એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
રાહુલ ગાંધી મોદી અટક ધરાવતાં લોકોની બદનામી કરવાના કેસમાં દોષિત ઠર્યા તેની સામે કરેલી અરજીનો પણ ચુકાદો આવી ગયો. રાહુલ ગાંધીએ પોતાની સજાના અમલ સામે મનાઈહુકમ માંગ્યો હતો કે જેથી તેમનું સંસદસભ્યપદ બચી જાય. સુરતની એડિશનલ સેશન્સ કોર્ટે રાહુલની અરજીને ફગાવી દેતાં હાલ પૂરતું તો રાહુલનું સંસદસભ્યપદ પાછું મળે એવી શક્યતા પર પાણી ફરી વળ્યું છે.
રાહુલ પાસે આ ચુકાદા સામે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ છે તેથી રાહુલ માટે સાવ જ આશા મરી પરવારી નથી. રાહુલ પાસે હજુ બીજા વિકલ્પ છે જ ને એ વિકલ્પ રાહુલ અજમાવશે જ પણ તેના માટે સમય જોઈશે. આ ચુકાદાના કારણે રાહુલે બહુ લાંબી લડાઈ લડવાની બાકી છે ને કેસ લંબાતો જશે એ હવે સ્પષ્ટ છે.
રાહુલ ગાંધીએ મોદી અટક ધરાવતા લોકોને ચોર કહ્યા હોવાનો આક્ષેપ કરીને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કરેલા માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને સુરતની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. તેના પગલે તેમનું સંસદસભ્યપદ પણ છિનવી લેવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ કોર્ટે ફટકારેલી સજાને મોકૂફ રાખવા માટેની અપીલ સહિત કુલ ત્રણ અરજી કરી હતી.
આ પૈકી મુખ્ય અરજીમાં નીચલી અદાલતના બે વર્ષની સજા ફટકારતા ચુકાદાને પડકારવામાં આવ્યો છે અને તેની સુનાવણી ૩ મેના રોજ થવાની છે. બીજી અરજીમાં બે વર્ષની સજાના અમલ પર સ્ટે માંગવામાં આવ્યો છે. કોર્ટે આ સ્વીકારીને રાહુલને વચગાળાના જામીન આપ્યા છે અને કહ્યું છે કે, આ અરજી અંગે નિર્ણય ન આવે ત્યાં સુધી આ જામીન ચાલુ રહેશે. રાહુલ માટે આ અરજી મહત્ત્વની છે કેમ કે સજાના અમલ સામે સ્ટે આવી જાય તો પણ તેમનું સંસદસભ્યપદ પાછું મળી જશે.
ત્રીજી અરજીમાં માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા સામે સ્ટે માંગવામાં આવ્યો હતો. સજા મોકૂફ રાખવા માટે જે અપીલ કરવામાં આવી હતી તે અપીલની સુનાવણી થાય તે પહેલા ફરિયાદી પક્ષ દ્વારા વાંધા અપીલ રજૂ કરવામાં આવી હતી. તેના પગલે આ અરજીની સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે, બીજા પક્ષને સાંભળ્યા વિના કોઈ આદેશ આપી શકાય નહીં.
આ મામલે છેલ્લી તારીખ વખતે બંને પક્ષો દ્વારા દલીલો કરવામાં આવી હતી અને દલીલ પૂરી થઈ ગયા પછી કોર્ટે ૨૦ એપ્રિલ એટલે કે ગુરુવારે ચુકાદો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુરુવારે ચુકાદો આપતાં એડિશનલ સેશન્સ કોર્ટના જજે ‘સ્ટે ઓફ કન્વિક્શન’ સામેની અપીલ રદ કરી છે. કોર્ટના આ ચુકાદાના પગલે બચાવ પક્ષ એટલે કે રાહુલ ગાંધીના વકીલે જાહેરાત કરી છે કે, હવે અમે હાઈ કોર્ટમાં અપીલ કરીશું.
ટૂંકમાં રાહુલ ગાંધી માટે હવે બેટલગ્રાઉન્ડ સુરતથી અમદાવાદ ખસેડાશે. અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ રાહુલનું સંસદસભ્યપદ બચાવે છે કે પછી સુરતની બંને કોર્ટ જેવું જ વલણ અપનાવીને રાહુલે સુપ્રીમ કોર્ટ સુધી લાંબા થવું પડે એવું ફરમાન કરે છે કે નહીં એ જોવાનું
રહે છે.
