નવી મુંબઇના ડી વાય પાટીલ સ્ટેડિયમમાં શુક્રવારે WPL અંતર્ગત મુંબઇ ઇન્ડિયન્સ અને યૂપી વોરિયર્સ વચ્ચે એલિમિનેટર માટે મહામુકાબલો થયો હતો. જોકે ઇસ્સી વોંગને કારણે આ મુકાબલો ઐતિહાસિક બની ગયો. જેણે હેટ્રિક સાથે મુંબઇની જીતમાં મોટું યોગદાન આપ્યું હતું. જેને કારણે મુંબઇ ઇન્ડિયન્સના ફેન્સમાં ખૂશીનો પાર નહતો રહ્યો.
મુંબઇએ પહેલાં બેટીંગ લઇને ચાર વિકેટ સાથે 182 રન કર્યા હતા. જોકે ત્યાર બાદ બેટિંગ માટે ઉતરેલા યૂપી વોરિયર્સના બેટર્સને મુંબઇના બોલર્સે દિવસે તારા બતાવી દીધા હતા. મુંબઇના ઇસ્સી વોંગે તેની ભેદક બોલિંગથી હેટ્રિક લીધી હતી. મુંબઇએ 17.4 ઓવરમાં યૂપી વોરિયર્સની ટીમને 110 રનમાં ઓલ આઉટ કરી લીગની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
ઇસ્સીએ યૂપી વોરિયર્સના ધડાકેબાજ બેટર કિરણ નવગીરેને 43 રન પર આઉટ કરી હતી. ત્યાર બાદ તરત જ સોફી એક્લેસ્ટોન અને સિમરન શેખની વિકેટ ઝડપી હેટ્રિકનો રેકોર્ડ બનાવ્યો હતો. ઇસ્સી વોંગના હેટ્રિક વિકેટનો વિડીયો WPLના ટ્વીટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો હતો. ઇસ્સીની હેટ્રીકથી મુંબઇ ઇન્ડિયન્સના ફેન્સમાં ખૂશીની લહેર પ્રસરી હતી.