અરવિંદ વેકરિયા
(નાટક ‘બૈરી મારી બાપ રે બાપ’માં ડાબેથી: છાયા વડીયા (વોરા), નિહારિકા ભટ્ટ અને અરવિંદ વેકરીયા)
ભટ્ટસાહેબે સરસ વાત કરી કે તમારી આવડત તમને ઉચ્ચસ્થાન પર મૂકે છે, પછી તમારી મહેનત તમને ઉચ્ચસ્થાન પર ટકાવી રાખે છે… આ વાત છાયા વોરાએ આજે પુરવાર કરી બતાવી છે. રિહર્સલ શરૂ થઇ ગયાં હતાં. છાયા ધીમે ધીમે ગોઠવાતી જતી હતી. ‘રંગફોરમ’નાં નેજા હેઠળ નાટક રજુ થવાનું હતું. મને એક વાત ભટ્ટસાહેબે કરેલી. ભાવના ભટ્ટ અમારા નાટકમાં હતી જે ભટ્ટસાહેબની સુપુત્રી. એ હિન્દી ફિલ્મો સાથે સંકળાયેલી હતી. એનું મૂળ નામ ‘ફોરમ’ જેના પરથી ભટ્ટસાહેબે પોતાની સંસ્થાનું નામ ‘રંગફોરમ’ રાખ્યું હતું જે મારા સ્મરણમાં છે. છાયા તો ખુશ હતી જ, પણ એના મમ્મી મધુબેન પણ એટલા જ, એક મા તરીકે રાજી-રાજી હતાં. એ માટે મારી પત્ની ભારતીનો દિલથી આભાર માનતા રહેતા. ભારતી તો કહેતી કે ‘મધુબેન પ્લીઝ શરમાવો નહિ… મેં તો જે કર્યું એ તમે આંગળી ચિંધ્યાનું પુણ્ય કહી શકો બાકી ખરી મહેનત અને કામ કરવાની છાયાની ધગશ જ એને આગળ લઇ જશે, તમે જોજો! મધુબેન પણ કહેતાં કે છાયા ઘણીવાર મને કહેતી કે મમ્મી તે ભલે મને ડાન્સ-ક્લાસમા દાખલ કરી પણ મારું સપનું તો કલાકાર બનવાનું છે એનું એ સપનું સાકાર થવાની શરૂઆત અરવિંદભાઈની ઓળખાણથી થાય છે. ભારતી કહેતી ‘હવે પાછું ‘વખાણનું પુરાણ’ માંડો નહિ. એનું સપનું એની મહેનત જરૂર પૂરું કરશે. એને કહેજો કે સપનાં પુરા કરવા દોડવા માંડે નહીં તો લોકો પોતાનાં સપનાં પૂરા કરવા આપણને ભાડે લેવા માંડશે.’ કહી બંને ખીલખીલાટ હસી પડ્યા. નિષ્ઠા સાથે રિહર્સલ કરતી છાયાને ભટ્ટસાહેબની વઢ’ ક્યારેય ન પડી. આમ પણ ભટ્ટસાહેબના રિહર્સલ હંમેશાં એકદમ એક પરિવારની જેમ જ રહ્યાં. એમનો સૂર ક્યારેય ઊંચો થતો મેં રિહર્સલ દરમ્યાન સાંભળ્યો નથી. મેં મનોમન વિચાર્યું કે એક દિગ્દર્શક તરીકે આ વાત શીખવા જેવી છે. આવા મીઠા સંવાદો જ સંબંધ બાંધતા હોય છે અને જીવતા પણ રાખતા હોય છે. આવી ધીરજ મારે પણ શીખવી પડશે એ મેં ત્યારે જ મનમાં નક્કી કરી લીધું. એમની આ શાંતિ અને ધીરજની વાત મેં એમને સામેથી કરી કે ‘તમે આટલા શાંત કઈ રીતે રહી શકો છો?’ તો મને કહે ‘તો શું કરું? આજકાલ સાંભળ્યું છે કે ઘણા દિગ્દર્શકો અપશબ્દ બોલતા હોય છે. એ બોલવાથી શું કલાકારની ‘કેપીસીટી’ વધી જવાની? દરેકની પોતાની એક મર્યાદા હોય છે. દિગ્દર્શકનું કામ છે એની મર્યાદાને ધ્યાનમાં લઇ એ કલાકારને એના ભજવતાં પાત્રમાં ઢાળવાનું. હું એ જ કરું છું. આમ કરવાથી એનો અભિનય સ્વાભાવિક અને સહજ રહે. આ છાયાનો જ દાખલો લે. એના પગમાં અજાણતા ડાન્સનો એક થરકાટ આવી જાય છે. મેં એનાં પાત્રને એ રીતે ઢાળી એની ઘણી મુવમેન્ટ એવી રીતે ગોઠવી છે કે એના પગની રીધમ પણ સંવાદ સાથે રીધમ મેળવે છે.’ પછી એ થોડા અટક્યા. હું એમની સામે એમની અસ્ખલિત વાત ધ્યાનથી સાંબળતો રહ્યો. હસતા હસતા મને કહે “આમ શું બાઘાની જેમ મારી સામે જોયા કરે છે? દરેક કલાકાર એની દૃષ્ટીએ તો એ પોતાને કલાકાર જ માને અને દરેકને પોતાનું સ્વમાન તો રહેવાનું જ. બધા વચ્ચે ખીજાવાથી તમે સારા દિગ્દર્શક ક્યારેય પુરવાર નથી થતા. તું શું માને છે! કદાચ હું ખૂબ બુમબરાડા પાડી કોઈ કલાકારને ઝાડી નાખું તો કદાચ મારા વડીલપણાને કારણે મારી સામે કંઈ નહિ બોલે પણ બધા વચ્ચે સ્વમાન ઘવાતા મનોમન ગાળ તો મને દઈ જ દેશે. એટલે જ્ઞાન પણ એટલું જ વહેંચો જેટલી ગાળો સાંભળવાની તમારી શક્તિ હોય, હું એટલો શક્તિમાન નથી, એટલે શાંતિથી પણ મને જોઈતું કામ કલાકારો પાસેથી કઢાવવાની મને પ્રભુએ શક્તિ આપી છે. આ બધું ઓફકોર્સ મને અનુભવે જ શીખવ્યું છે. તને પણ કહું છું કે ખોટી બૂમો પાડવાથી તમે તમને જોઈતું કામ ક્યારેય નહિ કઢાવી શકો જેટલું પ્રેમ અને સમજાવટથી કઢાવી શકો. પ્રેમમાં તમારી ચામડી શ્યામ હોય તો ચાલે પણ તમારી નિયત કૃષ્ણ જેવી પવિત્ર જ રાખવી. આમ પણ કલાકારનો સારથી દિગ્દર્શક જ હોય છે ને?
નાટક સરસ તૈયાર થઇ ગયું. આ વખતે આ નાટક ‘બૈરી મારી બાપ રે બાપ’ આમ તો રીવાઈવલ હતું, આ પહેલા જ્યારે ભજવાયેલું ત્યારે તો નાટકમાં એક એકથી ચઢે એવા કલાકારોનો કાફલો હતો. બધાને ભટ્ટસાહેબના દિગ્દર્શન હેઠળ કામ કરવામાં અનોખો આનંદ અને પરમ સંતોષ પણ મળતો. એ બધી વાતો સાંભળી હું મારી જાતને નસીબદાર માનતો રહ્યો કે ભલે દિગ્દર્શનની દુકાન ‘ટેમ્પરરી’ બંધ કરી પણ આ અનુભવનો ઉઘાડ મને નવું જોમ ભરતો રહેશે.
નાટક એવા દિવસે રજૂ કરવાનું નક્કી કર્યું જે મારી બા (મારા મમ્મી) અને ભારતી મુજબ ગ્રહોની દૃષ્ટિએ એ દિવસ યોગ્ય નહોતો. જો કે કાંતિ મડીયા જેવા દિગ્ગજ દિગ્દર્શકે તો કાળી ચૌદશનાં દિવસે પણ નાટકો રિલીઝ કર્યાના દાખલા છે. અને એ હિટ પણ થયા છે. છતાં મેં સંકોચ સાથે ભટ્ટસાહેબને કહ્યું કે “મારા વડીલોના કહેવા મુજબ નાટકના રિલીઝનો આ દિવસ યોગ્ય નથી. હું પુષ્ટિમાર્ગીય છું. તો આપણે મુહૂર્ત જોઈ નાટક રિલીઝ કરીએ તો? ત્યારે ભટ્ટસાહેબે જે જવાબ આપ્યો એ બધાએ નોંધી રાખવા જેવો છે. એમણે કહ્યું, “દાદુ, જે સત્ય હોય એ હંમેશાં મુહૂર્ત વગર જ થાય. નાટક ‘સત્ય’ છે અને સત્યને મુહૂર્તની જરૂર નથી.
