સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ
તાજેતરમાં ગુજરાતી ભાષામાં એક પુસ્તક આવ્યું છે. તેનું નામ છે; વધામણાં- ટેકનોલોજી પોષિત ભવિષ્યનાં. તેના લેખક છે સણોસરા સ્થિત લોકભારતી યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાન્સેલર વિશાલ ભાદાણી. પુસ્તકની ટેગ લાઈનમાં લખવામાં આવ્યું છે, ઇન્ટરનેશનલ બેસ્ટ-સેલિંગ લેખક-વિચારક યુવલ નોઆ હરારી અને પીટર ડિયામેન્ડીસના પુસ્તકોનો અર્ક. યુવલ નોઆ હરારી ઈઝરાયેલી ઈતિહાસકાર અને જેરૂસલેમની હિબ્રુ યુનિવર્સિટીમાં ઈતિહાસના પ્રોફેસર છે. તેમનાં ત્રણ પુસ્તકો ‘સેપિયન્સ: બ્રિફ હિસ્ટ્રી ઓફ હ્યુમન કાઈન્ડ’, ‘હોમો ડેયસ: અ બ્રિફ હિસ્ટ્રી ઓફ ટૂમોરો’ અને ‘૨૧ લેશન્સ ફોર ધ ૨૧ સેન્ચુરી’ વિશ્ર્વવિખ્યાત થયાં છે.
પીટર ડિયામેન્ડીસ ગ્રીક-અમેરિકન એન્જિનિયર અને ફિઝિશિયન છે. તેમણે ‘એબ્યુડન્સ: ધ ફ્યુચર ઇઝ બેટર ધેન યુ થિંક’, ‘હાવ ક્ધવર્જિંગ ટેકનોલોજીસ આર ટ્રાન્સ્ફોર્મિંગ બિઝનેસ’, ‘ઇન્ડસ્ટ્રીઝ એન્ડ અવર લાઈવ્સ’ અને ‘બોલ્ડ: હાવ ટુ ગો બિગ’, ‘ક્રિએટ વેલ્થ એન્ડ ઈમ્પેક્ટ ધ વર્લ્ડ’ નામનાં પુસ્તક લખ્યાં છે. ગુજરાતી
પુસ્તકમાં આ બે લેખકોની અને તેમનાં પુસ્તકોની વાતો છે.
હરારી અને ડિયામેન્ડીસ બંને તેમના પુસ્તકોમાં માનવજાતિના ભવિષ્યની વાત કરે છે. ખાસ કરીને, ટેકનોલોજીની ક્રાંતિ આપણા જીવનને કઈ રીતે ધરમૂળથી બદલી નાખશે તેનું વિવરણ બંને કરે છે. એ ક્રાંતિની ગતિ કેટલી તેજ છે તે છેલ્લા બે દાયકામાં જ પુરવાર થઇ ગયું છે. અગાઉ જે પરિવર્તન થતાં એક દાયકો લાગતો હતો, તેમાં હવે માણસની ટેકનોલોજિકલ પ્રગતિના કારણે બે-ચાર વર્ષમાં જ બદલાવ આવી જાય છે.
સાદું ઉદાહરણ- લેપટોપ અને મોબાઈલ ફોન જયારે આવ્યા, ત્યારે તેની ખરીદી જીવનભર માટે થતી હતી. હવે બે-ચાર વર્ષમાં તેનું અપગ્રેડ વર્ઝન આવી જાય છે.
અઘરું ઉદાહરણ- ચેપીરોગની રસી બનાવવા માટે પરંપરાગત રીતે ૫થી ૧૦ વર્ષ લાગે છે. કોરોનાનો પહેલો કેસ નોંધાયો તેના એક વર્ષની અંદર તો વિજ્ઞાનીઓએ તેનું જીનોમ શોધી કાઢ્યું અને બીજા એક વર્ષમાં તો તેની રસીનું ઉત્પાદન શરૂ થઇ ગયું.
