Homeઉત્સવઆઈપીઓમાં પણ ટિપ્સ કલ્ચર હોય છે

આઈપીઓમાં પણ ટિપ્સ કલ્ચર હોય છે

સ્પેશિયલ -જયેશ ચિતલિયા

૨૦૨૩માં આઈપીઓમાં નાણાં ખોવાં છે કે કમાવાં છે? શું તમે નકકી કરી શકશો?
વર્ષ ૨૦૨૩માં પ્રાઈમરી માર્કેટના રોકાણકારો નાના અને મધ્યમ કદના ઈશ્યુઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે એવા અણસાર છે. સ્ટાર્ટઅપ્સ-ન્યુએજ કંપનીઓ વધુ આવી શકે. સેબી તરફથી પરિવર્તન-સુધારા થયા કરશે. તકો વધવા સામે પડકાર અને રિસ્ક પણ વધશે. ચોકકસ આધાર શેરબજારના ટ્રેન્ડ પર રહેશે. હાલ તો કોવિડની સંભવિત સમસ્યા સૌથી ગંભીર ચિંતાનો વિષય બનતો જાય છે.
વરસ ૨૦૨૩માં શેરબજારમાં તેજી-મંદીનો ટ્રેન્ડ કેવો રહેશે એ કહેવું કઠિન છે. અલબત્ત, આશાવાદ ઊંચો છે, કિંતુ પ્રાઈમરી માર્કેટ (ખાસ કરીને આઈપીઓ માર્કેટ)માં ચોકકસ પરિવર્તન થવાના એ નકકી છે. જેના સંકેત આવી રહ્યા છે. નિયમન સંસ્થા સેબી (સિકયોરિટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા) આ માટેની તૈયારીમાં છે અને આ સાથે પ્રાઈમરી માર્કેટ સાથે સંકળાયેલો વર્ગ પણ એક્ટિવ થઈ રહ્યો છે, જો કે રોકાણકારો સામે સુવિધા સાથે તકો વધશે અને પડકારો પણ વધશે.
દેશમાં આગામી વર્ષે નાનાથી લઈને મધ્યમ કદના પબ્લિક ઈશ્યુની ભરમાર રહેશે, કારણ કે કેટલીક મોટી કંપનીઓના લિસ્ટિંગ બાદ થયેલા મોટા ધબડકાથી ચેતી ગયેલા રોકાણકારો હવે નાની અને મધ્યમ કદની કંપનીઓ પર પોતાની પસંદગી ઢોળી રહ્યા છે. દેશનાં કેટલાંક મોટાં સ્ટાર્ટઅપ્સના મૂલ્યમાં તેમના લિસ્ટિંગ બાદ જબરદસ્ત મૂલ્ય ઘટાડો થયો છે. ઊંચી કિંમતો અને વધતા વ્યાજદરને કારણે વિશ્ર્વભરમાં ટેકનોલોજી સ્ટોક્સની માગમાં ઘટાડો થયો છે. એ ઉપરાંત અગાઉ જેમણે ટેકનોલોજી સ્ટોક્સમાં રોકાણ કર્યું હતું એ રોકાણકારોએ પણ તેમનો લોક-ઈન પિરિયડ સમાપ્ત થયો એટલે શેરો વેચવા કાઢ્યા એની અસરે પણ ટેકનોલોજી શેર્સના ભાવોમાં ગાબડું પડ્યું હતું.
