અષાઢી બીજના દિવસે નીકળનારી રથયાત્રાને લઇને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે રથયાત્રા માટેના નવા રથનું રિહર્સલ કરવામાં આવ્યું હતું, ખાસ વાત છે કે, 72 વર્ષ બાદ ભગવાન જગન્નાથ નવા રથમાં બિરાજશે.
અમદાવાદમાં નીકળનારી રથયાત્રા આ વખતે સ્પેશિયલ હશે અને આ રથયાત્રાને સ્પેશિયલ બનાવશે નવો રથ. આ વખત જગન્નાથજી નવા રથમાં નગરચર્યા કરવા નીકળશે અને આજે આ માટે રથનું સેમી રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.
72 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપશે. જુના રથ અને નવા રથ વચ્ચેના તફાવતની વાત કરીએ તો આ ફરક માત્ર કલરનો જ છે, પુરીના રથમાં વપરાતા કલર અને પેટર્ન આ વખતે નવા રથમાં કરવામાં આવ્યા છે. રથ ટર્ન લઈ શકે છે કે નહીં એ માટે તેનું ટ્રાયલ કરવામાં આવશે. ત્રણેય રથ સંપૂર્ણ થઈ જશે પછી તેનું ગ્રાન્ડ ટ્રાયલ લેવામાં આવશે.
રથયાત્રાના ઈતિહાસની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં રથયાત્રાની શરૂઆત 1878માં થઈ હતી અને મહંત નરસિંહદાસજી મહારાજે તેની શરૂઆત કરાવી હતી. આમ વર્ષો બાદ આજે પણ આ પરંપરા જળવાયેલી છે અને દર વર્ષે અષાઢી બીજના દિવસે ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન નગર ચર્યાએ નીકળીને નગરજનોને દર્શન આપે છે.
2023માં એટલે કે આ વર્ષે 146મી રથયાત્રા નીકળશે અને આ માટે હાલ ભગવાન જગન્નાથજી, ભાઈ બલબદ્ર અને બહેન સુભદ્રાજી માટે ત્રણેય નવા રથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પરંપરા જળવાઈ રહે તે પ્રમાણે રથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
મંદિરની પરંપરા પ્રમાણે નવા રથની સાઈઝ ડિઝાઈન કરવામાં આવે છે. રથ નિર્માણ માટે સાગ અને સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાકડું વધઈથી મંગાવવામાં આવ્યું છે. ભગવાનના નવા રથ 80 વર્ષ સુધી ચાલે તેવા બનાવવામાં આવશે. રથ બનાવવામાં અંદાજી ચાર મહિના જેટલો સમય લાગશે. 5 કારીગર દ્વારા રથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
જૂના રથની સરખામણીએ નવા રથમાં થોડો ફેરફાર કર્યા છે. રથ બનાવવા માટે સાધના લાકડાના તેમજ પૈડા બનાવવા માટે સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રચનામાં થોડો ફેરફાર કરાયો છે, નવા રથ એકવાર બન્યા પછી 80 વર્ષ સુધી ચાલે તે પ્રમાણે મજબૂતાઈથી બનાવવામાં આવી રહ્યા છે.
ત્રણેય રથની થીમ કેવી રહેશે એ જાણવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળશે. પ્રથમ રથની ડિઝાઇન દેવી-દેવતાઓની મૂર્તિઓ અને સુદર્શન ચક્રની થીમ પર બનશે. બીજા રથ સુભદ્રાજીના લાલ અને પીળા રંગ સાથે નવ દુર્ગાની થીમ પર બનાવવામાં આવશે ત્રીજા બળભદ્રજીના રથને ચાર અશ્વની થીમ પર બનાવવામાં આવશે. જુના રથ કરતા નવા બનનારા ત્રણેય રથ નજીવા ફેરફાર કરાયા છે અને રચનામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
ભગવાનના રથ બનાવવા માટે 400 ઘનફૂટ જેટલું સાગનું જ્યારે 150 ઘનફૂટ સીસમનું લાકડું ઉપયોગમાં લેવામાં આવ્યું છે. રથના પૈડાં બનાવવા માટે સિસમના લાકડાનો ઉપયોગ થાય છે. જે સખત અને ટકાઉ હોય છે. હવે આ નવા રથના નિર્માણ બાદ લોકોને એવો સવાલ પણ થઈ રહ્યો છે કે નવા રથ આવી ગયા બાદ આ જૂના રથનું શું કરવામાં આવશે તો તેને લઈને દિલીપદાસજી મહારાજ દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે તે જૂના રથ પણ દર્શન માટે રાખવામાં આવશે.