પ્રવીણ પીઠડિયા
કોઈ હોલીવૂડની થ્રિલર ફિલ્મમાં ઘટતી ઘટના જેવું એ દ્રશ્ય હતું. મને વિશ્ર્વાસ નહોતો થતો કે નજરો સામે દેખાતું દ્રશ્ય સત્ય પણ હોઈ શકે..! આંખો ફાડીને હું કૂવાની દીવાલમાં દેખાતું બારણું જોઈ રહ્યો. માનસા મારી પાછળ આવી હતી અને તેણે પણ મોબાઈલની સ્થિર રોશનીમાં એ બારણા જેવી રચના જોઈ. એ નાનકડી બારી જેવું, લગભગ બે બાય ચાર ફૂટનું બારણું હતું. માનસાએ ઉત્તેજનાભેર મારો હાથ પકડી લીધો.
“શું છે એ? તેણે પૂંછયું.
“જે તું સમજી રહી છે. મેં કહ્યું.
મતલબ કે ઓહ ભગવાન. તેનો અવાજ કાંપી ઊઠયો. તેની આંખોમાં વિસ્મયનું ઘોડાપૂર ઊમટયું અને અવિશ્ર્વાસભરી નજરે મને તાકી રહી. હું ધીમેથી હસ્યો. તેની આંખોમાં ઝાકળ છવાયું, તેના હાથ ફેલાયા અને હું કંઈ સમજું એ પહેલા તે મને વિંટળાઈ પડી. મેં તેની પીઠ ફરતે હાથ વિંટાળ્યા અને તેને છાતી સરસી ચાંપી લીધી. વાત હતી જ એટલી ખાસ કે એ રિએકશન આવવું સ્વાભાવિક હતું. અમે ખજાનો ખોજી કાઢયો હતો એ કહેવું અત્યારે ઉતાવળ ગણાય છતાં એક બાબત સ્પષ્ટ હતી કે વર્ષોથી દફન એક રહસ્યનો સુરાગ અમારી નજરો સામે દેખાતો હતો. થોડીવાર પછી તે મારાથી અળગી થઈ.
“ડેડીને જણાવવું પડશે..? તેણે મને પૂછયું અને ફરીથી કૂવા તરફ ફરીને કૂવાની પાળીએ હાથ ટેકવીને વેલાઓ અને લીલની પરતો પાછળ દેખાતા બારણાને જોઈ રહી.
“નહી જણાવીએ તો પણ એમને ખબર પડયા વગર રહેવાની નથી એટલે બેહતર છે કે એમને બોલાવી લઈએ. હું બોલ્યો. માનસા ઘડીક મને જોઈ રહી અને પછી જીવણાનાં મકાન તરફ ચાલી ગઈ. સાચું કહું તો હું ખરેખર ઈચ્છતો હતો કે ખજાનો જલ્દી મળી જાય. મને એ ખજાનાની લાલચ હતી એટલે નહીં, પરંતુ મારે મારાં માં-બાપનું સત્ય જાણવું હતું અને એ સત્ય માનસાનાં ડેડી પાસે હતું.
માનસા ગઈ એવી જ પાછી આવી. તેની પાછળ લગભગ દોડતો જ શ્રેયાંશ જાગીરદાર બહાર નિકળ્યો હતો અને તેની પાછળ બીજા બહાર આવ્યાં.
“ક્યાં છે એ…? શ્રેયાંશનાં અવાજમાં દુનિયાભરની ઉત્તેજના છલકતી હતી. તેને એમ જ હતું કે ખજાનો મને મળી ગયો છે.
“કૂવામાં. પણ એના માટે કોઈ વ્યવસ્થા કરવી પડશે.
વાત ખરી હતી. એ દરવાજા સુધી પહોંચવા ઘણી મશક્કત કરવી પડે એમ હતી અને એ વ્યવસ્થા બહુ જલદી ગોઠવાઈ હતી.
શ્રેયાંશે વજીર અને ડાગાને કામે લગાડ્યાં હતા. તેઓ જીવણાનાં ઘરમાંથી ચાદરો ઉઠાવી લાવ્યાં અને તેમાથી લાંબા લીરા ફાડવામાં આવ્યાં. એ લીરાઓને આપસમાં ગૂંથીને કામચલાઉં દોરડા જેવું બનાવવામાં આવ્યું અને તેમાં ગાંઠો પાડવામાં આવી જેથી દોરડા પર લટકતો વ્યક્તિ એ ગાંઠોનાં સહારે વ્યવસ્થિત રીતે લટકી શકે. એ કામ યુદ્ધનાં ધોરણે થયું હતું. એ દરમ્યાન ડેની અને માનસાએ ભેગા મળીને કૂવા ઉપરથી વેલાઓને હટાવીને કૂવાની પાળી સાફ કરી નાંખી હતી. એ પછી કૂવાની અંદર, જે તરફ દરવાજો દેખાતો હતો એ તરફ દોરડું નાંખવામાં આવ્યું. સૌથી પહેલા વજીરને અંદર ઉતારવામાં આવ્યો. વજીર દોરડે લટકીને એ દરવાજા સુધી પહોંચ્યો. તેણે દોરડામાં પડેલી ગાંઠમાં એક પગ ભેરવ્યો અને બીજા પગેથી દરવાજાને એ આશાએ લાત ઠોકી કે જો દરવાજો કમજોર હોય તો તૂટી જાય. પરંતુ દરવાજો સહેજે હલ્યો સુદ્ધાં નહીં ઊલટાનું વજીરનાં પગમાં જોરદાર થડકો લાગ્યો. વજીર એક જ પ્રહારમાં સમજી ગયો કે દરવાજો આસાનીથી ખૂલે એમ નથી. તેણે બીજો પેંતરો અજમાવ્યો. દોરડાને કસકસાવીને પકડયું અને કૂવાની દીવાલે પગ ટેકવી હીલોળો લીધો. એનાથી તેનું શરીર ફોર્સથી દૂર ધકેલાયું અને એટલી જ ગતિથી તે પાછો આવ્યો. સમગ્ર શરીરની તાકાત એકઠી કરીને ‘ધડામ’ કરતા તેણે પોતાનો ભારેખમ ખભો દરવાજા સાથે અફળાવ્યો. કૂવાનાં બંધિયાર વાતાવરણમાં ભયાનક અવાજનો પડઘો રેલાયો અને ક્યાંક કશુંક તૂટયું હોય એવો ચરચરાહટભર્યો અવાજ ગૂંજ્યો. વજીરને ઘડીક તો લાગ્યું કે તેના વજનથી દરવાજો તૂટી પડયો છે. અંધારામાં જ હાથ ફંફોસીને તેણે ખાતરી કરી. નહીં દરવાજો તેની જગ્યાએથી સહેજે ચસક્યો નહોતો ઊલટાનું કૂવાની દીવાલની ઈંટો તેના ધક્કાથી ખળભળી હતી. વજીરનાં કપાળે પરસેવો ઉભરી આવ્યો.
‘વજીર, શું થયું?’ શ્રેયાંશે કૂવાની પાળે ઝળુંબતા અધીરાઈભેર પૂછયું.
‘બોસ, દરવાજો ઘણો મજબૂત છે. મને નથી લાગતું કે એક આદમીથી તે તૂટે. વજીરે હકીકત બયાન કરી. તે એક જ પ્રહારમાં સમજી ગયો હતો કે દરવાજો ખોલવા ઘણી મશક્કત કરવી પડશે અને તેના એકલાથી એ શક્ય બનવાનું નથી.’
અચાનક સાવ અનાયાસે જ એક ઝબકારો મારા મનમાં થયો. જે કોઈ વ્યક્તિએ ખજાનો અહીં છુપાવ્યો હશે તેણે એટલો તો ખ્યાલ રાખ્યો જ હશેને કે આસાનીથી તે કોઈનાં હાથમાં આવે નહીં.
‘તું ઉપર આવા જા.’ એકાએક મેં તેને સાદ પાડયો. શ્રેયાંશે આશ્ર્ચર્યભરી નજરે મારી સામું જોયું.
‘તું કરવા શું માંગે છે?’ માનસાએ મારી નજીક આવતાં પૂછયું. પણ મેં કંઈ જવાબ આપ્યો નહી. એ દરમ્યાન વજીર ઉપર આવી ગયો હતો. મેં તેના હાથમાંથી દોરડું લીધું અને સાવધાનીથી કૂવામાં ઉતર્યો. એ કામ ઘણું અઘરું હતું. એક તો મારું આખું શરીર દુખતું હતું ઉપરાંત પેટમાં હજુ પણ વમળો ઉઠતાં હતા જેના કારણે મારા હાથ ધ્રૂજતા હતા. એ ધ્રૂજારીનાં લીધે દોરડા ઉપર જોઈએ એવી પકડ આવતી નહોતી છતાં હિંમ્મત કરીને હું નીચે ઉતરતો ગયો.
