Homeમેટિનીબધાને રાજી રાખવા એ શક્ય નથી, પરંતુ બધાથી રાજી રહેવું એ સરળ...

બધાને રાજી રાખવા એ શક્ય નથી, પરંતુ બધાથી રાજી રહેવું એ સરળ છે…

અરવિંદ વેકરિયા

‘કાચના સંબંધ’ (૧૯૮૬)માં બકુલ ઠક્કર, સનત વ્યાસ અને ચન્ના રૂપારેલ

ઘણા દિવસથી કદાચ શૈલેશ દવેએ નાટકનું ટાઈટલ વિચારી રાખ્યું હશે… કદાચ થોડી જ્યોતિષશાસ્ત્રની પણ ગણતરી માંડી હોય… જેમ એકતા કપૂરે અંગ્રેજીમાં નામ સાથે એક અક્ષર વધારી ‘ન્યુમરોલોજી’ પ્રમાણે સંતોષ માન્યો હતો. પણ આજે દવેને સમજાયું હશે કે શુભ કાર્યની શરૂઆત માટે ચોઘડિયા ભલે જોવાતા હોય, પરંતુ પરિણામ ક્યારે’ય ચોઘડિયા જોઇને આવતું નથી. એમણે ‘છાનું છમકલું’ ટાઈટલ જાહેર કર્યું કે નિર્માતા કિરણ સંપટે ધડ દઈને કહી દીધું, આ ટાઈટલ ન ચાલે શૈલેશ… બધા મૌન રહી માત્ર સાંભળતા રહ્યાં. શૈલેશ દવે પણ થોડા મુંઝાયેલા દેખાયા. પણ નિર્માતા સાથેનો એમનો ગાઢ સંબંધ… દલીલને કોઈ સ્થાન નહોતું. સંબંધ જૂનો હતો અને જાળવવાનો હતો, સાથે અનુભવ પણ હતો. દવે જાણતા હશે કે સંબંધની માળા જયારે તૂટે છે ત્યારે ફરીથી જોડવાથી નાની થઇ જ જાય છે, લાગણીનાં કેટલાંક મોતી વિખેરાઈ ગયા હોય. લાગણી અને સંબંધ ટકાવી રાખવા દવે પાસે પૂછવા જેવો એક જ સવાલ હતો, કિરણભાઈ, કથાવસ્તુ પ્રમાણે મેં આ ટાઈટલ વિચારેલું… તમને આ ટાઈટલમાં વાંધાજનક શું લાગ્યું? આ સવાલ દવેએ એવા સંકોચ સાથે પૂછયો કે કિરણ સંપટનો મોભો અને એમની મર્યાદા જળવાઈ રહે. કિરણભાઈએ કહ્યું, ટાઈટલ સાંભળી ભલે બધાએ તાળીઓ પાડી વધાવ્યું હોય, પણ મને જરા ખૂંચ્યું એટલે મેં બોલી નાખ્યું. મારું મન આ ટાઈટલ અને તારી કેપિસિટી અને નામના પ્રમાણે તારે વધારે સારું ટાઈટલ શોધવું જોઈએ એટલે…! મને ન ગમ્યું. મન દુ:ખી થઇ ગયું. તને તો મારો સ્વભાવ ખબર જ છે કે હું સુખ અને દુ:ખનો ફરક કઈ રીતે જોઉં છું. મન જે સ્વીકારે એ સુખ અને મન જે ન સ્વીકારે એ દુ:ખ. મારા મને તે કહેલું ટાઈટલ સાંભળી દુ:ખ અનુભવ્યું એટલે મેં બોલી નાખ્યું. આ બધી વાતો અમે બધા કલાકારો શ્રોતા બની માત્ર સાંભળતા રહ્યાં. હા, પદમારાણીએ વચ્ચે બોલવાની હિંમત કરેલી. બાકી વાર્તાલાપ તો શૈલેશ દવે અને કિરણ સંપટ વચ્ચે જ ચાલતો હતો. શૈલેષભાઈએ કહ્યું, ઓ.કે. કિરણભાઈ, આ ટાઈટલમાં વાંધાજનક શું લાગે છે? કથાવસ્તુ પ્રમાણે મને આ યોગ્ય લાગેલું કિરણભાઈએ વાત વચ્ચેથી કાપતા કહ્યું, છતાં ‘છાનું છમકલું’ ભૂલી જઈ કોઈ બીજું ટાઈટલ વિચારને. તું તો લેખક છે, નવું શોધ. તે દિલથી શોધેલું ટાઈટલ ભૂલવું તારે માટે થોડું અઘરું જરૂર પડશે પણ પોતાની દ્વારિકા એ જ બનાવી શકે જે જીતેલા મથુરાને છોડવાનું સાહસ ધરાવે કહી મલક્યા.
તો ટાઈટલ અને કારણ બન્ને તમે જ કહો, દવેએ કહ્યું.
જો શૈલેશ… ‘અકસ્માત’ નાટકમાં સંસ્થાઓએ તને કેવો બહોળો પ્રતિસાદ આપેલો..! એક સર્વાંગ સુંદર સામાજિક નાટક આપનાર સાવ નવી સંસ્થા જય કલા કેન્દ્ર સ્થાપિત થઇ, ઓળખીતી પણ થઇ. ‘છાનું છમકલું’ શીર્ષક લગ્નેતર સંબંધની વાત કહી જાય છે, જે તારી કથાવસ્તુ છે એની ના નહિ. પણ એ જ વસ્તુને કોઈ સારા શબ્દોમાં પણ મૂકી શકાય ને?
હા, ‘જય કલા કેન્દ્ર’ માટે અનેક સંસ્થાઓ પૂછ્યા તો કરે છે કે ‘અકસ્માત’ જેવું બીજું નાટક ક્યારે લાવો છો? અરે, જીતુભાઈ મહેતાના એક માત્ર ‘મુંબઈ સમાચાર’માં આવેલા રીવ્યુ પરથી સુરતના આયોજક મનહર શાહે ‘અકસ્માત’નાં શો સુરત ખાતે આયોજિત કરી નાખેલા. હરીશ શાહ બોલ્યા. કિરણભાઈએ કહ્યું, એ જ તો તમારી સફળતા છે. એ નાટકે પ્રેક્ષકોના મનને પ્રફુલ્લિત કર્યું હશે ને ! હવે તમે છાનું છમકલું’ ટાઈટલ કહો તો સામેવાળા એટલે કે સંસ્થાવાળા થોડા વિચારે તો ચડી જ જાય ને? અને સફળતા મગજના કદ પર નહિ, વિચારોના કદ પર આધાર રાખતી હોય છે.
ઠીક છે… તો હવે તમે એક-બે ટાઈટલ કહો… બધા બેઠા છીએ તો ટાઈટલ ફાઈનલ કરી મહોર મારી દઈએ દવે બોલ્યા.
જો શૈલેશ, બધાને રાજી રાખવા એ શક્ય નથી, પરંતુ બધાથી રાજી રહેવું એ સરળ છે… હું શીર્ષક કહું છું, પણ બધા રાજી જ થશે એની ગેરંટી નથી કહી તેઓ હસ્યા.
દવે પણ હસતા હસતા કહે, તમારી વાત સાચી છે કિરણભાઈ, પણ હવે તમે શું ટાઈટલ વિચાર્યું છે, એ વાતમાં વધુ મોણ નાખ્યા વગર ફોડ પાડો તો સારું.
કિરણભાઈ કહે, શૈલેશ તું અનુભવી છે, સારો લેખક-દિગ્દર્શક-કલાકાર છે. મેં પણ આગળ ઘણાં નાટકો કર્યા છે. તારું ટાઈટલ પણ તારા ‘બર’નું હોવું જોઈએ. ‘છાનું છમકલું’ ટાઈટલ સરસ છે, કેચી’છે, પ્રેક્ષકોને આકર્ષે એવું જરૂર છે, પણ તારા ‘બર’નું તો નથી જ એ તો હું કહીશ જ. પછી થોડો શ્ર્વાસ લીધો.
તારી નાટકની કથાવસ્તુ છે, છાનું છમકલું જ. જેમાં પતિ-પત્ની, દીકરો-દીકરી. એક હસતો રમતો પરિવાર છે. લપસી પડવું એ પુરુષ માટે ક્યારેક ઓચિંતું છતાં સહજ બની જાય છે. કદાચ કોઈ નબળી ક્ષણો એવા સંજોગો ઊભા કરી દે છે. પણ પતિ તરીકે તારું પાત્ર ભલે લપસી પડે, અને ભૂલી જાય કે દુનિયામા ખબર લેવાવાળા કરતા ખબર ફેલાવવાવાળા વધારે હોય છે. અને એક પ્રેમ-પ્રકરણ આરંભાય જાય છે. છતાં સમાજનો છાનો ડર તો એ પાત્રને છે જ. પત્ની અને બાળકોને એ જ લાગણીથી સાચવવાના છે અને નબળી પળને પણ પાળવાની છે..પણ એનો અંત શું?
