ્માસનસ્થ પ્રભુ બિરાજ્યા છે. લગભગ ૧૦ મિનિટ સુધી અને બરાબર ધારીને દર્શન કર્યા. પ્રભુનું મુખ ઘસાઈ ગયું છે અથવા ખંડિત થઈ ગયું છે. પ્રતિમાનો આકાર માત્ર દેખાય છે. લગભગ આખું બીંબ ઘસાઈ ગયું છે. મુનિ પ્રિયંકરવિજય લેખિત ‘રુવપળબ્રૂ રુડક્કડયૃણ’ પુસ્તકમાં બદ્રીનાથજીનો ફોટો આપેલો છે જે સ્પષ્ટ જૈન તીર્થંકરની પ્રતિમા છે. શ્યામ આદિશ્ર્વર પ્રભુના પ્રતિમાજી હોય તેવું સ્પષ્ટ લાગે છે. વિ. સં. ૧૯૯૫માં બદ્રીનાથ આવેલા મુનિ પ્રિયંકરવિજયજી લખે છે કે-બદ્રીનાથના મંદિર પરિસરમાં દોઢ ફૂટ ઊંચી કાઉસગ્સ મુદ્રામાં એક પ્રતિમા છે. અભિષેક લગભગ ૨ કલાક ચાલ્યો. કોઈ પણ વ્યક્તિ આ વખતે પ્રભુના દર્શન કરી શકે. મુખ્ય મંદિરની જમણી બાજું ઘંટાકર્ણ વીરનું મંદિર છે જે અહીંના ક્ષેત્રપાલ મનાય છે. એક તરફ આદ્યશંકરાચાર્યની ગાદી છે. મુખ્ય દ્વારમાં પ્રવેશ કરતાં જ બે પુરોહિતો અભ્યાગતોને ચાંદલો કરીને ભંડારમાં પૈસા પૂરવાનો આગ્રહ કરી રહ્યા છે. અધિકાંશ યાત્રાળુઓ તો આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુના છે. બાકી તો ઘણા ઓછા છે.
બદ્રીનાથ એટલે “બદ્રીવૃક્ષ નીચે પદ્માસનસ્થ બદ્રીનારાયણ વિષ્ણુમૂર્તિ’ હમણા તો કંઈ બદ્રીનું વૃક્ષ નથી. ‘બદ્રી’નો અર્થ જો બદરી-બોરડી કરતા હોય તો એ અયથાર્થ થશે કારણ કે આખા હિમાલયમાં ક્યાંય બોરનાં વૃક્ષો છે જ નહીં. બદ્રી નામનું કોઈ બીજું વૃક્ષ હશે. બૌદ્ધો બદ્રીનારાયણની મૂર્તિને બુદ્ધપ્રતિમા માને છે. વળી બદ્રીનાથનાં મૂળગર્ભગૃહમાં એક બુદ્ધપ્રતિમા પણ છે. બાકી કાળા પત્થરનું સામાન્ય મંદિર છે. મુખ્યદ્વાર લાકડાના કોતર કામવાળું ભવ્ય છે. ફ્રન્ટ એલીવેશન ખુબ સરસ લાગે છે. આખાય કંપાઉન્ડમાં લાકડાની ટાઈલ્સ લગાવી છે. સવારે મહાઅભિષેકનો લાભ લેવો હોય તો ૪૩૦૦/- રૂપિયા પ્રતિ વ્યક્તિદીઠ ચાર્જ છે. જે ૪.૩૦ થી ૭.૦૦ વાગ્યા સુધી મંદિરમાં જ બેસીને ૫૦ જણ માટે વી.વી.આઈ.પી. કાર્ડવાળા માણસો માટે છે. મંદિરની આગળ જ અલકનંદા વહી રહી છે. મંદિરની એક બાજુમાં ગરમ પાણીના કુંડ છે. ત્રીજો, ચોથો દિવસ પણ પરમાત્માની પાસે જાપ – ધ્યાન – ભક્તિ કરવામાં વિતાવ્યો. અહિંના હાથ બનાવટની કામળીઓ સરસ હોય છે. હિમાલયનાં બકરાનાં ઉનની એક કામળી ગમે તેવી ઠંડી રોકવા સમર્થ છે. તાપમાન ૫ ડિગ્રીથી લઈને ૧૦ ડિગ્રી હોય તો પણ એક કામળી જ ઠંડી રોકી શકે છે. અહિં એક વૃદ્ધવૈદ્ય છે. નિર્દોષ અને કામયાબ દવા આપે છે. હિમાલયની જડી બુટ્ટીનો પ્રભાવના સારા જાણકાર છે. એની મુલાકાત પણ અમે લીધી. બાકી તો ઠંડી ઘણી છે. ઉપાશ્રયમાંથી ક્યાંય બહાર જવાનું મન થતું નથી, એમાંય આટલા દિવસનો થાક થોડોક ઓછો થયો છે.
