શુક્રવારે કોલકાતાના ઇડન ગોર્ડન સ્ટેડીયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની 19મી મેચમાં, હૈદરાબાદે કોલકાતાને 23 રને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. હૈદરાબાદે KKRને જીતવા માટે 229 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
KKRએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. SRH તરફથી હેરી બ્રુકે 55માં અણનમ 100 રન (12 ચોગ્ગા, 3 છગ્ગા) ફટકાર્યા હતા. માર્કરમના 50 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે(SRH) કોલકાતા સામે ચાર વિકેટે 228 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
બીજી તરફ, KKR ટીમ તરફથી નીતિશ રાણાએ 41 બોલમાં 75 રન અને રિંકુ સિંહે 21 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી ટીમને જીતની આશા જગાવી હતી પરતું સામે છેડે ઝડપથી વિકેટ પડી જતા KKR 7 વિકેટે 205 રન જ બનાવી શકી હતી. SRHએ 23 રનથી મેચ જીતી આ સિઝનમાં બીજી જીત નોંધાવી હતી.
SRHએ ફિલ્ડિંગ દરમિયાન કેચ પકડવાની ઘણી તકો ગુમાવી હતી, નહીંતર KKRની ટીમ આ સ્કોર સુધી પણ પહોંચી ન હોત. હૈદરાબાદ તરફથી માર્કો જાનસેન અને મયંક માર્કંડેએ બે-બે વિકેટ લીધી હતી.
બ્રુકના આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. મેચ બાદ હેરી બ્રુકે મોટું નિવેદન આપ્યું હતું. બ્રુકે કહ્યું કે, “અહી ઘણા બધા ભારતીય ચાહકો છે જે કહેશે કે આજે મેં સારું પ્રદર્શન કર્યું. પરંતુ તેઓ થોડા દિવસો પહેલા મારી સાથે સ્લેજિંગ કરી રહ્યા હતા. મને ખુશી છે કે મેં તેમને ચૂપ કરી દીધા.”
મેચ બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન એઈડન માર્કરામે કહ્યું, “બોલરોને હેટ્સ ઓફ, જેમણે શાનદાર બોલિંગ કરી. તેમની (KKRની) બેટિંગ લાઈન-અપને જોતા, આ સ્કોર પણ સુરક્ષિત ન હતો.”