નવી દિલ્હી: નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ (એનબીઇ)એ શુક્રવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે લગભગ ૨.૦૯ લાખ ઉમેદવારોએ નીટ-પીજીની પરીક્ષા માટે નોંધણી કરાવી છે, જે પાંચમી માર્ચે યોજાશે અને જો તે મુલતવી રાખવામાં આવે તો નજીકના ભવિષ્યમાં પરીક્ષા યોજવા માટેની કોઈ વૈકલ્પિક તારીખ ઉપલબ્ધ નથી.
નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)- પીજીની પરીક્ષાને મુલતવી રાખવાની માગ કરતી બે અરજીઓની સુનાવણી કરતી ન્યાયમૂર્તિ એસ. આર. ભટ અને દીપાંકર દત્તાની ખંડપીઠ સમક્ષ આ રજૂઆતો કરવામાં આવી હતી.
સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે તે કોઈપણ રીતે કોઈ આદેશ પસાર કરી રહી નથી.
એનબીઇ તરફથી હાજર રહેલા વધારાના સોલિસિટર જનરલ ઐશ્ર્વર્યા ભાટીને અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાના ઉકેલ સાથે આવવા કહ્યું હતું. (એજન્સી)