વર્ષ ૨૦૨૩માં વૈશ્ર્વિક સ્તરે, ખાસ કરીને અમેરિકામાં આર્થિક મંદીનું જોખમ છે એટલે શેરોનું ભાવિ સુસ્ત રહેવાની સંભાવના છે એ જોતાં રોકાણકારો શેરોની પસંદગીમાં સાવધાની વર્તશે. રોકાણકારો કદાચ અન્ય ક્ષેત્રોના નાના કદના ઈશ્યુઓ પર અધિક ધ્યાન આપે એમ લાગે છે. અત્યારે બજાર નિયામક સેબી સમક્ષ સંખ્યાબંધ આઈપીઓની અરજી છે,
ક્લિયરન્સનો સમય ઘટાડાશે
બીજું એક મોટું અપેક્ષિત પરિવર્તન ઈસ્યૂ ક્લિયરન્સના સમયનું છે. હાલમાં સેબી આઈપીઓ દસ્તાવેજોને ક્લિઅર કરતા એકાદ દોઢ મહિનો લઈ લે છે, ઘણીવાર વધુ પણ. જોકે હવે નવા વરસે સેબી આ મંજૂરી (ક્લિયરન્સ)ના સમયને સાત દિવસ જેવો નાનો કરી નાખવાનું લક્ષ્ય ધરાવે છે. સેબીના ચેરપર્સન માધબી બૂચે આવું જાહેરમાં કહ્યું હતું. તેમણે ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સની મીટિંગને સંબોધતા આમ કહ્યું હતું. આગામી બજેટ બાદ તરત આ કામ થવાની આશા છે. સેબી સામે અન્યથા વિલંબ અંગેની ફરિયાદ પણ થયા કરે છે. જેની સામે સેબી કહે છે કે ઈસ્યુઅર્સ, મર્ચન્ટ બેન્કર્સ, ઈસ્યુ મેનેજર્સ યોગ્ય દસ્તાવેજો સુપ્રત ન કરે અથવા યોગ્ય માહિતી-પારદર્શકતા જાળવે નહીં તો સેબી તેમની પાસે માહિતી માગે અને સ્પષ્ટતા પણ માગે તો વિલંબ થવાનો જ છે. આ વિષયમાં ઈસ્યુ મેનેજરે સક્રિય થવાની જરૂર છે. બાકી સેબી તો આઈપીઓ કે અન્ય ઓફર્સ સામે આવતા અવરોધો દૂર કરવાનો ઈરાદો ધરાવે છે. દરમ્યાન આગામી વર્ષે આઈપીઓ દ્વારા ઓછી રકમ એક્ત્ર કરાશે, પરંતુ પ્રાઈમરી બજારમાં કામકાજ સારા એવા પ્રમાણમાં થશે અને આઈપીઓની માગ પણ રહેશે, એમ અભ્યાસુઓ માને છે.
લિસ્ટિંગ્સ વધુ ટૂંકા સમયમાં
અગાઉ શેરબજારમાં આઈપીઓ આવ્યા બાદ લિસ્ટિંગમાં ખાસ્સો સમય લાગતો હતો, જેને સેબીએ સમયાંતરે ઘટાડીને સાવ જ ટૂંકો કરી નાખ્યો છે, જેના પરિણામે માર્કેટમાં પ્રવાહિતા વધે છે. આસ્બાને લીધે રોકાણકારોના નાણાં અટવાતા નથી અને રિફંડની સમસ્યા તો ભૂતકાળ બની ગઈ છે. સેબી આ મામલે હજી પણ સુધારા કરીને લિસ્ટિંગનો સમય વધુ ટૂંકો કરવાનું ધ્યેય રાખે છે.
પ્રાઈસિંગ મામલે સંભાળવું પડે
સેબી ભૂતકાળના અભ્યાસને આધારે તેમ જ બદલાતા સંજોગોને ધ્યાનમાં રાખી આઈપીઓના પ્રાઈસિંગ શેરના ઓફર ભાવ (પ્રિમીયમ સહિતના) બાબતે તેને વાજબી સ્તરે લાવવા માગે છે. ઘણાં આઈપીઓ ઊંચા ભાવ પડાવીને રોકાણકારોને રડાવી ગયા છે. જોકે મુકત ભાવ નીતિ હેઠળ આમ થવું સ્વાભાવિક છે. તેમછતાં અગાઉનાં વરસો કરતા આ વિષયમાં પરિસ્થિતી સુધરી છે. અગાઉના દાયકાઓમાં તો કંપનીઓ આઈપીઓ લાવીને રફુચકકર થઈ જવાના કિસ્સા પણ સતત બનતા હતા. દસ્તાવેજોમાં ખોટી માહિતી આપવાના, રોકાણકારોને ગેરમાર્ગે દોરવાના, કાગળ પર પ્રોજેકટ તૈયાર કરીને છેતરવાના ઘણાં કિસ્સા બન્યા છે. આ બધું પણ હવે ભૂતકાળ બન્યું છે. જોકે પ્રિમિયમ માર્કેટ હજી સક્રિય છે, તેના પ્લસ-માઈનસ બંને પોઈન્ટ છે, તે ભાવના સંકેત આપે છે તેમ જ ભાવ વિશે ગેરમાર્ગે પણ દોરે છે. સેબીએ છેલ્લાં પાંચથી દસ વરસમાં આઈપીઓ બાબતે પારદર્શકતા-ડિસ્કલોઝર્સ વધાર્યા છે. ટ્રેક રેકોર્ડ અને જોખમી પરિબળોને ખુલ્લાં કરાવ્યા છે. તેમ છતાં બધું જ દૂધનું દૂધ થઈ ગયું હોવાનું કહી શકાય નહી.
સ્ટાર્ટઅપ્સ-ન્યૂએજ કંપનીઓમાં તક-જોખમ
સેબીએ આ માર્કેટને હજી ઘણાં મેનિપ્યુલેશનથી બચાવવાની છે. હજી પણ વધુ પડતા ભાવ પડાવી જવાની મનોવૃતિ અને પ્રવૃતિ ચાલુ છે, માર્કેટિંગ અને વેલ્યુએશન ગેમ રમાય છે. સેબી આ મામલે ચોકકસ પ્રયાસ કરતું હશે, કિંતુ વાસ્તવમાં રોકાણકારોએ પોતે વધુ સતર્ક, જાગ્રત, જાણકાર અને અભ્યાસુ બનવું જોઈશે. કરુણતા એ છે કે પ્રાઈમરી માર્કેટમાં પણ હવે લોંગટર્મ રોકાણકારોનું પ્રમાણ ઘટી રહ્યું છે. બહુ મોટો વર્ગ લિસ્ટિંગ ગેઈન માટે અરજી કરે છે અને લિસ્ટિંગમાં સારો ભાવ મળતા નીકળી જાય છે. આ ટ્રેન્ડ તંદુરસ્ત ગણાય નહીં. હવે પછી સ્ટાર્ટઅપ્સના આઈપીઓ વધુ આવવાની શકયતા છે, જેમાં તકો સાથે જોખમ ઊંચા રહી શકે છે, કેમ કે તેમનો કોઈ ટ્રેકરેકોર્ડ હશે નહીં. તેની માટેના સંકેત પણ ઓછા હશે. ન્યુએજ કંપનીઓ પણ આવા જ સંભવિત જોખમો લઈને માર્કેટમાં આવશે. કંપનીઓ તો મૂડી ઊભી કરવા લાઈન લગાડશે, રોકાણકારોએ પોતે નકકી કરવાનું રહેશે કે તેમણે કંપનીઓને પૈસા આપી દેવા છે કે પછી કંપની પાસેથી કમાણી પણ કરવી છે. સ્ટોક માર્કેટમાં ટિપ્સની જેમ આઈપીઓમાં પણ ટિપ્સ ચાલતી હોય છે. માર્કેટિંગ અને માઉથ પબ્લિસિટી ચલાવાતી હોય છે, બિનસત્તાવાર પ્રિમીયમ માર્કેટમાં રમત રમાતી હોય છે. લિસ્ટિંગના ઊંચા લાભના આકર્ષણની ચર્ચા કરાતી હોય છે. ઈન્વેસ્ટરે પોતે વિવેકપૂર્ણ અને અભ્યાસ સાથે નિર્ણય લેવામાં શાણપણ રહેશે.
———–
આઈપીઓ-૨૦૨૧-૨૦૨૨ અને ૨૦૨૩
નવા વરસમાં રૂ.૧.૪ લાખ કરોડની મૂડી ઊભી કરવા ૮૯ કંપનીઓ કતારમાં છે.
૨૦૨૧માં ૬૩ કંપનીઓએ રૂ.૧.૧૯ લાખ કરોડ ઊબા કરી ગઈ હતી. જયારે કે ૨૦૨૨માં નવેમ્બર સુધીમાં ૩૩ કંપનીઓએ ૫૫ હજાર કરોડ ઊભા કર્યા છે.
હાલ ૩૦ કંપનીઓ સેબીમાં ઓફર દસ્તાવેજ ફાઈલ કર્યા બાદ તેના કિલયરન્સની રાહમાં છે.
દરમ્યાન નાયકા, ઝોમેટો, પી બી ફિનટેક જેવી કેટલીક કંપનીઓના શેર આઈપીઓ બાદ નીચા ભાવે ટ્રેડ થતા હોવાનું નોંધીને રોકાણકારો આઈપીઓમાં રોકાણ કરતા ખચકાય છે.
નવા વરસે કેટલીક ઓયો, ફેબઈન્ડિયા, આધાર હાઉસિંગ ફાઈનાન્સ, યાત્રા ઓનલાઈન, મેનકાઈન્ડ ફાર્મા, વગેરે જેવા વિખ્યાત બ્રાન્ડેડ કંપનીઓના આઈપીઓ પણ આવવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -