Homeલાડકીયુવાનીમાં અંતર્મુખતા અને આત્મવિશ્ર્વાસ

યુવાનીમાં અંતર્મુખતા અને આત્મવિશ્ર્વાસ

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી

બુલબુલ, બોની અને સુમુની ત્રિપુટી હવે ખંડિત થઈ ચુકેલી. સુમુએ શું કર્યું કે બોની શા માટે આવેગ સહી શકી નહી એમ વિચારતી રહેતી બુલબુલ માટે વહેલી સવારના કુણા તડકામાં પોતાના વરંડામાં બેસી માણવા મળતી નિરાંતની ક્ષણો ભલે સાવ ક્ષણિક પણ તોયે સુખદ તો હતી જ. ભલે આ ઘર એને ખાવા દોડતું પણ ગરમાગરમ નહી તો અડધી ઠંડી પણ ચાની ચુસ્કી પોતાના ઘરમાં લેવા મળે એ આનંદ નજીવો પણ અનેરો તો હતો જ. બાજુમાં હીંચકા પર પડેલ છાપું નિરાંતે વાંચતા પિતાના હાથ પછી તે સમાચારો પર અત્યારે નજર નાખવાનું તેણીને મન થઇ આવ્યું ત્યાં તો નજર પડતાંવેંત જ સફળ, આત્મવિશ્ર્વાસથી ભરપુર યુવતીઓ વિશેના સમાચારની હેડલાઈન પર નજર અટકી ગઈ! ક્યાંથી આવતી હશે આવી હિંમત? અનેકવાર એકલા પ્રવાસ પર નીકળેલી, પરિસ્થિતિઓ સામે ઝઝુમતી, સંઘર્ષથી સફળતા સુધીની સફર ખેડતી, શૂન્યમાંથી સર્જન કરતી અને ફિનિક્સ પક્ષી માફક પોતાની જ રાખમાંથી બેઠી થતી યુવતીઓ વિશે પોતે છાપા કે મેગેઝિનમાં વાંચતી કે ટીવી, રેડીઓના કાર્યક્રમોમાં જોતી, સાંભળતી ત્યારે અચૂક એ વિચારતી કે આ બધી પોતાની જ ઉમરની યુવતીઓ કેવી રીતે પોતાની અંદર આટલો આત્મવિશ્ર્વાસ જગાડી શકતી હશે? શી રીતે થાક્યા કે હાર્યા વગર સતત પોતાની જાતમાં સુધારો કરતી હશે? કઈ રીતે વિષમ પરિસ્થિતિમાં સફળતા પ્રાપ્ત કરતી હશે? કદાચ તેઓને આ બધું પૂછવામાં આવે તો એ સફળ યુવાનીમાં વિહરતી યુવતીઓના જવાબો કેવા હોતા હશે?
સ્વભાવે તદ્દન અંતર્મુખી એવી બુલબુલ પોતાની અંગત સહેલી એવી બોનીના અવસાન બાદ જાણે સાવ મૂંગી બની બેસેલી, તેને જોઈને લોકોને એવું લાગવા લાગ્યું હતું કે, બુલબુલ અને મૂંગા જાનવરમાં કોઈ ફર્ક રહ્યો નથી. ગાવાની વાત તો દૂર રહી બુલબુલ લોકોની હાજરીમાં એક અક્ષર બોલતા ગભરાતી એ હદે તેના આત્મવિશ્ર્વાસ પર તેની અંતર્મુખતા હાવી થઈ ગયેલી, પરંતુ તેમ છતાં જો જીવનમાં અમુક મુદ્દાઓ અનુસરવામાં આવે તો આગળ જતાં પોતાના સપનાઓને પૂર્ણ ચોક્કસ કરી શકાતા હોય છે.
૧. જાતની જવાબદારી લેતા શીખો: આત્મવિશ્ર્વાસ કેળવવા માટેનું આ એક અત્યંત અગત્યનું પગથિયું છે. તમે અને માત્ર તમે જ તમારી જિંદગીમાં સુધારો કરી શકવા સક્ષમ છો . રોજિંદા જીવનની ઘણી એવી નાની મોટી બાબતોમાં જાતનું જતન કરવાથી માંડીને જાતને ટપારવા અને મઠારવા સુધીની જહેમત જાતે જ કરવી પડતી હોય છે. ધીમે ધીમે આજ આદત તમારી અંદર હિમત ભરતી જશે. નાનકડા કાર્યમાં મળેલી સફળતા તમને મોટા જોખમો ઉઠાવતા કરી દેશે અને તમને ખ્યાલ પણ નહી આવે. આત્મવિશ્ર્વાસ તરફ જવાને રસ્તે માત્ર એકલા ચાલવાની છૂટ હોય છે. કોઈ બીજાના સંગાથે કે અન્યોના પ્રયત્નોથી આત્મવિશ્ર્વાસના દ્વારે પહોચી શકાતું નથી.
૨. જીવનમાં જોખમ લેતા શીખો: હંમેશાં સગવડતામાં જીવનારી જાતને અગવડભરી પરિસ્થિતિમાં લઇ જતા શીખો જેમ કે ક્યારેક એકલા જ ક્યાંક જમવા કે પછી મુવી જોવા જતા રહ્યા કે કોઈ સાવ અજાણ્યા જ વિષયને શીખવાનું શરૂ કર્યું. ઘરમાં કોઈ એવું કામ કે જે કોઈ બીજાની મદદથી જ હંમેશાં કર્યું હોય એ જાતે કરો જેમ કે કોઈ ઈલેક્ટ્રોનિક વસ્તુ બગડી તો સરખી કરવાનો પ્રયત્ન કરવો. પોતાની જાતને વિષમ પરિસ્થિતિમાં ચકાસવી અને તેમાં પાસ થવું એ અનુભવ અદભુત હોય છે. ધીમે ધીમે આવા કાર્યો જાતે કરવાથી તમને વિશ્ર્વાસ આવશે કે તમે તમારી જાત પર ભરોસો મૂકી શકો એમ છો.
૩. જાતને જીવનનું નાવીન્ય શીખવો: કોઈ એક એવું ક્ષેત્ર એ પછી અંગત જીવનમાં હોય કે જાહેર, જેના વિશે હંમેશાંથી તમને લાગ્યું હોય કે એ તમારાથી થઇ શકે એવું નથી એમાં જ આગળ વધવાનું નક્કી કરો. ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધતા જવામાં શાણપણ છે, પરતું ના ગમતું કે તમારી હથોટીથી તદ્ન વિરુદ્ધ પ્રકૃતિનું કામ હોવાને કારણે સફળતા જલદીથી નહીં જ મળે. જેના માટે ધીરજપૂર્વક સતત પ્રયત્નશીલ રહેવાથી આત્મવિશ્ર્વાસમાં જરૂરથી વધારો થશે.
૪. જાતને વફાદાર રહો : દરેક નવા ઉપડેલા પગલા સાથે આત્મવિશ્ર્વાસ નહીં વધે, એવું પણ બનશે કે એક ખોટું પગલું અને તમે ફરી ઝીરો પર આવી જાઓ. આત્મવિશ્ર્વાસમાં સાચો વધારો ત્યારે જ આવે જયારે તમે તમારી જાત પર વિશ્ર્વાસ રાખો કે હું આ કાર્ય જાતે કરી જ શકીશ. જેમ કે રસોડામાં સેન્ડવીચ બનાવવાનું મશીન બગડ્યું અને તમારા એને સરખું કરવાના પ્રયત્નએ એને વધારે બગાડી નાખ્યું એટલે તમે તમારી જાત સામે હીરોમાંથી સીધા ઝીરો થઇ ગયા. જયારે પણ આવું થાય ત્યારે ફરી વાર પ્રયત્ન કરતા અચકાવું નહીં અને તેમ છતાં પણ ના આવડે તો કોઈ પાસેથી શીખવાની કોશિશ કરવી અને બીજીવાર આવી જરૂરિયાત ઊભી થાય ત્યાર માટે જાતને સક્ષમ બનાવવી. આવા તો અનેક ઉદાહરણો આપી શકાય . અનેક ક્ષેત્રો અને અનેક વિચારોને વિકસાવી શકાય, પરંતુ આજે, અત્યારે જ ઊભા થઇ જાતને એક નવા આયામથી જોવાની શરૂઆત કરવી એ ચાલીસીએ નવા દ્વાર ઉઘાડવાની ગુરુચાવી છે.
આત્મવિશ્ર્વાસ વગરનું અસ્તિત્વ આત્મવિનાશ નોતરે છે એવું કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી. કોઈપણ વ્યક્તિ આત્મવિશ્ર્વાસ સાથે લઈને જન્મતું નથી. જેમ આપણે બીજી અનેક વસ્તુઓ ઉંમર વધવાની સાથોસાથ જીવન સારી રીતે જીવવા માટે શીખતા જતા હોઈએ છીએ તેવી જ રીતે આત્મવિશ્ર્વાસને પણ ધીમે ધીમે આપણા જીવનમાં કેળવતો જવો પડે છે. આત્મવિશ્ર્વાસ એ કોઈ જન્મજાત શીખીને આવનારી ક્રિયા નથી કે નથી એ તમારી સાથે જ રહેશે એવો વાયદો કરનાર સાથીદાર એવું બને પણ ખરું કે તમારી પાસે સતત આજીવન આત્મવિશ્ર્વાસ રહે નહીં એનો મતલબ એવો નથી કે એ મેળવવાનો આપણે બિલકુલ પ્રયત્ન જ ના કરીએ. આપણે જાણીએ જ છીએ કે માત્ર વાતો કરવાથી કશું વળે નહિ એના માટે મહેનત કરવી જરૂરી છે. ખાસ કરીને બુલબુલ જેવી અંતર્મુખી યુવતીઓ માટે આત્મવિશ્ર્વાસ કેળવવો વધારે અઘરો પડે કારણ કે, તેઓ ખુલીને પોતાની જાતને અભિવ્યક્ત કરી શકતી હોતી નથી. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -