Homeઉત્સવકર્ણાટકની હારથી ભાજપના પતનની વાત હાસ્યાસ્પદ

કર્ણાટકની હારથી ભાજપના પતનની વાત હાસ્યાસ્પદ

કવર સ્ટોરી -વિજય વ્યાસ

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની ભવ્ય જીતનો જશ્ન હજુ ચાલુ છે તો બીજી તરફ ભાજપ ધીરે ધીરે માતમમાંથી બહાર આવવા મથી રહ્યો છે. કર્ણાટક વિધાનસભાની ૨૨૪ બેઠકોમાંથી ૧૩૫ બેઠકો જીતીને કૉંગ્રેસે સપાટો બોલાવી દીધો છે, જ્યારે ભાજપને માંડ ૬૫ બેઠકો મળી. ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડા અને કુમારસ્વામીની જેડીએસની તો સાવ જ પતલી હાલત થઈ ગઈ ને ૨૦ બેઠકોનો આંકડો પણ પાર ના કરી શકી. કિંગ મેકર બનવાનાં સપનાં જોતા દેવગૌડા અને કુમારસ્વામીની હાલત એ હદે પતલી થઈ ગઈ છે કે, બન્ને ક્યાંય શોધ્યા જડતા નથી.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ ભાજપ નહીં જીતે એવો વરતારો હતો જ પણ ભાજપ બહુ ખરાબ રીતે હારશે એવી કોઈને કલ્પના નહોતી. બલકે કૉંગ્રેસને પણ પોતે આવી ભવ્ય જીત મળશે એવી કલ્પના નહોતી. ચૂંટણી પહેલાંના ઓપિનિયન પોલ અને મતદાન પછીના એક્ઝિટ પોલમાંથી મોટા ભાગના પોલમાં કૉંગ્રેસ ૧૧૦ બેઠકો આસપાસ જીતશે ને ભાજપ ૮૦-૯૦ બેઠકોની આસપાસ જીતશે એવી આગાહી કરાઈ હતી.
એક-બે એક્ઝિટ પોલમાં કૉંગ્રેસ સ્પષ્ટ બહુમતી મેળવશે એવી આગાહી થયેલી પણ મહત્તમ ૧૩૧ બેઠકો મળશે એવી આગાહી હતી ને ભાજપની બેઠકોનો આંકડો ૮૦થી નીચે નહીં ઉતરે એવું પણ મોટા ભાગના પોલ કહેતા હતા પણ અંતિમ પરિણામોમાં કૉંગ્રેસે ૧૩૧નો આંકડો પાર કરી લીધો ને ભાજપ ૮૦ બેઠકો તો છોડો પણ ૭૦ બેઠકોનો આંક પણ પાર ના કરી શક્યો. ભાજપને ૨૦૧૮માં ૧૦૪ બેઠકો મળી હતી ને તેની સરખામણીમાં ભાજપને ૩૯ બેઠકોનો ફટકો પડી ગયો. કૉંગ્રેસને ૨૦૧૮ની સરખામણીમાં ૫૫ બેઠકો વધારે મળી છે ને તેના કારણે જ કૉંગ્રેસ સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર રચી શકી છે.
કર્ણાટકની ચૂંટણીને પગલે કૉંગ્રેસ તો ફોર્મમાં છે જ પણ બીજા વિપક્ષો પણ ફોર્મમાં આવી ગયા છે. કર્ણાટકની હાર સાથે ભાજપના પતનનો પાયો નંખાયો છે ને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપની કારમી હાર થશે એવી વાતો વિપક્ષના નેતા કરવા માંડ્યા છે. મમતા બેનરજીથી માંડીને સંજય રાઉત સુધીના નેતા ભાજપની હાર પાકી જ હોય એવી વાતો કરવા માંડ્યા છે. આપણે કોણે શું કહ્યું તેની પંચાતમાં પડતા નથી પણ આ બધી વાતો હાસ્યાસ્પદ છે કેમ કે કોઈ એક રાજ્યની ચૂંટણીને આધારે લોકસભાની ચૂંટણીની આગાહી ના કરી શકાય.
વિપક્ષના નેતા તો કર્ણાટકની ચૂંટણીના આધારે લોકસભાના પરિણામની આગાહી ભાખવા માંડ્યા છે પણ વાસ્તવમાં વરસ પછી યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકમાં પણ ભાજપ આ રીતે જ હારી જશે એવું કોઈ છાતી ઠોકીને ના કહી શકે. બલકે છેલ્લી ચૂંટણીના રેકોર્ડને ધ્યાનમાં રાખીએ તો વિધાનસભામાં હારેલો ભાજપ લોકસભાની ચૂંટણીમાં સપાટો બોલાવી દે એવું બની શકે.
