IPLમાં બુધવારે 12 એપ્રિલની રાત્રે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) આમનેસામને હતા. આ મેચ CSKના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નઈના ચેપોક ખાતે રમાઈ હતી. આ મેદાનને CSKનો કિલ્લો માનવામાં આવે છે, જ્યાં પ્રવાસી ટીમ માટે CSKને હરાવવું હંમેશા મુશ્કેલ રહ્યું છે. જો કે, રાજસ્થાન રોયલ્સે ગઈકાલે રાત્રે રમાયેલી મેચમાં ચેન્નાઈના આ કિલ્લાને ધ્વસ્ત કરી દીધો હતો.
રાજસ્થાન રોયલ્સે ગઈકાલે રાત્રે રમાયેલી રોમાંચક મેચમાં CSKને 3 રને હરાવ્યું. રાજસ્થાન માટે આ જીત ખાસ હતી. કારણ કે ચેપોકમાં CSK સામે રાજસ્થાનની આ બીજી જીત હતી. 15 વર્ષ પહેલા IPL 2008માં 24 મેના રોજ ચેપોકમાં રમાયેલી મેચમાં રાજસ્થાને ચેન્નાઈને 10 રનથી હરાવ્યું હતું. આ પછી છેલ્લા 15 વર્ષમાં રાજસ્થાન ચેપોકમાં ચેન્નાઈને એક પણ વાર હરાવી શક્યું ન હતું.
ગઈકાલે રાત્રીના મેચ પહેલા ચેપોકમાં ચેન્નાઈ અને રાજસ્થાનની ટીમો 7 વખત આમને સામને આવી હતી. જેમાં રાજસ્થાન દ્વારા પ્રથમ મેચ જીત્યા બાદ છેલ્લી 6 મેચમાં ચેન્નઈની ટીમ જ જીતી રહી હતી. હવે 15 વર્ષ બાદ રાજસ્થાને ચેન્નઈને આ મેદાન પર હરાવ્યું છે.
ગઈ કાલની મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. જવાબમાં, એક સમયે CSKને જીતવા માટે 18 બોલમાં 54 રનની જરૂર હતી અને તેની 6 વિકેટ પડી ગઈ હતી. અહીંથી ધોની અને જાડેજાએ તાબડતોબ બેટિંગ કરીહતી. ચેન્નાઈને છેલ્લા બોલે જીતવા માટે 5 રનની જરૂર હતી અને ઘોની સ્ટ્રાઈક પર હતો. પરંતુ અહીં ધોની સિક્સર ફટકારી શક્યો નહોતો અને ચેન્નાઈ 3 રને મેચ હારી ગઈ હતી.
ચાહકોને આશા હતી કે ધોની સિક્સર ફટકારીને મેચ જીતાવશે, પરંતુ બોલર સંદીપ શર્માએ સટીક યોર્કર ફેંકીને ધોનીને ફસાવ્યો હતો અને રાજસ્થાનને જીત અપાવી. મેચ બાદ ધોનીએ હાર વિશે વાત કરી અને સંદીપ શર્માના વખાણ કર્યા હતા.