આ તો હાથવગાં ઉદાહરણ છે. એ સિવાય પણ ખાવા-પીવા, કામ કરવા, રહેવા-કરવા, ભણવા વગેરે ક્ષેત્રોમાં પણ જબરદસ્ત ગતિએ ફેરફારો આવ્યા છે અને હજુ આવી રહ્યા છે. ૨૧મી સદી ટેકનોલોજિની સદી છે. ટેકનોલોજિ આપણા જીવનને કેવી પ્રચંડ અને અકલ્પનિય રીતે પ્રભાવિત કરવાની છે, તે કોઈ સાયન્સ ફિક્શનની વાર્તાથી કમ નથી. જે વાતની આપણે કલ્પનાઓ કરતા હતા, તે આજે સાકાર થઈ રહી છે અને એટલે આપણું ભવિષ્ય એકદમ એક્સાઇટિંગ છે.
દુનિયાના તમામ સમાજોમાં સ્વર્ગની કલ્પના છે. સ્વર્ગ એટલે એવી જાદુઈ જગ્યા, જ્યાં અપરંપાર સુખ-સુવિધાઓ હોય, જ્યાં મૃત્યુલોકની સમસ્યાઓ ન હોય અને જ્યાં જીવનમાં શાંતિ અને અમન હોય. આપણા પૂર્વજોને એ ખબર નહોતી કે ટેકનોલોજિ એક દિવસ આવું સ્વર્ગ પૃથ્વી પર સાકાર કરશે. પ્રાકૃતિક રીતે આકાર લેતા આપણા જીવનની સમસ્યાઓ અને મર્યાદાઓ પણ પ્રાકૃતિક રહી છે, અને સદીઓ સુધી માણસ એમાં કશું કરી શકતો ન હતો, પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે માણસ ઈશ્ર્વરે લાદેલાં ઘણાં નિયંત્રણોને દૂર કરવા સક્ષમ બન્યો છે અથવા એવું કહો કે માણસ ઈશ્ર્વરની શક્તિ હાંસલ કરી રહ્યો છે.
પ્રશ્ર્ન એ છે કે પરિવર્તન સારા માટે જ હોય છે? તે આપણને વધુ સુખી બનાવશે? જેમ કે આ પુસ્તકમાં લેખક પૂછે છે: આપણો સામાજિક ઢાંચો કેવો હશે? આપણા સંબંધોનું શું થશે? આપણા ધાર્મિક ગ્રંથો કેવું માર્ગદર્શન આપશે? પ્રકૃતિનો વિકલ્પ મળશે? નવા વૈશ્ર્વિક પ્રશ્ર્નો ઊભા નહીં થાય?
સામાન્ય રીતે આપણે સુવિધાપૂર્ણ જીવનને સુખની નિશાની ગણીએ છીએ. એ રીતે જોઈએ, તો ટેકનોલોજીએ આપણને સુખી બનાવ્યા છે.
યુવલ નોઆ હરારીને આ તર્કમાં શ્રદ્ધા નથી. તેઓ માણસના જંગલયુગથી લઈને ૨૧મી સદીના ટેકનોલોજિકલ યુગ સુધીની અવિશ્ર્વસનીય પ્રગતિનું દિલચસ્પ વિવરણ તો કરે છે, પરંતુ સાથો-સાથ માણસના ટ્રેક-રેકોર્ડને જોતાં ચેતવણી પણ ઉચ્ચારે છે કે માણસ જયારે જીવનને મશીનથી સંચાલિત કરતો થઇ જશે ( માણસ ઈશ્ર્વર બનશે એવું તે લખે છે), પછી સુખ, માનવતા, નૈતિકતા, પ્રેમ વગેરે જેવાં માનવીય મૂલ્યો સામે પ્રશ્ર્નો ઊભા થશે અને તેની પાસે તેના કોઈ સમાધાન નહીં હોય. હરારીના વિશ્ર્લેણમાં, માનવ શરૂઆતથી દુષ્ટ રહ્યો છે, અને જેમ જેમ તેની ટેકનોલોજિકલ તાકાત વધતી ગઈ છે, તેમ તેમ તે તેની દુષ્ટતામાં વધારો થયો છે. એટલે એવું માનવા માટે પૂરતાં કારણો છે કે ભવિષ્યમાં તેની ઈશ્ર્વર જેવી તાકાત તેની દુષ્ટતાને અમર્યાદિત મેદાન આપશે.
એક વાક્યમાં કહેવું હોય તો- માણસ જબરદસ્ત બાહ્ય પ્રગતિ કરશે, પણ એ તેની આંતરિક પ્રગતિની ગેરંટી નહીં હોય.
ઘણા બુદ્ધિજીવીઓ અને વિજ્ઞાનીઓ હરારીના ચેતવણીના સૂરને નિરાશાવાદી ગણે છે. હરારી કહે છે તેવું ભવિષ્ય કોરી કલ્પના નથી, પણ એવું જ થશે તેવું કહેવું ઉચિત નથી. શક્ય છે કે આપણે વધુ ઉદાર બનીશું, ઓછી હિંસા કરીશું, વધુ શિક્ષિત થઈશું અને એક સફળ પ્રજાતિ તરીકે સિદ્ધ થઈશું. આપણો ઈતિહાસ એવું પણ તો કહે છે કે આપણે જંગલી પ્રજાતિમાંથી સભ્ય પ્રજાતિ બન્યા છીએ તેમાં આપણી અલગ-અલગ પ્રગતિઓનું યોગદાન છે.
અહીં પીટર ડિયામેન્ડીસની ‘એન્ટ્રી’ થાય છે. ડિયામેન્ડીસ પણ માણસના ટેકનોલોજિકલ ભવિષ્યનું રસસ્પદ ચિત્ર દોરે છે, પરંતુ તેઓ હરારીની જેમ ‘નિરાશાવાદી’ અથવા ‘એલાર્મિસ્ટ’ નથી. લેખક આ પુસ્તકમાં લખે છે, શાંતિની શોધ કરતાં આપણે સૌ વધુને વધુ સુખ મેળવવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છીએ ત્યારે હરારીની વાત એક ભારેખમ અલાર્મ જેવી છે… એની સામે ડિયામેન્ડીસની વાત ઘણી આશા પણ જન્માવે છે.
હરારી, ટેકનોલોજિના યુગની નકારાત્મક બાજુને છતી કરે છે. તેમનાં લખાણો અથવા વિચારોમાં અમુક પ્રકારનો બુનિયાદી નિરાશાજનક સૂર છે. એક બૌદ્ધ પરંપરાની આધ્યાત્મિક વ્યક્તિ તરીકે, હરારી ટેકનોલોજીના વિકાસની સાથે તેનાં આવનારાં ગંભીર પરિણામો બાબતે આપણને સતર્ક કરે છે અને પ્રશ્ર્ન પૂછે છે કે માણસ સાચે જ સુખી થઈ શકશે?
પીટર ડિયામેન્ડીસ ટેકનોલોજીના યુગનું એક વધુ સકારાત્મક ચિત્ર પેશ કરે છે. તેમનો સૂર પ્રમાણમાં આશાવાદી છે. ડિયામેન્ડીસ બતાવે છે કે ટેકનોલોજી કેવી રીતે આપણા જીવનને ધરમૂળથી બદલી નાખશે અને કેવી રીતે અત્યાર સુધી અસાધ્ય કહેવાતી અમુક સમસ્યાઓનાં સમાધાન શોધશે અને એવી રીતે આપણને એક તદ્દન નવી રીતે જીવન જીવવાનો અનુભવ પ્રદાન કરશે.
ટેકનોલોજીના આ બે વિરોધી અભિગમ વાસ્તવમાં સામા છેડાના નથી, પરંતુ એકબીજાનો વિસ્તાર જ છે. મને એવું લાગે છે કે ‘વધામણાં’ પુસ્તકમાં આ કથિત વિરોધાભાસી વિચારોની કડી ઊભી કરવા પ્રયાસ કર્યો છે.
છેલ્લે, હરારીની એક વાત. તેમની પર નિરાશા ફેલાવાનો આરોપ લાગ્યો ત્યારે તેમણે તેના જવાબમાં કહ્યું હતું કે, હું નિરાશાવાદી કે આશાવાદી નહીં, પણ વાસ્તવવાદી રહેવાનો પ્રયાસ કરું છું.