લોકસભા ચૂંટણીના વરસ પહેલાં યોજાયેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી નહોતી મળી. ભાજપે ૧૦૪ બેઠકો જીતેલી ને સ્પષ્ટ બહુમતી માટે સહેજમાં પનો ટૂંકો પડી ગયેલો. કૉંગ્રેસે ભાજપને સત્તામાં આવતો રોકવા કુમારસ્વામીની પાલખી ઊંચકીને તેમને ગાદી પર બેસાડેલા તેથી વરસ પછી લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે કૉંગ્રેસ-જેડીએસની સરકાર હતી.
આ ચૂંટણીમાં ભાજપે ૨૮માંથી ૨૫ બેઠકો જીતીને કૉંગ્રેસ અને જેડીએસનાં સૂપડાં સાફ કરી નાંખેલાં. ભાજપના સાથી એક્ટર અંબરિષની પાર્ટીને એક બેઠક મળી હતી. અંબરિષનાં એક્ટ્રેસ પત્ની સુમાલતા કુમારસ્વામીના પુત્ર નિખિલ ગૌડાને હરાવીને જીતી ગયેલાં. વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે ૮૦ બેઠકો જીતી હતી, પણ લોકસભામાં માત્ર ૧ બેઠક મળી હતી. જેડીએસના કુમારસ્વામી મુખ્યમંત્રી હતા છતાં તેમની પાર્ટી જેડીએસને પણ એક જ બેઠક મળી હતી. આ વખતે પણ એવું થઈ શકે કેમ કે વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં લોકો અલગ અલગ આધાર પર મતદાન કરે છે. આ સમીકરણ કર્ણાટકને પણ લાગુ પડે જ છે.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર થઈ તેનું મુખ્ય કારણ કૉંગ્રેસનું ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન મનાય છે. કર્ણાટકમાં યેદીયુરપ્પા તો છાપેલું કાટલું જ છે. યેદીયુરપ્પા ને તેમનો પરિવાર તો ભ્રષ્ટાચાર માટે વગોવાયેલો છે જ તેથી તેમના શાસનમાં બેફામ ભ્રષ્ટાચાર થાય તેમાં નવાઈ જ નહોતી. યેદીયુરપ્પા અને તેમના પરિવારની ફરિયાદો નરેન્દ્ર મોદી અને અમિત શાહ સુધી પહોંચી પછી તેમણે યેદીયુરપ્પાને દૂર કરીને આ સમસ્યાનું નિવારણ કરવાનો પ્રયત્ન કર્યો પણ ભાજપનાં કમનસીબ કે, યેદીયુરપ્પાને બદલે મુકાયેલા બસવરાજ બોમ્માઈ યેદીયુરપ્પાને પણ ટપી ગયા.
બસવરાજ બોમ્માઈનો સરકાર પર કોઈ અંકુશ નહોતો ને પ્રધાનો બેફામ બની ગયેલા તેમાં ભાજપ સરકારમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે એ મુદ્દો પકડાઈ ગયો. ભાજપના એક કાર્યકરે પોતાના કોન્ટ્રાક્ટનાં બિલ ચૂકવવા માટે મંત્રીઓ પણ ૪૦ ટકા કમિશન માગે છે એવી સૂસાઈડ નોટ લખીને આપઘાત કર્યો. કર્ણાટક કોન્ટ્રાક્ટર એસોસિએશને પણ નરેન્દ્ર મોદીને પત્ર લખીને ફરિયાદ કરી કે, કર્ણાટકમાં કોઈ પણ કામ માટે ૪૦ ટકા કમિશન ચૂકવવું પડે છે.
આ મુદ્દે ભાજપ હાઈકમાન્ડે કડકાઈથી વર્તવાની જરૂર હતી, પણ ભાજપ હાઈકમાન્ડે તેને હળવાશથી લીધો તેમાં આ મુદ્દો કૉંગ્રેસે પકડી લીધો. કૉંગ્રેસે ગયા વરસના સપ્ટેમ્બરથી ‘પેસીએમ ૪૦ પર્સન્ટ’ કેમ્પેઈન શરૂ કરી દીધું ને આ કેમ્પેઈન એટલી આક્રમકતાથી ચલાવ્યું કે, બસવરાજ બોમ્માઈની સરકારમાં એકદમ ભ્રષ્ટાચાર છે એવું સ્થાપિત થઈ ગયું. આ કેમ્પેઈન ભાજપને નડી ગયું ને ભાજપ હાર્યો.
કર્ણાટકમાં બીજા પણ મુદ્દા હતા. હિઝાબ, હલાલા ને મુસ્લિમોને અપાયેલી અનામત રદ કરીને લિંગાયત અને વોક્કાલિગા સમાજને આપવાનો નિર્ણય સહિતના મુદ્દા પણ હતા. ભાજપે જૂના જોગીઓની ટિકિટો કાપી તેમાં ઘણા પક્ષ છોડી ગયા એ સહિતના મુદ્દા પણ હતા. આ બધા મુદ્દાઓના કારણે ભાજપને હારનો સામનો કરવો પડ્યો.
લોકસભાની ચૂંટણીમાં અલગ માહોલ હશે ને મુદ્દા પણ અલગ હશે. લોકસભાની ચૂંટણીમાં લોકો નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને નરેન્દ્ર મોદી સરકારના પરફોર્મન્સના આધારે મતદાન કરશે તેથી સ્થિતિ અલગ હશે. ને પરિણામ પણ અલગ હોઈ શકે છે. અત્યારથી તેની વાત કરવાનો મતલબ નથી પણ ટૂંકમાં વાત એટલી જ છે કે, કર્ણાટકનાં પરિણામોના આધારે લોકસભાની ચૂંટણી વિશે કશું પણ કહેવું બહુ વહેલું છે.
લોકસભાની ચૂંટણીમાં શું થશે એ ખબર નથી પણ આ જીતના કારણે કૉંગ્રેસને લોકસભાની ચૂંટણી પહેલાં જરૂરી આત્મવિશ્ર્વાસ મળી ગયો છે તેમાં બેમત નથી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પછી સતત હારતી કૉંગ્રેસને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં ૨૦૧૮માં કર્ણાટકમાં જેડીએસ સાથે સરકાર રચવાના કારણે થોડોક આત્મવિશ્ર્વાસ મળેલો. એ પછી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાયેલી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે ત્રણેય રાજ્યોમાં જીતીને સત્તા કબજે કરી તેના કારણે કૉંગ્રેસનો આત્મવિશ્ર્વાસ બુલંદ થઈ ગયેલો. એ વાત અલગ છે કે, ૨૦૧૯ના ફેબ્રુઆરીમાં મોદી સરકારે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને કરેલી સર્જિકલ સ્ટ્રાઈકના કારણે બધા પક્ષોની હવા નિકળી
ગયેલી, પણ કૉંગ્રેસને કર્ણાટકમાં સરકારની રચનાના કારણે લોકસભાની ચૂંટણી પહેલાં જરૂરી આત્મવિશ્ર્વાસ મળી ગયેલો.
લોકસભાની ચૂંટણીને હજુ વાર છે ને કૉંગ્રેસ માટે હવે પછીની કસોટી પાંચ રાજ્યોની ચૂંટણી છે. હવે પછીનાં છ મહિનામાં તેલંગણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમ એ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પૈકી તેલંગણામાં કે. ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) સામે કૉંગ્રેસની સીધી ટક્કર છે. તેલંગણામાં કેસીઆર ખિલા ઠોકીને બેસી ગયા છે. કૉંગ્રેસ ને ભાજપ બેઉ તેમને ઉખાડવા મથે છે પણ ફાવતા નથી. કર્ણાટકની જીતના કારણે કૉંગ્રેસ આ વખતે વધારે આત્મવિશ્ર્વાસથી કેસીઆરને પડકારી શકશે.
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ તો કૉંગ્રેસ માટે વધારે મહત્ત્વનાં છે કેમ કે આ પૈકી રાજસ્થાન અને છત્તીસગઢમાં કૉંગ્રેસની સરકારો છે. આ બન્ને રાજ્યોમાં સત્તા જાળવવાનો ને મધ્ય પ્રદેશમાં ભાજપે અંચઈ કરીને પડાવી લીધેલી સત્તા પાછી લેવાનો કૉંગ્રેસ સામે પડકાર છે.
કૉંગ્રેસે ૨૦૧૮માં આ ત્રણેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી જીતીને સત્તા કબજે કરી હતી ને ફરી એ ઈતિહાસ દોહરાવવા માટે જરૂરી આત્મવિશ્ર્વાસ કૉંગ્રેસને મળી ગયો છે. સતત હારના પગલે હતાશ કૉંગ્રેસના કાર્યકરોને કેટલી રાહત મળી ને આ જીત તેમના માટે કેટલી મહત્ત્વની છે તેનો અંદાજ એ વાત પરથી જ આવી જાય કે, એક રાજ્યમાં જ જીત મળી હોવા છતાં કૉંગ્રેસે આખા દેશમાં જોરદાર જશ્ન મનાવ્યો, જબરદસ્ત સેલિબ્રેશન કર્યું. કર્ણાટક કેશ રિચ સ્ટેટ હોવાથી કૉંગ્રેસ પાસે રોકડનો પ્રવાહ પણ શરૂ થઈ જશે તેથી કર્ણાટકની જીત કૉંગ્રેસ માટે બહુ મહત્ત્વની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -