રંગીન ઝમાને -હકીમ રંગવાલા
એક વખત એવું બન્યું, હિન્દી ફિલ્મોના ટ્રેજેડી કિંગનું બિરુદ મેળવનાર એક્ટર દિલીપકુમાર પોતાના ભજવેલા કરૂણ પાત્રોની અસરમાં એટલા ઊંડા શોકમાં ગરકાવ રહેવા લાગ્યા કે બિમલ રોયની સુપરહિટ ફિલ્મ ‘દેવદાસ’ પછી એમને ડૉક્ટરી ઇલાજની જરૂર પડી અને તેઓ પોતાનો ઈલાજ કરાવવા લંડન પહોંચ્યા. ડૉકટરોએ દિલીપકુમારના ઈલાજ માટે જે દવા સૂચવી એ એવી હતી કે દિલીપકુમારે કરૂણ પાત્રો સ્વીકારવા નહીં અને હળવા કોમિક રોલ કરવા (જે દિલીપકુમારેે ક્યારેય નહોતા કર્યા.) દવાઓ અને નવા પાત્રો ભજવવાની તૈયારી સાથે દિલીપકુમાર પરત આવ્યા અને પોતે હળવા કોમિક પાત્રો ભજવવા ઈચ્છે છે તેવી જાહેરાત કરી. આને કારણે એમને મીનાકુમારી સાથે ‘આઝાદ’ ફિલ્મમાં હળવી રમૂજી ભૂમિકા મળી અને એ ફિલ્મ પણ હિટ થઈ એટલે એ પછી ‘કોહિનૂર’ ફિલ્મમાં હળવી ભૂમિકા મળી અને એ ફિલ્મ પણ સુપરહિટ થઈ.
તમિળ ફિલ્મ નિર્માતા બી. નાગી રેડ્ડી જે મૂળ તો એક પ્રકાશક હતા અને એમનું બાળ સામાયિક ‘ચાંદા મામા’ ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષાઓમાં છપાતું અને વંચાતું. આજના સૌથી સફળ દિગ્દર્શક રાજામૌલિએ એક મુલાકાતમાં કહેલું કે, ‘મારી ફિલ્મો પર હિન્દી મસાલા ફિલ્મો અને ‘ચાંદા મામા’ની વાર્તાઓની અસર છે.’ આ નાગી રેડ્ડીએ એક તમિળ બ્લોકબસ્ટર ફિલ્મ એન.ટી. રામારાવને ડબલ રોલમાં લઈને બનાવેલી. એ ફિલ્મ હિન્દીમાં દિલીપકુમારને લઈને બનાવવાની દિલીપકુમારને ઓફર આપી. મૂળમાં તો આ ફિલ્મની વાર્તા વિખ્યાત ફ્રેન્ચ નવલકથાકાર એલેક્ઝાન્ડર ડુમાની નવલકથા ‘ધી કોરસિકન બધર્સ’ પરથી ઉપાડેલી! દિલીપકુમારે ક્યારેય ડબલ રોલ કર્યો નહોતો, વળી આ ફિલ્મમાં જે ભૂમિકા હતી એવી એમણે ક્યારેય કરી નહોતી અને જો દિલીપકુમાર પોતે આવી ફિલ્મો કરવાની જાહેરાત ન કરે તો ક્યારેય કોઈ દિલીપકુમારને આવી ફિલ્મોમાં રોલ ભજવવાની ઓફર પણ ન જ આપે!
દિલીપકુમારેે તમિળ ફિલ્મનિર્માતાની ઓફર સ્વીકારી લીધી અને ટી. ચાણક્ય નામના દિગ્દર્શકે આ ફિલ્મ ‘રામ ઔર શ્યામ’ દિગ્દર્શિત કરી. વહીદા રહેમાનને સાઈન કરવામાં આવ્યા અને મુખ્ય અઘરું વિલનનાં પાત્ર માટે પ્રાણ સાહેબને લેવામાં આવ્યા. બીજી હિરોઈન માટે કોઈ મેળ પડતો નહોતો, દિલીપકુમાર હા કહે એ જ હિરોઈન થઈ શકે. એ વખતે હાસ્ય અભિનેતા મહેમુદે દિલીપકુમારને વિનંતી કરીને પ્રોજેકટર વડે મુમતાઝની ફિલ્મોના અમુક સીન બતાવ્યા અને દિલીપકુમારે મુમતાઝ માટે ‘હા’ કહી દીધી! મુમતાઝે એક મુલાકાતમાં આ વાત કરીને દિલીપકુમારનો આભાર માનેલ, કારણકે એ વખતે મુમતાઝ સી. ગ્રેડના ફિલ્મોની હિરોઈન ગણાતી એટલે શશી કપૂર અને ધર્મેન્દ્ર જેવા અભિનેતાઓએ પણ મુમતાઝ સાથે કામ કરવા ઈન્કાર કરી દીધેલો!. નૌશાદને સંગીતકારની જવાબદારી મળી અને ‘આઈ હે બહારે મિટે જુલ્મો સિતમ પ્યાર કા ઝમાના આયા દૂર હુએ ગમ…’, ‘મે હું સાકી તું હે શરાબી, શરાબી…’, ‘આજકી રાત મેરે દિલકી સલામી લે લે…’ જેવા સદાબહાર ગીતો બનાવવામાં આવ્યા ‘આઈ હૈ બહારે મિટે જુલ્મો સિતમ…’ ગીતમાં પરદા પર દિલીપકુમારની ભાણેજ બનતી બેબી ફરીદા નામની છોકરી જ રાજકુમાર હીરાણીની ફિલ્મ ‘થ્રિ ઈડિયટ’માં પરીક્ષિત સહાનીની પત્ની અને માધવનની મમ્મીની ભૂમિકા ભજવી ગઈ છે! અને દિલીપકુમારે ભજવેલો અફલાતૂન ડબલરોલ! દિલીપકુમાર ફિલ્મોમાં આવ્યા તે પછી જ લોકોને અને ફિલ્મ સાથે સંકળાયેલા કલાકાર કસબીઓને ખબર પડી કે નેચરલ એક્ટિંગ એટલે શું? અન્ડર પ્લે એટલે શું! ‘રામ ઔર શ્યામ’ ફિલ્મમાં દિલીપ સા’બની બેનમૂન અદાકારી છે, એમાં પણ ડરપોક રામની ભૂમિકામાં સહેજ પણ ઓવર એક્ટિંગ કર્યા વગર લાજવાબ અદાકારી છે! બાકી સ્ટેજ પર કામ કરી ચૂકેલા કલાકારો ઓવર એક્ટિંગ કરવાથી બચી શકતા નથી. ગુજરાતીના મશહૂર હાસ્ય લેખક તારક મહેતા કહેતા કે મોટાભાગના સ્ટેજના કલાકારો ફિલ્મમાં પણ સ્ટેજની જેમ બૂમાબૂમ કરતા હોય છે! ‘રામ ઔર શ્યામ’ ફિલ્મ પછી દિલીપકુમારે ‘દાસ્તાન’ ફિલ્મમાં ડબલરોલ કર્યો અને ‘બૈરાગ’ ફિલ્મમાં તો ત્રણ રોલ ભજવ્યા પણ ‘રામ ઔર શ્યામ’ જેવી વાત ન બની શકી!
‘રામ ઔર શ્યામ’ ફિલ્મમાં બહેતરીન વિલન ગજેન્દ્રનો રોલ પ્રાણસાહેબે અદ્ભુત ભજવ્યો અને દિલીપકુમારની બરોબરી કરેલી. ફિલ્મ બ્લોકબસ્ટર બની. એ વખતમાં સૌથી વધુ આવક આ ફિલ્મએ કરેલી. આ ફિલ્મ તેલગુ, તમિળ, મલયાલમ, ક્ધનડ અને હિન્દી એમ પાંચ ભાષામાં બની.
‘રામ ઔર શ્યામ’ની સ્ટોરી લઈને એ પછી રમેશ સિપ્પીએ ‘સીતા ઔર ગીતા’, રાકેશ રોશને ‘કિશન કનૈયા’, પંકજ પરાશરે ‘ચાલબાજ’, સાઉથની એ.વી.એમ કંપનીએ જીતેન્દ્રને બેવડી ભૂમિકામાં લઈને ‘જૈસે કો તૈસા’ ફિલ્મો બનાવી. આ જ સ્ટોરી લઈને અરુણા ઇરાનીને ડબલરોલમાં લઈને ગુજરાતી ફિલ્મ ‘ગંગાપુરની ગંગા’ પણ બની છે. અને જોવાની ખૂબી એ છે કે આ દરેક ફિલ્મો સુપરહિટ બની અને એ ડબલરોલમાં કામ કરનાર હેમામાલિની, અનિલકપુર, શ્રીદેવી અને જીતેન્દ્રની કારકિર્દીનો યાદગાર રોલ આ ફિલ્મો બની ગઈ છે.
હજી આજે પણ કોઈ દ્રષ્ટિવાન દિગ્દર્શક જો આ સ્ટોરી પર ફિલ્મ બનાવે તો એ ફિલ્મ પણ અચૂક બ્લોકબસ્ટર બને એવી સંભાવના છે જ.