એની વે, નાટક તેજપાલ થીયેટરથી શુભારંભ પામ્યું. એમને તો પૂજ્ય ભાઈશેઠ તરફથી સારી તારીખો મળતી જ હતી. આ તારીખ પણ એમના તરફથી મળી હતી પછી બીજી તારીખની મુહૂર્ત માટે રાહ શું જોવી? એવું ભટ્ટસાહેબનું માનવું હતું, ખેર !
મને કહે “આપણે બધાએ દિલ દઈને કામ કર્યું છે. નવી વહુનું સીમંત ઉજવીએ એટલી હોશથી જી.આર. પણ કર્યા. હવે ડિલિવરી પછી પ્રેક્ષકો ‘બાળક’ને વખાણે કે વખોડે, કોઈ ચિંતા નહિ કરવાની, કારણ કે આપણે દિલ દઈને બાળકની ડિલિવરી કરવાના છીએ. કદાચ પ્રેક્ષકો ન પણ સ્વીકારે તો દુ:ખ નહિ લગાડવાનું, દુ:ખ એટલે તમારી પાસે જે નથી એના માટેનો પ્રેમ જ ને ! આપણે એવા ખોટા પ્રેમલા-પ્રેમલીમાં પડવાનું જ નહિ. તમે તમારું કામ ખંતથી કર્યું છે તો એ તમારી મહેનત પ્રેક્ષકો સ્વીકારશે જ. અને પહેલો શો ‘છેલ્લો’ તો નથી જ. પહેલા શો પછી ન ગમતી વાતોને ચારણીમાં ચાળીને પ્રેક્ષકોની નાડ પકડી તો શકાય ને? શિરીષ પટેલ નિર્મિત અને શૈલેશ દવે લિખિત-દિગ્દર્શિત-અભિનીત નાટકનો આરંભ ભાઈદાસ-પાર્લામાં કર્યો. પ્રેક્ષકોએ ન સ્વીકાર્યું. નિર્માતા-દિગ્દર્શકે
હિંમત હાર્યા વગર ફરી એકડે-એકથી રિહર્સલ કર્યા અને ફરી રજૂ કરી ‘હિટ’ પુરવાર કર્યું. ફરી શ્ર્વાસ ખાવા રોકાયા. વાતનું અનુસંધાન સાધી વાત આગળ ચલાવી… “તમારે તમારું પ્રોડક્ટ અફલાતૂન બનાવવું જ જોઈએ. આ તો પ્રેક્ષકો છે. ટીકીટનાં પૈસા ખર્ચીને આવે છે. એમને ન ગમે તો બે મીનીટમાં તમને ઉલાળી દે અને પ્રેમ ઊભરાય તો બે હાથે તેડી પણ લે. આપણા માઈ-બાપ હોય છે આપણા પ્રેક્ષકો. એમને ગમતું આપો તો તમે ગમો અને અચ્છોવાના કરે. ઝાડ નીચે રાખેલી ભગવાનની ખંડિત મૂર્તિ જોઇને સમજવું કે પરિસ્થિતિ ગમે તે હોય પણ જાતને ક્યારેય તૂટવા ન દેવી. નહીંતર આ દુનિયા જ્યારે તૂટવાથી ભગવાનને ઘરમાંથી કાઢી શકે છે તો પછી આપણી તો ઓકાત જ શું છે?
જીવતા ન આવડે તો પાયમાલી જિંદગી, કોઈ નાં સમજી શક્યું આ રૂપઘેલી જીંદગી,
આવડે તો શોધ એમાંથી તને મળશે ઘણું, છે ઘણા જન્મોથી આ તો ગોઠવેલી જીંદગી.
ડબ્બલ રીચાર્જ
શીલા: તને મારી યાદ આવે ત્યારે તું શું કરે છે?
મનુ: કઈ નહિ… તને યાદ કરીને એક ચોકલેટ ખાઈ લઉં છું. પણ હું તને યાદ આવું ત્યારે તું
શું કરે છે?
શીલા: કઈ નહિ… તને યાદ કરીને એક ગુટકા ખાઈ લઉં છું.