ગુજરાતીમાં કહેવત છે કે બકરું કાઢતા ઊંટ પેસી ગયું, પરંતુ તાજેતરમાં છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં તેનાથી તદ્ન વિપરીત ઘટના બની હતી. ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં દીપડાને પકડવા ગયેલા વનવિભાગના અધિકારીઓ અને ગ્રામવાસીઓને બકરાએ અડધી રાત્રે દોડાવ્યા હતા. બન્યુ એવું કે અહીંના વિસ્તારમાં દીપડાએ બે બાળકોને ફાડી ખાતા ગ્રામજનો સખત ગુસ્સે ભરાયા હતા. વન વિભાગે દીપડાને પકડવા એક પાંજરું રાખ્યું અને તેમાં બકરાને બાંધી રાખ્યો હતો. રાત્રે લગભગ બે વાગ્યા હશે તો બકરાએ ભારે બૂમાબૂમ કરી નાખી. વનવિભાગ અને ગ્રામવાસીઓને લાગ્યું કે દીપડાને જોતા બકરાએ આમ કર્યું હશે, તેથી બધા અડધી રાત્રે ટોર્ચ વગેરે લઈ દોડી આવ્યા, પણ જોયું તો દીપડાને બદલે ચાર-પાંચ શ્વાન હતા જેને જોઈને બકરાએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ શ્વાને ખેંચીને ખાવા મથતા હતા, પરંતુ બકરાની બૂમાબૂમથી ગામના લોકો આવી જતા તેઓ પણ નાસ્યા હતા. સવારે વન વિભાગના લોકોને બકરાએ બહાર કાઢી છૂટો મૂક્યો હતો. ફરી રાત્રે તેને પિંજરા પાસે બાંધવામાં આવશે.
અહીં દીપડાના ત્રાસથી લોકોમાં ભારે ભયનો માહોલ છે. સ્કૂલોમાં બાળકો જતા નથી. ગામમાં સાંજ પડતા જ લોકડાઉન જેવો માહોલ સર્જાય છે. બોડેલીના મુલધર ગામમાં એક અઠવાડિયા પહેલા બે વર્ષના બાળકને દીપડો ભાઈના હાથમાંથી ખેંચી ગયો હતો અને તે મૃત્યુ પામ્યું હતું, તો ત્રણ દિવસ પહેલા અહીંના ધોળીવાવમાં પાંચ વર્ષના બાળકને લઈ દીપડો ઝાડ પર ચડી ગયો હતો. બાળકને ગ્રામવાસીઓએ બચાવ્યું, પરંતુ વડોદરા ખાતે સારવાર દરિમયાન તેનું પણ મૃત્યુ થયું હતું. આ બન્ને ઘટના બાદ અહીં માનવભક્ષી બની ગયેલા દીપડાને પાંજરે પુરવા માટે વનવિભાગ સક્રિય થયું છે, પરંતુ જંગલી જનાવર એમ ઝડપથી હાથમાં આવે તેમ નથી.