ગઈકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતા આવકવેરા વિભાગ (IT) સક્રિય થઇ ગયું છે. મતદાનના બીજા જ દિવસે સુરતમાં ઈન્કમટેક્સ વિભાગે મેગા રેડ કરી છે. આજે વહેલી સવારથી જ સુરતના હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગના અધિકારીઓ ત્રાટક્યા છે.
મળતી માહિતી મુજબ અંદાજે 35થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ રેડમાં 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા છે. સુરત સહિત મુંબઈમાં પણ આ રેડનો રેલો પહોંચી શકે છે.
સૂત્રોં જણાવ્યા પ્રમાણે ધાનેરા ડાયમંડ કંપની અને તેમની સાથે સંકળાયેલા લોકોને ત્યાંદરોડા પાડવામાં આવ્યા છે. સાથે સાથે રમેશ ચોગઠ નામના બિલ્ડરને ત્યાં પણ તપાસ કામગીરી કરવામાં આવી રહી છે. તપાસ કામગીરીમાં સુરતની સાથે સાથે વડોદરાના અધિકારીઓ પણ જોડાયા છે.
ચૂંટણીના બીજા જ દિવસે રેડ પડતા ચર્ચાનો માહોલ જામ્યો છે. લોકો કહી રહ્યા છે કે આ વખતે બિલ્ડરલોબી અને હીરા ઉદ્યોગકારો દ્વારા સત્તા પક્ષને યોગ્ય રીતે સાથ ન અપાતા તેમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.