કહેવાય છે કે હિમાલયમાં બદ્રીનાથનાં ૭ મંદિરો છે.
૧. નર-નારાયણ પર્વતમાળાની વચ્ચે બદ્રીનાથનું મંદિર જ્યાં હમણાં અમે છીએ.
૨. પાંડુકેશ્ર્વરમાં યોગબદ્રી
૩. ભવિષ્યબદ્રી
૪. જોષીમઠમાં નૃસિંહ બદ્રી
૫. વૃદ્ધબદ્રી જે અણીમઠમાં છે. હરિદ્વારથી બદ્રીનાથ આવતા જોષીમઠથી ૮ કિ.મી. પહેલા આવે છે. અમે જોષીમઠ આવ્યા ત્યારે આ વૃદ્ધબદ્રીની મુલાકાત લેતા આવ્યા હતા. કહેવાય છે કે બદ્રીનાથજી પૂર્વકાળમાં અહિં બીરાજતા હતા. હમણા બદ્રીનાથમાં બીરાજે છે.
૬. ધ્યાનબદ્રી ઉરગમ વેલીમાં છે.
૭. આદિબદ્રી કર્ણપ્રયાગથી ૧૯ કિ.મી. દૂર છે.
હિમાલયમાં વિહરવાનો આનંદ જ અનોખો છે. જો કે હમણાં તો ધરતી ઉપર બળબળતો ઉનાળો તપતો હશે. અહીં તો ગરમીનું નામ નિશાન નથી. ભરબપોરે પણ જાડી કામળી ઓઢીને તડકે બેસવું પડે. એ તો સારું હતું ઉપાશ્રય હોલની પાછળ જ બેસાય તેવી સારી જગ્યા હતી અને અહીંથી છેક માણા સુધી મનભાવન દૃશ્યપાન કરી શકાતું હતું. એક તરફ નર પર્વત અને બીજી તરફ નારાયણ પર્વત. બન્નેના શિખરો વાદળોથી સંતાકુકડી રમતા હતા. બદ્રીક્ષેત્ર મંદરાચલ પર્વતની ગોદમાં છે.
શિખરો ઉપર બરફ જામેલો છે. જો કે ઘણો બધો ઓગળી ગયો છે. આજે પણ સવારે ૪ વાગે બદ્રીનાથ મંદિરમાં જઈ આદીશ્ર્વર પ્રભુના દર્શન કર્યાં હતા.
બદ્રીનાથમાં રહેવાનું ખૂબ મન થાય પણ હવે એક બે દિવસમાં નીકળવું જ પડશે. પણ ‘પાછા એક વાર વધુ દિવસો સુધી રોકાવા માટે અહીં આવવું અને ખરેખરો હિમાલયને માણવો’ એવો નિશ્ર્ચય કર્યો. બદ્રીનાથ ક્ષેત્રમાં જ ઘણા ક્ષેત્રો જે જેની સ્પર્શના કરવા જેવી છે. જેમકે સ્વર્ગારોહણ – નિલકંઠ પર્વત – નાભીરાજાના ચરણ પાદુકા – વ્યાસગુફા વિગેરે.
હિમાલયની તાજી યાદોને મનમાં મમળાવતા અને ભવિષ્યમાં બદ્રીનાથ આવીશું ત્યારે શું કરશું? તેના વિકલ્પો કરતા અમારો દિવસ પસાર થયો.
માણા
જેઠ સુદ ૧૧, શનિવાર, તા. ૨૩.૬.૨૦૧૮
નર અને નારાયણ પર્વતમાળાની વચ્ચેથી આજે સવારનાં પહોરમાં જ માણા ગામ તરફ અમે પ્રયાણ કર્યું. ત્યાં ડાબી બાજુનું નીલકંઠ શિખર ઝળાહળા થઈ રહ્યું હતું.
ગંગાજળની સુવર્ણરજત પતરાંવડે મઢયું ન હોય એવાં રમણીય શૃંગને જોતાં – જોતાં અમે આગળ વધ્યા. ૩ કિ.મી. ચાલ્યા ત્યાં તો માણા આવી ગયું. અમારે જવું હતું ‘માતા મંદિર’ તે પહેલા ‘ભીમપૂલ’ – સરસ્વતી નદીની મુલાકાત લઈ લેવી. અહીંથી થોડુંક ઉપર ચઢ્યા ત્યાં સરસ્વતી સાથે અલકનંદાના સંગમનાં દર્શન થયા. બસ સરસ્વતી તો અહીં સુધી જ આવે છે. આગળ તો બહુ દૂરથી આવતી હશે તેવું, પાણી અને પ્રવાહ જોઈને સ્પષ્ટ લાગે છે. અમે ભીમપૂલ પહોંંચ્યા. (ક્રમશ:)ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -