નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ઈસરો) આજે એલવીએમ૩ રોકેટની મદદથી યુકેસ્થિત નેટવર્ક એસેસ એસોસિયેટેડ લિ. (વનવૅબ)ના ૩૬ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં તરતા મૂકશે. હાલને તબક્કે વનવૅબના ૫૮૨ ઉપગ્રહ ભ્રમણકક્ષામાં છે. ૨૬ માર્ચે આ ઉપગ્રહની સંખ્યા વધીને ૬૧૮ થઈ જશે. શનિવારે સવારે સાડાઆઠ વાગે આ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું. ૪૩.૫ મીટર ઊંચું અને ૬૪૩ ટન વજન ધરાવતું એલવીએમ૩ રોકેટ રવિવારે સવારે ૯:૦૦ વાગે ૫,૮૦૫ કિલોગ્રામ વજન ધરાવતા ૩૬ ઉપગ્રહ સાથે આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટાસ્થિત લૉન્ચ પૅડ પરથી ઉડાન ભરશે. પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં આ ઉપગ્રહોને તરતા મૂકવામાં આવશે. એલવીએમ૩ ત્રણ તબક્કા ધરાવતું રોકેટ છે.
આ રોકેટની ક્ષમતા ૧૦ ટન વજનનું વહન કરવાની છે. આ રોકેટ મિશન કોડને ઈસરોએ એલવીએમ૩-એમ૩/વનવૅબ ઈન્ડિયા-૨ મિશન નામ આપ્યું છે. રોકેટ છોડવામાં આવ્યાની ૧૯ મિનિટ બાદ ઉપગ્રહ છૂટા થવાની પ્રક્રિયા શરૂ થશે. તબક્કાવાર આ પ્રક્રિયા પૂરી થશે.
ભારતની ટેલિકોમ ક્ષેત્રની મહત્ત્વની કંપની ભારતી ગ્રૂપનો વનવૅબને ટેકો છે. ૨૬મીએ ઉપગ્રહોને
સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં તરતા મૂકીને કંપની વૈશ્ર્વિક સ્તરે મહત્ત્વનું ડગલું માંડશે.
વનવૅબ દ્વારા ઉપગ્રહ લૉન્ચ કરવાની આ ૧૮મી ઘટના હશે.
અગાઉ ૩૬ ઉપગ્રહનો એક બૅચ ૨૩ ઑક્ટોબર ૨૦૨૨ના લૉન્ચ કરવામાં આવ્યો હતો.
ઈસરોની વાણિજ્ય શાખા ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિ. (એનએસઆઈએલ)એ રૂ. ૧૦૦૦ કરોડને ખર્ચે બે તબક્કામાં ૭૨ ઉપગ્રહ લૉન્ચ કરવાના વનવૅબ સાથે કરાર કર્યા હોવાનું વનવૅબના અધ્યક્ષ સુનીલ ભારત મિત્તલે ગયા વર્ષના ઑક્ટોબરમાં કહ્યું હતું.
વનવૅબ જનરેશન-વન ૧૫૦ કિલોગ્રામ શ્રેણીના ઉપગ્રહ છે. આ શૃંખલામાં ૬૪૮ જુદા જુદા ઉપગ્રહનો સમાવેશ થાય છે, જેમાંથી ૫૪૮ ઉપગ્રહ સક્રિય છે અને પૃથ્વીની સપાટીથી અંદાજે ૧૨૦૦ કિ.મી.ની ઊંચાઈએ જુદા જુદા ૧૨ સ્તરે તેમને ગોઠવવામાં આવેલા છે.
આ ઉપગ્રહો એકમેક સાથે અથડાઈ ન જાય તે માટે પ્રત્યેકને એકમેકથી ચાર કિ.મી.ની ઉંચાઈએ સ્થાપી અલગ કરવામાં આવ્યા છે, એમ ઈસરોએ કહ્યું હતું. (એજન્સી)