‘પ્લિઝ બી કેરફૂલ રોની.’ માનસાનાં અવાજમાં મારી ફિકર છલકાતી હતી. હવે તેને કેમ સમજાવું કે કદાચ ખજાનો ન પણ મળે તો મારે માટે એ અગત્યનું નહોતું. મારે તો મારાં મા-બાપ વિશે જાણવું હતું અને એના માટે હું કોઈપણ જોખમ ઉઠાવવા તૈયાર હતો.
બરાબર દરવાજાની સામે આવીને હું થોભ્યો. પગનાં અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે દોરડાની ગાંઠ ફસાવીને સ્થિર થઈ એક હાથે મોબાઈલ પકડીને તેની ટોર્ચનો પ્રકાશ દીવાલ ઉપર ફેંક્યો. બે બાય ચારનું બારણું કૂવાની દીવાલમાં એકદમ સજજડ રીતે ફિટ થયેલું દેખાતું હતું. તેની ઉપર ધૂળ, માટી, પાણી અને લીલનું અજીબ મિશ્રણ ચોટેલું હતું. એક નજરમાં જ ખ્યાલ આવતો હતો કે આ બારણું ખોલવા માટે બળ નહી પરંતુ કળની જરૂર પડે. અને એ કળ શું હોઈ શકે એનો મને એકાએક જ અંદાજ આવ્યો હતો એટલે જ હું નીચે ઉતર્યો હતો. મેં મારા ખિસ્સામાથી પેલા લાકડાનાં ગોળ ટુકડા બહાર કાઢયાં અને ધ્યાનપૂર્વક બારણાને નિરખવા લાગ્યો. કંઈક એવો ‘ક્લૂ’ શોધવાનો હતો જેમાં આ ગોળ ટુકડાઓ ફિટ થઈ શકે. મને ચોક્કસ તેનો અંદાજ આવતો હતો કે એવું કંઈક બારણામાં હશે જ. ટોર્ચનાં આછા સફેદ પ્રકાશમાં ધૂળ-પાણી-લીલનાં આવરણ પાછળ બારણાં ઉપર કશું જ સ્પષ્ટ કળાતું નહોતું. દોરડા પર લટકતા જ મેં મારો શર્ટ કાઢયો અને તેનાથી બારણાને ઘસીને સાફ કર્યું. એકાએક મારા ચહેરા પર મુસ્કાન ઊભરી આવી. મારું અનુમાન સાચું પડયું. ઉપરથી સપાટ જણાતું બારણું ધણું જ કલાત્મક રીતે જાત-ભાતની ‘ડિઝાઈન’થી કોતરાયેલું હતું. મતલબ સાફ હતો કે બારણાને ખોલવાની કડી ચોક્કસ એ ડિઝાઈન વાળી પેટર્નમાં જ હોવી જોઈએ અને એકાએક જ એ કડી મને દેખાઈ. બારણામાં એક જગ્યાએ નાનકડા ‘ઘોબા’ જેવો છીછરો ખાડો હતો. એ ખાડાને જોઈને મારા અંતરમાં ઉત્સાહ છલક્યો. લાકડાનો એક ટુકડો મેં એ છીછરા ખાડામાં ‘ફિટ’ કર્યો. મને એમ કે દરવાજો ખૂલી જશે પરંતુ ક્યાંય કશી હરકત જ ન થઈ. મેં બીજો ટુકડો કાઢયો અને તેને પહેલા ટુકડા ઉપર જ દબાવ્યો. અચાનક જ બધું ખળભળ્યું, ક્યાંક એક ખટાકો બોલ્યો હોય એવો અવાજ સંભળાયો. મને આશ્ર્ચર્ય ઉદ્ભવે એ પહેલા બારણાનું એક તરફનું પડખું સહેજ ‘ખટ્ટ’ કરતાં ખૂલ્યું.
ઓહ વાઉ મારા ગળામાંથી અનાયાસે શબ્દો સર્યા. આવું દૃશ્ય મેં ઘણી હોલીવૂડ ફિલ્મોમાં જોયું હતું છતાં એવું કંઈક મારી સાથે હકીકતમાં બનશે એની કલ્પના ક્યાથી હોય. હું દિગ્મૂઢ બની બારણા તરફ જોઈ રહ્યો. પછી એક હાથે દોરડું પકડી રાખી બીજા હાથે હળવેકથી બારણું ખોલી નાંખ્યું અને ખુલ્લા બારણાની અંદર રોશની ફેંકી.
ભયાનક ઝટકો લાગ્યો મને. મારા પગ તળેથી જમીન ખસકી ગઈ હોય અને હું હવામાં ઊડતો હોઉં એવો ભાસ થયો. માયગોડ અનાયાસે જ મારી આંખો પહોળી થઈ અને દોરડા ઉપરથી હાથ છૂટતાં માંડ-માંડ બચ્યાં. મારી ધડકનોમાં એકાએક જ ખળભળાટ મચ્યો. હદય એકદમ તેજ ગતીએ ધડકવા લાગ્યું. નજરો સામે દેખાતું દૃશ્ય કલ્પનાતિત હતું. ભયંકર આશ્ચર્યથી મારું મોં ખૂલ્યું અને ખૂલ્લું જ રહી ગયું. એ એ અસંભવ હતું. અસંભવ અને અવિશ્ર્વસનિય. બટ હાઉ ઈઝ પોસીબલ? એ કેમ શક્ય બને? મને ઝટકા લાગતાં હતા. ઘડીક તો થયું કે આંખો બંધ કરી લઉં અને પાછો ઉપર ચાલ્યો જાઉં. જાણે કંઈ જોયું જ નથી એમ માનીને બસ્તી તરફ ભાગું. માનસાની સુંવાળી છાતીમાં મોં નાંખીને અત્યાર સુધી મારી સાથે જે થયું અને હવે સામે જે દેખાય છે એ તમામ બાબતો એક ક્ષણમાં ભુલાવી દઉં. ક્યારેક ખુશીનો અતિરેક તમને પાગલ બનાવી દે છે. તમારા મનમાં ગાંડા ઘેલા વિચારો આવવા લાગે છે. તમે વાસ્તવિક પરિસ્થિતિને ભૂલીને કલ્પનાઓનાં વિશ્ર્વમાં વિહરવા લાગો છો. કદાચ માણસ પાગલ આવી જ રીતે થતો હશે. મારી સ્થિતી પણ એવી જ હતી. મને ઘડીક હસવાનું મન થતું હતું તો ઘડીક બન્ને હાથ છોડીને હવામાં ઊડવાનું મન થતું હતું. જો હું એકલો હોત કે પછી બીજો
કોઈ સમય હોત તો ચોક્કસ મેં કૂવાની અંદર પાણીમાં ધૂબકો માર્યો હોત અને કોઇ પાગલની જેમ પાણીમાં તરતાં ખડખડાટ હસ્યો હોત. પરંતુ અચાનક હું જે દોરડા પર લટકતો હતો એને ઝટકો લાગ્યો અને હું વાસ્તવિકતામાં પાછો ફર્યો. ઉપરથી કોઈકે દોરડું ખેચ્યું હતું અથવા મને એવો ભાસ થયો હતો.
રોની! એ માનસાનો અવાજ હતો. તેના અવાજમાં ગભરાહટ સ્પષ્ટ વર્તાતી હતી. મને ભાન થયું કે ઉપરથી બધાએ દરવાજો ખૂલ્યો એ જોયું જ હશે. એ તમામનાં મોબાઈલની રોશની મારી ઉપર પડતી હતી. મેં એક ઊંડો શ્ર્વાસ લીધો અને મારી જાતને સંભાળી. ખજાનો એ બારણા પાછળ હતો. મારી નજરો સામે ઝળહળતો હતો. એની રોશનીથી મારી આંખો અંજાતી હતી. મને ખ્યાલ આવ્યો હતો કે આ કોઈ દરવાજો નહોતો પરંતુ એક તોતિંગ તિજોરી હતી જેને કૂવાની દીવાલમાં બહુ જ સલૂકાઈથી ફિટ કરવામાં આવી હતી. તેની અંદર ગોળ નળાકાર આકારનાં હજજારો સોનાનાં શિવલિંગનો ઢગલો પડયો હતો. એ શિવલિંગ જ છે એ સમજતા મને વાર લાગી નહોતી. એ શિવલિંગ જાણે હમણા જ કોઈએ ગોઠવ્યાં હોય એટલા ચોખ્ખા અને સાફ હતા અને આ શિવલિંગોની રક્ષા કાજે જ જીવણાએ પોતાની આખી જિંદગી એકલતામાં હોમી દીધી હતી.
(ક્રમશ:)