Homeપુરુષઆંતરરાષ્ટ્રીય પુરુષ દિવસનો મહિનો છે ત્યારે...

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસનો મહિનો છે ત્યારે…

મેલ મેટર્સ-અંકિત દેસાઈ

આ મહિને આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ આવી રહ્યો છે. પાછલાં વર્ષોમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જે હોહા મચી છે એવી હોહા આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસે નથી મચતી. એનાં અનેક કારણો છે, જેમાંનું સૌથી મહત્ત્વનું કારણ એ છે કે અમેરિકા પછી જગતજમાદારીનો ઠેકો લઈ બેઠેલા અને માત્ર લવરી કરવા પૂરતા સીમિત રહેલા યુનાઈટેડ નેશન્સે આ દિવસ માટે કોઈ સત્તાવાર બહાલી નથી આપી, જેને કારણે ‘ઈન્ટરનેશનલ મેન્સ ડે’ ‘ઈન્ટરનેશનલ મિમ્સ ડે’ પૂરતો સીમિત રહી જાય છે.
ખેર, એક રીતે જોવા જઈએ તો જેમ એક દિવસની મહિલા દિવસની ઉજવણીથી કંઈ મહિલાઓની સમસ્યાઓ હલ નથી થઈ જતી, એમ એક દિવસને પુરુષ વિશેષ જાહેર કરવાથી પુરુષોના માનસિક-શારીરિક સ્વાસ્થ્ય, તેમની સાથે થઈ રહેલા ભેદભાવો કે પછી તેમના પર થઈ રહેલા કાયદાકીય અત્યાચારોમાં કંઈ ફરક નથી પડવાનો, પરંતુ આવા દિવસ વિશેષોને કેલેન્ડરમાં સ્થાન અપાય છે ત્યારે એટલું જરૂર બને છે કે કોઈ પણ ચોક્કસ વર્ગ કે બાબતની સમસ્યાઓ શું છે અને એ વર્ગ કઈ મુસીબતોનો સામનો કરી રહ્યો છે એ તરફ સંવેદનશીલ લોકોનું ધ્યાન જાય છે.
આખરે હાલમાં બીજી બાબતોની તો ખબર નથી, પરંતુ વિશ્ર્વભરનો પુરુષ એક અત્યંત મહત્ત્વની બાબતનો સામનો કરી રહ્યો છે અને એ સમસ્યા એ છે કે સમાજનો એક મોટો વર્ગ એમ માને છે કે પુરુષને કોઈ સમસ્યા જ નથી! રાધર આ જગતની કે સમાજની જે કોઈ સમસ્યાઓ છે એ પુરુષ સર્જિત છે. એને કારણે મોટા ભાગની ઘટનાઓમાં પુરુષ પર જાણી જોઈને કાયદાકીય કે પછી સામાજિક દબાણ ઊભું કરીને તેનું શોષણ કરાય છે અથવા તો જો પુરુષ કોઈક ઘટનાનો વિક્ટિમ બને છે તો તેને ગંભીરતાથી નથી લેવાતો.
પરંતુ સમાજે અને ખાસ તો કાયદાનું પાલન કરાવતી ઈન્સ્ટિટ્યુશન્સે એ સમજવું પડશે કે જ્યારે પુરુષ સામે ફરિયાદ થાય છે ત્યારે તેને સમજ્યા કે તેનો પક્ષ જાણ્યા વિના તેની સાથે ક્યારેય અમુક વર્તન નહીં કરવું અથવા તો એ જ્યારે વિક્ટિમ બને છે ત્યારે તેને બાયલો કે
નામર્દ કહેવાને બદલે તેને પૂરું કાયદાકીય રક્ષણ આપવું. આ તો કાયદાકીય ક્ષેત્ર સંબંધિત વાત થઈ, પરંતુ પુરુષોની મેન્ટલ હેલ્થ પણ એક એવો મહત્ત્વનો મુદ્દો છે, જે તરફ સમાજ કે પરિવારનું ધ્યાન જતું નથી. પુરુષ એ માત્ર બેડવિનર નથી, પરંતુ એને પોતાના પણ કામના પડકારો હોવાના એ વિશે મોટા ભાગે પરિવાર ક્યાં તો બેદરકાર રહે છે અથવા ક્યારેક એ પડકારો વિશે જાણતા હોવા છતાં આંખ આડા કાન કરે છે, કારણ કે આપણે ત્યાં એવું માની લેવાયું છે કે પુરુષનું તો કામ જ ઝઝૂમવાનું છે. પુરુષ નહીં ઝઝૂમશે તો બીજું કોણ ઝઝૂમશે? પણ હવેના કોર્પોરેટ કલ્ચરમાં આપણે સૌએ એ ધ્યાન રાખવાનું છે કે અહીં ઝઝૂમવાની પ્રક્રિયાનું રૂપાંતર અત્યંત બીભત્સ રીતે થયું છે. અહીં ઝઝૂમવું એટલે અમુક વગદાર કે પદ પર બેઠેલી વ્યક્તિઓના ટેન્ટ્રમ્સ પણ સાચવવાના હોય છે, જેમાં હાલતાં-ચાલતાં થતાં અમુક અપમાનોથી લઈ, શારીરિક-માનસિક શોષણનો પણ સમાવેશ થઈ જાય છે. આ તો ઠીક કામ પર રાખવાના ભયથી જે બીજાં વધારાનાં કે નકામાં કામો કે ટાર્ગેટ સોંપાય એની તો વાત જ શું કરવી? આવે સમયે પુરુષની પાસે નથી રડવાનો કોઈ વિકલ્પ કે નથી તેની પાસે ફટ દઈને નોકરી કે કામ બદલી નાખવાનો વૈભવ.
એવા સમયે તે ઘંટીમાં દળાતા અનાજની જેમ પિસાતો રહે છે, દળાતો રહે છે અને ક્યારેક ભાંગીને ભૂકો પણ થઈ જાય છે. એવામાં જો ઘર તરફથી એને કોઈ સપોર્ટ ન મળ્યો અને વસ્તુઓના વિશલિસ્ટથી લઈ ઘરની શાંતિ સુધીની બાબતમાં તેને યોગ્ય માહોલ નથી મળતો તો એ પુરુષ ક્યાં તો ગંભીર માનસિક-શારીરિક બીમારીનો ભોગ બનશે અથવા આ રંગમંચ પરથી વહેલો એક્ઝિટ લઈ લેશે. એટલે તેના પડકારો અને તેના સ્વાસ્થ્ય વિશે પણ નોંધ લેવાવી જ જોઈએ અને તે સમસ્યાઓને ટાર્ગેટ કરીને તેને સ્વસ્થ વાતાવરણ કે આનંદભર્યું જીવન મળવું જોઈએ. આખરે મેલ મેટર્સ! પુરુષને આપણે હાંસિયામાં ન જ ધકેલી શકીએ.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -