આજકાલ દરેક વ્યક્તિ પોતાના ફ્યુચરને સિક્યોર કરવા માટે અલગ અલગ જગ્યાએ ઈન્વેસ્ટમેન્ટ કરે છે. પણ માર્કેટની હાલત જોતા ગમે ત્યાં રોકાણ કરવું પણ જોખમી સાબિત થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં પોસ્ટ ઓફિસની સ્કીમ રોકાણ માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે એમ છે. પોસ્ટ ઓફિસની સ્કીમમાં વ્યાજ સાથે વધુ સારું વળતર મળે છે. આ બધી સ્કીમ બજારના જોખમોથી પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને પોસ્ટની અમુક સ્કીમમાં તો ટેક્સ કપાતનો લાભ પણ મળે છે. ચાલો આજે જાણીએ પોસ્ટની એવી યોજનાઓ વિશે જે રોકાણકારને કરમાં રાહત અપાવે છે.
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ (પોસ્ટ ઓફિસ ટીડી) સ્કીમમાં તમે વધુમાં વધુ રૂ. 1.50 લાખ સુધીનું રોકાણ કરી શકો છો અને આ યોજનામાં તમને વાર્ષિક 7%ના દરે વ્યાજનો લાભ આપવામાં આવે છે. આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં, ઈન્કમટેક્સની કલમ 80-સી હેઠળ ટેક્સમાં રાહત પણ આપવામાં આવે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના
આગળ વધીએ અને વાત કરીએ પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) વિશે. આ યોજના ખાસ કરીને દીકરીઓ માટે છે. આ યોજનામાં 10 વર્ષ સુધીની બાળકીનું ખાતું ખોલાવી શકાય છે. હાલમાં, આ યોજનામાં વ્યાજ દર વાર્ષિક 7.6 ટકાના દરે ઉપલબ્ધ છે. આમાં, દરેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ યોજના આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ મુક્તિ/લાભ પ્રદાન કરે છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
પોસ્ટ ઓફિસની પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમમાં તમે તમારા પૈસા લાંબા સમય સુધી જમા કરાવી શકો છો. આ યોજના હેઠળ, એક નાણાકીય વર્ષમાં મહત્તમ 1.50 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. યોજના હેઠળ પાકતી મુદત 15 વર્ષ છે. તેને લંબાવી પણ શકાય છે. હાલમાં, આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં, વાર્ષિક 7.1 ટકાના દરે વ્યાજ મળે છે.
પોસ્ટ ઓફિસ સિનીયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ
પોસ્ટ ઓફિસ સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ (SSSC)માં તમને વાર્ષિક 8.2 ટકાના વાર્ષિક વ્યાજ દરનો લાભ મળે છે. આ પોસ્ટ ઓફિસની સૌથી વધુ વ્યાજ ચૂકવતી યોજનાઓમાંથી એક છે. ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80-C હેઠળ આ યોજનામાં કરમુક્તિ ઉપલબ્ધ છે.
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર
આ ઉપરાંત તમે પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સ્કીમમાં ન્યૂનતમ રૂ. 1,000થી તમારું રોકાણ શરૂ કરી શકો છો. સ્કીમમાં રોકાણ રૂ.100ના ગુણાંકમાં કરી શકાય છે. રોકાણની કોઈ નિશ્ચિત મર્યાદા નથી. યોજનામાં પાકતી મુદત 5 વર્ષ છે. આ સ્કીમ વાર્ષિક 7%ના દરે વ્યાજ આપે છે. આમાં પણ આવકવેરા કાયદાની કલમ 80-C હેઠળ કર લાભ મળે છે.