ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી
મમતા – પંચગિની જેવી શાંત, સુંદર જગ્યાએ આવેલ એક કોલેજમાં ગણિત વિષયની પ્રોફેસર છે, ખૂબ કડક સ્વભાવ, અતિશય શિસ્તતા અને વધારે પડતી નિયમિતતાની આગ્રહી પણ ખરી એવી મમતા શિક્ષક હોવાની સાથોસાથ એક ટીનએઈજ દીકરીની મા પણ છે કે જેને તેણી એકલા હાથે ઉછેરતી આવી છે. જોકે, નાનપણથી જ દીકરી કાવ્યા વારંવાર પૂછતી આવી છે કે એના પિતા ક્યાં છે? કોણ છે? પરંતુ દીકરીના લાખ પ્રયત્નો છતાંય મમતા તેના વિષે કોઈજ માહિતી આપતી નથી અને કાવ્યાના દરેક કાયદાકીય ડોક્યુમેન્ટ્સમાં પણ તેના નામ પાછળ પોતાનું જ નામ લખાવે છે. પોતે એકલપંડે બધું જ કરી શકવા સક્ષમ છે એવું દ્રઢપણે માનતી આવેલી મમતાનો ભ્રમ હવે ધીરેધીરે મોટી થઈ રહેલી કાવ્યા ભાંગી રહી છે. પિતાના સહવાસ વગર પણ વર્ષોથી પ્રેમપૂર્વક એકલાં રહેતાં બંન્ને મા-દીકરીના જીવનમાં કાવ્યા મોટી થતાંજ વૈચારિક સંઘર્ષ શરૂ થવા લાગ્યો છે. મમતાની નાની-નાની વાતમાં કાવ્યા પર કરાતી રોકટોક અને કાવ્યા દ્વારા માતા સામે ઊગતી ઉંમરના જોશમાં કરાતું અયોગ્ય વર્તન બંન્નેને સામસામે હેરાન કરવા લાગ્યું છે. દરરોજ કરાતી સામસામી દલીલો, અપમાનજનક વર્તન અને એકબીજા સાથે એકપણ વાતમાં સહમત ના થઈ શકવાની અસમર્થતાને કારણે મમતા અને કાવ્યા પોતપોતાની રીતે એકલા એકલા પીડા અનુભવ્યાં કરે છે.
પણ આજ સવારથી જ રોજના નાના નાના ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને આજે જ એ દિવસ છે જ્યારે કાવ્યા એવું નક્કી કરી લે છે કે તેણી ઘર છોડી હોસ્ટેલમાં જતી રહેશે. જોકે, સ્વભાવે થોડી મીંઢી કાવ્યા પોતાના આવડા મોટા નિર્ણયની મમતાને જાણ કરવાની પણ દરકાર રાખતી નથી અને થોડા જ દિવસોમાં પોતાની નોકરી, રહેવા-જમવાનું એમ બધું જ નક્કી કરી લીધા બાદ કાવ્યા પોતાની આ આઝાદીના જશ્નને માણવા આખી રાત ઘરે પણ નથી આવતી ત્યારે બીજી તરફ ચિંતાતુર બનેલી મમતા બધે પૂછપરછ કરવાનું શરૂ કરે છે અને કાવ્યાએ ઘર છોડી જવાની બધી જ તૈયારી કરી લીધેલી છે એ બહારથી જાણ્યા બાદ મમતાના પગ તળેથી જમીન સરકી જાય છે. હાઈપર ટેન્શન, ડિપ્રેશન વગેરે જેવી અનેક સમસ્યાઓની નિયમિતપણે દવાઓ લેતી મમતા આવેશમાં આવી તે ફક્ષડ્ઢશયિું ફિિંંફભસ ભોગ બની બેસે છે. હૉસ્પિટલના બિછાને પડેલી મમતાને એક વાત સતત ખટક્યા કરે છે કે, કાવ્યા પાછળ જીવન ઘસી નાખનાર પોતે જાણે દુશ્મન હોય એ રીતે કેમ વર્તન કરે છે? શારીરિક રીતે ચાલીસ વર્ષની મધ્યાવસ્થાએ પહોંચેલી મમતા વિચારોનાં વમળોમાં અટવાતી ક્યારેક માનસિક રીતે વીસ વર્ષની ચુલબુલી યુવતી બની બેસે છે અને આવી માંદી પડેલી માની સંપૂર્ણ જવાબદારી આવી પડે છે દીકરી કાવ્યા પર. જોકે, કાવ્યા પણ કંઈ એટલી જવાબદાર નથી હોતી કે એકલા હાથે આ પરિસ્થિતિને સંભાળી શકે, પરંતુ ધીમે-ધીમે માની બહેનપણીઓ પાસેથી ભૂતકાળ ફંફોસતા તેણીને ખ્યાલ આવે છે કે, મમતા એક સમયે પોતાની જેમ જ બિન્દાસ, સ્વતંત્ર મિજાજની, પોતાની શરતે જીવન જીવવાની હિમાયત કરનારી અને ખૂબ ચંચળ હતી તો એવું શું બની ગયું આ વીસ વર્ષોમાં જેણે મમતાને સાવ અલગ જ બનાવી દીધી? શા માટે તે અત્યારે મારી દુશ્મન હોય એ રીતે વર્તે છે?
આજે ઘેરઘેર આ પ્રકારની સમસ્યાઓ જોવા મળી રહી છે જેમાં સંતાન અને માતા વચ્ચેનું સંતુલન શત્રુતામાં ફેરવાય ગયું હોય. આથીજ, આ કોન્સેપ્ટ પર હમણાથી ઘણી વાર્તાઓ લખાય છે, અને ફિલ્મો પણ બની રહી છે, મોટાં શહેરોમાં કાઉન્સેલિંગ, ટોક શો કે સેમિનાર પણ હવે તો યોજાવા લાગ્યા છે, પરંતુ સવાલ એ થાય કે શા માટે અમુક ઉંમરે દીકરીઓને પોતાની જનેતા જ દુશ્મન લાગવા લાગે છે??
કાવ્યા અને મમતા બંન્ને ઉંમરના એક એવા પડાવ પર હતાં કે જ્યારે તેઓની અંદર અંત:ાવોએ ઊથલપાથલ મચાવી હોય. કાવ્યાને ત્યાં એનું આગમન થયેલું અને મમતા પાસેથી વિદાયની વેળા આવેલ. આ સંજોગોમાં એક તરફ સવાર ખીલી રહી હતી તો બીજી તરફ આથમતી સાંજ. એટલેજ, એ બંન્ને મા-દીકરી પોતપોતાની રીતે ભૂલ કરી બેસતાં હતાં. મધ્યાવસ્થાની નિશાની સ્વરૂપે મમતા વર્તતી હતી તો મુગ્ધાવસ્થાના પુરાવારૂપે કાવ્યાની અંદર લાગણીઓ ઉછાળા મારી રહી હતી અને એટલા માટે જ બંને વચ્ચેનું સાયુજ્ય ખોરવાતું જતું હતું. આવું દરેક ટીન એજર તેમજ તેઓની માતા સાથે બનતું આવે છે. ઉંમરના એક તબક્કે મા જાણે તેઓની દુશ્મન હોય તેવો ઘાટ ઘડાતા વાર નથી લાગતી, પરંતુ જો દરેક દીકરીને ખ્યાલ આવે કે, પોતાની મા પણ આ ઉંમરે પોતાના જેવી જ હતી તો ઘણા સંઘર્ષો અટકાવી શકાય છે અને આસાનીપૂર્વક એકબીજાને સમજી શકાય છે. મા જે કહે છે એ તેના અનુભવો પરથી, તમને નુકસાન થતું અટકાવવા માટે કે પછી ક્યારેક લાગણીઓના આવેશમાં કે હોર્મોન્સના પ્રભાવમાં કહે છે એ જો દરેક ટીનએઈજ દીકરી સમજે તો પોતાની માતા સાથે થતી અકારણ અથડામણોને ટાળી શકે છે અને સામાપક્ષે દરેક માતા પણ પોતાની ઉમરે દીકરીને ના જોતાં તેઓની મુગ્ધાવસ્થાની ઉંમરને લક્ષ્યમાં રાખે તો દીકરીની ખરા અર્થમાં શત્રુતાની લાગણીથી પર એક સારી મિત્ર બની શકે છે.