મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
છેલ્લા એક અઠવાડિયાથી ઘરમાં સવારનું જમવાનું મળે છે તો રાતનું ડખ્ખે ચડે છે. અને રાતનું ભોજન મળે છે તો સવારનું.એલા જગા આમ કરાય?
આટલું વાંચીને કંઇ મારી મુશ્કેલીમાં તમે
સહાનુભૂતિ વ્યક્ત નહીં કરી શકો. ચાલો થોડો વધારે દયામણો થાઉં.
મારા પરમ મિત્ર બાળગોઠિયા હાસ્ય કલાકાર હાસ્ય લેખક એવા જગદીશ ત્રિવેદીએ તાજેતરમાં ખંભાળિયા ખાતે તેના સાસુના નામની શાળા બંધાવી અને છાત્રાર્પણ કરી. આ તેની આઠમી શાળા હતી.
મેં તેને કહ્યું કે હજુ કેટલી શાળાઓ બનાવવાની છે? તો મને કહે જેટલી વાર માસ્તરે મને હું ભણતો હતો ત્યારે શાળામાંથી કાઢી મૂક્યો છે એટલી તો બનાવવી જ પડશે. મેં કહ્યું જગા હવે કાઢ્યા એટલા કાઢવાના નથી. એટલે તું એ આંકડા સુધી નહીં પહોંચી શકે એવું મને લાગે છે.
વાત એની સખાવતની છે બિરદાવવા જેવી છે, પરંતુ આગલી સાત શાળા બનાવી તેમાં મને કોઈ અસર થઈ નહીં, પરંતુ જેવી તેના સાસરાના ગામમાં તેના પૂજ્ય સાસુના નામે શાળા બનાવી તે સાંજથી જ મારા ઘરમાં ભારેખમ વાતાવરણ થઈ ગયું છે. ડખો એ જ વાતનો છે કે ‘તમારા ભાઈબંધ પાસેથી કાંઈક શીખો. તમે તમારા સાસુના નામે કાંઈ બંધાવ્યું?’મેં તરત જ કહ્યું, ‘કેમ તે માંદાં હતાં ત્યારે હરિ મહારાજનું ટિફિન નહોતું બંધાવ્યું’? મારો આ જવાબ તેને આડો અવળો લાગ્યો અને છેલ્લા એક અઠવાડિયાથી ઉપર લખ્યું તેવી હાલત છે. જગા તારે આવું નહોતું કરવું.
ઉપરોક્ત વિષયે મેં એક વીકમાં નથી બેસી શકતો છતાં ગોઠણભેર બેસી અને ઘણીવાર રજૂઆત કરી કે ‘તેમના પૂજ્ય સાસુ જે સ્કૂલમાં મધ્યાહન ભોજન બનાવતાં હતાં અને બટુક ભોજન કરાવતા હતા તે જ સ્કૂલમાં તેનું નામકરણ થયું તેવો ઇતિહાસ છે’. તો તરત જ મને કહે ‘મારા માતૃશ્રી એ પણ તમે જ્યારે મે મહિનામાં
ભર બપોરે મને જોવા આવેલા ત્યારે મેટાડોર ભરી અને આવેલા તમારા દોઢ ડઝન સગાઓને મધ્યાહન ભોજન કરાવ્યું જ હતું ને? અને તમારા કાકાનું નામ પણ બટુક છે તો એમાં બટુક ભોજન પણ આવી ગયું. એટલે વાર્તા રહેવાદો હું કંઇ નાની કિકલી નથી’. હવે હું આને
કેમ કરી અને સમજાવું કે બંનેના સાસુમાં લાખ ગાડાનો ફેર છે.
માત્ર એક જ વાતનું સામ્ય છે કે જગદીશના સસરા પણ કાને સાંભળતા નથી. જોકે કુદરત ખરેખર બહેરાશ આશીર્વાદ સ્વરૂપે પણ આપતા હોય છે.મારા સસરા છેલ્લે સાવ ઓછું સાંભળતા એટલે છેલ્લા સમયમાં તેમની તબિયત ખૂબ સારી રહેતી હતી.મારા સાસુ ગમે તે બોલતા તે માત્ર સામું જોઈ અને હસતા.
ચુનિયાએ તો જગદીશ ત્રિવેદીએ શાળા બનાવી તે સમાચાર ઘરે કીધાં જ નથી. કારણ વગરની ૨૫-૩૦ લાખની અડે તેનાં કરતાં મૂંગું રહેવું. મેં તો જગદીશ ને કહ્યું પણ ખરું કે ‘તારા સાસુના નામે શાળા
બનાવી તો હવે એકાદ હાસ્ય કલાકાર ના નામે તું કાંઈક બનાવ’. તો મને મજાક કરતા કરતા કહે ‘આવી
રીતે ઇતિહાસ જ જોવાનો હોય તો આપણા ગુજરાતમાં દારૂબંધી છે.
મારે સાર્વજનિક બાર કઈ રીતે બનાવવો’? જોકે દારૂની સૌથી ઓછી આદત હાસ્ય કલાકારોમાં છે. છેલ્લે એટલું જ કહીશ કે સાસુ તીરથ, સસરા તીરથ, સાલા સાલી મહાતીરથ, ચારો ધામ ઘરવાલી હૈ. મુદ્રા લેખ પર જે જીવે છે તે પરમ સુખને પામે છે તેવું તો કદાચ ન કહું, પરંતુ બન્ને સમય પેટ ભરીને ભોજન પામે છે તેટલું જરૂર કહીશ.
વન પ્રવેશ પછી આજીવન હાસ્યના કાર્યક્રમોમાંથી જે પુરસ્કાર આવશે તે ઘરે નહીં લઈ જાઉં અને સમાજમાં શિક્ષણ અને આરોગ્યનાં કાર્યોમાં તે રકમ વાપરીશ તેવો જગદીશ ત્રિવેદીનો નિર્ધાર પ્રશંસનીય છે.
બીજો નિર્ધાર આજીવન માથામાં કાળો કલર નહીં કરાવું. ભાઈ અમે પણ તેઓ સંકલ્પ કરવા માગીએ, પરંતુ માર્કેટમાં રહેવા માટે કાળા વાળ તો કરાવવા પડશે. અને ત્રીજો સંકલ્પ આજીવન સફેદ કપડા પહેરવા.વાત સારી છે પણ ખાતા ખાતા દાળ શાકના ડાઘા પડે કે ગમે ત્યાં રૂમાલ પાથર્યા વગર બેસવાની આદત ને કારણે ઘરવાળીની વઢને કારણે બે જ દિવસમાં આપણે આ બંને મુદ્દાઓ માંડી વાળ્યા છે.
જગદીશને સખાવત માટે સલામ….
વિચારવાયુ:
એસ ટી બસમાં એક જુવાનને “સ્વાતંત્ર સેનાની માટેની સીટ ઉપર બેસેલો જોઈ ને મે પૂછ્યું “કેમ ભાઈ અહીં બેઠો છે?
મને કે “હમણાં જ છુટ્ટું કર્યું છે.