મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકો માટે એક મહત્ત્વના અને સારા સમાચાર આવી રહ્યા છે અને આ સારા સમાચાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા આપવામાં આવ્યા છે. સેબીએ હવે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને મોટી રાહત આપતા નોમિનેશન ડેડલાઈનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે અને હવે રોકાણકારો 30મી સપ્ટેમ્બર, 2023 સુધીમાં નોમિનેશનનું કામ પૂર્ણ કરી શકશે. સેબી દ્વારા જુલાઈ 2022માં એક પરિપત્ર જાહેર કરીને માહિતી આપવામાં આવી હતી કે 31મી માર્ચ સુધીમાં નોમિનેશન પૂર્ણ ન થવાના કિસ્સામાં રોકાણકારોને ભારે નુકસાન થઈ શકે છે.
આખરે સેબીએ 28મી માર્ચ, 2023ના રોજ એક પરિપત્ર બહાર પાડીને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને જણાવ્યું હતું કે જૂન અને જુલાઈ 2022ના પરિપત્ર મુજબ, તમામ સિંગલ અને સંયુક્ત મ્યુચ્યુઅલ ફંડ્સમાં નોમિનેશન પૂર્ણ કરવાની અંતિમ તારીખ 31મી માર્ચ, 2023 હતી, જે હવે લંબાવી દેવામાં આવી છે. હવે નોમિનેશનનું કામ 30મી સપ્ટેમ્બર સુધી કરી શકાશે. એટલે કે રોકાણકારોને નોમિનેશનનું કામ પૂર્ણ કરવા માટે સપ્ટેમ્બર, 2023 સુધીનો સમય મળશે. જો આમ નહીં કરવામાં આવે તો એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે. આ સાથે સેબીએ ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ માટે નોમિનેશનની સમયમર્યાદા પણ વધારીને 30 સપ્ટેમ્બર કરી છે.
સેબીએ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને નોમિનેશન પૂર્ણ કરવા માટે એટલે ભાર મુકી રહી છે કારણ કે જો કોઈ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર સ્કીમની મેચ્યોરિટી પહેલા મૃત્યુ પામે છે તો આવી સ્થિતિમાં તેની સંપત્તિ અન્ય કોઈને ટ્રાન્સફર કરવામાં કોઈ સમસ્યા ના થાય.
મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનીનું નામ કઈ રીતે એડ કરશો?
મ્યુચ્યુઅલ ફંડ નોમિનેશનનું કામ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે.
ઑનલાઈન મોડમાં નોમિનેશન પૂર્ણ કરવા માટે, તમારા મ્યુચ્યુઅલ ફંડની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે.
અહીં તમે નોમિનેશન એડ કરવાનો વિકલ્પ મળશે, જેના પર ક્લિક કરીને નોમિનેશનનું કામ પૂર્ણ કરો.
ડીમેટ એકાઉન્ટમાં પણ નોમિની અપડેટની મુદ્દત લંબાવાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે સેબીએ ડીમેટ ખાતા માટે નોમિની સંબંધિત વિગતો અપડેટ કરવાની છેલ્લી તારીખ 6 મહિના સુધી લંબાવી છે. હવે લોકો આ કામ 30મી સપ્ટેમ્બર સુધી કરી શકાશે. સેબીના નિવેદન અનુસાર, લોકો હવે તેમના ડીમેટ ખાતામાં નોમિની અપડેટ સપ્ટેમ્બર 2023 સુધીમાં કરી શકે છે. આ અગાઉ આ મર્યાદા 31મી માર્ચ 2023 રાખવામાં આવી હતી.