IPL 2023માં ગુજરાત ટાઇટન્સ સામે, કોલકાતા નાઇટ રાઇડર્સ વતી રમતા રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં પાંચ બોલમાં પાંચ છગ્ગા ફટકારીને દર્શકોના દિલ જીતી લીધા છે.રિંકુના કારણે ગુજરાત આ મેચ હારી ગયું હતું. રિંકુએ ભીડમાં ત્રણ ફુલ ટોસ અને 2 હાફ પિચ બોલ પર સિક્સ ફટકારીને હારેલી મેચને જીતમાં ફેરવી નાખી હતી. તે IPLની આ સિઝનનો સ્ટાર ક્રિકેટર બની ગયો છે. મેદાન પર મજબૂત પ્રદર્શન કરનાર રિંકુ મેદાનની બહાર તેના ઉદાર સ્વભાવ માટે પણ જાણીતો છે. રિંકુ હવે ગરીબ બાળકોને તાલીમ આપવા માટે ઉત્તર પ્રદેશના અલીગઢમાં હોસ્ટેલ બનાવી રહ્યો છે.
આ હોસ્ટેલ અલીગઢના મહુઆ ખેડા સ્ટેડિયમમાં બનાવવામાં આવી રહી છે. રિંકુ સિંહના મોટા ભાઈ મુકુલ સિંહના કહેવા પ્રમાણે, આ 100 બેડની હોસ્ટેલ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. આ હોસ્ટેલમાં 100 જેટલા વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રિંકુ સિંહનો ઉદ્દેશ્ય એ છે કે ગરીબીને કારણે પાછળ રહી ગયેલા પ્રતિભાશાળી બાળકોને આ હોસ્ટેલમાં રહેવા ઉપરાંત ક્રિકેટની તાલીમ પણ મેળવે.
મુકુલ સિંહે કહ્યું હતું કે રિંકુ એવા ગરીબ બાળકો માટે હોસ્ટેલ બનાવી રહ્યો છે, જેઓ ક્રિકેટમાં પોતાનું ભવિષ્ય બનાવવા માંગે છે, પરંતુ ગરીબીને કારણે તેઓ તેમ કરી શકતા નથી અને તેમને અનેક અવરોધોનો સામનો કરવો પડે છે. આટલું જ નહીં રિંકુ સિંહ ગરીબ બાળકોને તાલીમ પણ આપશે. આ હોસ્ટેલનું બાંધકામ લગભગ એકથી દોઢ મહિનામાં પૂર્ણ થશે.
‘મારા ભાઈએ ગરીબી સહન કરી છે, તેથી તે ગરીબ બાળકોની પીડા સમજી શકે છે. આ કારણથી તે ગરીબ બાળકોને તાલીમ આપીને ક્રિકેટની દુનિયામાં ચમકવા માંગે છે. આ હોસ્ટેલ લગભગ સો બાળકો માટે તૈયાર કરવામાં આવી છે. છાત્રાલયના બાળકોને તાલીમ ઉપરાંત તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.’ રિંકુ સિંહના ભાઈએ તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હવે કોઈ પણ મહત્વાકાંક્ષી બાળકને ગરીબીને કારણે ક્રિકેટ છોડવી નહી પડે.
રિંકુની અત્યાર સુધીની સફર ઘણી કપરી રહી છે. રિંકુના પિતા સિલિન્ડર ડિલિવરી મેન તરીકે કામ કરે છે. તેનો ભાઈ રિક્ષા ચલાવે છે. કોલકાતા નાઈટ રાઈડર્સે રિંકુ સિંહને આઈપીએલમાં તક આપી અને તેનું જીવન બદલાઈ ગયું છે. અલીગઢની રહેવાસી રિંકુ બાળપણથી જ ક્રિકેટ રમે છે. ઘરની પરિસ્થિતિ વિકટ હતી ત્યારે પણ તેણે ક્રિકેટ છોડ્યું ન હતું. ક્રિકેટ જ તેને હવે સ્ટારડમ અપાવી રહ્યું છે.