રાહુલ ગાંધીને થયેલી સજાને મોટાભાગના કાનૂની નિષ્ણાતોએ આકરી ગણાવી છે. કૉંગ્રેસતરફી વકીલો તો આ ચુકાદાને જ સ્વીકારતા નથી પણ ન્યાયતંત્રના ચુકાદાને માથે સ્વીકારવાની ખેલદિલી તેમણે બતાવવી જોઈએ. અલબત્ત તટસ્થ કાનૂની નિષ્ણાતો પણ સ્વીકારે છે કે, સુરતની અદાલતે રાહુલને સજા ફટકારતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં લીધી નથી ને હાઈ કોર્ટ એ બાબતોને ધ્યાનમાં લઈને રાહુલને રાહત આપી શકે છે.
આ કાનૂની નિષ્ણાતોના મતે, રાહુલે બધા મોદી ચોર છે એવું કહ્યું નથી પણ બધા ચોર મોદી અટકધારી કેમ છે એવું કહ્યું છે. બંનેમાં બહુ મોટો ફરક છે કેમ કે રાહુલ આખા સમાજની વાત નથી કરતા પણ કેટલાક ચોરોની વાત કરે છે. આ સંજોગોમાં રાહુલે મોદી સમાજને ચોર કહીને મોદી સમાજની બદનક્ષી કરી એ મુદ્દો ટકે એમ જ નથી. રાહુલે પોતાના ભાષણમાં આ વાક્યા બોલ્યા પછી પોતે કોની વાત કરે છે એ સ્પષ્ટ કર્યું જ છે. તેમણે માત્ર નરેન્દ્ર મોદી, લલિત મોદી અને નિરવ મોદીના
સંદર્ભમાં આ વાત કરેલી ને બીજા કોઈ મોદીની
બદનક્ષી કરવાનો ઈરાદો નહોતો એ પણ સ્પષ્ટ છે. આ દલીલ હાઈ કોર્ટના જજને ગળે ઉતરે તો રાહુલ છૂટી
શકે છે.
જો કે રાહુલ ગાંધીએ પણ પેટ ચોળીને શૂળ ઊભું કર્યું છે તેમાં બેમત નથી. રાહુલ પાસે માફી માંગીને નીકળી જવાનો વિકલ્પ હતો પણ તેના બદલે એ રાજાપાઠમાં રહ્યા. તકલીફ એ છે કે, હવે પડ્યા છતાંય એ ટંગડી ઊંચી રાખવા મથ્યા કરે છે.
હવે તેમણે અપીલમાં કહ્યું છે કે, ‘બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે’ એવા એક જ વાક્યને આધારે બે વર્ષની સજા કરાઈ છે તે વધુ પડતી અને આકરી છે. બલ્કે એક વાક્ય બોલવા બદલ સજા જ ખોટી કરી છે. સવાલ એક વાક્ય કે બે વાક્યનો નથી, સવાલ આ વાક્ય બોલ્યા કે નહી તેનો છે. રાહુલ પોતે સ્વીકારે છે કે આ વાક્ય બોલ્યા છે ને એ સંજોગોમાં જજને જે લાગે એ સજા કરી શકે છે.
રાહુલે એવી દલીલ પણ કરી છે કે, મોદી નામે કોઈ સમાજ નથી અને બદનક્ષી થઈ હોય તેવું નીચલી કોર્ટે ઠરાવ્યું નથી પણ મોદી અટકધારી હોવાથી પૂર્ણેશ મોદીને ફરિયાદ કરવાનો અધિકાર છે એવું ઠરાવેલું છે. પૂર્ણેશ મોદીના કહેવા પ્રમાણે દેશમાં ૧૩ કરોડ મોદી છે. આ સંજોગોમાં મોદી અટકધારી નાનું અને ચોક્કસ ગ્રૂપ કહેવાય નહીં. આવા કોઈ કહેવાતા ગ્રૂપના સભ્ય તરીકે પૂર્ણેશ મોદીને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર
નથી.
આ દલીલ ચાલે નહીં કેમ કે મોદી સમાજમાં ૧૩ કરોડ લોકો હોય કે માત્ર ૧૩ લોકો હોય પણ તમને કોઈની બદનક્ષી કરવાનો અધિકાર નથી.
ખેર, આ બધા કાનૂની અર્થઘટનના મુદ્દા છે ને કોઈ કંઈ કહે તેના કરતાં હાઈ કોર્ટ શું અર્થઘટન કરે છે એ વધારે મહત્ત્વનું છે.