પ્રવીણ પીઠડિયા
તમે લોકોએ મને અહી જોવાની આશા નહી રાખી હોય. અને હોય પણ ક્યાંથી! તમે લોકો હજું બચ્ચાઓ છો. કિસ્મત જોગે આ ખેલમાં શામેલ થઈ ચૂક્યાં છો એટલે હવે તમારે સચ્ચાઈ જાણવી જરૂરી છે. ખાસ તો રોની તારે શ્રેયાંશે મને ઉદ્દેશીને કહ્યું. મને તેનું ખાસ આશ્વર્ય ઉદભવ્યું નહી કારણ કે હું તેના ઘરમાં ઘુસ્યો હતો અને તેની તિજોરી ખોલી હતી એ હકીકતનો તેને ખ્યાલ આવ્યો જ હશે એ બાબતે મને કોઈ શંકા નહોતી. હું અધૂકડો બેઠો થયો. મારુ શરીર તૂટતું હતુ અને પેટમાં લોચા વળતા હતા. વિક્રાંતનાં ભારેખમ બૂટની ઠોકરોએ મને રીતસરનો ધમરોળી નાંખ્યો હતો. બીજો કોઈ સમય હોત તો ચોક્કસ મને હોસ્પિટલે લઈ જવો પડયો હોત પરંતુ અત્યારે મને એ પાલવે એમ નહોતું. મારે નકશાની સચ્ચાઈ જાણવી હતી એટલે મહા મહેનતે ત્યાં પડેલા એક પથ્થરનો ટેકો લઈને હું બેઠો થયો હતો. જો કે વિક્રાંત પણ થોડો અસહજ જણાતો હતો. તે વારે વારે તેના માથાનો પાછળનો ભાગ પંપાળતો હતો. ત્યાંથી લોહી ઝમતું હોય એમ લાગતું હતું.
તું હોશીયાર છે. જે ઝડપે તે ખજાનાનો નકશો મેળવ્યો અને તેનું પગેરું શોધ્યું એ કાબીલેદાદ છે. જે કામ વર્ષોથી હું નથી કરી શક્યો એ તે થોડા સમયમાં કરી બતાવ્યું તેનો હું કાયલ બની ગયો છું. આ લે શ્રેયાંશે એકાએક જ કોઈ ચીજ મારી તરફ ઉછાળી અને મેં હવામાં જ તેને ઝીલી લીધી. એ પેલો લાકડાનો ટૂકડો હતો જે મેં તેના બેડરૂમનાં ટેબલ પર જોયો હતો. તારી પાસે પણ સેમ આવો જ એક ટૂકડો છે. મને ખ્યાલ છે ત્યાં સુધી આ બન્ને ટૂકડાઓનાં આધારે જ ખજાના સુધી પહોંચી શકાશે. તો શરૂ કર. મારે એ ખજાનો જોઈએ. તે બોલ્યો. મને લાગ્યું કે તે જબરી ઉતાવળમાં છે. એકાએક મને હસવું આવ્યું.
તમને લાગે છે કે એ કામ હું કરી શકીશ? મારા મનમાં ઘણાં બધા પ્રશ્નો રમતાં હતા. ખાસ તો જીવણાનાં રહસ્યમય મોત બાબતે હજું મને કંઈ સમજાયું નહોતું. અને આ જ સમય હતો જ્યારે તેનો જવાબ મને મળે. શ્રેયાંશ કદાચ મારા ચહેરા ઉપર રમતાં ભાવ સમજ્યો હતો. તેણે એક લાંબો શ્વાસ છોડયો.
ઓકે, તું કામ શરૂ કર, બાકી તારે જે જાણવું હશે એ તમામ સવાલોનાં જવાબ આપવા હું બંધાવ છું. મારે કોઈપણ ભોગે ખજાનો ક્યાં છે એ જાણવું છે બસ. જો કે માનસા એ કહાની જાણે જ છે. ચાહે તો નિરાંતે તું એને પૂંછી લેજે. અહી આવતાં પહેલા મેં બધું તેને જણાવ્યું છે. બરાબરને માનસા? શ્રેયાંશે માનસા તરફ જોઈને પૂંછયું. માનસા શું બોલે? જો તે રોનીને તેના માં-બાપની સચ્ચાઈ જણાવે કે ખજાનાની લાલચમાં તેના ડેડીએ જ તેમને મરાવી નાંખ્યાં છે તો ચોક્કસ અત્યારે જ રોની અને શ્રેયાંશ વચ્ચે ધમાસાણ ફાટી નિકળે. એકાએક તેને પોતાના પિતા પ્રત્યે ધ્રૂણા ઉપજી. તે કંઈ બોલી નહી કારણ કે ડેડીની બાજુમાં ઉભેલા માણસોનાં હાથમાં ચળકતી ગનમાંથી ગોળી છૂટે અને રોનીની છાતીમાં ધરબાઈ જાય એવું તે નહોતી ઈચ્છતી. તેણે યોગ્ય સમયની રાહ જોવાનું નક્કી કર્યું.
વોટ ધ હેલ હેપનિંગ હીયર ડેડી? ક્યા ખજાનાની તમે વાત કરો છો? એકાએક ડેની ચિલ્લાઈ ઉઠયો. તે ક્યારનો શાંત ઉભો હતો અને તેને અહી ભજવાઈ રહેવી ભવાઈમાં કંઈ જ સમજ નહોતી પડતી. તેઓ તો ક્બલમાં મચેલી બબાલનો બદલો લેવા અહી આવ્યાં હતા જ્યારે અહી તો કંઈક અલગ જ મેટર ઉખળી હતી.
યું એન્ડ વિક્રાંત બોથ ઓફ યુ ગેટ આઉટ ફ્રોમ હીયર. તમારું અહી કોઈ કામ નથી. એકદમ ધારદાર અવાજે શ્રેયાંશે ડેનીને કહ્યું.
એ નહી બને ડેડી. જ્યાં સુધી સચ્ચાઈ જાણવા નહી મળે ત્યાં સુધી હું કે વિક્રાંત અહીથી હલીશું નહી.
ઓકે, તો મરો. પછી કહેતા નહી કે મેં તને ચેતવ્યો નહોતો. શ્રેયાંશે એકાએક ઢિલ મૂકી. તે જાણતો હતો કે ડેની હઠિલો છે. એટલી જલદી કોઈ બાબતની છાલ એ છોડશે નહી એટલે તેની સાથે માથાકૂટ કરવાનો કોઈ મતલબ નહોતો. વળી એવી બાબતોમાં સમય બગાડવો અત્યારે તેને પાલવે એમ નહોતો. યુ કેરી ઓન બોય. તેણે મને ઉદ્દેશીને કહ્યું.
મને પણ એ જ યોગ્ય લાગ્યું. સૌથી મહત્વનું કામ નકશો ઉકેલવાનું હતું. એક વખત ખજાનાનો ભેદ ખૂલી જાય પછી તમામ પ્રશ્નોનાં ઉત્તર આપઆપ જડશે એવું મને લાગતું હતું. હું જીવણાનાં ઘર તરફ ચાલ્યો. મારી પાછળ તમામ વ્યક્તિઓ દોરવાયા હતા. ખરેખર તો અત્યારે જ મારે ચોખવટ કરી લેવાની જરૂર હતી. એનાથી ઘણી બધી મુસીબતોથી હું બચી શક્યો હોત પરંતુ ખેર ત્યારે મને એ સમજાયું નહી.
* * *
જીવણાનાં ખખડધજ મકાનનો દરવાજો વટાવી હું અંદર પ્રવેશ્યો. નકશાની અંદર આછું ગોળ કુંડાળું કરેલું હતું એ કુંડાળું આ સ્થળ જ દર્શાવતું હતું. મતલબ સાફ હતો કે ખજાનો આ મકાનમાં જ ક્યાંક દટાયેલો હોવો જોઈએ.
બધા કામે લાગો. જો કોઈ ખજાનો હશે તો નકશા મુજબ એ અહી જ હોવો જોઈએ. મેં કહ્યું અને મારી પાછળ અંદર આવેલા તમામ લોકો શોધખોળમાં લાગી ગયા. આ ત્રીજી વખત હતું જ્યારે જીવણાનું મકાન ઉલેચવાનું શરૂ થયું હતું. પહેલી વાર વજીર અને ડાગા, બીજી વાર હું અને માનસા, જ્યારે આ ત્રીજી વખત સાત વ્યક્તિઓ એક સાથે જીવણાનાં નાનકડા અમથા મકાનમાં બધું ઉથલાવતાં હતા. લગભગ અડધી કલાક એ જહેમત ચાલી હતી અને અમે બધાએ ભેગા મળીને ઘરની અંદરની એક-એક ચીજને બહાર ચોગાનમાં ઢગલો કરી હતી. ઘર હવે બીલકૂલ ખાલી હતું. ફક્ત દિવારો બાકી બચી હતી. બાકીનો તમામ સામાન બહાર નીકળી ચૂક્યો હતો. આટલી મશક્કત કરવામાં બધાને હાંફ ચડી ગયો હતો પરંતુ હકીકત એ હતી કે અમને એવું કંઈ જ હાથ લાગ્યું નહોતું જે ખજાના તરફ દોરી જાય.
હવે? એક મસ મોટો પ્રશ્ન મારા જહેનમાં ઉભર્યો. મેં ફરીથી નકશો પાથર્યો અને ધ્યાનથી નિરખવા લાગ્યો. નહી આ મકાન સિવાય બીજો કોઈ ’ક્લૂ’ તેમા નહોતો.
ખજાનો ક્યાં છે રોની? એકાએક મારી પીઠ પાછળથી ધૂંધવાયેલો અવાજ આવ્યો અને શ્રેયાંશ જાગીરદાર મારી સામે આવીને ઉભો રહી ગયો. તેના દેદાર કંઈ ઠીક નહોતા લાગતા. તે જબરજસ્ત ગુસ્સામાં હતો.
મને શું ખબર. ખજાનો મેં થોડો સંતાડયો છે કે હું જાણતો હોઉં. આ નકશા મુજબ તો ખજાનો આ ધરમાં જ હોવો જોઈએ. છતાં નથી, તેમાં હું શું કરું..? મારું મગજ પણ ફાટ-ફાટ થતું હતું છતાં ભયંકર સંયમ વર્તતા મેં જવાબ આપ્યો. મારી વાત સાંભળીને તે બે ડગલા આગળ આવ્યો અને સહસા જ તેણે મારા કોલર ઝાલ્યાં અને મને તેની તરફ ખેંચ્યો. હું ખળભળી ઉઠયો. તેની આંખોમાં લાલ હિંગોળાક છવાયું હતું જાણે તે મને કાચે-કાચો ખાઈ જવા માંગતો ન હોય.
છોકરા હું જાણું છું કે ખજાનો ક્યાં છે એ તને ખબર છે. મારી સાથે કોઈ રમત કરતો નહી નહીતર તારા હાલ પણ તારા બાપ જેવા થશે. તેનો અવાજ કાંપતો હતો. ધ્રૂજી ઉઠયો હું. મારા જીગરમાં હજ્જારો વિછીંઓએ એક સાથે ડંખ માર્યા હોય એવી બળતરા ઉપડી. ભયાનક આઘાતથી મારું મોં ખૂલ્યું. શ્રેયાંશનાં મોઢેથી મારા પિતાનું નામ સાંભળીને હું સન્નાટામાં આવી ગયો હતો.
તેં શું કર્યું હતું મારા પિતા સાથે? અને મારી માં એ ક્યાં છે..? એકાએક આ જગતની તમામ ચીજો મારા માટે ગૌણ બની ગઈ. જે સવાલ નાનપણથી કોઈ દુ:સ્વપ્નની જેમ મને પજવતો હતો એનો તાળો એકાએક જ મળતો હોય એવું લાગ્યું.
તને એનો જવાબ મળશે પરંતુ પહેલા ખજાનો પછી બીજી વાત. શ્રેયાંશ સાફ ના-મૂકર ગયો. મને તેની ઉપર કાળ ચડયો. થયું કે અત્યારે જ તેની ગરદન પકડીને તેના હલકમાં હાથ નાંખીને સચ્ચાઈ ઓકાવી નાંખુ પરંતુ એ શક્ય નહોતું. એવું કરવામાં વાત ઓર બગડે એમ હતું. હું સમસમીને તેની તુમાખી જોઈ રહ્યો. એ દરમ્યાન માનસા મારી નજીક આવી હતી અને તેણે મારા ખભે હાથ મૂક્યો અને આંખોથી જ તેના ડેડી જેમ કહે એમ કરવા ઈશારો કર્યો. મેં ઉંડો નિશ્વાસ છોડયો.
ઓકે, લેટ્સ ટ્રાય અગેઈન.
અને અમે ફરી મંડી પડયા.
* * *
જીવણાનાં ઘરની ફર્શ પણ અમે ખોદી નાંખી છતાં ખજાનાનો કોઈ અણસાર સુધ્ધા મળ્યો નહી. હું આખો પરસેવે રેબઝેબ થઈ ચૂક્યો હતો અને સખત તરસ પણ લાગી હતી એટલે બધું પડતું મૂકીને ઘરની બહાર નિકળી આવ્યો. મારી પાછળ માનસા પણ આવી. તેના દેદાર પણ વિચિત્ર થયા હતા અને તેના ચહેરા ઉપર ઓઘરાળા છવાયા હતા. હું ઘડીક તેને જોઈ રહ્યો. તે મારા માં-બાપ વિશે જાણતી હતી છતાં ચૂપ હતી એ મને કઠયું હતું છતાં એ બાબતે કોઈ ચોખવટ કરવાનું મન થયું નહી. મને ખબર હતી કે સત્ય ક્યારેય કોઈના દબાવવાથી છૂપાતું નથી. એ ક્યારેક ને ક્યારેક બહાર આવે જ છે. મને એ સમયનો ઈંતજાર હતો જે જલદી આવવાનો હતો. પાણી માટે મેં આજુબાજું નજર કરી. ત્યાં ઘરની પાછળ એક કૂવો હતો. હું એ તરફ ચાલ્યો અને તેની નજીક પહોંચ્યો ત્યારે
ખ્યાલ આવ્યો કે કૂવો ઘણો મોટો હતો. દૂરથી કૂવાનાં વ્યાપનો ખ્યાલ ન આવવાનું કારણ તેની ઉપર આડેધડ છવાયેલા જંગલી વેલાઓનું સામ્રાજ્ય હતું. એ લીલાછમ વેલાઓની અસંખ્ય શાખાઓએ કૂવાને લગભગ ઢાંકી દીધો હતો. કૂવા પાસે નાનકડી ચોકડી એટલે કે થાળું હતું અને તેમા દોરડું બાંધેલી લોખંડની એક કટાયેલી ડોલ પડી હતી. એ ડોલને જોઈને ખ્યાલ આવતો હતો કે જીવણો કદાચ આ કૂવાનું જ પાણી વાપરતો હશે. હું કૂવાનાં થાળામાં પ્રવેશ્યો અને કૂવાની પાળે ઝૂકીને કૂવાની અંદર ઝાંકયું. અંદર ઘોર અંધારું હતું એટલે ખ્યાલ આવતો નહોતો કે કૂવામાં પાણી છે કે નહી. મેં ડોલ ઉઠાવી, તેનું દોરડું પકડીને ડોલ અંદર નાંખ. કૂવાની દિવાલ સાથે ડોલનાં અથડાવાનો અને પછી પાણીમાં ’છપાક’ કરતાં પડવાનો અવાજ સંભળાયો. એનો મતલબ સાફ હતો કે કૂવામાં પાણી હતું. કેટલું ઉંડું હશે એનો અંદાઝ લગાવવો મુશ્કેલ હતું. મે મોબાઈલ કાઢયો અને તેની ટોર્ચ ઓન કરી કૂવામાં રોશની ફેંકી. કૂવામાં એકાએક અજવાશ થતાં દિવાલોમાં છૂપાઈને બેઠેલા પક્ષીઓમાં ખળભળાટ મચ્યો. કેટલાય કબૂતરો અને ચામાચિડિયા બહાર તરફ ઉડયા.
માયગોડ હું એક ધબકારો ચૂકી ગયો. પક્ષીઓએ મને ડરાવી મૂક્યો એટલે નહી પરંતુ બીજું એક અજીબ કૌતૂકભર્યું દ્રશ્ય અચાનક મોબાઈલની રોશનીમાં ઝિલાયું હતું એટલે. સાવ અચાનક જ, અનાયાસે, મોબાઈલની અલપ-ઝલપ રોશનીનાં લીસોટામાં એ તરફ મારી નજર પડી હતી અને હું ચોંક્યો હતો. મેં કૂવાની દિવાલમાં એક જગ્યાએ રોશની સ્થિર કરી. એ સાથે જ મારી પીઠમાં ઠંડી કંપારી વછૂટી ગઈ. અનાયાસે જ મારા હોઠ ગોળ થયા અને આંખોમાં ચમક ઉભરી. કૂવાની દિવાલ ઉપર લીલ બાઝેલી નજરે પડતી હતી પરંતુ મારું ધ્યાન લીલની પરત પાછળ દેખાતા એક દરવાજા જેવી ચીજ ઉપર સ્થિર થયું હતું. મારું હદય એ દ્રશ્ય જોઈને જોરથી ધડકવા લાગ્યું હતું અને કપાળે પરસેવાની બૂંદો ઉભરી આવી હતી. (ક્રમશ:)