Homeમેટિનીશ્રીદેવીની દીકરી હોવાનું નુકસાન ભોગવી રહી છે જાહ્નવી?

શ્રીદેવીની દીકરી હોવાનું નુકસાન ભોગવી રહી છે જાહ્નવી?

વિશેષ -પ્રથમેશ મહેતા

એક બાજુ બોલીવુડ પર એવા આક્ષેપો થાય છે કે ત્યાં નિપોટિઝમ વ્યાપક છે, તો બીજી બાજુ બોલીવુડના કલાકારોનાં સંતાનોને પણ પોતાની અલગ ઓળખ બનાવવા ઝઝૂમવું પડે છે. માત્ર પોતાના સફળ માતા, પિતા કે ભાઈ-બહેનનો પડછાયો બનીને ન રહી જવાય તેના માટે ભારે મહેનત કરી દર્શકોને રીઝવવા પડે છે.
શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાહ્નવી કપૂરે ફિલ્મ ‘ધડક’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર હતો. ‘ધડક’ મરાઠી સુપરહિટ ફિલ્મ ‘સૈરાટ’ની હિન્દી રિમેક હતી. ‘સૈરાટ’ને ઘણી પ્રશંસા મળી હતી, તો ‘ધડક’ પર લોકોની પ્રતિક્રિયા મિશ્ર હતી.
ખાસ કરીને જાહ્નવી કપૂર માટે. લોકોએ તેનો લુક, તેની ડાયલોગ ડિલિવરી અને એક્ટિંગ બધું જ તેની માતા સાથે સરખામણી કરતા જોયું.
એક સમય એવો હતો જ્યારે જાહ્નવીની એક્ટિંગ વિશે ઘણી નેગેટિવ વાતો પણ સાંભળવા મળતી હતી, પરંતુ તેણે હાર માની નહીં.
જાહ્નવીની સૌથી સારી વાત એ હતી કે તેણે ક્યારેય પાત્રો સાથે પ્રયોગ કરવાનું બંધ કર્યું નથી.
તેણે દરેક વખતે નવા પ્રકારનું પાત્ર પસંદ કર્યું. પછી તે ગુંજન સક્સેનાની ફ્લાઈટ-ગર્લનું પાત્ર હોય કે પછી ટૂંકી ફિલ્મ ઘોસ્ટ-સ્ટોરીઝનું પાત્ર હોય. રુહી અને ગુડ લક જેરીનાં પાત્રો પણ એકબીજાથી અલગ અને પડકારરૂપ હતા.
જાહ્નવીની એક ફિલ્મ ‘મિલી’ આજે રિલીઝ થઈ રહી છે. આ પહેલી ફિલ્મ છે જે તેણે તેના પિતા અને નિર્માતા બોની કપૂર સાથે કરી છે.
જાહ્નવી તેની કારકિર્દી, અત્યાર સુધીની સફર અને પરિવારના અન્ય સભ્યો વિશે વાત કરે છે.
જાહ્નવી સ્વીકારે છે કે શરૂઆતનો તબક્કો તેના માટે ઘણો મુશ્કેલ હતો. તેને લોકોની વાત પણ ખરાબ લાગી, પરંતુ ખરાબ લાગવાનું કારણ લોકોનું તેને જજ કરવું નહોતું.
જાહ્નવીનું માનવું છે કે શ્રીદેવીના મૃત્યુ પછી તેણે એક અણગમતું કામ કર્યું અને તે એ હતું કે અભિનેત્રી બન્યા પછી તેને તેની માતા પાસેથી જે પ્રેમ અને સહાનુભૂતિ જોઈતી હતી તેની અપેક્ષા રાખવા લાગી, પણ જ્યારે તે ન મળ્યો ત્યારે તેને ખૂબ જ ખરાબ લાગ્યું.
તેણે કહ્યું, “મને એટલે ખરાબ નથી લાગ્યું કે લોકો મને જજ કરી રહ્યા હતા, પરંતુ એટલે લાગ્યું કે હું લોકોની અપેક્ષાઓ પર ખરી ન ઊતરી શકી. મારી પ્રથમ ફિલ્મ સાથે, હું દરેકના વિશ્ર્વાસ પર ખરી ઊતરી શકી નથી. કદાચ તે એક પ્રકારનો બોજ હતો. મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે હું યોગ્ય રીતે પારખી શકી નહોતી. મારે ઘણી વસ્તુઓ કરવી હતી, પરંતુ હું કરી શકી નહીં. હા પણ પહેલા દિવસથી લઈને અત્યાર સુધી હું માત્ર અને માત્ર સખત મહેનત કરી રહી છું.
જાહ્નવીનું માનવું છે કે સમય જતાં લોકોનું તેમના પ્રત્યેનું વર્તન બદલાયું છે. તે કહે છે, “લોકો હવે મારી મહેનત, મારું કામ જોઈ રહ્યા છે. તેઓ હવે મારું કામ પસંદ કરી રહ્યા છે અને તે મારા માટે મોટી વાત છે. તે અનુભવવું ખૂબ જ સારું છે.
જાહ્નવીએ જણાવ્યું કે તેને નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો, પરંતુ વચ્ચે એક સમયગાળો આવ્યો, જ્યારે લોકોના પ્રશ્ર્નોને કારણે તેણે એક્ટિંગમાં ન જવા વિશે વિચારવાનું શરૂ કર્યું.
જાહ્નવી કહે છે, “સિનેમા મારા લોહીમાં છે. લોકો સમજે છે કે શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી હોવાને કારણે તેને જીવનમાં બધું સરળતાથી મળી ગયું છે, પરંતુ પછી તેઓએ એ પણ માનવું જોઈએ કે આ કળા માટે સખત મહેનત, ઈમાનદારીથી કામ કરવું અને બધુંજ દાવ પર લગાવવું એ પણ છે મારા લોહીમાં.
જોકે તે માને છે કે સિનેમા પરિવારમાંથી આવીને તેના માટે વસ્તુઓ સરળ રહી છે, પરંતુ તેણે કામ કરવું પડશે, તે પણ પૂરી મહેનત અને ઈમાનદારી સાથે.
તે કહે છે, “પહેલાં તો મને મુંબઈ શહેરમાં ટકી રહેવાની ચિંતા કરવાની જરૂર નહોતી કારણ કે હું ખુદ જ ફિલ્મી પરિવારની હતી. ઓડિશનની ભાગદોડમાં એ વિચારવું કે મુંબઈમાં કેવી રીતે ટકી રહેવું, મારા માથા પર. છત કેવી હશે મને ખાવા પણ મળશે કે નહીં? અન્ય સ્ટ્રગલર્સની જેમ આ મારા મૂળભૂત સંઘર્ષો નહોતા ક્યાં જવું, કોને મળવું એ પડકારો પણ નહોતા કારણ કે હું જાણતી હતી કે આ ફિલ્મો બની રહી છે, આ નિર્દેશકોને મળી શકાય અને ઓડિશનમાં જઈ શકાય. હું ટ્રેનના ધક્કા ખાતાં ખાતાં ઓડિશન માટે જઈ રહી નહોતી, હું મારી આરામદાયક કારમાં, મારા આરામદાયક ઘરથી નીકળી રહી હતી. હું પીઢ કલાકારોની સલાહ લેતી હતી અને તે મારો વિશેષાધિકાર હતો.
જાહ્નવીએ કહ્યું કે તેણે ઘણા બધા ઓડિશન આપ્યા છે. તેણે ‘ધડક’ માટે ઓડિશન પણ આપ્યું હતું. તે કહે છે કે તેની સાથે પણ એવું બન્યું છે કે તેણે એક ફિલ્મ માટે ઓડિશન આપ્યું હોય, પરંતુ તે રોલ પછીથી કોઈ અન્યને આપવામાં આવ્યો હોય.
જાહ્નવી માને છે કે લોકોએ સ્ટારકિડ્સ વિશે કદાચ એવું વિચાર્યું હશે કે તેમને બધું જ સરળતાથી મળી જાય છે, પરંતુ એવું નથી.
પોતાના બાળપણની વાતો જણાવતા તે કહે છે, “નાનપણથી જ આવું થતું આવ્યું છે. જો મને બાળપણમાં પૂરા માર્ક્સ મળતા તો કહેવાતું કે શિક્ષક શ્રીદેવીના પ્રશંસક હોવાથી મને માર્ક્સ મળ્યા.
જાહ્નવી કહે છે કે તેના પિતા બોની કપૂરે તેને પહેલેથી જ ચોખવટ કરી હતી કે મારી પહેલી ફિલ્મ તેમની સાથે નહીં હોય અને મારે મારા માટે કામ શોધવું પડશે.
શ્રીદેવીના મૃત્યુ પછી અર્જુન કપૂર અને તેની બહેન અંશુલાએ જે રીતે જાહ્નવી અને તેની નાની બહેન ખુશીને હેન્ડલ કરી હતી તેને જાહ્નવી આશીર્વાદ માને છે.
તે કહે છે, “તેમના આવવાથી મારી સપોર્ટ સિસ્ટમ વધી છે. જેઓ મને પ્રેમ આપે છે અને જેમને હું પ્રેમ આપી શકું છું, તે બે લોકો મારા જીવનમાં વધ્યા છે.
જાહ્નવી કહે છે કે જો તે તેના પરિવારના દરેક સભ્ય પાસેથી એક એક ગુણ કરવા માગે, તો તે અંશુલા પાસેથી તેની સમજદારી, અર્જુન કપૂર પાસેથી તેનું રમૂજીપણું, બોની કપૂર પાસેથી તેમની હકારાત્મકતા લેવા માગે છે અને ખુશી પાસેથી તે તેની સચ્ચાઈ લેવા માગશે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -