ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
તુમ-જિસને આંખોં સે લોગોં કો
કત્લ હોતે હુએ દેખા
અબ જૈસે કિસી કી નજર
પીઠ પર મહસૂસ હોતી હૈ
મરને વાલોં કી તકની
બદન પર રેંગતી હૈ
કિતની હી મરતી હુઈ
આંખોં કો દેખા
જબ એક છિપી-સી જગહ પર
તુમ ફૂલ તોડતી હો
તો ગુચ્છા હુઈ ટહનિયોં સે
કિતને હી હાથ ઊઠ આતે હૈં
ઔર શામ ઢલતે હી
સૂરજ કી સુર્ખ રોશની સે
કિતની હી યાદેં ઉગ આતી હૈં
– નેલ્લી સાખ્સ
અનુ. અમૃતા પ્રીતમ
મશહૂર કવયિત્રી-લેખિકા અમૃતા પ્રીતમે દેશ-વિદેશની નઝમોનું હિન્દી ભાષામાં અનુવાદિત પુસ્તક ‘આવાઝે’ ઈ.સ. ૨૦૦૧માં તૈયાર કર્યું હતું. નેલ્લી સાખ્સની આ નાનકડી નઝમ તેમાંથી સાભાર લીધી છે. આ કાવ્ય વાંચ્યાં પછી નેલ્લીનાં અન્ય કાવ્યો માણવાની – પ્રમાણવાની તલપ જાગી. તેમાં સફળ થવાયું. કેટલાક હાથવગા પુસ્તકોમાંથી આ મહાન કવયિત્રીનાં જીવન-કવનનો વિશેષ પરિચય થયો. હવે તેમના વિશે વાત કરીએ.
‘ઈઝરાયેલના ભાવિનું હૃદયસ્પર્શી શક્તિથી અર્થઘટન કરનારા તેમનાં અનોખાં ઊર્મિગીત અને નાટ્યાત્મક લેખન માટે ‘યહૂદી-જર્મન કવયિત્રી નેલ્લી સાખ્સને ૧૯૬૬ના વર્ષનું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક અપાયું હતું. ઈઝરાયેલના યહૂદી સાહિત્યકાર સેમ્યુઅલ યોસેફ એગ્નોનને પણ એ જ વર્ષનું આ પારિતોષિક અપાયું હતું. નેલ્લી અને એગ્નોન બંને સર્જકોએ તેમના સર્જન-લેખન દ્વારા યહૂદી પ્રજાનો સાંસ્કૃતિક વારસો ઉજાગર કરવા પ્રયત્ન કર્યો છે. નેલ્લીને આ બહુમાન મળ્યું ત્યારે તેમની ઉંમર ૭૫ વર્ષની હતી.
લિઓની નેલ્લી સાખ્સનો જન્મ ૧૦ ડિસેમ્બર ૧૮૯૧ના રોજ બર્લિન (જર્મની)માં થયો હતો. ૧૦ ડિસેમ્બરના દિવસને ‘નોબેલ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે તે યોગાનુયોગ ઘટના છે. નેલ્લી સમૃદ્ધ ઉદ્યોગપતિ અને સંશોધકનાં પુત્રી હતાં. નેલ્લીએ નૃત્યકળામાં નિપુણતા મેળવી હતી તેમજ કઠપૂતળી કળાનું તે ઊંડું જ્ઞાન ધરાવતી હતી. હિટલરે તેના શાસન દરમિયાન અને બીજા વિશ્ર્વયુદ્ધના આરંભે યહૂદી પ્રજા પર અમાનુષી ત્રાસ, વિનાશ અને મોતનું તાંડવ વરસાવ્યું તેથી નેલ્લીએ ઈ.સ. ૧૯૪૦ની વાસંતી મૌસમમાં જર્મની છોડીને સ્વિડનના પાટનગર સ્ટોકહોમમાં પોતાની વૃદ્ધ માતા સાથે નિર્વાસિત તરીકે આશરો લીધો હતો. આ કવયિત્રીએ આમ એકાએક સ્થળાંતર કર્યું ત્યારે તેના ઘણાં બધાં કાવ્યો વેરવિખેર થઈ ગયાં યા તો નષ્ટ થઈ ગયાં હતાં. આ પછી સર્જાયેલા કાવ્યો માટે એમ કહેવાય છે કે સોનાની ધાતુને અગ્નિમાં તપાવવામાં આવે ત્યારે તે વધુ ચળકાટ આપે છે એવું જ તેની કવિતા માટે પણ થયું હતું. અત્યાચારો અને દુર્દશાને લીધે તેની કવિતા વધુ નિખરી આવી હતી.
આ સંદર્ભમાં તેનું એક લઘુકાવ્ય જોઈએ.
“હું ગાઈશ નહિ
યુદ્ધનાં ગીતો.
મારાં પ્રિય આત્મજનો,
બસ બહુ થયું
હવે તો આ રક્તપ્રવાહ
બંધ કરો અને
પીગળાવી દો એ આંસુઓને
જે મૌનના કક્ષમાં
અસંખ્ય પથરીલી આંખોમાં
જમા થયાં છે.
સ્વિડનમાં વસ્યા પછી નેલ્લીએ સ્વિડિશ ભાષા-સાહિત્યનો અભ્યાસ કર્યો અને સ્વિડનના કવિઓની કવિતાનો જર્મન ભાષામાં અનુવાદ કર્યો. દરમિયાન તે સ્વિડિશ નાગરિક બની અને જર્મની પાછી ફરી નહીં.
નાઝીવાદની ક્રૂરતાએ તેની જિંદગીને અંધકારમય કરી નાખી છતાં માત્ર ૧૭ વર્ષની વયે તેણે લેખન આરંભ કર્યું હતું. ઈ.સ. ૧૯૪૭માં તેનો પ્રથમ કાવ્યસંચય ‘ઈન ધ હેબિટેશન ઓફ ડેથ’ (મૃત્યુનાં ઘરોમાં) બર્લિનમાંથી પ્રગટ થયો હતો. ત્યાર પછીના તેના કવિતામાં પુસ્તકોમાં ‘ઈકલિપ્સ ઑફ ધ સ્ટાર્સ’ (૧૯૪૯) (તારાઓનું ગ્રહણ), ‘એન્ડ નો વન નોઝ હાઉ ટુ ગો ઓન’ (૧૯૫૭) (ક્યાં જવું તે કોઈ જાણતું નથી), ‘ફલાઈટ ઍન્ડ મેટામોર્ફોસિસ’ (૧૯૫૮) (ઉડ્ડયન અને રૂપાંતર) તેમજ ‘ડસ્ટલૅસ રેલ્મ’ (૧૯૬૧)નો સમાવેશ થાય છે. ‘ગ્લોઈન્ગ ઍનિગ્માસ’ અનેક ખંડોમાં વિભાજિત તેમનું દીર્ઘકાવ્ય છે.
નેલ્લીનાં ઊર્મિકાવ્યો સરળ, નાજુક, પ્રૌઢ તેમજ રહસ્યવાદી છે. તેનાં કાવ્યો ‘માનવ-આત્માના સ્વચ્છ દર્પણ’ તરીકે ઓળખાય છે. તેને ‘વિરાટની કવયિત્રી’નું બિરૂદ અપાયું છે. તેની કવિતા ‘ઓ ધ ચિમનીઝ’ નામથી અંગ્રેજી ભાષામાં ય અનુવાદિત થઈ છે. ‘સાઈન્સ ઈન ધ સેન્ડ’ (૧૯૬૨) પુસ્તકમાં તેનાં નાટકો ગ્રંથસ્થ થયાં છે.
નેલ્લીને ઈ.સ. ૧૯૫૮માં સ્વિડિશ કવિમંડળનું પારિતોષિક અર્પણ કરાયું હતું. ઈ.સ. ૧૯૬૫માં જર્મન પ્રકાશકો તરફથી આ કવયિત્રીને શાંતિ પારિતોષિક અપાયું ત્યારે તેનો સ્વીકાર કરતાં તેણે કહ્યું હતું: “ભૂતકાળના સઘળા ભયો છતાંય મને તમારામાં શ્રદ્ધા છે. આ શબ્દો જ તેની મહત્તા અને જર્મની પ્રત્યેનું તેનું વહાલ પ્રગટ કરે છે. ૨ મે ૧૯૭૦ના રોજ સ્ટોકહોમમાં આ કવયિત્રીનું દેહાવસાન થયું હતું.
મૃત્યુને શાંતિથી સ્વીકારીને હંમેશ માટે કબરમાં પોઢી જનાર નેલ્લીએ એક કાવ્યમાં લખ્યું છે:
“સોઉંગી ઉન ચટ્ટાનોં પર
જિન પર ટિકી હૈ
સપનોં કી જડે
ઔર અપનેપન કી
માંગ કી સીઢિયાં
જો મૃત્યુ સે ઉપર જાતી હૈં.
માનવનિર્મિત શયતાની કૃત્યોનો વિરોધ છતાં તેની કવિતામાં ક્યાંય કટુતા કે આક્રોશ જોવા મળતો નથી. આ તેની કવિતાનું ઉમદા જમા પાસું છે.
નાઝી જુલ્મોસિતમ અને યહૂદી-ધૈર્યના પરિવેશે તેમજ ભોગવેલી પીડા-યાતનાએ નેલ્લીના વ્યક્તિત્વ અને કૃતિત્વ બંનેને ચમક આપી હતી. જર્મન પ્રજાએ જર્મન ધરતીની આ પુત્રીને અઢળક પ્રેમથી નવડાવીને જાણે કે હિટલરના જુલ્મોનું પ્રાયશ્ર્ચિત કરી લીધું હતું.
‘જો હું ફક્ત જાણતી હોત’ શીર્ષક હેઠળના તેના એક કાવ્યનો વણાટ તપાસવા જેવો છે:
“ફક્ત જો હું જાણતી હોત
શેના પર તારી છેલ્લી મીટ વિરમી.
શું તે પથ્થર હતો જેણે પીધેલી
કેટલી બધી છેલ્લી નજરો
કે જેથી તે પડી
સંધાયે તેના અંધાપા પર?
અથવા શું તે માટી હતી
ખાસડાંને પૂરવા પૂરતી
અને હવે પાછી કાળી બનેલી
કેટલા પીધા વિયોગથી
અને
કેટલા બધાને મારી નાખવાથી?
આ કવિતામાં ઉલ્લેખેલ ‘ખાસડાં’ પાછળ લાંબો અને કરુણ ઈતિહાસ છે. જ્યાં ગેસ ચેમ્બરમાં હજારો યહૂદીઓને ગુંગળાવીને-તડપાવીને મોતને ઘાટ ઉતાર્યા હતા તે પહેલા તેઓને ખાસડાં ઉતારી અંદર જવું પડતું હતું. આવી ઘટના ઈન્સાનિયતને પણ ખળભળાવી મૂકે તેવી છે.
નેલ્લીની કવિતામાં સહનશક્તિનું કળાત્મક આલેખન થયું છે તો યહૂદીઓની કત્લેઆમના મરશિયા પણ તેણે ગાયા છે. બીજી તરફ તેની કવિતામાં પ્રકૃતિનું સૌંદર્ય પણ ખીલી ઉઠતું અનુભવાય છે. આવું એક ઊર્મિકાવ્ય જોઈએ:
“વાદળી અંતરે
જવાં સફરજનનાં વૃક્ષોની
લાલ કુંજ ભળે છે,
મૂળિયાંનાં પગથી
આકાશને આંબવા,
ઈચ્છા વિશુદ્ધ થાય છે
ખીણમાં વસતાં
સર્વજનો માટે.
સૂર્યપ્રકાશમાં,
રસ્તા પાસે પડતાં
જાદુઈ લાકડીઓથી
પથિકોને થોભવા
ફરમાન કરે છે.
તેઓ થોભે છે
કાચમય ઓથારમાં
જ્યારે તમરું
ધીમેથી અદ્રશ્ય
દ્વારને ઉઝરડે છે
અને
નૃત્ય કરતાં પથ્થર
રજકણોને સંગીતમાં
પરિવર્તિત કરે છે.