સમય ભલે તું એ ી સાથે પસાર કરે. પણ નક્કી કરકે ભૂતકાળ યાદ આવે ત્યારે ખુશી થવી જોઈએ, અફસોસ નહિ. આ વાતમાં પારદર્શકતા જોઈએ. તું પત્ની-બાળકોને છોડી નથી શકવાનો અને જીવનમાં આવેલી એ ીને અપનાવી નથી શકવાનો..છતાં સંબંધ તો છે જ… કેવા સંબંધ? બસ ! એના પરથી મને એક ટાઈટલ સુઝ્યું છે જે તારા નાટકને અને તારી કાબેલિયતને સાચવી લે એવું છે, એ છે ‘કાચના સંબંધ’.
આટલી લાંબી કથાવસ્તુ અને ‘ટાઈટલ’ બધા કલાકારો સાથે શૈલેશ દવે પણ એકચિત્તે સાંભળી રહ્યાં હતાં. દવે અને પદમારાણીએ તરત જ રીએક્ટ કર્યું. એમને ટાઈટલ ‘ટચી’ અને નાટ્યવાર્તાને અનુરૂપ પણ લાગ્યું. સાથે પ્રથમેશ મહેતા અને સનત વ્યાસ પણ જોડાયા. એમને પણ કાચના સંબંધ ગમ્યું. હરીશ શાહે પણ એક નિર્માતા તરીકે ટાઈટલને વધાવ્યું.
કિરણભાઈ સંપટે માત્ર આ એક જ ટાઈટલથી નાટકની આખી કથાવસ્તુ આવરી લીધી હતી,
દવે હવે ખીલી ઉઠ્યા હતા. એમને કદાચ અનુભૂતિ થઇ ગઈ કે સંગત કરવી તો સમુદ્ર જેવી વ્યક્તિની કરવી જે તમારી બધી વાતો સમાવી લે, ખાબોચિયા જેવી વ્યક્તિની સંગત કરો તો સમય આવતા જ છલકાય અને વાતને કીચડની જેમ ફેલાવી દે. દવેને અત્યારે કિરણ સંપટ એક ઘૂઘવતા સાગર જેવા દેખાતા હતા.
ટૂંકમાં ટાઈટલ એ જ. ‘કાચના સંબધ’ ફાઈનલ થયું. એના આનંદમાં મેં શૈલેશ દવેને હાથ મેળવી અભિનંદન આપ્યા. દવે તરત બોલ્યા, કદાચ વાપીથી ઉપરવાળાએ જ કિરણ સંપટને અહીં મોકલ્યા.
વાપીથી આવ્યા હવે પીવા જઈશું. પછી થોડું હસ્યા. કહે, કોઈક સંબંધમાં માણસ સારો લાગે છે, તો કોઈ સંબંધ માણસથી સારો લાગે છે.
બધા છુટા પડતા હતા ત્યારે દવેએ મને ખૂણામાં બોલાવી કહ્યું કે એક તારા નાટક માટે કેપ્શન લખ, બેટા દૂધ પી.
ના.. બા… ચા… પા ! મોટી ઉંમરે બાની વાત માનવા નીકળેલા એક આધેડ વયના માનવીની જુવાનીભરી વાત
મેં લખી તો નાખ્યું પણ પછી પૂછ્યું તમે તો કહેતા હતા કે પહેલા ટાઈટલ નક્કી થશે પછી કેપ્શનનું વિચારીશું તો…
દવે કહે આ ટાઈટલ હવે તારું, ‘છાનું છમકલું’. ‘છાનું છમકલું’ની છાની વાતો હવે પછી.

પ્રસંગે પ્રસંગે નિખરતું જવાનું, પછી એ પ્રમાણે વિસ્તરતું જવાનું,
ઘડી પળ બધું હોય છે નિશ્ર્ચિત, સમય ફેરવે એમ ફરતું જવાનું !

ડબ્બલ રીચાર્જ
પતિ હિબકે ચડીને રડ્યો, જયારે પત્નીનું આઠમા ધોરણનું પ્રમાણપત્ર હાથમાં આવ્યું જેમાં લખ્યું હતું,
કોમળભાષી, શાંતિપ્રિય અને વર્તણૂક સારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -