IPL 2023 31મી માર્ચથી શરૂ થવા જઈ રહી છે અને ટૂર્નામેન્ટની 16મી સિઝનને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આઈપીએલ મેચોમાં કોમેન્ટ્રી રમતના રોમાંચમાં ઉમેરો કરે છે. દરેક સીઝનમાં દર્શકોને શાનદાર કોમેન્ટ્રી સાંભળવા મળે છે અને આ વર્ષે પણ આ પરંપરા જળવાઈ રહેશે. IPL 2023ના હિન્દી અને અંગ્રેજી કોમેન્ટેટર્સની સંપૂર્ણ યાદી સામે આવી છે. જોકે, આ યાદીમાંથી દિગ્ગજ હિન્દી કોમેન્ટેટર આકાશ ચોપરાનું નામ ગાયબ છે અને તેની સાથે જ આ વખતે કેટલાક અલગ અને નવા કોમેન્ટેટર જોવા મળી રહ્યા છે. આ વખતે ઈરફાન પઠાણની સાથે તેનો મોટો ભાઈ યુસુફ પઠાણ પણ IPLમાં હિન્દી કોમેન્ટ્રી કરતો જોવા મળશે. આવી સ્થિતિમાં તેમની કોમેન્ટ્રી સાંભળવી એ દર્શકો માટે એકદમ નવો અને અનોખો અનુભવ હશે. યુસુફ તેની ઝડપી બેટિંગ માટે જાણીતો હતો, પરંતુ કોમેન્ટ્રી તેના માટે નવો અનુભવ હશે. આવો જોઈએ કોણ કોણ છે હિન્દી અને ઈંગ્લિશ કોમેન્ટેટર્સની યાદીમાં
હિન્દી કોમેન્ટેટર્સનું લિસ્ટઃ
વીરેન્દ્ર સેહવાગ, હરભજન સિંહ, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, મિતાલી રાજ, મોહમ્મદ કૈફ, સંજય માંજરેકર, ઈમરાન તાહિર, દીપદાસ ગુપ્તા, અજય મહેરા, પદમજીત સેહરાવત અને જતીન સપ્રુનો સમાવેશ કરવામાં આવશે.
ઈંગ્લિશ કોમેન્ટેટર્સનું લિસ્ટઃ
સુનીલ ગાવસ્કર, જેક્સ કાલિસ, મેથ્યુ હેડન, કેવિન પીટરસન, એરોન ફિન્ચ, ટોમ મૂડી, પોલ કોલિંગવુડ, ડેનિયલ વેટોરી, ડેનિયલ મોરિસન અને ડેવિડ હસી.
પહેલી મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે
31મી માર્ચથી શરૂ થઈ રહેલી IPLની 16મી સિઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે. આ મેચ અમદાવાદમાં રમાશે. ટુર્નામેન્ટમાં કુલ 70 લીગ મેચો રમાશે. ટુર્નામેન્ટની છેલ્લી લીગ મેચ 21 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે બેંગ્લોરમાં રમાશે. ઉલ્લેખનીય છે કે IPL 2022માં ગુજરાત ટાઇટન્સે પોતાની ડેબ્યૂ સિઝનમાં જ ટ્રોફી જીતી હતી. હવે બીજી સિઝનમાં ટાઈટલ કોના નામે થશે તે તો આવનારો સમય જ કહેશે.