Homeલાડકીસ્વતંત્રતા સેનાનીઓનાં પ્રેરણાદાયી પથદર્શક: કુટ્ટીમાલુ અમ્મા

સ્વતંત્રતા સેનાનીઓનાં પ્રેરણાદાયી પથદર્શક: કુટ્ટીમાલુ અમ્મા

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

એ એક એવાં વંશનાં વારસ હતાં જેણે દેશને ચરણે અમ્મુ સ્વામીનાથન તથા કેપ્ટન લક્ષ્મી સહગલ જેવાં આઝાદીના લડવૈયા સહિત અનેક મહિલા સામાજિક કાર્યકર્તાઓની ભેટ આપેલી, એમણે પોતે પણ સ્વતંત્રતા સંગ્રામમાં ઝુકાવીને સ્વદેશી આંદોલનની ઝુંબેશ ચલાવેલી, ખાદીની ચળવળને વેગવંતી બનાવેલી, આઝાદી પહેલાં મદ્રાસ વિધાનસભામાં ૧૯૩૭માં અને ૧૯૪૬માં એ બે વાર ચૂંટાઈ આવેલાં, કાલિકટનાં નગરસેવિકા બનેલાં અને ઉત્તમ કામગીરીને પગલે મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ તથા સી. રાજગોપાલાચારી જેવા મહાનુભાવોની પ્રશંસા પામેલાં…
નામ એમનું એ.વી. કુટ્ટીમાલુ. કેરળનાં સ્વાતંત્ર્ય સૈનિક. જાણીતાં ગાંધીવાદી. જન્મભૂમિ પણ કેરળ અને કર્મભૂમિ પણ કેરળ. મલબારના ખૂબ જ પ્રખ્યાત અંકારા વદાકાતુ વંશનાં વારસદાર. કુટ્ટીમાલુ અમ્મા અનોખાં અને અદ્ભુત મહિલા હતાં. એમણે કેરળમાં આઝાદી આંદોલનને આકાર આપ્યો, એટલું જ નહીં, બ્રિટિશ સલ્તનતનો નોંધનીય અને ઉદાહરણીય રીતે વિરોધ કરીને સ્વતંત્રતા સેનાનીઓનાં પ્રેરણાદાયી પથદર્શક પણ બન્યાં.
આ કુટ્ટીમાલુનો જન્મ ૧૯૦૫માં. એમનાં માતાપિતા અને બાળપણ તથા ભણતર અંગે ખાસ વિગતો ઉપલબ્ધ નથી, પરંતુ એમનાં લગ્ન કેરળ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ કોઝીપુરાતુ માધવ મેનન સાથે થયેલાં એવું ઇતિહાસમાં નોંધાયું છે. પતિની સાથે ખભેખભો મિલાવીને કુટ્ટીમાલુ પણ સ્વરાજની લડતમાં જોડાયાં.
કુટ્ટીમાલુ ૧૯૩૦ના પ્રારંભિક વર્ષોમાં રાષ્ટ્રીય ચળવળમાં અત્યંત સક્રિય થઇ ગયાં. કુટ્ટીમાલુ કાલિકટનાં મહિલા સંઘનાં સક્રિય કાર્યકર હતાં. અંગ્રેજ સરકારે ૧૯૩૦માં સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત મદનમોહન માલવિયાની ધરપકડ કરી ત્યારે ૧૫ ઑગસ્ટ, ૧૯૩૦ને ‘અખિલ ભારતીય રાજકીય ભોગ બનેલાઓના’ દિવસ તરીકે પાળવાનું નક્કી કરાયેલું. એ સમયે કુટ્ટીમાલુના નેતૃત્વમાં મહિલા સંઘે ઘેર ઘેર ફરીને આ સંદેશનો પ્રચાર કર્યો. આ ઘટનાનું મહત્વ એ હતું કે મલબારની મહિલાઓ પહેલી જ વાર રાષ્ટ્રીય ચળવળમાં પ્રત્યક્ષપણે જોડાયેલી. એ માટેના સઘળા યશનાં હકદાર કુટ્ટીમાલુ જ હતાં.
આ અરસામાં કુટ્ટીમાલુ સ્વદેશી ચળવળ સાથે સંપૂર્ણપણે જોડાઈ ગયેલાં. અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદ કરાવવા માટે મહાત્મા ગાંધીજીએ સ્વદેશી આંદોલન ચલાવેલું. ગાંધીજીએ દેશવાસીઓને ઇંગ્લેન્ડમાં બનેલાં સાધનસામગ્રીઓ અને વસ્ત્રોનો બહિષ્કાર કરવાનું આહવાન આપેલું. સ્વદેશી આંદોલન સ્વતંત્રતા સંગ્રામનું કેન્દ્રબિંદુ બની ગયેલું. આંદોલનમાં ઓતપ્રોત થઈને કુટ્ટીમાલુ ખાદી અને સ્વદેશીનો પ્રચાર કરવા લાગ્યાં. વિલાયતી વસ્ત્રોની વિરુદ્ધ સ્વદેશીને પ્રોત્સાહન આપવા લાગ્યાં.
ગાંધીજી સ્પષ્ટપણે માનતાં હતા કે પિકેટિંગનું કામ ભારતની સ્ત્રીઓ જ કરી શકશે. ૧૦ એપ્રિલ ૧૯૩૦ના યંગ ઇન્ડિયામાં ગાંધીજીએ લખેલું: ‘હિંદની સ્ત્રીઓ આજે દારૂનાં પીઠાં પર અને વિલાયતી સામાનનું વેચાણ કરતી દુકાનો પર પિકેટિંગ કરવાની પ્રવૃત્તિઓ ઉપાડી લે અને તેમાં નિષ્ણાત બને. એમ કરશે તો તેઓ દેશની સ્વતંત્રતા માટે પુરુષો કરતાં પણ વધારે મોટો ફાળો આપશે. વિદેશી કાપડના વેપારીઓ અને ગ્રાહકોને તથા દારુ વેચનારા અને એની લતે ચડેલા લોકોને કરેલી તેમની અપીલ એ બધા લોકોના દિલ પિગળાવ્યા વિના રહેશે નહીં. આ આંદોલનની શોભા તો એનો પ્રારંભ અને સંચાલન માત્ર સ્ત્રીના હાથે જ થાય એમાં જ રહેશે. બહેનો દિલ રેડીને આ આંદોલનમાં પડશે તો તેમને પૂરતી ઉત્તેજના અને સાહસનો અનુભવ થશે.’
વિલાયતી વસ્ત્રોના બહિષ્કાર અંગે પણ ગાંધીજીએ મહિલાઓને સજાગ કરેલી. નવજીવનમાં ‘સ્ત્રીઓનું વિશેષકામ’ નામના લેખમાં એમણે બહેનોને જણાવેલું કે, વિદેશી કાપડનો બહિષ્કાર કઠણ વસ્તુ છે અને બહિષ્કાર તથા ખાદી ઉત્પન્ન કરવા તરફ તેઓનું ધ્યાન ખેંચાયું હતું. વળી પિકેટિંગ કામ જે ભાવના અને સાવચેતીથી કરવું જોઈએ એ અંગે માર્ગદર્શન આપતાં ગાંધીજીએ નવજીવનમાં લખ્યું હતું કે, દારૂની બદી દૂર કરવા દારૂની દુકાન પર પિકેટિંગ કરવામાં આવે. પણ દુકાનદારો માટે સદ્ભાવ રાખી દારૂની બદીમાં ફસાયેલી પ્રજાની માફક એમને પણ સમજાવવા અને એમનાં દિલ જીતી લેવા પ્રયત્ન થવો જોઈએ. હર હાલતમાં એમની દુકાન, માલસામાન તથા એમના શરીરને કોઈ પણ રીતે હાનિ ન થાય એની સ્વયંસેવકોએ કાળજી રાખવી જોઈએ. પિકેટિંગનો ઉદ્દેશ ખરાબ કૃત્ય કરનારનું પરિવર્તન કરવાનો હતો… પોતાને બીજાઓથી અલગ દર્શાવવા સ્વયંસેવિકાઓએ પિકેટિંગના સ્થળે યુનિફોર્મમાં જવું જોઈએ. વેપારીઓ અને ગ્રાહકો પર જબરદસ્તી ન કરવી. તેઓની સામે અશિષ્ટ ભાષાનો ઉપયોગ ન કરવો તથા નિષ્ઠાપૂર્વકની વિનંતી દ્વારા તેઓને જીતી લઇ જનમત ઊભો કરવો જોઈએ.
મહાત્મા ગાંધીએ ચીંધેલા રાહનું કુટ્ટીમાલુએ અનુસરણ કર્યું. વર્ષ ૧૯૩૧માં કોઝીકોડેમાં મદિરાલયો અને વિદેશી વસ્ત્રોની દુકાન પર એમણે નીડરતાથી પિકેટિંગ પણ કર્યું. બહેનોને પણ આ કામમાં જોડી. કુટ્ટીમાલુએ એટલી સફળતાથી કામ પાર પાડ્યું કે પોતાના વિસ્તારમાં, ખાસ કરીને બહેનોમાં એ ઝડપથી લોકપ્રિય થઇ ગયાં. સ્વદેશી ચળવળની સાથે જ કુટ્ટીમાલુ અમ્મા નાગરિક અસહકાર આંદોલનમાં પણ સહભાગી થયાં. વર્ષ હતું ૧૯૩૨. ગાંધીજીએ અસહકારને સુવર્ણ જેવા હથિયાર સાથે સરખાવીને કહેલું કે, દાવાનળથી દૂર ભાગો તેમ અસંતથી-અત્યાચારથી નાસજો. નાસવું એટલે અસહકાર.
અસહકાર એ દ્વેષ કે વેર નથી. એ ધર્મીનું ધર્માચરણ છે. અસહકાર એ બાપ-દીકરા વચ્ચે યોગ્ય છે. સ્ત્રી-પુરુષ પ્રત્યે ફરજરૂપ છે, સત્તા-સત્તા વચ્ચે કર્તવ્ય છે. પ્રહલાદે પોતાના રાક્ષસી પિતા સાથે અસહકાર કર્યો, મીરાંબાઇએ પોતાના ધણી સાથે, નરસિંહ મહેતાએ પોતાની નાત સાથે કર્યો. આ ત્રણેને આપણે આજે પૂજીએ છીએ. પાપ, અન્યાય કોઈ કાળે સ્વતંત્રપણે નભી શકતાં જ નથી. તેને હંમેશાં ઓથ જોઈએ જ. તેથી જ સર્વ ધર્મનું શિક્ષણ છે કે પાપની સાથે અસહકાર કરવો એ પરમ ધર્મ છે.
મહાત્મા ગાંધીની આ વાતને મુદ્રાલેખ બનાવીને સત્યાગ્રહીઓ પાપી અંગ્રેજો વિરુદ્ધ અસહકાર આંદોલનમાં ઊમટી પડ્યાં. કુટ્ટીમાલુ પણ આંદોલનમાં જોડાયાં. બેબાકળી બની ગયેલી બ્રિટિશ સરકારે સભાઓ અને સરઘસો પર પ્રતિબંધ મૂક્યો. પણ એને ગણકાર્યા વિના કાંખમાં બે મહિનાના બાળકને ઝાલીને કુટ્ટીમાલુએ મહિલા સરઘસનું નેતૃત્વ કર્યું. અંગ્રેજવિરોધી સૂત્રોચ્ચાર કર્યા. નારેબાજી કરી. કાયદાનો ભંગ કરવા બદલ અંગ્રેજ હુકૂમતે કુટ્ટીમાલુની ધરપકડ કરી. બે વર્ષનાં કઠોર કારાવાસની સજા કરી.
પોતાનાં બાળકને તેડીને જેલમાં પહોંચ્યાં ત્યારે સત્તાવાળાઓએ કુટ્ટીમાલુને દરવાજે રોક્યાં. બાળકને સાથે રાખવાનો સાફ ઇનકાર કર્યો. જેલના સત્તાવાળાને એમ કે કુટ્ટીમાલુ આ અન્યાય સાંખી લેશે. પણ કુટ્ટીમાલુ જેનું નામ. એ એટલાં તો તેજતર્રાર હતાં કે એમણે સત્તાવાળાઓના કાન પકડ્યા. બાળકને જેલમાં સાથે રાખી શકાય એવા કાયદા અને કલમો ટાંકી. પરિણામે જેલના અધિકારીઓ ચૂપ થઇ ગયા. કુટ્ટીમાલુએ અંગ્રેજ સરકારે ઘડેલા કાયદાઓનો આયનો એમની સામે ધરી દીધેલો. એથી પરવશ થઈને તેમણે કુટ્ટીમાલુને બાળક સાથે જેલમાં જવા દીધાં. કુટ્ટીમાલુના આ સાહસ અંગે જાણીને બહેનો દંગ થઇ ગઈ. એમનામાં નવા જ પ્રાણવાયુનો સંચાર થયો તેઓ રાષ્ટ્રીય ચળવળમાં જોડાવા માટે પ્રેરાઈ.
કારાવાસની સજા પૂરી કર્યા પછી કુટ્ટીમાલુ ફરી સ્વરાજની લડતમાં જોડાયાં. ૧૯૪૦માં ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની ઘોષણા કરી ત્યારે કુટ્ટીમાલુ કેરળમાં ઘૂમીને એનો પ્રચાર કરતાં. ભારતને આઝાદી મળ્યા પછી કુટ્ટીમાલુ સમાજસેવાનાં કાર્યોમાં પરોવાયાં. ૧૯૮૫માં એમનું મૃત્યુ થયું ત્યાં સુધી જાહેરજીવનમાં કુટ્ટીમાલુ પ્રવૃત્ત રહ્યાં. એ કહેતાં કે, એક રાજકારણી જીવિત હોય ત્યાં સુધી સક્રિય રાજકારણમાંથી ક્યારેય નિવૃત્ત થતો નથી… કુટ્ટીમાલુએ સ્વતંત્રતા પહેલાં અને સ્વતંત્રતા પછી પણ કાર્યરત રહીને નવો ચીલો ચાતરવાનો પ્રયાસ કરેલો. એથી જ કેરળવાસીઓ આદરથી કુટ્ટીમાલુને ‘અમ્મા’ કહીને સંબોધે છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -