Homeઉત્સવઆઈલેન્ડ પ્રકરણ ૫૨

આઈલેન્ડ પ્રકરણ ૫૨

પ્રવીણ પીઠડિયા

શ્રેયાંશ જાગીરદાર હસ્યો. પહેલા ધીમેથી અને પછી જોરથી. તેના અટ્ટહાસ્યથી બેડરૂમની દીવાલો પણ ખળભળી ઊઠી હતી. ક્યાંય સુધી તે ગાંડાની જેમ એકલો-એકલો હસતો રહ્યો અને પછી એકાએક અટક્યો ત્યારે તેની આંખોમાં લાલ હિંગળોઠ તરી આવ્યો હતો. અઢળક ઐશ્વર્ય વચ્ચે તેનું બાળપણ વિત્યું હતું. તે એક ચીજ માંગતો ત્યારે હજજારો વસ્તુંઓ તેની સમક્ષ ખડી કરી દેવામાં આવતી. અઢળક ચીજો જોઈને તેને અસિમ આનંદ આવતો અને તેની ડિમાન્ડ ઓર વધતી. એ સમયે તેને એક વાત બરાબર સમજાઈ હતી કે આ દુનિયામાં સૌથી પાવરફૂલ કોઈ વસ્તું હોય તો એ છે પૈસો. બસ એ પછી તેને પૈસાની, ઐશ્વર્યની જાણે લત લાગી ગઈ હોય એમ બેફામ, બેલગામ જીવવા લાગ્યો હતો. એક સમય એવો આવ્યો જ્યારે તેને પોતાનાં ઘરમાં હતો એ વૈભવ પણ ઓછો પડવો લાગ્યો. તેના જીગરમાં ઓર વધુ સંપત્તિવાન બનવાનાં અભરખા જાગ્યાં હતા અને એ અરસામાં જ તેને રુદ્રદેવનાં મંદિરનાં ખજાના વિશે જાણવા મળ્યું. તેના પિતા દેવદત્ત જાગીરદારે એ ખજાનાનો નકશો પીટર એન્ડરસન પાસેથી મેળવ્યો હતો. પીટર એન્ડરસન પણ જેમ્સ કાર્ટરની જેમ ખલાસ થવાની અણીએ હતો. આખી જીંદગી તેણે અને વજાખાને રુદ્રદેવનાં ખજાનાને શોધવામાં ગુજારી નાખી હતી. એમાં તેઓ પાયમાલીની કગારે આવીને ઉભા રહી ગયા હતા. જીવનનાં અંતિમ તબક્કામાં તેમને સમજાયું હતું કે તેઓ ક્યારેય એ ખજાનાને પામી શકવાનાં નથી ત્યારે તેમણે એ ખજાનાનો નકશો દેવદત્તનાં હવાલે કર્યો હતો. એક એવી આશાએ કે દેવદત્ત તેની યોગ્ય કિંમત તેમને આપશે અને તેમની એ આશા ફળી પણ ખરી. દેવદત્તે તે બન્નેને તેમનાં આખરી સમય સુધી સાચવ્યાં હતા અને એ નકશો કોઇના હાથે ન ચડે એમ ખાનગી તિજોરી બનાવડાવીને તેમાં મૂકી દીધો હતો. પરંતુ કિસ્મત જોગે એ નકશો એક દિવસ શ્રેયાંશનાં હાથે લાગ્યો હતો અને એ દિવસ પછી બધું જ બદલાઈ ગયું હતું. તેની આંખો સમક્ષ અપાર વૈભવ નાચવા લાગ્યો હતો અને તેના જીગરમાં એ વૈભવ મેળવવાની અસિમ તલબ જન્મી હતી. એ દિવસ અને આજની ઘડી તે કોઈ રણમાં તરસ્યાં મુસાફરની માફક એ ખાજાનો મેળવવા તેની પાછળ દોડયે જતો હતો અને જે કોઈ પણ તેના રસ્તામાં આવ્યું એને ભારે બેરહમીથી હટાવી નાખતો હતો. તે કાતિલ નહોતો છતાં ખજાનાની લાલચમાં તેણે ત્રણ ત્રણ વ્યક્તિઓનાં ખૂન કરાવી નાખ્યાં હતાં.
એ યાદ આવતાં જ શ્રેયાંશનાં શરીરમાંથી ઠંડી સિરહન પસાર થઈ ગઈ. થથરી ઊઠયો તે. અત્યારે તેને એ પણ યાદ નહોતું કે પહેલું ખૂન તેણે ક્યારે કરાવ્યું હતું. તેણે માથું ઝટક્યું. ઓહ યસ.. એકાએક તેને કશુંક યાદ આવ્યું અને તે ઠરી ગયો. એ રોનીનો બાપ હતો. હાં તેણે સૌથી પહેલું મર્ડર રોનીનાં બાપનું કરાવ્યું હતું. રોનીનો બાપ સાવ અચાનક જ વચ્ચે ટપકી પડયો હતો. કોણજાણે ક્યાંથી તે ખજાના વિશે જાણી લાવ્યો હતો અને તેને શોધવા નિકળી પડયો હતો. એ ખતરનાક બાબત હતી.
રુદ્રદેવના ખજાના વિશે બે-ત્રણ વ્યક્તિઓ સિવાય બીજા કોઈને ખબર નહોતી અને વધું કોઈ જાણે એ તેને પોસાય એમ પણ નહોતું એટલે રોનીનાં બાપને રસ્તામાંથી હટાવવા સિવાય તેની પાસે બીજો કોઈ ઉકેલ નહોતો. એ કામ તેણે વજીર અને ડાગાને સોંપ્યું હતું. તે બન્નેએ ભેગા મળીને માછલી પકડવાનાં લાંબા અણીયાળા હૂક વડે તેને છલણી કરી નાખ્યો હતો અને દરિયામાં પધરાવી દીધો હતો, જેથી જ્યારે તેની બોડી મળે ત્યારે એમ લાગે કે તેને કોઈ દરીયાઈ પ્રાણીએ ફાડી ખાધો છે. થયું પણ એમ જ એ મામલો બહુ જલ્દી પતી ગયો હતો અને થોડા સમયમાં તો બધા તેને ભૂલી પણ ગયા હતા પરંતુ તેની પત્નિ, એટલે કે રોનીની મા પોતાના પતિનું મૃત્યુ ભૂલાવી શકી નહોતી. તેને એમ જ લાગતું હતું કે તેના પતિનું મૃત્યું કુદરતી નથી કારણ કે તે જાણતી હતી પાછલાં થોડાં વર્ષોમાં તેનો પતિ કોઈ અકળ ચીજ પાછળ પડયો છે. એ શું હતું એ ક્યારેય તે જાણી શકી નહોતી, પરંતુ એટલુ ચોક્કસ તે સમજી ગઈ હતી કે એ ચીજને લીધે જ તેના પતિનો જીવ ગયો છે. પોલીસે ભલે એ મામલો બંધ કરી દીધો હોય પરંતુ તેણે પોતાની રીતે શોધખોળ ચાલું રાખી હતી. શ્રેયાંશ માટે એ ખતરાની ઘંટડી સમાન હતું એટલે તેણે તેને પણ ગાયબ કરાવી દીધી હતી અને ધરતીનાં કોઈક અનંત છેડે ધરબી દીધી હતી. એ ક્યાં ગાયબ થઈ એ રહસ્ય હજુ સુધી કોઈ ઉકેલી શક્યું નહોતું. એ ઘટનાને પણ વર્ષોનાં વહાણાં વીતી ગયાં હતાં. એ દરમ્યાન શ્રેયાંશે ખજાનાને ખોજવાની જદ્દોજહેદ ચાલુ જ રાખી હતી. એમાં એક દિવસ તેના હાથે લોટરી લાગી હતી.
પોતાના કમરામાં આટાં મારતો શ્રેયાંશ જાગીરદાર એકાએક ભૂતકાળની યાદોમાંથી બહાર આવ્યો અને તેની ચહલ-કદમી અટકી ગઈ. એ દિવસ તેને બરાબર યાદ હતો જ્યારે તેના કાને ખબર પડી કે તે જે ખાજાનાની પાછળ છે એની એક કડી બસ્તીમાંથી જંગલમાં રહેવા ગયેલો જીવણો સુથાર પણ છે. એ સમાચારે તેને ચોંકાવી
મૂક્યો હતો.
* * *
જીવણો સુથાર! તે જ્યારે બસ્તી છોડીને જંગલમાં રહેવા ગયો ત્યારે બસ્તીમાં તેના વિશે તરેહ-તરેહની અફવાઓ ઊડી હતી. બસ્તીનાં લોકોએ તો તેને ધૂની અને પાગલ જ માની લીધો હતો પરંતુ શું ખરેખર એવું હતું? શું કોઈ પાગલ માણસ ક્યારેય પોતાની જાતે સમાજથી, પોતાના ઘરથી એકાએક અળગો થઈ શકે ખરો? એ યક્ષ પ્રશ્નનો જવાબ ફક્ત બે વ્યક્તિઓ જ જાણતી હતી. એક ખૂદ જીવણ પોતે અને બીજો હતો શંકર.
ખૂદ શંકર પણ નહી કારણ કે શંકર તો ઘણાં વર્ષો પહેલા મરી પરવાર્યો હતો. પરંતુ તેણે પોતાના સાથીદાર પાસે જે શપથ લેવરાવી હતી એ શપથે જીવણાને જંગલમાં જવા પ્રેર્યો હતો. શંકર વિજયગઢમાંથી જે દિવસે ગાયબ થયો એ સમયે તેની સાથે તેના ચૂનિંદા અને વિશ્ર્વાસપાત્ર સાથીઓ હતા જેમણે રુદ્રદેવનાં ખજાનાની રક્ષા કાજે શપથ લીધા હતા અને એ શપથવીધી વખતે જ શંકરે તેમના માટે કેટલાક નિયમો ઘડયા હતા. તેમાના એક નિયમ પ્રમાણે ખજાના વિશે આજીવન કોઈની સમક્ષ એક શબ્દ પણ ઉચ્ચારવો નહી.
શંકરની સાથે કૂલ છ સાથીદારો હતા જેમણે એ સોગંધ લીઘા હતા પરંતુ બન્યું એવું હતું કે તેમાથી પાંચ સાથીદારો એક પછી એક મૃત્યુ પામ્યાં ત્યારે શંકરને ફાળ પડી હતી કે બાકી બચેલો એક સાથીદાર અને એ પછી તે ખૂદ જ્યારે મૃત્યુ પામશે ત્યારે ખજાનાનું શું થશે? એ ચિંતા તેને મનોમંથનમાં મૂકી દીધો હતો અને તેનો એક રસ્તો તેને સૂઝયો હતો. એ રસ્તો હતો યોગ્ય વારસદારને ખજાનાની રક્ષા કાજે નિમણૂક કરીને જવું. એ કામ ખરેખર અઘરું હતું કારણ કે તેણે લગ્ન કર્યા નહોતા એટલે હવે એક સાથીદાર બાકી બચતો હતો એની ઉપર જ બધો દારોમદાર રાખવો પડે એમ હતો. શંકરને ફિકર એ વાતની હતી કે જો એ સાથીદારનો વારસ આ જિમ્મેદારી ઉઠાવી નહી શકે તો? તો તેણે ખજાનો બચાવવા આપેલી કુરબાની વ્યર્થ જાય. પરંતુ એવું થયું નહીં. તેના સાથીદારનો પૂત્ર બરાબર કાબેલ પાક્યો હતો. એ સાથીદાર એટલે જીવણા સુથારનાં પિતા અને તેનો પૂત્ર એટલે જીવણો સુથાર.
ખૂબ લાંબુ જીવીને શંકરનો દેહાંત થયો હતો. ત્યાં સુધી તે આ દુનિયાથી તે અલિપ્ત જ રહ્યો હતો અને મરતી વખતે તેણે તેના સાથીદારને ખજાનાની જવાબદારી સોંપી હતી. એ જવાબદારી જીવણાનાં પિતાએ રુદ્રદેવનાં સોગંધ દઈને જીવણાને સોંપી હતી અને સમગ્ર જીવન એની રક્ષા કરવાનું પ્રણ લેવરાવ્યું હતું. એટલે જ્યારે તેના પિતાનું મૃત્યુ થયું ત્યારે તેણે બસ્તી પાછળનાં જંગલની રાહ પકડી હતી અને તે મર્યો ત્યાં સુધી તેણે એ જંગલને છોડ્યું નહોતું.
* * *
રોની અને માનસા ગહેરા જંગલની રાહ કાપીને ફરી એક વખત જીવણા સુથારનાં મકાનની સામે ઊભાં હતાં. રોનીનાં મનમાં હજજારો આશંકાઓ ઊઠતી હતી અને ભારે ઉત્તેજનાથી તે આગળ વધવા તત્પર બન્યો હતો. બરાબર એ વખતે જ તેની પીઠ પાછળ કશોક સંચાર થયો અને ચોંકીને તે અને માનસા પાછળ ફર્યાં.
“વિક્રાંત, તું? માનસાનાં ચહેરા ઉપર ભયંકર આઘાત તરી આવ્યો અને વિક્રાંતની પાછળથી બહાર આવતાં ડેનીને જોઈને તેનું મોં ખૂલ્લું જ રહી ગયું હતું.
* * *
“વજીર, શું કરવું છે? ડાગાએ ફૂસફૂસાતા અવાજે વજીરને પૂછયું અને તેના જવાબની રાહ જોવા લાગ્યો. તેઓ બન્ને જસ્ટ પાંચેક મિનિટ પહેલાં જ જીવણા સુથારનાં ઘર નજીક આવી પહોંચ્યાં હતા, પરંતુ ત્યાનું દૃશ્ય જોઈને તેઓ એક મોટા વૃક્ષનાં થડ પાછળ ભરાયા હતા. તેમની નજરોની સામે જીવણાનાં મકાન પાસે ચાર ઓળાઓ ઊભા હતા. વજીર એ ચારેયને ઓળખતો હતો. તેમાં એક ગેરેજવાળો હતો અને તેની સાથે ઊભેલી યુવતી તેના બોસની દીકરી માનસા હતી. તો આ તરફ પીઠ કરીને ઊભેલા બે વ્યક્તિઓમાં એક ડેની હતો અને બીજો તેનો દોસ્ત વિક્રાંત હતો.
બોસે તે બન્નેને ફક્ત રોની ઉપર નજર રાખવાનું જ કામ સોંપ્યું હતું એટલે તેણે ત્યાં શું થાય છે એ જોવાનું મન બનાવ્યું. વળી તે એ પણ “મને લાગે છે કે આપણું કામ આસાન બનશે. જો એ લોકો આપસમાં જ લડીને મરશે તો આપણે ભાગે વધું કંઈ કરવાનું આવશે નહી. વજીર બોલ્યો અને હસ્યો. ડાગા શું બોલે તેણે મૂંડી હલાવી અને સામે શું થાય છે એ જોવામાં ધ્યાન પરોવ્યું. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -