Homeઈન્ટરવલ"છે ગરીબોના કુબામાં... વાંચો ચોવક શું કહે છે!

“છે ગરીબોના કુબામાં… વાંચો ચોવક શું કહે છે!

કચ્છી ચોવક – કિશોર વ્યાસ

કોઇ કાર્ય નિષ્ઠાપૂર્વક કર્યું હોય પણ તેનું પરિણામ શું આવશે, તેની કલ્પના ન થઇ શકે ત્યારે ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે “આ તો ભરેલું નાળિયેર છે મતલબ કે, અંદરથી મલાઇ નીકળશે કે નહીં એ કહી ન શકાય. એ જ અર્થમાં કચ્છી ચોવક કહે છે “ભર્યો નાઇયર આય! આવી સ્થિતિમાં માત્ર ધારણા બાંધવાની હોય કે, કલ્પના જ કરવાની રહે! એક સરસ ચોવક છે: “મનજા લડૂં, મોરા કેર ખાય? જો મનમાં જ લાડુ બનાવીને ખાવાના હોય તો ઘી-ગોળ
ઓછાં શા માટે નાખવાં? એ તો છૂટથી જ વાપરવાનાં
હોય. ‘મોરા’ લાડુ એટલે કે ઓછા ગોળવાળા લાડુ! કલ્પના કરીને જ લાડુ ખાવાના હોય તો એમાં ભરપૂર મીઠાસ હોવી જોઇએ!
એક અન્ય અદ્ભુત ચોવક છે. “ભુખેં જી ઘી ભત મેં પિઇ, ઢીંગલા ડિસી ઢરી પિઇ હૃદયસ્પર્શી અર્થ ધરાવતી ચોવક છે. ” ભુખેં જી એટલે ભૂખ્યાઓની, “ભત મેં એટલે જમણમાં, “પિઇ એટલે પડી. જમણનો સ્વાદ અહીં પ્રતીક બન્યો છે. પણ વાત જીવનની છે. શબ્દાર્થ એવો થાય છે કે, જે
સ્વાદ ભૂખ્યા લોકોના જમણમાં હોવો જોઇએ તે પૈસો જોઇને શ્રીમંતોના જમણમાં ઢળી પડ્યો! એવું જ જીવનમાં બનતું હોય છે. ગરીબોના ભાગનો હિસ્સો શ્રીમંતોની તિજોરીમાં જઇને ઢળી પડતો હોય છે.
ચોવક જીવનની વાસ્તવિકતાનો અરીસો આપણી સામે ધરી દે છે ! ગરીબોએ માગીને ઘી વાપરવું પડતું હોય છે. એ અર્થ બતાવતી બીજી એક ચોવક છે: ” મંગે ઘી જો ચૂરમું ન થીએ ચૂરમો એક મીઠી, સ્વાદિષ્ટ વાનગી છે. જેમાં ઘીનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય તો જ એ સ્વાદિષ્ટ બને છે. પણ ચૂરમામાં વાપરી શકાય એટલા પ્રમાણમાં ઘી કોઇ પાસેથી ઉધાર થોડું લેવાય? શબ્દાર્થ એવો થાય છે કે, “ઘી માગીને ચૂરમો ન બનાવાય અને ભાવાર્થ એવો થાય છે કે “કોઇને તકલીફ આપીને મજા ન લેવાય
આપણે સૌ જાણીએ છીએ કે, દરેક બાબતની એક
મર્યાદા હોય છે. આપણે ઘણીવાર કહેતા હોઇએ છીએ કે “મર્યાદામાં બધું શોભે પણ એ જ વાત ચોવક આ રીતે કહે છે: “ચાક જે પાણીએ ઊંઝ ન વિંઝે. ‘ચાક’ એટલે ઝાકળ. અર્થ થાય છે કે, ઝાકળના પાણીથી તરસ ન છીપે. ઝાકળને પોતાની મર્યાદા હોય છે. એનું સ્વરૂપ વરસાદના પાણી જેવું નથી હોતું.
જીવનના ક્રમ પર કટાક્ષ કરતી એક સુંદર ચોવકનું સ્મરણ થાય છે. કહેવાય છે કે, “માડૂને ચિભડ પ્યો પ્યો વધે. માણસની સરખામણી અહીં ચિભડાં સાથે કરવામાં આવી છે! પોતાની વેલમાંથી પોષણ મેળવતું ચિભડું એક જગ્યાએ પડ્યું પડ્યું જ કદ વધાર્યા કરે છે. તેવું જ માણસનું છે. પડ્યા પડ્યા પણ તેની ઉંમર તો વધતી જ જાય છે.
કોઇ સાથે વિવાદ સર્જાતાં કોર્ટના પગથિયાં ચઢયા એટલે જતાં વેંત કંઇ તેનો નિવેડો આવતો નથી. એટલે જ ચોવક કહે છે કે, “કોરટમેં અટો ને આયુષ બોય ખપેં. અહીં ‘અટો’ એટલો માત્ર ‘લોટ’ એવો અર્થ જ નથી થતો. સંપૂર્ણ આર્થિક ક્ષમતા અને આયુષ્ય એમ બન્ને જોઇએ. કોર્ટમાં ન્યાય મેળવવા માટે ધીરજ પણ ધરવી પડે છે. આમ તો વિવાદને પ્રેમથી સુલઝાવી લેવામાં જ સાર છે. શા માટે કોર્ટ સુધી જવું જોઇએં? ચોવક કહે જ છે કે, “ગુડ સેં મરે તેં કે, ઝેર કુલા ડિણું? ‘ગુડ’ એટલે ગોળ. ‘કુલા ડિણું’ એટલે શા માટે આપવું? વાત જબાનની મીઠાસ પર આવીને અટકે છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -