દિકરીઓને ભણાવી ગણાવી આકાશ આંબવાની વાતો સમાજ અને સરકાર બન્ને કરે છે. કરોડોમાંથી બે-પાંચ છોકરીઓ પાયલટ બની જાય કે કોઈ ઊંચા પદ પર પહોંચી જાય એટલે આપણે સૌ નારીશક્તિની થાળી વગાડવા લાગીએ છીએ, પરંતુ વાસ્તિવક ચિત્ર હજુ જોઈએ તેટલું બદલાયું નથી. દેશના શહેરો હોય કે ગામડા હોય, બળાત્કાર ઉપરાંત માનસિક-શારીરિક ત્રાસથી પરેશાન મહિલાઓની આપવીતી સાંભળીએ ત્યારે શું ખરેખર કાયદો અને વ્યવસ્થા છે? કોઈ માઈબાપ છે તેવા સવાલો ઊભા થાય છે. ભાવનગરમાં બનેલી બે ઘટનાએ ફરી સમાજની મહિલાઓ પ્રત્યેની માનસિકતા, કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્ર્નાર્થ ઊભા કરી દીધા છે.
ભાવનગરમાં થોડા સમય પહેલા મોટાસુરકા નામના ગામમાં એક નરાધમના ત્રાસથી યુવતીએ પાણીના ટાંકામાં પડી આત્મહત્યા કરી હતી. પાટીદાર સમાજની આ છોકરીને એકતરફી પ્રેમ કરનારો કોઈ લેભાગુ હેરાન કરતો હતો. તો હવે ફરી સિહોર ગામમાં એક યુવતીએ યુવકના કથિત ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે. અહી રહેતી રવિના નામની ૨૭ વર્ષીય યુવતીને ગામના પૂર્વ સરપંચના દિકરા સિચન વોરાએ છેલ્લા બે મહિનાથી માનસિક ત્રાસ આપ્યો હતો અને યુવતીના ના પાડવા છતા તેણે અગાઉની મિત્રતાનો સહારો લઈ યુવતી અને પરિવારને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું, તેમ યુવતીના પિતાએ કહ્યું હતું. યુવકની હિંમત એટલી હતી કે તેણે યુવતીના ઘરની અગાસીમાં ઝેરની દવા ફેંકી હતી અને યુવતીને આપઘાત કરવા કહ્યું હોવાનું પણ તેના પિતા જણાવે છે.
યુવકના પિતાને પણ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ તેમણે પણ વધારે દરકાર કરી નહીં અને આખરે યુવતીએ કંટાળીને વખ ઘોળ્યું હોવાનો આક્ષેપ તેના પિતાએ કર્યો છે. સવાલ એ પણ છે કે માતા-પિતા આટલી ગંભીર સ્થિતિ ઊભી થતી હોવા છતાં પોલીસનો સહારો શા માટે નથી લેતા? શું રાજ્યની પોલીસ લોકોના મનમાં આટલો પણ વિશ્વાસ ઊભી કરી શકી નથી? આ સાથે શું યુવાન દીકરાના માતા-પિતાની કોઈ જવાબદારી નથી? તાજેતરમાં યોજાઈ રહેલા મહિલાઓ માટેના દરબારમાં આવતી મહિલાઓ પણ રડતી આંખે પોતાની સાથે થતાં અત્યાચારોની જે કથની કહેતી હોય છે તે સાંભળીને વિચાર આવે છે કે આપણે यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता (જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે)
માનતા દેશમાં રહીએ છીએ? બે વ્યક્તિ કે પરિવાર વચ્ચે મતભેદ થાય, વિખવાદ થાય તે સમજાય, હોઈ શકે યુવતીનો પણ દોષ હોય, પરંતુ બન્નેમાંથી કોઈ એકે આ પ્રકારની પજવણીથી કંટાળી મોત વ્હાલું કરવું પડે ત્યારે આ મોત માત્ર તે વ્યક્તિનું નહીં, પરંતુ સમાજનું, કાયદો અને વ્યવસ્થાનું છે.