આજકાલ રાજ્ય સરકારો બની શકે તેટલો ટેકનોલોજીનો ફાયદો લેવાની કોશિશ કરે છે, જે સરાહનીય છે, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે જોઈતી સિસ્ટમ અમલમાં મૂકવામાં ન આવે તો તેનો અર્થ રહેતો નથી. ગયા અઠવાડિયે જ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે એક વોટ્સ એપ નંબર જાહેર કર્યો હતો અને જનતા તેમના સુધી સીધી પહોંચી શકશે તેમ જણાવ્યું હતું. જનતા સીધી પોતાની વાત મુખ્ય પ્રધાન સુધી પહોંચાડી શકે તે સારી વાત છે. જોકે જોઈએ તેવો પ્રતિસાદ નથી આપ્યો, પરંતુ જે ફરિયાદો આવી છે તેનું નિરાકરણ કરવાની સિસ્ટમનો અભાવ હોવાનું અમુક અધિકારીઓનું કહેવાનું છે. સીએમઓને બાદ કરતા અન્ય વિભાગમાં ગ્રીવરન્સ રિઅડ્રેસલ સિસ્ટમ જોઈએ તેટલી મજબૂત નથી. ખાસ કરીને જિલ્લા અને તાલુકા કક્ષાએ આવી સિસ્ટમનો અભાવ છે. વોટસ એપ નંબર આપ્યા બાદ કામ વધ્યું છે, પરંતુ પ્રતિસાદ આપી શકાય તેવી વ્યવસ્થા ન થતી હોવાનું અધિકારીઓ જણાવે છે. ત્યારે નંબર લોંચ કરતા પહેલા આ સિસ્ટમ વધારે મજબૂત કરવાની જરૂર હતી, તેમ અધિકારીઓનું કહેવાનું છે. જોકે કોઈ અધિકારી સત્તાવાર બોલવા તૈયાર નથી, પરંતુ આશા રાખીએ કે મુખ્ય પ્રધાને જે સારા આશય સાથે આ નંબર જનતાને આપ્યો છે તે આશય પૂરો થાય.