પ્રવીણ પીઠડિયા
કોણ શંકર..? માનસાનો એ પ્રશ્ર્ન શ્રેયાંશને ખળભળાવી ગયો. હવે એ કેમ સમજાવે કે શંકર કઈ હસ્તીનું નામ હતું અને તેણે શું કર્યું હતું…? તેના જેવો વફાદાર માણસ આ દુનિયામાં શોધવો દોહ્યલો હતો. રુદ્રદેવનાં મંદિરમાં છુપાવેલો ખજાનો શંકર સિવાય જો અન્ય કોઈ વ્યક્તિના હાથમાં આવ્યો હોત તો ચોક્કસ અત્યાર સુધીમાં એ ખજાનો નામશેષ બની ચૂક્યો હોત, પરંતુ શંકર જુદી જ માટીની બનેલી વ્યક્તિ હતી. એ સમયે ખજાના સાથે તે અંતર્ધાન થયો ત્યારબાદ ક્યારેય કોઈને દેખાયો નહોતો. ખજાનો તેણે ક્યાં છુપાવ્યો હતો અને તે ખુદ ક્યાં સંતાયો હતો એ રહસ્ય આજે પણ રહસ્ય જ હતું.
શંકર એ કોણ હતો અને તેણે શું કર્યું એ સમજાવવું મુશ્કેલ છે. તું બસ એટલું સમજી લે કે તેણે એ ખજાનો છુપાવ્યો હતો એની ભાળ હજુ સુધી કોઈને મળી નથી. પીટર એન્ડરસન અને વજાખાન બન્નેએ ખજાનો શોધવા બહુ મથામણ કરી હતી, પરંતુ એ તેમના હાથે લાગ્યો નહોતો. હાં, તેમણે જે કોશિશો કરી હતી તેનો એક નકશો તેમણે બનાવ્યો હતો જે તિજોરીમાં હતો અને હવે એ તારી પાસે છે.
ઓહ, તો એ નકશો તેનો છે.! અને પેલો લાકડાનો ટુકડો..?
એ ટુકડો એ ખજાનાની ચાવી છે.
વોટ..?
યસ ડીયર. ખજાનાની શોધખોળ દરમ્યાન કોણ જાણે ક્યાથી અને કેવી રીતે એ ટુકડો પીટરના હાથે ચડ્યો હતો. એ બે ટુકડા હતા જેમાંથી એક પીટરને મળ્યો હતો અને બીજા ટુકડાને ખોજવામાં તેની જિંદગી ખર્ચાઈ ગઈ, પરંતુ ક્યારેય એ ટુકડો તેના હાથે લાગ્યો નહોતો. જો એ બન્ને ટુકડા કોઈની પાસે હોય અને એ વ્યક્તિ નકશામાં દોરેલા રસ્તાને ઉકેલી શકે તો ચોક્કસ ખજાના સુધી પહોંચી શકે એવું મારું અનુમાન છે.
ઓહ ભગવાન, એ ટુકડો તો રોનીનાં ઘરે પડ્યો છે. માનસા એકાએક બોલી ઊઠી. ખળભળી ગયો શ્રેયાંશ. તેનું હદય ઉછળીને ગળામાં સલવાયું, પરંતુ તુરંત તે સ્વસ્થ થયો. માનસા સમક્ષ અસહજતા દર્શાવવી તેને પાલવે એમ નહોતી. જબરજસ્તીથી તેણે થૂંક ગળે ઉતાર્યું અને
તે શું નામ કહ્યું એ છોકરાનું? એકાએક જ, અત્યંત સાવધાનીથી તેણે ટ્રેક બદલ્યો. માનસાને એ પ્રશ્ર્ન સમજાયો નહીં. તેના કપાળે સળ પડ્યા. અરે પેલો ગેરેજવાળો છોકરો. જેની સાથે તું ફરે છે. જેને તું અહીં મારા કમરામાં લઈ આવી હતી.
ઓહ એ, રોની.
રોની શ્રેયાંશે ભાર દઈને એ નામ ઉચ્ચાર્યું અને ખુરસીમાંથી ઊભા થઈને વિચારમગ્ન અવસ્થામાં કમરામાં આટા મારવા લાગ્યો. તું એ છોકરાને અહીં લઈ આવ. મારે તેની સાથે વાત કરવી છે.
શું વાત કરવી છે ડેડી! માનસાનું હૃદય એક ધબકારો ચૂકી ગયું.
એ અહીં સુધી પહોંચ્યો એનો મતલબ કે હજું આગળ પણ જઈ શકે છે. મારે તેને એક કામ સોંપવું છે. ખજાનાની ગૂથ્થી ઉકેલવાનું. તું ચાહે તો એનો સાથ આપી શકે છે. એ બાબતે હું તને ટોકીશ નહીં કારણ કે મને લાગે છે કે હવે એ સમય આવી ગયો છે. મારા મનમાં એ બાબતે આશા જન્મી છે કે તમે ખજાનાનું રહસ્ય ઉકેલી શકશો.
માનસા તેના ડેડીને તાકી રહી. તેમણે હમણાં જે કહ્યું એ શબ્દોની સમજ તેને પડી નહીં. જે કામ વર્ષોથી કોઈ નહોતું કરી શક્યું એ કામ તે અને રોની ભેગા મળીને કરી શકશે એવો વિશ્ર્વાસ તેના ડેડીને કેમ છે? તે કંઈક પૂછવા જતી હતી, પરંતુ પછી ખામોશ રહી. આમ પણ તેને ખજાના બાબતે અપાર જિજ્ઞાસા ઉદભવી જ હતી એટલે સામે ચાલીને જો એવી તક મળતી હોય તો ભલા એ નાં શું કામ પાડે.
ઓકે. હું રોનીને કહું છું. તે બોલી અને પછી ડેડીના બેડરૂમમાંથી બહાર નીકળી આવી.
શ્રેયાંશ બહાર જતી તેની દીકરીની પીઠને તાકી રહ્યો. એ સમયે તેના ચહેરા ઉપર એક ન સમજાય એવી મુસ્કાન ઊભરી આવી હતી. જેવી માનસા બહાર નીકળી કે તેણે ફોન ઘુમાવ્યો. એ ફોન તેના અંગત માણસોને વજીર અને ડાગાને કર્યો હતો. એજ વજીર અને ડાગા જેણે જીવણાને માર્યો હતો. તેણે લાકડાનાં એ ટુકડાને શોધવા આકાશ પાતાળ એક કર્યું હતું અને વર્ષોની તપસ્યા પછી એક નાનો સરખો અણસાર મળ્યો હતો કે એ ટુકડો જંગલમાં રહેતા જીવણા પાસે છે. તેણે તુરંત પોતાના આદમીઓને ત્યાં મોકલ્યા હતા પરંતુ એ બન્ને બેવકૂફોનાં હાથે કંઈજ લાગ્યું નહોતું. એટલું ઓછું હોય એમ તેમણે જીવણાનું ઢિમ ઢાળી દીધું હતું એટલે હવે એ ટુકડો કોની પાસે છે એ જાણવું અઘરું હતું, પરંતુ માનસાએ ધડાકો કર્યો હતો. જો તેની વાત સાચી હોય તો હવે રાહ જોવાનો કોઈ મતલબ નહોતો. તેણે એટલે જ રોનીને આગળ કર્યો હતો. એ છોકરો ઘણું જાણી આવ્યો હતો. એ તેના ઘરમાં ઘૂસીને તેની તિજોરી ખોલી શકતો હોય તો ખજાનો પણ જરૂર શોધી લાવશે એની ખાતરી થઈ હતી. તેણે હવે ફક્ત એ છોકરાની પાછળ પડવાનું હતું અને એ કામ તેણે વજીર અને ડાગાને સોંપ્યું હતું. વળી માનસાને પણ તેણે રોની સાથે મોકલી હતી જેથી તેઓ શું કરે છે એની ખબર તેને મળતી રહે. તેણે એક કાંકરે ઘણા બધા પક્ષીઓ મારવાની સોગઠી ગોઠવી હતી. આખરે જે કામ તેના વડવાઓ નહોતા કરી શક્યા એ કામ તે પાર પાડવા ઈચ્છતો હતો.
ૄૄૄ
વિક્રાંતે કોઈપણ ભોગે આજે પોતાના અપમાનનો બદલો લેવાનું નક્કી કરી લીધું હતું. તે રોનીને એમ જ છોડી દેવાનાં મૂડમાં બિલકુલ નહોતો. તેણે ડેનીને એ બાબતે ઉકસાવ્યો હતો અને તેઓ બન્ને એ સમયે જ રોની પાછળ નીકળી પડ્યા હતા.
ૄૄૄ
ઈન્સ્પેકટર દેવ બારૈયાનો ફોન રણક્યો અને તેમાં જે કહેવાયું એનાથી તેના ચહેરા ઉપર ઉત્તેજના ફેલાઈ. સમુદ્રનાં પેટાળમાંથી એક જૂનું જરી-પૂરાણું જહાજ કાંઠે તરીને આવ્યું હતું એ મતલબનો એ ફોન હતો. તે તરત ઉઠ્યો અને સમુદ્ર કાંઠા તરફ ભાગ્યો.
ૄૄૄ
ટેબલ ઉપર નકશો પાથરીને હું તેની ઉપર ઝળુંબી રહ્યો હતો. મને એક બાબત સ્પષ્ટ સમજાતી હતી કે જે કંઈ પણ જાણવા મળશે તે આ નકશામાંથી જ મળશે કારણ કે લગભગ દરેક કિસ્સામાં એવું જ બનતું હોય છે. અને એટલે જ આ નકશો મારા માટે અગત્યનો હતો. આંખો ખેંચીને હું નકશાની બારીકીઓ સમજવામાં પોરવાયો હતો કે અચાનક માનસા આવી ચડી. તેણે તેના ડેડીએ જે કહાની સંભળાવી હતી એ મને કહી અને સાથોસાથ એ પણ જણાવ્યું કે તેના ડેડી તેને મળવા માગે છે. કોણ જાણે કેમ પણ મારું માથું ઠનક્યું. કંઈક કશુંક ઠીક નહોતું. હું કંઈ બોલ્યો નહીં અને ફરીથી નકશામાં ધ્યાન પરોવ્યું.
ૄૄૄ
ઓહ યસ્સ ઓહ યસ્સ એકાએક મારી આંખો ચમકી ઊઠી અને છાતીનાં પોલાણમાં ધડબડાટી વ્યાપી ગઈ. એ એ માયગોડ મને મારી આંખો ઉપર જ વિશ્ર્વાસ નહોતો આવતો. એ તો જીવણાનું ઘર હતું. બસ્તી પાછળ આવેલા અઘોર જંગલની અંદર એકલું અટૂલું ઊભેલું જીવણાનું ઘર. નકશામાં એ સાવ નાનકડા ટપકા જેવું દેખાતું હતું, પરંતુ હું એ ઓળખી ગયો હતો. એકદમ ધ્યાનથી જોતા ખ્યાલ આવતો હતો કે તેની ફરતે આછું પાતળું ગોળ કુંડાળું કરેલું હતું. પહેલી નજરે કોઈને ખ્યાલ ન આવે કે તેની ફરતે કુંડાળું કરેલું છે કારણ કે સમયની થપાટોએ નકશાનાં કાગળને જર્જરિત બનાવી નાખ્યો હતો એટલે કુંડાળું ઓર આછું, લગભગ ભૂસાવાની અણીએ હતું, પરંતુ મને એ ખ્યાલ આવ્યો હતો અને હું ઉછળી પડ્યો હતો. મેં ફટાફટ નકશો સંકેલ્યો.
આપણે જવું પડશે. હું બોલ્યો. માનસા આશ્ર્ચર્યથી મને તાકી રહી.
ક્યાં?
જીવણાના ઘરે
વોટ? બટ વ્હાય..?
એ તને રસ્તામાં સમજાવીશ.
અને અમે બન્ને નીકળી પડ્યા.
* * *
એ બોટ ગળી ચૂકી હતી. તેની હાલત એકદમ ખસ્તા હતી. તેની લાકડાની ફ્રેમ સમુદ્રનાં ખારા પાણીમાં રહીને ફૂલી ગઈ હતી અને તેના ઉપર ક્ષારનાં જાડા થર જામી ગયા હતા. કોણ જાણે કેટલાંય વર્ષોથી તે સમુદ્રનાં પેટાળમાં ધરબાયેલી રહી હશે. એ એકાએક બહાર નીકળી આવી હતી એ કોઈ કુદરતી સંકેત હતો કે પછી અગોચર ઘટનાક્રમ..? દેવ બારૈયાએ તાત્કાલિક તેનું પગેરું શોધવું શરૂ કર્યું. પાછલા દશકમાં, વર્ષોમાં જેટલી પણ બોટો આ તરફનાં સમુદ્રમાં ગુમ થઈ હતી એની સમગ્ર હિસ્ટ્રી તેણે ગૂગલમાં સર્ચમાં નાખી અને જે હિસ્ટ્રી ઉજાગર થઇ એને ખંગોળવાની શરૂઆત ત્યાં ઊભા-ઊભા જ તેણે આદરી.
લગભગ અડધી કલાકની મહેનત બાદ અચાનક તેની આંખોમાં ચમકારો થયો. તેની મોબાઈલ સ્કિન ઉપર એક નામ ઊભર્યુ હતું વેટલેન્ડ, પરંતુ એ જહાજ વેટલેન્ડ ટાપુથી ઘણે દૂર ગાયબ થયું હતું. વેટલેન્ડ ટાપુ આસપાસ કોઈ જ જહાજ ગુમ થયું નહોતું કે ડૂબ્યું નહોતું. એનો મતલબ કે હવે તેણે વેટલેન્ડ જહાજને જ ધ્યાનમાં લઈને આગળ વધવાનું હતું.
(ક્રમશ:)