ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023માં ઓપનર શુભમન ગિલ (56 રન), નૂર અહેમદ (3/37) અને રાશિદ ખાન (2/27)ના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઇટન્સે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 55 રનથી હરાવ્યું હતું. ગિલની અડધી સદી બાદ ગુજરાત ટાઇટન્સે મધ્યમ અને નીચલા ક્રમના બેટ્સમેનોની આક્રમક બેટિંગની મદદથી છ વિકેટે 207 રન બનાવ્યા હતા. ડેવિડ મિલરે 22 બોલમાં 46 રન બનાવ્યા હતા. રાહુલ તેવટિયાએ પાંચ બોલમાં અણનમ 20 રન બનાવ્યા હતા અને અભિનવ મનોહરે 21 બોલમાં માત્ર ઉપયોગી 42 રન જ બનાવ્યા ન હતા પરંતુ મિલર સાથે પાંચમી વિકેટ માટે 71 રનની મહત્વપૂર્ણ ભાગીદારી પણ કરી હતી.
આ સાથે તમામ ટીમોએ સાત મેચ રમી છે. ચેન્નઈ અને ગુજરાતના 10 પોઈન્ટ છે જ્યારે ચાર ટીમના આઠ પોઈન્ટ છે. એક ટીમે છ અને ત્રણ ટીમોએ ચાર પોઈન્ટ મેળવ્યા છે. ગુજરાત ટાઇટન્સે તેની સાતમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 55 રનથી હરાવ્યું અને આ સીઝનમાં 10 પોઈન્ટ મેળવનારી બીજી ટીમ બની. આ સાથે ગુજરાતે પોઈન્ટ ટેબલમાં ચેન્નઈની બરાબરી કરીને પ્લેઓફ માટેનો પોતાનો દાવો મજબૂત કર્યો છે. ગુજરાત અને ચેન્નઈના પોઈન્ટ ટેબલમાં સમાન 10 પોઈન્ટ છે, પરંતુ સારા રન રેટના આધારે ચેન્નઈની ટીમ ટોપ પર છે.
જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સ 20 ઓવરમાં નવ વિકેટે 152 રનમા ઓલઆઉટ થઇ ગયું હતું. નૂર અને રાશિદ ઉપરાંત મોહિત શર્મા (2/38) અને હાર્દિક પંડ્યા (1/10)એ પણ વિકેટ લીધી હતી. મુંબઈના બેટ્સમેનોએ ખરાબ પ્રદર્શન કર્યું હતું અને કેપ્ટન રોહિત શર્મા બે રન બનાવીને આઉટ થયો હતો. જોકે, ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીને 26 બોલમાં 33 રન ફટકાર્યા હતા. પરંતુ તેના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવ (23) અને ટિમ ડેવિડ (00) પણ સસ્તામાં આઉટ થઇ જતા ટીમનો સ્કોર પાંચ વિકેટે 59 રન થઈ ગયો હતો.
નિહાલે ટીમની જીતની આશા જગાવી હતી. તેણે પિયુષ ચાવલા સાથે 24 બોલમાં 45 રનની ભાગીદારી કરી હતી. જોકે, પીયૂષ રન આઉટ થયો હતો અને ત્યારબાદ મોહિત શર્માએ નિહાલને શમીના હાથે કેચ આઉટ કરાવીને મુંબઇની આશાઓ તોડી નાખી હતી. નિહાલે 21 બોલમાં 40 રન બનાવ્યા અને ત્રણ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા. દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુને 9 બોલમાં 13 રન બનાવ્યા જેમાં એક સિક્સર સામેલ છે.
આ પહેલા મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. યુવા ઝડપી બોલર અર્જુન તેંડુલકરે પ્રથમ ઓવરમાં માત્ર ચાર રન આપ્યા હતા. મુંબઈને તેની પ્રથમ સફળતા અર્જુને અપાવી હતી. તેણે સહાને કેચ આઉટ કરાવ્યો હતો. અર્જુન તેંડુલકરે આ ઓવરમાં પાંચ રન આપીને એક વિકેટ લીધી હતી. તેણે પોતાની બે ઓવરમાં નવ રન આપ્યા હતા. છેલ્લી મેચમાં તેણે ત્રણ ઓવરમાં 48 રન આપ્યા હતા. પાવરપ્લેમાં ગુજરાતે એક વિકેટે 50 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 13 રન બનાવી આઉટ થયો હતો.
ટાઇટન્સે 91 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. શુભમને ઈનિંગમાં સાત ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. વિજય શંકર 16 રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ અભિનવ મનોહર અને મિલરે સારી ભાગીદારી નોંધાવી હતી. મનોહરે ચાવલાની ઓવરમાં 17 રન બનાવ્યા. ત્યારબાદ ગ્રીનની ઇનિંગ્સની 18મી ઓવરમાં મનોહર અને મિલરે 22 રન જોડ્યા હતા. આ ઓવરમાં ત્રણ સિક્સર ફટકારી હતી. છેલ્લી ઓવરમાં તેવટિયાએ બે સિક્સર ફટકારીને સ્કોર 200ને પાર કર્યો હતો.