મુંબઇ: ફેડરલનો ભય યથાવત્ રહેવા સાથે એફઆઇઆઇની વેચવાલીને કારણે ફેબ્રુઆરી વલણના અંતિમ દિવસે અફડાતફડીમાંથી પસાર થયેલો સેન્સેક્સ અંતે ૧૩૯ પોઇન્ટના ઘટાડા સાથે ૫૯,૬૫૦ની અંદર ઉતરી ગયો હતો. અમેરિકાના અર્થતંત્રના ડેટામાં મજબૂતીના સંકેત મળતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક વૃદ્ધિ જારી રાખશે એવો ભય યથાવત્ રહેવા સાથે રશિયા અને અમેરિકા વચ્ચેની કોલ્ડ વોરમાં આવેલા ગરમાટાને કારણે ડહોળાયેલા માનસ વચ્ચે શેરબજારમાં સતત પાંચમાં સત્રમાં પીછેહઠ જોવા મળી હતી.
સેન્સેક્સ ૧૩૯.૧૮ પોઈન્ટ્સ અથવા ૦.૨૩ ટકા ઘટીને ૫૯,૬૦૫.૮૦ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન બેન્ચમાર્ક ૫૯,૯૬૦ પોઇન્ટની ઊંચી અને ૫૯,૪૦૬.૩૧ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૪૩.૦૫ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકા ઘટીને ૧૭,૫૧૧.૨૫ પોઇન્ટના ચાર મહિનાના નીચા સ્તરે પહોંચ્યો હતો. બજારના સાધનોએ જણાવ્યું હતું કે, યૂએસ માર્કેટના મિશ્ર ટ્રેન્ડ અને વિદેશી મૂડીનો પ્રહાવ બજારમાંથી બહાર જઈ રહ્યો હોવાથી પણ રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. એફએએન્ડઓ ફેબ્રુઆરી સિરીઝની એક્સપાયરી હોવાથી બજાર ભારે વોલેટાઈલ રહ્યું હતું. અમેરિકા અને રશિયા વચ્ચે ફરી શીત યુદ્ધ શરૂ થવાની બજારમાં આશંકા છે. જો કે તે ટૂંકા ગાળાની અસર હોવી જોઈએ, રશિયા સામેના પ્રતિબંધોને કારણે ખાસ કરીને અનાજ અને ક્રૂડ ઓઇલની નિકાસ પર તેની નકારાત્કમ અસરની ચિંતા વધી રહી છે. બજાર કોરોના માહામારીમાંથી માંડ રિકવર થઈ રહ્યું છે અને વ્યાજ દરની વૃદ્ધિ અને ફુગાવો ઇક્વિટી માર્કેટની પીછેહઠના મુખ્ય કારણ છે.
એશિયન પેઇન્ટસ, લાર્સન એન્ડ ટૂબ્રો, ટાઇટન, ઇન્ડસઇન્ડ બેન્ક, ભારતી એરટેલ, પાવરગ્રીડ, બજાજ ફિનસર્વ, ઇન્ફોસિસ, એચડીએફસી બેન્ક અને એચડીએફસી ટોપ લૂઝરની યાદીમાં હતા. જ્યારે, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, આઇટીસી, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ટાટા સ્ટીલ અને સન ફાર્મા ટોપ ગેઇનર્સની યાદીમાં હતાં.
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (ઝીલ) વિરૂદ્ધની ઇન્ડસઇન્ડ બેન્કની અપીલ દાખલ કરી છે. આ મામલો ઝી ગ્રુપની મલ્ટીસિસ્ટ્મ ઓપરેટર કંપની સિટી નેટવર્કના રૂ. ૮૯ કરોડના ડિફોલ્ટની છે, જેમાં ઝીલ ગેરન્ટર છે. પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તરણ અંતર્ગત પર્સનલ હેલ્થકેર અને બ્યુટી સેગમેન્ટમાં ફેસ મેકપઅપ કેટેગરીમાં નવી પ્રોડ્કટ સાથે લવચાઇલ્ડસે ઇકોમર્સ પ્લોટફોર્મ મિન્ત્રા બ્યૂટી સાથે સહયોગ સાધ્યો છે. સ્થાપક માશાબા ગુપ્તાએ કહ્યું હતું કે લગ્નસરાની ઘરાકી પર નજર સાથે આ એન્ટ્રી લેવલ પ્રોડક્ટ છે. મિન્ત્રા પર ૧૪૦૦ બ્રાન્ડ અને ૭૫૦૦૦ પ્રોડક્ટ છે. પીવીઆર આઇનોક્સ લીઝરના શેરધારકોને ૩.૬૭ કરોડ ઇક્વિટી શેર ફાળવશે.
ઇનફોસિસ કોબાલ્ટ અને માઇક્રોસોફટ ક્લાઉડ સોલ્યુશને ક્લાઉડના ઇન્ડસ્ટ્રી એડોપ્શનને ઝડપી બનાવવા યુતિ કરી છે. સેકટોરલ ઇન્ડેક્સમાં રિઅલ્ટી ઇન્ડેક્સ ૧.૬૦ ટકા, યુટિલિટી ઇન્ડેક્સ ૧.૨૯ ટકા, પાવર ઇન્ડેક્સ ૧.૧૯ ટકા, ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ ૦.૯૫ ટકા અને કેપિટલ ગૂડ્સ ૦.૮૪ ટકા ગબડ્યો હતો. દરમિયાન, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઇ)ને એક્સચેન્જને પોતાના પ્લેટફોર્મ પર એક અલગ વિભાગ તરીકે સોશિયલ સ્ટોક માર્કેટની સ્થાપવા માટે અંતિમ મંજૂરી આપી છે. બજાર નિયામક તરફથી અંતિમ મંજૂરી ૨૨મી ફેબ્રુએરીએ મળી હોવાનું એક્સચેન્જે જણાવ્યું હતું. શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. રિયલ્ટી, પાવર, કેપિટલ ગુડ્ઝ. ક્ધઝ્યૂમર ડ્યુરેબલ્સ, ટેલીકોમ, ફાર્મા આઈટી અને ટેકનો શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું જ્યારે મેટલ, ઓટો, એફએમસીજી અને બેન્ક શેરોમાં લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૪૦ ટકા ઘટીને અને ૦.૦૬ ટકા વધીને બંધ રહ્યા હતા.
સેન્સેક્સ પેકમાં આજે એક માત્ર એક્સિસ બેન્કના શેરોમાં સૌથી વધુ ૧.૭૨ ટકાનો ઉછાળો નોંધાયો હતો.આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એસબીઆઈ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, આઈટીસી, સન ફાર્મા, કોટક બેન્ક, મારુતિ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટીસીએસ અને બજાજ ફાઈનાન્સનો સમાવેશ થાય છે. એશિયન પેઈન્ટ્સના શેરોમાં સૌથી વધુ ૩.૧૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો, ટાઈટન, ઈન્ડસઈન્ડ, ભારતી એરટેલ, પાવરગ્રીડ, બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસ, એચસીએલ ટેકનો, રિલાયન્સ અને એચડીએફસીનો સમાવેશ થાય છે. નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ હિન્દાલ્કોના શેરમાં ૧.૭૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં કોલ ઈન્ડિયા, એક્સિસ બેન્ક, જેએસડબલ્યૂ સ્ટીલ અને ટાટા મોટર્સનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ એશિયન પેઈન્ટ્સના શેરમાં ૩.૧૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો, ડિવિઝ લેબ, અને ઈન્ડસઈન્ડ બેન્કનો સમાવેશ થાય છે.