વડોદરાવાસીઓ માટે ખુશીના સમાચાર છે. ટૂંક સમયમાં જ વડોદરા એરપોર્ટથી અંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરુ થવા જઈ રહી છે. મળતી મહિતી મુજબ એરપોર્ટ પર ઇમિગ્રેશન અને કસ્ટમ સુવિધાઓ શરુ થયા બાદથી અંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરુ થશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે દુબઈ અથવા શારજાહની ફ્લાઈટ્સ શરૂ થઇ શકે છે. વડોદરાના સાંસદ રંજન ભટ્ટે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે શહેરની મુલાકાત દરમિયાન કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલ ગેઝેટ નોટિફિકેશન સોંપ્યું હતું.
વડોદરામાં નવા ટર્મિનલ બિલ્ડીંગના ઉદઘાટન બાદથી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરુ કરવાની માંગ વધી રહી છે. સાંસદ રંજન ભટ્ટે જણાવ્યું હતું કે વડોદરાના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય સેવાઓ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. ગૃહપ્રધાન અમિત શાહે વડોદરા એરપોર્ટ પર ઇમિગ્રેશન અને કસ્ટમ સુવિધાઓ શરૂ કરવા માટે ગેઝેટ નોટિફિકેશન સોંપ્યું હતું. સાંસદ રંજન ભટ્ટે એરપોર્ટ પર આ સુવિધાઓ શરૂ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાનો આભાર માન્યો હતો.
સાંસદ રંજન ભટ્ટે જણવ્યું કે, ‘યુનાઇટેડ સ્ટેટ્સ અને યુકે જેવા દેશોની સીધી ફ્લાઇટ માટે વડોદરા એરપોર્ટના હાલના રનવેનું વિસ્તરણ જરૂરી છે. પરંતુ દુબઈ અથવા શારજાહ માટે એરલાઇન કનેક્ટિવિટી માટે વિસ્તૃત રનવેની જરૂર નથી. મેં ઘણા વર્ષોથી ગલ્ફ દેશોમાં ફ્લાઇટ્સ શરૂ કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે દરખાસ્તો કરી હતી. હવે સત્તાવાર મંજુરી મળતા આનંદ થાય છે.’
સાંસદ રંજન ભટ્ટે વધુમાં કહ્યું હતું કે 18 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) અને ગુજરાત સરકારને પત્ર લખ્યો હતો, ત્યારબાદ વડોદરા એરપોર્ટ પર ઉપલબ્ધ સુવિધાઓનું મૂલ્યાંકન કરવા માટે એક નિરીક્ષણ ટીમ આવી હતી.